પ્રધાનમંત્રીનું કાર્યાલય
લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન પર આભારવિધી દરમિયાન પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરનો મૂળપાઠ
Posted On:
07 FEB 2022 11:53PM by PIB Ahmedabad
માનનીય અધ્યક્ષજી,
રાષ્ટ્રપતિજીના અભિભાષણ પર આભારવિધી માટે હું ઉપસ્થિત થયો છું. આદરણીય રાષ્ટ્રપતિજીએ પોતાના સંબોધનમાં આત્મનિર્ભર ભારતને લઈને તથા આકાંક્ષી ભારતને લઇને તાજેતરના જે પ્રયાસો છે તે અંગે વિસ્તારપૂર્વક વાત કરી છે. હું એ તમામ આદરણીય સદસ્યનો ખૂબ આભાર વ્યક્ત કરું છું જેમણે આ મહત્વપૂર્ણ પ્રવચન પર પોતાની ટિપ્પણી કરી અને પોતાના વિચારો પ્રસ્તુત કર્યા.
આદરણીય અધ્યક્ષજી,
હું મારી વાત રજૂ કરતાં અગાઉ ગઈકાલે જે ઘટના બની તેના માટે બે શબ્દો કહેવા માગીશ. દેશે આદરણીય લત્તાજીને ગુમાવ્યા છે. આટલા લાંબા સમય સુધી જેમના અવાજે દેશને મોહિત કર્યો, દેશે પ્રેરિત કર્યો છે, દેશને ભાવનાઓથી ભરી દીધો છે. અને એક અહર્નિશ સાંસ્કૃતિક ધરોહરને મજબૂત કરતાં અને દેશની એકતાને પણ, લગભગ લગભગ 36 ભાષાઓમાં તેમણે ગાયું. આ પોતાનામાં ભારતની એકતા અને અખંડતા માટે પણ એક પ્રેરક ઉદાહરણ છે. હું આજે આદરણીય લત્તા દીદીને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
આદરણીય અધ્યક્ષજી,
ઇતિહાસ એ બાબતનો સાક્ષી છે કે દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ વિશ્વમાં ઘણા મોટા પરિવર્તન આવ્યા. એક નવી વિશ્વ વ્યવસ્થા જેમાં આપણે સૌ જીવી રહ્યા છીએ, હું સ્પષ્ટ રીતે જોઈ રહ્યો છું કે કોરોના કાળ બાદ વિશ્વ એક નવી વ્યવસ્થા તરફ અત્યંત ઝડપથી આગળ ધપી રહ્યું છે. આ એક એવો ટર્નિંગ પોઇન્ટ છે કે આપણે એક ભારતના રૂપમાં આ અવસરને ગુમાવવો જોઇએ નહીં. મુખ્ય ટેબલ પર પણ ભારતનો અવાજ બુલંદ રહેવો જોઇએ. ભારતે એક નેતાગીરીની ભૂમિકા માટે પોતાની જાતને ઓછી આંકવી જોઇએ નહીં. અને આ પરિપ્રેક્ષ્યમાં આઝાદીનો અમૃત મહોત્સવ, આઝાદીના 75 વર્ષ પોતાનામાં એક પ્રેરક અવસર છે. આ પ્રેરક અવસરને લઇને નવા સંકલ્પોને લઇને દેશ જ્યારે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યારે આપણે સંપૂર્ણ સામર્થ્ય સાથે, સંપૂર્ણ શક્તિથી, સંપૂર્ણ સંકલ્પ સાથે દેશ જ્યારે આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યાં સુધી આપણે પૂરા સામર્થ્યથી, સંપૂર્ણ શક્તિથી, સંપૂર્ણ સમર્પણથી, પૂરા સંકલ્પો સાથે દેશને એ સ્થાને લઈ જઈશું. આ સંકલ્પનો સમય છે.
આદરણીય અધ્યક્ષજી,
તાજેતરના વર્ષોમાં દેશે ઘણા ક્ષેત્રોમાં અત્યંત મજબૂતીનો અનુભવ કર્યો છે. અને ખૂબ જ મજબૂતી સાથે આપણે આગળ ધપ્યા છીએ. પ્રધાનમંત્રી આવાસ યોજના, ગરીબો માટે રહેવાનું ઘર હોય, આ કાર્યક્રમ તો ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છું પરંતુ જે ગતિ, જે વ્યાપકતા, વિશાળતા, વિવિધતા,તેણે તેમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તેને કારણે આજે ગરીબનું ઘર પણ લાખો કરતાં પણ વધારે કિંમતનું બની રહ્યું છે. અને એક રીતે જે પણ પાક્કું ઘર બની રહ્યું છે તે ગરીબ આજે લાખોપતિની શ્રેણીમાં આવી જાય છે. એવો કયો હિન્દુસ્તાની હશે જેને એ વાત સાંભળીને ગર્વ ન થાય કે આજે દેશના ગરીબમાં ગરીબના ઘરમાં પણ શૌચાલય બનેલું છે, આજે જાહેરમાં શૌચાલયથી દેશના ગામડા પણ મુક્ત થઈ ગયા છે. કોણ ખુશ નહીં થાય ? હું બેસવા માટે તૈયાર છું. તમારો આભાર માનતા શરૂઆત કરું ? ખૂબ ખૂબ આભાર. તમારો પ્રેમ અમર અમર રહે.
આઝાદીના આટલા વર્ષો બાદ ગરીબના ઘરમાં રોશની થાય છે તો તેનો આનંદ દેશની ખુશીઓને તાકાત આપે છે. ચુલાના ધુમાડામાં બળતી આંખોથી કામ કરનારી માતાઓ, ગરીબ માતાને અને જે દેશના ઘરમાં ગેસ કનેક્શન હોય આ બાબત પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ હતી, એવા દેશમાં ગરીબના ઘરમાં ગેસનું કનેક્શન હોય, ધુમાડા આપતા ચૂલામાંથી મુક્તિ હોય તેનો આનંદ અલગ જ હોય છે.
આજે ગરીબનું બેંકમાં પોતાનું ખાતું હોય, આજે બેંકમાં ગયા વિના ગરીબ પણ પોતાના ટેલિફોનથી બેંકના ખાતાનો ઉપયોગ કરતો હોય. સરકાર દ્વારા આપવામાં આવતી રકમ સીધી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ પોતાના ખાતામાં પહોંચી રહી હોય, આ તમામ બાબત જો તમે જમીન સાથે સંકળાયેલો હો, જોડાયેલા હો, જો તમે જનતાની વચ્ચે રહેતા હો તો ચોક્કસ આ ચીજો જોવા મળશે. પરંતુ કમનસીબી છે કે તમારામાંથી ઘણા લોકો એવા છે જેમની ઘડિયાળ 2014થી અટકેલી છે અને તેમાંથી તેઓ બહાર નીકળી શકતા નથી. અને તેનું પરિણામ શું તમારે ભોગવવું પડ્યું છે. તમે જે તમારી જાતને એક એવી માનસિક અવસ્થામાં બાંધી રાખેલા છે, દેશની પ્રજાને તમારી ઓળખ થઈ ગઈ છે. પ્રજા તમને ઓળખી ગઈ છે. કેટલાકા લોકો અગાઉ ઓળખાઈ ગયા, કેટલાક લોકો મોડેથી ઓળખાયા અને લોકો આવનારા સમયમાં ઓળખનારા છે. તમે જૂઓ, તમે આટલો લાંબો ઉપદેશ આપો છો ત્યારે ભૂલી જાઓ છો કે 50 વર્ષ સુધી ક્યારેક તમે પણ દેશમાં અહીં બેસવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું હતું અને શું કારણ છે કે તમે વિચારી શકતા નથી.
