પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ અમદાવાદમાં ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધિત કર્યું


"આજે, આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણે બાપુનાં 'ગ્રામીણ વિકાસ'નાં સ્વપ્નને પૂર્ણ કરવું જ જોઈએ"

" દોઢ લાખ પંચાયત પ્રતિનિધિઓ એકસાથે વિચાર-વિમર્શ કરતા હોય તે હકીકત કરતાં વધુ ભારતીય લોકશાહીની મજબૂતાઈનું પ્રતીક કોઈ નથી"

Posted On: 11 MAR 2022 6:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​અમદાવાદમાં ગુજરાત પંચાયત મહાસંમેલનને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યભરમાંથી પંચાયતી રાજના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે ગુજરાત બાપુ અને સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિ છે. તેમણે કહ્યું, “બાપુ હંમેશા ગ્રામીણ વિકાસ, આત્મનિર્ભર ગામડાંઓની વાત કરતા હતા. આજે, જ્યારે આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે આપણે બાપુનાં 'ગ્રામીણ વિકાસ'નાં સ્વપ્નને પૂર્ણ કરવું જ જોઈએ.

પ્રધાનમંત્રીએ મહામારીનાં શિસ્તબદ્ધ અને સારાં સંચાલન માટે ગુજરાતની પંચાયત અને ગામડાંઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે એ પણ નોંધ્યું હતું કે ગુજરાતમાં મહિલા પંચાયત પ્રતિનિધિઓની સંખ્યા પુરૂષ પ્રતિનિધિઓ કરતાં વધુ છે. તેમણે કહ્યું કે, દોઢ લાખથી વધુ પંચાયત પ્રતિનિધિઓ એકસાથે વિચાર-વિમર્શ કરી રહ્યા હોય એ હકીકત કરતાં ભારતીય લોકશાહીની તાકાતનું પ્રતીક બીજું કંઈ નથી.

પ્રધાનમંત્રીએ પંચાયતના સભ્યોને નાની પરંતુ ખૂબ જ પાયાની પહેલ વડે ગામનો વિકાસ કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે તેમને તેમની શાળાના જન્મદિવસ અથવા સ્થાપના દિવસની ઉજવણી કરવાની સલાહ આપી. આ રીતે, તેમણે શાળાનાં કેમ્પસ અને વર્ગોને સાફ કરવા અને શાળા માટે સારી પ્રવૃત્તિઓ હાથ ધરવાની સલાહ આપી. દેશ આઝાદી કા અમૃત મહોત્સવ 23 ઓગસ્ટ સુધી ઉજવી રહ્યો છે એમ કહીને તેમણે આ સમયગાળા દરમિયાન ગામમાં 75 પ્રભાતફેરી (સવારે સરઘસ) કાઢવાનું સૂચન કર્યું હતું.

આગળ વધીને, તેમણે આ સમયગાળા દરમિયાન 75 કાર્યક્રમો યોજવાની સલાહ આપી હતી જેમાં સમગ્ર ગામની જનતાએ ભેગા થઈને ગામના સર્વાંગી વિકાસ વિશે વિચારવું જોઈએ. વધુ એક સૂચન ઉમેરતા તેમણે કહ્યું કે ગામડાંઓએ ભારતની આઝાદીનાં 75 વર્ષની સ્મૃતિમાં 75 વૃક્ષો વાવી એક નાનું વન બનાવવું જોઈએ. દરેક ગામમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો એવા હોવા જોઈએ કે જેઓ કુદરતી ખેતી પદ્ધતિ અપનાવે. તેમણે કહ્યું કે ધરતી માતાને ખાતર અને રસાયણોના ઝેરથી મુક્તિ મળવી જોઈએ. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે વરસાદનાં પાણીને બચાવવા માટે 75 ખેત તલાવડીઓ બનાવવી જોઈએ જેથી કરીને ભૂગર્ભ જળ સ્તર વધે અને ઉનાળાના દિવસોમાં તે મદદરૂપ બને.

તેમણે એ સુનિશ્ચિત કરવાની પણ સલાહ આપી હતી કે ફૂટ એન્ડ માઉથ રોગથી  બચાવવા માટે એક પણ ઢોર રસીકરણ વિના ન રહેવો જોઇએ. પ્રધાનમંત્રીએ તેમને પંચાયત ઘર અને શેરીઓમાં વીજળી બચાવવા માટે એલઇડી બલ્બ અપનાવવાની અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે નિવૃત્ત સરકારી કર્મચારીઓને ગામમાં એકત્ર કરવા જોઈએ અને ગામડામાં જન્મદિવસની ઉજવણી કરવી જોઈએ જેમાં લોકો ભેગા થાય અને લોકોનાં કલ્યાણ વિશે ચર્ચા કરે. તેમણે પંચાયતના સભ્યોને સલાહ આપી હતી કે એક સભ્યએ દિવસમાં ઓછામાં ઓછી એક વખત 15 મિનિટ માટે સ્થાનિક શાળાની મુલાકાત લેવી જોઈએ જેથી ગામની શાળા કડક દેખરેખ હેઠળ રહે અને શિક્ષણ અને સ્વચ્છતાનાં સારાં ધોરણો જાળવવામાં આવે. તેમણે પંચાયતના સભ્યોને કોમન સર્વિસ સેન્ટર્સ (સીએસસી)નો મહત્તમ લાભ લેવા લોકોને જાગૃત કરવા અપીલ કરી હતી જે ખરેખર સરકાર સુધીનો રાજમાર્ગ છે. આનાથી લોકોને રેલવે બુકિંગ વગેરે માટે મોટાં શહેરોની મુલાકાત ટાળવામાં મદદ મળશે. અંતે પ્રધાનમંત્રીએ પંચાયતના સભ્યોને સલાહ આપી હતી કે તેઓ સુનિશ્ચિત કરે કે શાળામાંથી કોઈ પણ બાળક અધવચ્ચે શાળા ન છોડે અને કોઈ પણ બાળક તેની યોગ્યતા મુજબ  શાળામાં કે આંગણવાડીમાં પ્રવેશ લીધા વગર ન રહે. પ્રધાનમંત્રીએ ઉપસ્થિત પંચાયતના સભ્યો પાસેથી વચનો માંગ્યા જેમણે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે સમર્થન આપ્યું હતું.

***

DK/DS

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    


(Release ID: 1805226) Visitor Counter : 281