પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું


સિમ્બાયોસિસ આરોગ્ય ધામનું ઉદ્ઘાટન કર્યું
“જ્ઞાનનો ફેલાવો દૂર દૂર સુધી થવો જોઈએ, જ્ઞાન સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોડવાનું માધ્યમ બનવું જોઈએ, આ આપણી સંસ્કૃતિ રહી છે. મને ખુશી છે કે આ પરંપરા આપણા દેશમાં હજુ પણ જીવંત છે.

“સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવાં મિશન તમારી આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આજનું ભારત નવીનતા, સુધારણા કરી રહ્યું અને સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી રહ્યું છે”
“તમારી પેઢી એ રીતે ભાગ્યશાળી છે કે તેણે અગાઉના રક્ષણાત્મક અને આશ્રિત મનોવિજ્ઞાનની નુકસાનકારક અસર સહન કરી નથી. આનો શ્રેય તમારા બધાને જાય છે, આપણા યુવાનોને જાય છે.”

“દેશની સરકાર આજે દેશના યુવાનોની તાકાત પર વિશ્વાસ કરે છે. એટલા માટે અમે તમારા માટે એક પછી એક સેક્ટર ખોલી રહ્યા છીએ”
"ભારતનો આ વધતો પ્રભાવ છે કે અમે હજારો વિદ્યાર્થીઓને યુક્રેનથી આપણાં વતન પાછા લાવ્યા છીએ"

Posted On: 06 MAR 2022 3:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​સિમ્બાયોસિસ યુનિવર્સિટી, પુણેની સુવર્ણ જયંતિ ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે સિમ્બાયોસિસ આરોગ્ય ધામનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ શ્રી ભગતસિંહ કોશિયારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા.

આ પ્રસંગે સિમ્બાયોસિસના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં પ્રધાનમંત્રીએ સંસ્થાના સૂત્ર ‘વસુધૈવ કુટુંબકમ’ની નોંધ લીધી હતી અને કહ્યું કે વિવિધ દેશોના વિદ્યાર્થીઓના રૂપમાં આ આધુનિક સંસ્થા ભારતની પ્રાચીન પરંપરાનું પ્રતિનિધિત્વ કરી રહી છે. “જ્ઞાનનો ફેલાવો દૂર દૂર સુધી થવો જોઈએ, જ્ઞાન સમગ્ર વિશ્વને એક પરિવાર તરીકે જોડવાનું માધ્યમ બનવું જોઈએ, આ આપણી સંસ્કૃતિ રહી છે. મને ખુશી છે કે આ પરંપરા હજુ પણ આપણા દેશમાં જીવંત છે”, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ નવાં ભારતના આત્મવિશ્વાસને રેખાંકિત કર્યો હતો અને ઉલ્લેખ કર્યો કે ભારત વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં સામેલ છે અને વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ જાળવી રાખે છે. “સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવાં મિશન તમારી આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. આજનું ભારત નવીનતા, સુધારણા કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી રહ્યું છે”, એમ તેમણે કહ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે પુણેવાસીઓ સારી રીતે જાણે છે કે કેવી રીતે ભારતે કોરોના રસીકરણના સંદર્ભમાં વિશ્વને પોતાનું પરાક્રમ બતાવ્યું.

તેમણે ભારતના પ્રભાવ પર પણ પ્રકાશ પાડ્યો અને કહ્યું કે યુક્રેન કટોકટી દરમિયાન ભારત તેના નાગરિકોને ઓપરેશન ગંગા દ્વારા યુદ્ધના ક્ષેત્રમાંથી સુરક્ષિત રીતે બહાર લાવી રહ્યું છે. "વિશ્વના મોટા દેશોને આમ કરવું મુશ્કેલ થઈ રહ્યું છે. પરંતુ તે ભારતનો વધતો પ્રભાવ છે કે અમે હજારો વિદ્યાર્થીઓને આપણાં વતન પાછા લાવ્યા છીએ”, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ દેશના બદલાયેલા મિજાજને રેખાંકિત કર્યો હતો. તેમણે કહ્યું, "તમારી પેઢી એ રીતે ભાગ્યશાળી છે કે તેણે અગાઉના રક્ષણાત્મક અને આશ્રિત મનોવિજ્ઞાનની નુકસાનકારક અસર સહન કરી નથી. જો દેશમાં આ પરિવર્તન આવ્યું છે, તો તેનો પ્રથમ શ્રેય પણ તમારા બધાને જાય છે, આપણા યુવાનોને જાય છે.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એવાં ક્ષેત્રોમાં વૈશ્વિક નેતા તરીકે ઉભરી આવ્યું છે જે અગાઉ પહોંચની બહાર માનવામાં આવતા હતા. ભારત વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું મોબાઈલ ઉત્પાદક બની ગયું છે. સાત વર્ષ પહેલાં ભારતમાં માત્ર 2 મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ હતી, આજે 200થી વધુ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ આ કામમાં રોકાયેલા છે, એમ તેમણે જણાવ્યું હતું. સંરક્ષણ ક્ષેત્રે પણ પ્રધાનમંત્રીએકહ્યું કે, વિશ્વના સૌથી મોટા આયાતકાર દેશ તરીકે ઓળખાતું ભારત હવે સંરક્ષણ નિકાસકાર બની રહ્યું છે. આજે, બે મોટા સંરક્ષણ કોરિડોર આવી રહ્યા છે, જ્યાં દેશની સંરક્ષણ જરૂરિયાતોને પહોંચી વળવા માટે સૌથી મોટા આધુનિક શસ્ત્રો બનાવવામાં આવશે, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રો ખોલવાનો સંપૂર્ણ લાભ લેવા આહ્વાન કર્યું હતું. જિયો-સ્પેશલ(અવકાશ) સિસ્ટમ્સ, ડ્રોન્સ, સેમી-કન્ડક્ટર અને સ્પેસ ટેક્નોલોજીનાં ક્ષેત્રોમાં તાજેતરના સુધારાનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “દેશની સરકાર આજે દેશના યુવાનોની શક્તિ પર વિશ્વાસ કરે છે. એટલા માટે અમે તમારા માટે એક પછી એક સેક્ટર ખોલી રહ્યા છીએ.”

"તમે ગમે તે ક્ષેત્રમાં હોવ, જે રીતે તમે તમારી કારકિર્દી માટે લક્ષ્યો નક્કી કરો છો, તે જ રીતે તમારે દેશ માટે કેટલાક લક્ષ્યો રાખવા જોઈએ", એમ શ્રી મોદીએ વિનંતી કરી. તેમણે તેમને સ્થાનિક સમસ્યાઓના ઉકેલ શોધવા કહ્યું હતું. તેમણે તેમને તેમની ફિટનેસ જાળવવા અને ખુશ અને વાઇબ્રન્ટ રહેવા કહ્યું. "જ્યારે આપણાં લક્ષ્યો વ્યક્તિગત વિકાસથી રાષ્ટ્રીય વિકાસ તરફ જાય છે, ત્યારે રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનવાની લાગણીનો અનુભવ થાય છે", એમ શ્રી મોદીએ કહ્યું.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને દર વર્ષે કામ કરવા માટે થીમ પસંદ કરવા અને રાષ્ટ્રીય અને વૈશ્વિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ થીમ્સ પસંદ કરવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે પરિણામો અને વિચારો પ્રધાનમંત્રી કાર્યાલય સાથે શેર પણ કરી શકાય છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1803377) Visitor Counter : 193