હવે તમે જૂઓ નાગાલેન્ડના લોકોએ છેલ્લે 1998માં કોંગ્રેસ માટે મત આપ્યો હતો, લગભગ 24 વર્ષ થઈ ગયા,. ઓડિશાએ 1955માં તમારા માટે મત આપ્યો હતો. માત્ર 27 વર્ષ થઈ ગયા તમને ત્યાં પ્રવેશ મળ્યો નથી. ગોવામાં સંપૂર્ણ બહુમતિ સાથે તમે 1994માં જીત્યા હતા, 28 વર્ષ થઈ ગયા ગોવાએ તમને સ્વિકાર્યા નથી. છેલ્લે 1988માં ત્રિપુરામાં ત્યાંની પ્રજાએ મત આપ્યો હતો. લગભગ 34 વર્ષ થઈ ગયા ત્રિપૂરામાં. કોંગ્રેસની હાલત છે ઉત્તર પ્રદેશ, બિહાર, ગુજરાત – છેલ્લે 1985માં એટલે કે 34 વર્ષ અગાઉ તમને મત આપ્યો હતો. છેલ્લી વાર પશ્ચિમ બંગાળે, ત્યાના લોકોએ 1972માં એટલે કે લગભગ 50 વર્ષ અગાઉ તમને પસંદ કર્યા હતા. તામિલનાડુના લોકોએ હું એ માટે સહમત છું તમે જો એ મર્યાદાનું પાલન કરો છો અને એ જગ્યાનો ઉપયોગ ના કરતા હો, દેશની મોટી કમનસીબી છે કે દેશના સદન જેવી જગ્યા દેશ માટે કામ આવવી જોઇએ, તેને દળ માટે કામમાં લેવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે અને તેને કારણે જવાબ આપવો અમારી મજબૂરી બની જાય છે.
માનનીય અધ્યક્ષજી,
તામિલનાડુ – આખરે 1962માં એટલે કે લગભગ 60 વર્ષ પહેલા તમને તક મળી. તેલંગણા બનાવવાનો શ્રેય લો છો પરંતુ તેલંગણા બન્યા પછી પણ ત્યાંની પ્રજાએ તમારો સ્વિકાર કર્યો નથી. ઝારખંડનો જન્મ થયાને 20 વર્ષ થઈ ગયા પૂર્ણ રૂપથી કોંગ્રેસનો સ્વિકાર થયો નથી અને પાછળના દરવાજાથી ઘૂસવાનો પ્રયાસ કરો છો.
માનનીય અધ્યક્ષજી,
સવાલ ચૂંટણીના પરિણામનો નથી. સવાલ એ લોકોની દાનતનો છે. તેમની પ્રામાણાકિતાનો છે. આવડી મોટી લોકશાહીમાં આટલા વર્ષો સુધી શાસનમાં રહ્યા બાદ દેસની પ્રજા હંમેશાંને હંમેશાં માટે તેમને કેમ નકારી રહી છે ? અને જ્યાં પણ લોકોએ સીધી રીતે માર્ગ પકડી લીધો ત્યાં બીજી વાર તમને પ્રવેશવા દીધા નથી. આટલું બધું થયા છતાં અમે તો એક વાર ચૂંટણી હારી જઇએ ને તો ના જાણે ઇકોસિસ્ટમ શું શું કરે છે. આટલી બધી વાર પરાજય થયો હોવા છતાં પણ ના તો તમારું અભિમાન જાય છે કે ના તો તમારી ઇકોસિસ્ટમ તમારા અભિમાનને જવા દે છે. આ વખતે અભિનંદનજી ઘણા બધા શેર સંભળાવી રહ્યા હતા તો ચાલો હું પણ તક ઝડપી લઉં અને જ્યારે અહંકારની વાત હું કરી રહ્યો છું ત્યારે તો તેમણે કહેવું જ પડશે તે જ્યારે દિવસને રાત કહે ત્યારે માની જાઓ અને નહીં માનો તો દિવસમાં નકાબ પહેરી લેશે. જરૂર પડી તો હકીકતને થોડા મરોડીને રજૂ કરશે. જો મગરૂર હૈ ખુદ કી સમજકર બેઇન્તિહા, ઉન્હે આઇના મત દિખાઓ. વો આઇને કો ભી તોડ દેંગે.
માનનીય અધ્યક્ષજી,
આઝાદીનો અમૃત મહોત્સવ, આઝાદીના 75માં વર્ષમાં આજે દેશ આઝાદીનો આમૃત મહોત્સવ મનાવી રહ્યો છે અને દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે. આઝાદીની આ લડતમાં જે જે લોકોએ યોગદાન આપ્યું છે તેઓ કોઈ પક્ષના હતા કે નહીં . આ તમામથી ઉપર જઈને દેશ માટે જીવવા-મરનારા લોકો, દેશ માટે જવાની હોમી દેનારા લોકો, એ તમામ લોકોના યાદ કરવાના, ફરીથી યાદ કરવાનો અવસર છે અને તેમના સ્વપ્નોને યાદ કરીને સંકલ્પ કરવાનો અવસર છે.
માનનીય અધ્યક્ષજી,
આપણે બધા સંસ્કારથી, વ્યવસ્થાથી, લોકશાહીને પ્રતિબદ્ધ લોકો છીએ અને આજના નથી પણ સદીઓથી છીએ. પરંતુ એ પણ સત્ય છે કે આલોચના એ લોકશાહીનું આભૂષણ છે પરંતુ અંધ વિરોધ એ લોકશાહીનો અનાદર છે. સત્તાનો પ્યાસ, આ ભાવનાથી ભારતે જે કાંઈ પણ હાંસલ કર્યું છે, સારી વાત તો એ હોત કે તેને સાચા દિલથી સ્વિકાર કરવામાં આવ્યું હોત, તેનું સ્વાગત કરવામાં આવ્યું હોત. તેનું ગૌરવ ગાન કરવામાં આવ્યું હોત.
છેલ્લા બે વર્ષમાં 100 વર્ષની સૌથી મોટી મહામારીનું સંકટ સંપૂર્ણ માનવજાતિ સહન કરી રહી છે. જેમણે ભારતના અતીતના આધાર પર જ ભારતને સમજવાનો પ્રયાસ કર્યો છે, તેમને તો આશંકા હતી કે આવડો મોટો વિશાળ દેશ, આટલી મોટી વસતિ, આટલી વિવિધતા, આ આદતો, આ સ્વભાવ... કદાચ આ ભારત આવડી મોટી લડત લડી શકશે નહીં. ભારત પોતાની જાતને બચાવી શકશે નહીં..આ જ તો તેમની વિચારસરણી હતી. પરંતુ આજે સ્થિતિ શું છે...મેઇડ ઇન્ડિયા કોવેક્સિન, કોવિડ રસીકરણ સમગ્ર દુનિયામાં સૌથી અસરકારક છે. આજે ભારત સો ટકા પ્રથમ ડોઝ, આ લક્ષ્યાંકની લગભગ નજીક પહોંચી ગયો છે. અને લગભગ 80 ટકા બીજો ડોઝનો પડાવ પણ પૂરો થઈ ગયો છે.
માનનીય અધ્યક્ષજી,
કોરોના એક વૈશ્વિક મહામારી હતી પરંતુ તેને પણ ખરાબ રાજકારણ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે શું આ બાબત માનવતા માટે યોગ્ય છે ?
માનનીય અધ્યક્ષજી,
આ કોરોના કાળમાં કોંગ્રેસે તો હદ જ કરી નાખી.
માનનીય અધ્યક્ષજી,
પહેલી લહેર વખતે દેશ જ્યારે લોકડાઉનનું પાલન કરી રહ્યો હતો જ્યારે WHO દુનિયાભરના લોકોને સલાહ આપતો હતો, તમામ આરોગ્ય નિષ્ણાતો કહી રહ્યા હતા કે જે લોકો જ્યાં છે ત્યાં જ રોકાઈ જાય, સમગ્ર દુનિયામાં આ સંદેશ ફેલાવાઈ રહ્યો હતો કેમ કે માનવી જ્યાં જશે જો તે કોરોનાથી સંક્રમિત હશે તો કોરોના સાથે લઈને જશે. ત્યારે કોંગ્રેસના લોકોએ શું કર્યું. મુંબઈના રેલવે સ્ટેશને ઉભા રહીને, મુંબઈ છોડીને જવા માટે પ્રોત્સાહિત કરવા માટે મુંબઈના શ્રમિકોને ટિકિટ આપવામાં આવી, વિનામૂલ્યે ટિકિટ આપવામાં આવી અને લોકોને પ્રેરિત કરવામાં આવ્યા કે જતા રહો. મહારાષ્ટ્રમાં અમારી ઉપર જે બોજો છે તે ઘટી જાય અને જાઓ તમે ઉત્તરપ્રદેશના છો, બિહારના છો. જાઓ ત્યાં કોરોના ફેલાવો. તમે આ મોટું પાપ કર્યું છે. મહા અફરાતફરીનો માહોલ પેદા કરી દીધો. તમે અમારા શ્રમિક ભાઈઓ અને બહેનોને અનેક મુશ્કેલીઓમાં ધકેલી દીધા છે.
અને માનનીય અધ્યક્ષજી,
એ સમયે દિલ્હીમાં એક એવી સરકાર હતી, જે હજુ છે, તેણે તો જીપ ઉપર માઈક બાંધીને, દિલ્હીના ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં ગાડી ફેરવીને લોકોને કહ્યું હતું કે ઘણું મોટું જોખમ છે, તમારા ગામ જતા રહો, તમારા ઘરે જતા રહો. અને દિલ્હીથી જવા માટે બસોની વ્યવસ્થા કરી...અને પછી એ તમામને અધવચ્ચે ઉતારી દીધા. એ રીતે તમામ શ્રમિકો-ગરીબો માટે દિલ્હીની રાજ્ય સરકારે મુશ્કેલી ઊભી કરી દીધી હતી. તેનું પરિણામ એ આવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ જેવા રાજ્યોમાં અગાઉ કોરોનાનો વ્યાપ એટલો બધો ન હતો ત્યાં પણ દિલ્હીની રાજ્ય સરકારના આ પાપને કારણે કોરોના ખૂબ ફેલાઈ ગયો.
માનનીય અધ્યક્ષજી,
આ કેવું રાજકારણ છે. માનવજાતિ ઉપર આવી ગંભીર મુશ્કેલીના સમયે આ કેવું રાજકારણ? આવા સમયે પણ આવું સંકુચિત રાજકારણ ક્યાં સુધી ચાલશે?
આદરણીય અધ્યક્ષજી,
કોંગ્રેસના આ વર્તનથી માત્ર હું જ નહીં, આખો દેશ આશ્ચર્યચકિત છે. બે વર્ષથી દેશ સો વર્ષના સૌથી મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. કેટલાક લોકો જે રીતે વર્ત્યા એ જોઇને આ દેશ વિચારમાં પડી ગયો છે. શું આ તમારો દેશ નથી ? શું આ દેશના લોકો તમારા નથી? શું તેમના સુખ-દુઃખ તમારા નથી? આટલું મોટું સંકટ આવ્યું છતાં જરા અવલોકન કરો કે કેટલા રાજકીય પક્ષોના નેતાઓએ, પોતાને પ્રજાના નેતા ગણાવતા રાજકીય પક્ષોના કેટલા નેતાઓએ લોકોને અપીલ કરી છે...કે ભાઈ, કોરોનાનું આવું સંકટ છે, વૈશ્વિક મહામારી છે... તમે માસ્ક પહેરો, હાથ ધોતા રહો, બે ગજનું અંતર રાખો. કેટલા નેતાઓએ આવી અપીલ કરી. દેશની જનતાને વારંવાર અપીલ કરી હોત તો એમાં ભાજપ સરકારને શું ફાયદો થયો હતો. મોદીને શું ફાયદો થયો હોત? પરંતુ આટલા મોટા સંકટમાં પણ તે આવું પવિત્ર કાર્ય કરવાનું વિપક્ષના નેતાઓ ચૂકી ગયા.
માનનીય અધ્યક્ષજી,
કેટલાક લોકો એવા છે જે રાહ જોઈ રહ્યા હતા કે કોરોના વાયરસ મોદીની છબીને ખરાબ કરી નાખશે. એવા લોકોએ લાંબો સમય રાહ જોઈ અને કોરોનાએ પણ તમારી ધીરજની મોટી કસોટી કરી છે. દરરોજ તમે લોકો બીજાને અપમાનિત કરવા માટે મહાત્મા ગાંધીનું નામ લો છો, ત્યારે વારંવાર અમને મહાત્મા ગાંધીની સ્વદેશીની વાત કરતા કોણ રોકે છે. જો મોદી 'લોકલ ફૉર વોકલ' કહે છે તો મોદીએ કહ્યું છે એ વાત ભૂલી જાઓ, પણ શું તમે નથી ઈચ્છતા કે દેશ આત્મનિર્ભર બને ? મહાત્મા ગાંધીના આદર્શ સમાન આ અભિયાનને બળ આપવા માટે તમારે શું કરવું જોઈએ ? તેની આગેવાની લો. મહાત્મા ગાંધીજીના સ્વદેશી નિર્ણયને વધાવશો તો દેશ માટે સારું રહેશે, અથવા તો પછી શક્ય છે કે તમે કદાચ મહાત્મા ગાંધીના સપનાને સાકાર થતું જોવા માંગતા જ ન હોવ.
માનનીય અધ્યક્ષજી,
સમગ્ર વિશ્વમાં આજે યોગ માટે સન્માન છે, એક રીતે યોગે કોરોના કાળમાં વિશ્વમાં એક સ્થાન બનાવ્યું છે. વિશ્વમાં એવો કોણ હિન્દુ હશે જેને યોગ પર ગર્વ ન હોય ? તમે તેની પણ મજાક ઉડાવી, તેનો વિરોધ પણ કર્યો. તમે લોકોને એવું કહ્યું હોત તો સારું થાત કે ભાઈ, તમે ઘરે મુશ્કેલીમાં છો, યોગ કરો, તમને ફાયદો થશે… છતાં તમે એવું પણ ન કર્યું. 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ'ની વાત જવા દો પણ દેશના યુવાનો મજબૂત, સક્ષમ હોવા જોઈએ. તમે મોદીનો વિરોધ કરો એનો વાંધો નહીં...પણ હકીકતે 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ' ને તમારા રાજકીય પક્ષોના નાના નાના મંચ બનાવી શકો છો. આપણે સૌ સાથે મળીને દેશની યુવા શક્તિને 'ફિટ ઈન્ડિયા' દ્વારા આ સંભવિતતા તરફ આગળ વધવા માટે કહીએ, પણ તેનો વિરોધ કરીશું તો તે પણ તમારી મજાક ઉડાવશે. પણ શું થયું છે તમને એ મને સમજાતું નથી અને તેથી જ આજે કહું છું કે તમે ક્યાં ઊભા છે એ તો જૂઓ. મેં તમને ઇતિહાસ જણાવ્યો કે 60 વર્ષથી લઇને 15 વર્ષ જેવા વિવિધ સમયગાળાથી આટલા બધા રાજ્યોમાં કોઈ તમને પ્રવેશવા દેતું નથી.
માનનીય અધ્યક્ષજી,
આ વાત હું ખૂબ પ્રેમથી કહું છું, ગુસ્સો ન કરશો. માનનીય અધ્યક્ષજી, ક્યારેક મને વિચાર આવે છે...કે તેમનાં નિવેદનો પરથી, તેમના કાર્યક્રમોમાંથી, તેમનાં કાર્યો પરથી... તમે જે રીતે બોલો છો, જે રીતે તમે મુદ્દાઓ સાથે જોડાઓ છો, એવું લાગે છે કે તમે સો વર્ષ સુધી સત્તામાં પરત નહીં આવવાનું નક્કી કરી લીધું છે. દેશની પ્રજા ફરી ક્યારેક તો સત્તા સોંપશે એવું તેમને લાગતું હોત તો તેઓએ આવું ન કર્યું હોત. અને તેથી... ખેર, હવે તમે 100 વર્ષ સત્તામાં નહીં આવવાનું નક્કી કર્યું છે તો પછી મેં તે પણ અહીં ટકી રહેવાની તૈયારી કરી લીધી છે.
માનનીય અધ્યક્ષજી,
આ લોકસભા ગૃહ એ વાતનું સાક્ષી છે કે ભારતે કોરોના વૈશ્વિક રોગચાળાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે પણ રણનીતિ બનાવી છે, તેની સામે પહેલા દિવસથી કેવી કેવી વાતો કરવામાં આવી છે. જે જે લોકોએ જે કંઈ કહ્યું તેના ઉપર આજે ફરી નજર કરશે તો તેમને પોતાને આશ્ચર્ય થશે કે પોતે આ શું બોલ્યા હતા. તેમને પોતાને જ વિચાર આવશે કે ખબર નહીં તેઓ કેવી રીતે આવું બોલી ગયા. મોટી કોન્ફરન્સ યોજીને દુનિયાના અન્ય લોકો સમક્ષ આવી વાતો કરવામાં આવી હતી જેથી કરીને ભારત આખી દુનિયામાં બદનામ થાય. પોતાની જાતને ટકાવી રાખવા માટે, ભારત કેવી રીતે આર્થિક આયોજન કરી રહ્યું છે એ વિશે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર ચર્ચા કરી, હે ભગવાન! વિદ્વાનો સહિત તમામ લોકો જોઈ રહ્યા હતા કે આવા પ્રયાસમાં તમારી આખી ઇકોસિસ્ટમ સામેલ હતી. અમને જે કંઈ સમજાતું હતું, ભગવાને જે કંઈ સમજ આપી હતી તે પ્રમાણે કામગીરી કરતા હતા, પણ સમજ કરતાં સમર્પણભાવ વધારે હતો. અને જ્યાં સમજ કરતાં સમર્પણ વધુ હોય ત્યાં દેશ અને દુનિયાને અર્પણ કરવાની શક્તિ પણ હોય છે, અને અમે તે કર્યું છે. આજે આપણે જે રસ્તે ચાલીએ છીએ તેના પર વિશ્વના આર્થિક જગતના તમામ નિષ્ણાતો સહમત છે કે આ કોરોના કાળમાં ભારતે જે આર્થિક નીતિઓ સાથે પોતાની જાતને આગળ ધપાવી તે પોતે જ અનુકરણીય છે. આપણે પણ અનુભવીએ છીએ, આપણે જોયું છે કે દુનિયા આપણું અનુકરણ કરે છે.
માનનીય અધ્યક્ષજી,
ભારત આજે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થાઓમાંની એક છે.
માનનીય અધ્યક્ષજી,
આ કોરોના કાળમાં પણ આપણા ખેડૂતોએ રેકોર્ડ ઉત્પાદન કર્યું, સરકારે ખેતપેદાશોની રેકોર્ડ ખરીદી કરી. વિશ્વના ઘણા દેશોમાં જ્યાં ખાદ્યપદાર્થોની કટોકટી ઊભી થઈ છે અને તમે જાણતા જ હશો કે સો વર્ષ પહેલાં આવેલી આવી જ મહામારી અંગેના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે એ રોગથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા જેટલી જ સંખ્યામાં લોકો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. વર્તમાન વૈશ્વિક કટોકટીમાં આ દેશે કોઈને ભૂખે મરવા દીધા નથી. 80 કરોડથી વધુ દેશવાસીઓને મફત રાશન ઉપલબ્ધ કરાવ્યું અને આજે પણ કરાવી રહ્યા છીએ.
માનનીય અધ્યક્ષજી,
હાલ આપણા દેશની કુલ નિકાસ ઐતિહાસિક સર્વોચ્ચ સ્તરે છે, અને આવું કોરોના સમયગાળામાં થઈ રહ્યું છે. કૃષિ નિકાસ ઐતિહાસિક રીતે ટોચ પર પહોંચી છે. સોફ્ટવેર નિકાસ નવી ઊંચાઈ તરફ આગળ વધી રહી છે. મોબાઈલ ફોનની નિકાસ અસાધારણ રીતે વધી છે. ડિફેન્સ ક્ષેત્રમાં જે નિકાસ થઈ રહી છે એ જોઈને ઘણાને તકલીફ થાય છે. આ આત્મનિર્ભર ભારતની અજાયબી છે કે આજે દેશ સંરક્ષણ નિકાસમાં પણ પોતાની ઓળખ બનાવી રહ્યો છે. FDIમાં મૂડીરોકાણ સતત વધી રહ્યું છે.
માનનીય અધ્યક્ષજી,
સંસદમાં થોડી ટોકાટોક જરૂરી હોય છે, તેનાથી વાતાવરણમાં થોડી ગરમી રહે, પરંતુ જ્યારે એ ટોકાટોક મર્યાદાની બહાર જાય ત્યારે પ્રશ્ન થાય કે અમારા સાથીદારો આવા છે!
માનનીય અધ્યક્ષજી,
તેમના પક્ષના એક સાંસદે ચર્ચા શરૂ કરી હતી અને અહીં અમારી તરફથી કેટલાક લોકો જવાબ આપવા પ્રયાસ કરતા હતા. હું મારા રૂમમાંથી સ્ક્રીન પર જોઈ રહ્યો હતો કે અમારા મંત્રી ઊભા થઈને પાછળ ગયા, બધાને બોલતા રોક્યા અને એ સમયે ત્યાંથી પડકાર આવ્યો કે જો તમે વચ્ચે બોલશો તો અમે તમારા નેતાને બોલવા નહીં દઇએ. શું આ હોબાળો એ માટે થઈ રહ્યો છે?
માનનીય અધ્યક્ષજી,
તમારે (વિરોધપક્ષના નેતા અધિરરંજન ચૌધરીને સંબોધીને) તમારા CR ને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ એ ઠીક છે, પણ હું માનું છું કે અત્યાર સુધી તમે જે કર્યું છે તેનાથી તમારો સીઆર સુધરી ગયો છે. જે લોકોએ નોંધ લેવાની છે તેમણે તમારા આ પરાક્રમને જોઈ લીધું છે, હવે તમે આટલું બધું કેમ કરો છો ? કોઈ તમને આ સત્રમાંથી બહાર કાઢશે નહીં એની ખાતરી હું આપું છું.
માનનીય અધ્યક્ષજી,
FDI અને FDIનું રેકોર્ડ રોકાણ આજે ભારતમાં થઈ રહ્યું છે. આજે રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં ભારત વિશ્વના ટોચના પાંચ દેશોમાં છે.
માનનીય અધ્યક્ષજી,
આ બધું એટલા માટે શક્ય બન્યું છે કારણ કે કોરોના સમયગાળા દરમિયાન આટલા મોટા સંકટનો સામનો કરવા છતાં, આપણી ફરજો નિભાવતી વખતે, આ સંકટ સમયે દેશને બચાવવા માટે સુધારા કરવા જરૂરી હતા અને અમે જે સુધારા કર્યા તેને પરિણામ જ આજે આપણે આ સ્થિતિમાં આવી પહોંચ્યા છીએ.
માનનીય અધ્યક્ષજી,
અમે MSME સહિત દરેક ઉદ્યોગોને જરૂરી સમર્થન પૂરું પાડ્યું. નિયમો, પ્રક્રિયાઓને સરળ બનાવી. અમે આત્મનિર્ભર ભારતના મિશનને પૂર્ણ કરવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કર્યા. આ તમામ સિદ્ધિ દેશે એવી સ્થિતિમાં હાંસલ કરી છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે આજે પણ આર્થિક જગતમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. સપ્લાય ચેઈન સંપૂર્ણપણે તૂટી ગઈ છે. લોજિસ્ટિક સપોર્ટમાં કટોકટી ઊભી થઈ. વિશ્વમાં સપ્લાય ચેઈનને કારણે રાસાયણિક ખાતર પર મોટું સંકટ ઊભું થયું છે અને ભારત આયાત પર નિર્ભર છે. દેશ પર કેટલો મોટો આર્થિક બોજ આવી ગયો છે. આખી દુનિયામાં પરિસ્થિતિ ઊભી થઈ પરંતુ ભારતે ખેડૂતોને આ પીડા સહન કરવાની ફરજ પાડી નહીં. ભારત દેશે આખો બોજ પોતાના ખભા પર ઉઠાવ્યો છે અને ખેડૂતને ટ્રાન્સફર થવા દીધો નથી. ખેડૂતો માટે ખાતરનો પુરવઠો સતત ચાલુ રાખ્યો છે. કોરોનાના સંકટ દરમિયાન, ભારતે તેના નાના ખેડૂતો પાસેથી તેની ખેતી કરવા માટે મોટા નિર્ણયો લીધા. હું ક્યારેક વિચારું છું, જે લોકો મૂળથી કપાઈ ગયા છે, બે-ચાર પેઢીઓથી મહેલોમાં બેસી રહેવાની ટેવ પાડી ચૂક્યા છે, તેઓ સમજી શકતા નથી કે દેશના નાના ખેડૂતોની સમસ્યા શું છે. તેમની આસપાસ જે ખેડૂતો છે તેમના કરતાં આગળ તેઓ જોઈ શક્યા નથી. અને ક્યારેક હું આવા લોકોને પૂછવા માંગુ છું કે તમને નાના ખેડૂતો પ્રત્યે આટલી નફરત કેમ છે? શું તમે નાના ખેડૂતોના કલ્યાણ સામે અવરોધો ઊભા કરો છો? તમે નાના ખેડૂતોને આ સંકટમાં મૂક્યા છે.
માનનીય અધ્યક્ષજી,
જો આપણે ગરીબીમાંથી મુક્ત થવું હશે તો આપણે આપણા નાના ખેડૂતોને મજબૂત બનાવવા પડશે. જો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું હોય તો આપણા નાના ખેડૂતોને મજબૂત કરવા પડશે. જો આપણો નાનો ખેડૂત મજબૂત બનશે, નાની જમીન બે હેક્ટર જમીન હશે, તો પણ તે તેને આધુનિક બનાવવાનો પ્રયાસ કરશે, નવું શીખવાનો પ્રયાસ કરશે અને જો તેની ક્ષમતા વધશે તો દેશની અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે. અને તેથી આધુનિકતા માટે નાના ખેડૂતો પર ધ્યાન આપવાનો મારો પ્રયાસ છે. પરંતુ જે લોકોને નાના ખેડૂતો પ્રત્યે નફરત છે, જેમને નાના ખેડૂતોની પીડા અને વેદનાની ખબર નથી, તેમને ખેડૂતોના નામે રાજનીતિ કરવાનો કોઈ અધિકાર નથી.
માનનીય અધ્યક્ષજી,
આપણે આ લોકોની 1000 વર્ષની ગુલામીની માનસિકતા સમજવી પડશે. સ્વતંત્રતાના 75 વર્ષ પછી પણ કેટલાક લોકો એ ગુલામી માનસિકતા બદલી શક્યા નથી. આવી ગુલામી માનસિકતા કોઈપણ રાષ્ટ્રની પ્રગતિ માટે બાધક હોય છે.
પરંતુ માનનીય અધ્યક્ષજી,
આજે પણ મને દેશનું ચિત્ર દેખાય છે, એક એવો સમુદાય છે, એક એવો વર્ગ છે જે આજે પણ એ ગુલામીની માનસિકતામાં જીવે છે. એ લોકો આજે પણ 19મી સદીની કાર્યપ્રથાને વળગી રહ્યા છે અને તેમને લાગે છે કે 20મી સદીના કાયદા જ બરાબર હતા!
માનનીય અધ્યક્ષજી,
ગુલામીની માનસિકતા, આવી 19મી સદીની રહેણી-કરણી અને 20મી સદીના કાયદા વર્તમાનની 21મી સદીની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકતા નથી. 21મી સદી સાથે અનુકૂલન સાધવા આપણા માટે પરિવર્તન ખૂબ જ જરૂરી છે.
માનનીય અધ્યક્ષજી,
દેશે એ સમયે જે પરિવર્તનનો અસ્વિકાર કર્યો તેનું પરિણામ શું આવ્યું ? ફ્રેઈટ કોરિડોર યોજના ઘણાં વર્ષો સુધી માત્ર આયોજનમાં જ અટકેલી હતી. 2006માં આયોજન થયું હતું છતાં 2006 થી 2014 સુધી તેની સ્થિતિ જુઓ. તે 2014 પછી ઝડપી બન્યું. યુપીમાં સરયુ કેનાલ પ્રોજેક્ટ 70ના દાયકામાં શરૂ થયો હતો અને તેની કિંમત 100 ગણી વધી ગઈ હતી. અમારી સરકાર આવ્યા પછી અમે તે કામ પૂરું કર્યું. ભૂતકાળમાં કેવા પ્રકારની વિચારસરણી હતી ? યુપીનો અર્જુન ડેમ પ્રોજેક્ટ 2009માં શરૂ થયો હતો. 2017 સુધી એક તૃતીયાંશ ખર્ચ કરવામાં આવ્યો હતો. અમે આટલા ઓછા સમયમાં તે કામ પણ પૂર્ણ કરી લીધું. જો કોંગ્રેસ પાસે આટલી શક્તિ હતી, આટલા વર્ષો સુધી સત્તા હતી, તો તે ચાર ધામ માટે ઑલવેધર રસ્તા બનાવી શકત, ચારેય ધામને કનેક્ટ કરી શકી હોત પરંતુ તેમ ન કર્યું. જળમાર્ગ, આખી દુનિયા જળમાર્ગને સમજે છે, આપણો એક જ દેશ હતો જેણે એ સમયે જળમાર્ગનો વિકલ્પ અપનાવ્યો ન હતો. આજે અમારી સરકાર જળમાર્ગનું કામ કરી રહી છે. ગોરખપુરની ફેક્ટરી જૂના અભિગમથી બંધ થતી હતી, ગોરખપુરની ખાતરની ફેક્ટરી અમારા અભિગમથી શરૂ થઈ છે.
માનનીય અધ્યક્ષજી,
આ લોકો એવા છે જેઓ જમીનથી કપાઈ ગયા છે. તેઓ હંમેશાં ફાઈલમાં અટવાયેલા રહ્યા હતા. એક ફાઇલમાં સહી કરી દીધા પછી રાહ જોતા કે તેના માટે કોણ મળવા આવશે. તેમના માટે ફાઇલ જ સર્વસ્વ છે, અમારા માટે 130 કરોડ દેશવાસીઓનો લાભ મહત્વપૂર્ણ છે. તમે ફાઈલમાં ખોવાઈ ગયા છો, અમે જીવન બદલવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. આજે તેનું પરિણામ એ આવ્યું છે કે પ્રધાનમંત્રીની ગતિ-શક્તિ માસ્ટર પ્લાન, એક સર્વગ્રાહી અભિગમ તો આવી રહ્યો છે. હાલ સ્થિતિ એવી છે કે રસ્તો બને પછી ઇલેક્ટ્રિશિયન આવીને તેને ખોદે, પછી વોટરમેન આવે છે અને તે ખોદે છે. આવી તમામ સમસ્યાઓમાંથી બહાર આવીને અમે ગતિ શક્તિ માસ્ટર પ્લાન તરફ જિલ્લા સ્તર સુધી કામ કરી રહ્યા છીએ. એ જ રીતે, આપણા દેશની વિશેષતા, મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ધ્યાનમાં રાખીને, અમે તેના પર ખૂબ ભાર આપી રહ્યા છીએ અને તેના આધારે અમે કનેક્ટિવિટી પર ભાર આપી રહ્યા છીએ. આઝાદી પછી પ્રથમ વખત સૌથી ઝડપી ગતિએ ગ્રામીણ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે.
માનનીય અધ્યક્ષજી,
રાષ્ટ્રીય ધોરીમાર્ગો બનાવવામાં આવી રહ્યા છે. રેલવે લાઈનોનું વીજળીકરણ કરવામાં આવી રહ્યું છે. આજે દેશ નવા એરપોર્ટ, હેલીપોર્ટ અને વોટર ડ્રોનનું નેટવર્ક બનાવી રહ્યો છે. દેશના 6 લાખથી વધુ ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર નેટવર્કનું કામ ચાલી રહ્યું છે.
માનનીય અધ્યક્ષજી,
આ તમામ કામો એવાં છે જે રોજગાર આપે છે. આ કામોમાંથી વધુને વધુ નોકરીઓ ઉપલબ્ધ થાય છે. આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર આજે દેશની જરૂરિયાત છે અને અભૂતપૂર્વ રોકાણ થઈ રહ્યું છે અને રોજગારી પણ સર્જાઈ રહી છે, વિકાસ પણ થઈ રહ્યો છે અને વિકાસની ગતિ પણ સર્જાઈ રહી છે. દેશ આજે તે દિશામાં કામ કરી રહ્યો છે.
માનનીય અધ્યક્ષજી,
અર્થવ્યવસ્થા જેટલી મજબૂત થશે તેટલી વધુ રોજગારીની તકો ઊભી થશે. અને આ ધ્યેયને ધ્યાનમાં રાખીને છેલ્લા સાત વર્ષથી અમે આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેનું ઉદાહરણ આપણું આત્મનિર્ભર ભારત અભિયાન છે. મેન્યુફેક્ચરિંગ હોય કે સર્વિસ સેક્ટર, દરેક સેક્ટરમાં આપણું ઉત્પાદન વધી રહ્યું છે. આજે આપણે આત્મનિર્ભર ભારત અભિયાન દ્વારા આંતરરાષ્ટ્રીય વેલ્યુ એડિશન ચેઇનનો એક ભાગ બની રહ્યા છીએ. ભારત માટે આ એક નિશાની છે. અમારું મુખ્ય ધ્યાન MSME અને કાપડ જેવાં શ્રમ આધારિત ક્ષેત્રો પર છે. MSME ની સિસ્ટમમાં સુધારો, MSME ની વ્યાખ્યામાં સુધારો કરીને અમે તેમને પણ નવી તકો આપી છે. તેના નાના ઉદ્યોગોને સુરક્ષિત કરવા માટે, સરકારે આ કોરોનાના ગંભીર સમયગાળામાં MSME માટે ત્રણ લાખ કરોડ રૂપિયાની વિશેષ યોજના પણ શરૂ કરી છે અને આપણા MSME ક્ષેત્રને તેનો લાભ મળ્યો છે. અને SBI એ તેનો ખૂબ જ સારો અભ્યાસ કર્યો છે. એસબીઆઈનો અભ્યાસ જણાવે છે કે આ સ્કીમને કારણે સાડા તેર લાખ MSME ને બરબાદ થવાથી બચાવી લેવામાં આવ્યા છે. SBIનો અભ્યાસ કહે છે કે 1.5 કરોડ નોકરીઓ બચી છે અને MSME લોનને કારણે લગભગ 14 ટકા લોકો NPA થવાની સંભાવનામાંથી બચી ગયા છે.
માનનીય અધ્યક્ષજી,
જે સંસદસભ્યો તેમના વિસ્તારની મુલાકાત લે છે તેઓ આ બધી અસરો જોઈ શકે છે. ઘણા વિપક્ષી મિત્રો પણ મને મળે ત્યારે કહે છે કે સાહેબ, આ યોજનામાં ઘણો લાભ થયો છે. સંકટની આ ઘડીમાં MSME સેક્ટરને ઘણો સપોર્ટ આપવામાં આવ્યો છે.
માનનીય અધ્યક્ષજી,
એ જ રીતે મુદ્રા યોજના ઘણી સફળ રહી છે. આપણી કેટલી માતા-બહેનો આ ક્ષેત્રમાં આવી છે. આજે લાખો લોકો બેંકમાંથી ગેરંટી વગર લોન લઈને સ્વરોજગારની દિશામાં આગળ વધ્યા છે. તે પોતે તો કમયા છે સાથે એક-બે લોકોને રોજગારી પણ આપે છે. સ્વનિધિ યોજનાઃ આપણે ક્યારેય વિચાર્યું ન હતું પણ આઝાદી પછી પહેલીવાર ખુમચાવાળાને બેંકની લોન મળી રહી છે અને આજે એ ખુમચાવાળા ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે અને કરોડો કામદારોને તેનો લાભ મળી રહ્યો છે. અમે ગરીબ કામદારો માટે બે લાખ કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા છે. અમે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના હેઠળ હજારો લાભાર્થીઓના ખાતામાં સીધા નાણાં ટ્રાન્સફર કર્યા છે.
માનનીય અધ્યક્ષજી,
ઉદ્યોગને વેગ આપવા માટે શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ જ જરૂર હોય છે. PM ગતિશક્તિ માસ્ટર પ્લાન આ માટે બનાવવામાં આવ્યો છે. તેનાથી આપણા લોજિસ્ટિક ખર્ચમાં ઘણો ઘટાડો થશે, તેના કારણે દેશમાં પણ માલ સસ્તા ભાવે ઝઢપથી પહોંચી શકશે અને નિકાસ કરનારા લોકો પણ વિશ્વ સાથે સ્પર્ધા કરી શકશે. તેથી PM ગતિ શક્તિ યોજના આવનારા દિવસોમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની છે.
માનનીય અધ્યક્ષજી,
અમારી સરકારે બીજું પણ એક મોટું કામ કર્યું છે. અમે ઉદ્યોગ સાહસિકો માટે નવાં ક્ષેત્રો ખોલ્યાં છે. આત્મનિર્ભર ભારત યોજના હેઠળ અમે ખાનગી ક્ષેત્રને અવકાશ, સંરક્ષણ, ડ્રોન, માઇનિંગ સહિત વિવિધ ક્ષેત્રમાં સામેલ થઈને દેશના વિકાસમાં ભાગીદાર બનવા માટે આમંત્રિત કર્યા છે. દેશમાં ઉદ્યોગસાહસિકો માટે સારું વાતાવરણ બનાવવા માટે, સરળ ટેક્સ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. ઉદ્યોગ-વ્યવસાય શરૂ કરવા માટે હજારો પ્રકારની મંજૂરીઓની જરૂર પડતી હતી. આ કાગળ લાવો, તે કાગળ લાવો વગેરેને કારણે અનેક અવરોધ હતા. અમે આવી ઓછામાં ઓછી 25 હજાર મંજૂરી પ્રથા સમાપ્ત કરી દીધી છે. આજે હું રાજ્યોને પણ વિનંતી કરીશ કે તેઓ શોધી કાઢે અને આવી મંજૂરીઓની જરૂરિયાતો સમાપ્ત કરે. દેશના નાગરિકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, તમે લોકો તે સમજો. આજે દેશમાં આવા અવરોધો દૂર કરવામાં આવી રહ્યા છે. અમે ઘરેલુ ઉદ્યોગને સમાન સ્તરે લાવવા માટે એક પછી એક પગલા લઈ રહ્યા છીએ.
માનનીય અધ્યક્ષજી,
આપણા દેશમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે સરકાર ભાગ્યની સર્જક છે, તમારે સરકાર પર નિર્ભર રહેવું પડશે, તમારી આશાઓ અને આકાંક્ષાઓ કોઈ પૂરી કરી શકશે નહીં, માત્ર સરકાર કરશે. સરકાર બધું જ આપશે. દેશ હવે એ જૂના ખ્યાલમાંથી બહાર આવી રહ્યો છે. તમે આટલો અહંકાર રાખ્યો હતો અને તેના કારણે દેશની ક્ષમતાને પણ ઠેસ પહોંચી છે. સામાન્ય યુવાનોના સપનાં, યુવા કૌશલ્યના માર્ગ પર અમે નવેસરથી વિચારવાનું શરૂ કર્યું. બધું જ સરકાર કરે છે, એવું નથી. દેશવાસીઓની તાકાત અનેકગણી છે. જો તેમને પૂરી ક્ષમતા સાથે કામગીરી સાથે જોડવામાં આવે તો પરિણામ પ્રાપ્ત થાય છે. તમે જુઓ, 2014 પહેલાં આપણા દેશમાં માત્ર 500 સ્ટાર્ટ અપ હતા. તક મળે ત્યારે દેશના યુવાનો માટે શું પરિણામો આવે છે એ આ સાત વર્ષમાં જોઈ શકાય છે. 2014 પહેલાં 500 સ્ટાર્ટ અપ હતા, આ સાત વર્ષમાં 7000 સ્ટાર્ટઅપ આ દેશમાં કામ કરી રહ્યા છે. આ મારા દેશના યુવાનોની તાકાત છે. અને તેમાં યુનિકોર્ન બનાવવામાં આવી રહ્યા છે અને દરેક યુનિકોર્નની કિંમત હજારો કરોડ રૂપિયા હોય છે.
માનનીય અધ્યક્ષજી,
ખૂબ જ ટૂંકા ગાળામાં ભારતના યુનિકોર્ન સદી બનાવવા તરફ આગળ વધી રહ્યા છે, આ બહુ મોટી વાત છે. પહેલાં હજારો કરોડની કંપની બનતાં દાયકાઓ લાગતા હતા. આજે આપણા યુવાનોની તાકાત અને સાથે સરકારની નીતિઓને કારણે તેઓ એક વર્ષમાં હજારો કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે, તેઓ તેમની નજર સામે બિઝનેસ વધતો જોઈ શકે છે.
માનનીય અધ્યક્ષજી,
આપણે સ્ટાર્ટઅપ યુનિકોર્નના ક્ષેત્રમાં વિશ્વમાં ટોચના ત્રણમાં સ્થાન ધરાવીએ છીએ. કયા ભારતીયને આ માટે ગર્વ ન થાય? પરંતુ આવા સમયે વિપક્ષોને આ સરકારનો વિરોધ કરવાની આદત પડી ગઈ છે. તે વહેલી સવારથી વિરોધ કરવાનું શરૂ કરી દે છે અને અહીં મેં જોયું કે આપણા આદરણીય નેતા કહેતા હતા કે તમે શું મોદી, મોદી, મોદી શું કરતા રહો છો? બધા બોલે છે મોદી, મોદી, મોદી...તો તમે પણ બોલો છો. તમે લોકો વહેલી સવારથી શરૂ કરો છો. તમે મોદી વગર એક પળ પણ વિતાવી શકતા નથી. અરે મોદી તમારી પ્રાણશક્તિ છે.
માનનીય અધ્યક્ષજી,
કેટલાક લોકો દેશના યુવાનોને, દેશના ઉદ્યોગ સાહસિકોને, દેશના શ્રેષ્ઠ સર્જકોને ડરાવવાનો આનંદ માણે છે. તેમને ડરાવવામાં પણ આનંદ લે છે. તેઓને પૂર્વગ્રહ રાખવામાં આનંદ આવે છે. પણ દેશના યુવાનો તેમની વાત સાંભળતા નથી, તેના કારણે દેશ જ પ્રગતિ કરી રહ્યો છે.
માનનીય અધ્યક્ષજી,
આજે જે યુનિકોર્ન છે તેમાંની કેટલીક બહુરાષ્ટ્રીય કંપનીઓ બનવાની ક્ષમતા ધરાવે છે. તમને પણ જાણીને નવાઈ લાગશે પરંતુ કોંગ્રેસમાં એવા લોકો બેઠેલા છે જેઓ આ ઉદ્યોગ સાહસિકોને કોરાના વાયરસના વેરિયન્ટ ગણાવે છે! તેઓ કહે છે કે આ ઉદ્યોગ સાહસિકો છે કે પછી કોરોના વાયરસનો પ્રકાર! આ શું થઈ રહ્યું છે? શું આપણા દેશના ઉદ્યોગો કોરોના વાયરસના પ્રકાર છે? તેઓ શું વાત કરી રહ્યા છે, કોના માટે બોલી રહ્યા છે? તમારી વચ્ચે જેઓ બેઠેલા છે તેમાંથી કોઈ તો બોલો કે આ શું થઈ રહ્યું છે? કોઈ તો બોલો કે આવાં કારણોસર પાર્ટી હારી રહી છે, કોંગ્રેસ હારી રહી છે.
માનનીય અધ્યક્ષજી,
જે લોકો ઈતિહાસમાંથી બોધપાઠ નથી લેતા, તે ઈતિહાસમાં ખોવાઈ જાય છે.
માનનીય અધ્યક્ષજી,
આ હું એટલા માટે કહી રહ્યો છું, 60 થી 80નો દાયકો, તેમના તમામ મુખ્ય લોકો તેમાં આવી જાય છે જે દેશનું નેતૃત્વ કરતા હતા તે કાળખંડની વાત કરી રહ્યો છું. 60 થી 80ના દાયકામાં કોંગ્રેસ જ હતી, કોંગ્રેસના જ સત્તા સાથી કોંગ્રેસ સાથે રહીને સુખ ભોગવનારા લોકો આ તે લોકો પંડિત નેહરૂજીની સરકારને અને શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની સરકારને શું કહેતા હતા, આ તો ટાટા-બિરલાની સરકાર છે, આ સરકાર તો ટાટા-બિરલા ચલાવી રહ્યા છે. 60 થી 80ના દાયકા સુધી આ વાતો થતી હતી, નહેરૂજી માટે વાતો થતી હતી, ઈન્દિરાજી માટે આ વાતો થતી હતી. અને તમે તેમની સાથે ભાગીદારીની સત્તામાં પરંતુ તેમની આદતો પણ લઈ લીધી. તમે પણ તેમની ભાષા બોલી રહ્યા છો. હું જોઈ રહ્યો છું, તમે એટલા નીચે આવી ગયા છો, એટલા નીચે આવી ગયા છો કે મને લાગે છે કે આજે પંચિંગ બેગ બદલાઈ ગયા છે પરંતુ તમારી આદતો બદલાઈ નથી.
મને વિશ્વાસ છે કે આ લોકો ગૃહમાં કહેવાની હિંમત રાખતા હતા, બહાર તો બોલતા જ હતા, જ્યાં તક મળે ચૂપ રહેતા ન હતા. તેઓ કહે છે કે મેઇક ઈન ઈન્ડિયા શક્ય જ નથી પરંતુ હવે તેમાં આનંદ આવી રહ્યો છે. શું કોઈ હિન્દુસ્તાન માટે આવું વિચારી શકે છે? કે મેઇક ઈન ઈન્ડિયા શક્ય જ નથી. અરે ભાઈ, તમને તકલીફ થતી હતી અમે આવીને કરીશું, સારું છે આવું બોલો. દેશને ગાળો કેમ આપો છો. દેશ વિરુદ્ધ કેમ બોલો છો? મેઇક ઈન ઈન્ડિયા શક્ય નથી. મેઇક ઈન ઈન્ડિયાની મજાક ઉડાવવામાં આવી. અને આજે દેશની યુવા શક્તિએ, દેશના ઉદ્યોગ સાહસિકોએ કરીને દેખાડ્યું છે, તમે મજાકનો વિષય બની ગયા છો અને મેઇક ઈન ઈન્ડિયાની સફળતા તમને લોકોને કેટલી પીડા આપી રહી છે, તે હું સારી રીતે સમજી રહ્યો છું.
માનનીય અધ્યક્ષજી,
મેઇક ઈન ઈન્ડિયાથી કેટલાક લોકોને તકલીફ એટલા માટે છે કેમ કે મેઇક ઈન ઈન્ડિયાનો મતલબ છે કમિશનના રસ્તા બંધ, મેઇક ઈન ઈન્ડિયાનો મતલબ છે ભ્રષ્ટાચારના રસ્તા બંધ, મેઇક ઈન ઈન્ડિયાનો મતલબ છે તિજોરી ભરવાનો રસ્તો બંધ. અને તેથી મેઇક ઈન ઈન્ડિયાનો જ વિરોધ કરો. ભારતના લોકોના સામર્થ્યની અવગણના કરવાનું પાપ દેશના લઘુ ઉદ્યોગ કરનારાઓનું અપમાન, દેશના યુવાનોનું અપમાન, દેશની ઈનોવેટિવ ક્ષમતાનું અપમાન.
માનનીય અધ્યક્ષજી,
દેશના આ પ્રકારની નકારાત્મકતાનું, નિરાશાનું વાતાવરણ, પોતે નિરાશ છે, પોતે સફળ થઈ રહ્યા નથી. તેથી દેશને નિષ્ફળ કરવા માટે જે રમત રમવામાં આવી રહી છે, તેના વિરુદ્ધ દેશનો યુવાન જાગી ચૂક્યો છે, જાગૃત થઈ ગયો છે.
માનનીય અધ્યક્ષજી,
પહેલા જે સરકાર ચલાવતા હતા તેમણે 50 વર્ષ સુધી દેશની સરકાર ચલાવી. મેઇક ઈન ઈન્ડિયાને લઈને તેમનો શું વિવેક હતો, ફક્ત ડિફેન્સ સેક્ટરને જ આપણે જોઈએ તો સમગ્ર વાત સમજાઈ જશે કે તેઓ શું કરતા હતા, કેવી રીતે કરતા હતા, કેમ કરતા હતા અને કોના માટે કરતા હતા. અગાઉના વર્ષોમાં શું થતું હતું, નવા સાધનો ખરીદવા માટે એક પ્રક્રિયા ચાલતી હતી. વર્ષો સુધી ચાલતી હતી. અને જ્યારે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવતો હતો ત્યારે તે સાધનો જૂના થઈ જતા હતા. હવે કહો, દેશનું શું ભલું થાય? સાધનો આઉટ ડેટેડ થઈ જતા હતા અને આપણે રૂપિયા આપતા હતા. અમે આ બધી પ્રોસેસને એકદમ સરળ બનાવી દીધી. ડિફેન્સ સેક્ટરના વર્ષોથી પડતર રહેલી જે સમસ્યાઓ હતી, અમે તેને ઉકેલવાનો પ્રયાસ કર્યો. પહેલા કોઈ પણ આધુનિક પ્લેટફોર્મ કે સાધન માટે આપણને બીજા દેશો તરફ જોવું પડતું હતું. જરૂર પડે ત્યારે ઉતાવળમાં ખરીદવામાં આવતા હતા, આ લાવો, પેલું લાવો! કોણ પૂછે છે ભાઈ, થઈ ગયું! એટલે સુધી કે સ્પેરપાર્ટ્સ માટે પણ આપણે અન્ય દેશો પર આધાર રાખતા હતા. બીજા પર આધાર રાખીને આ દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય નહીં. આપણી પાસે આપણી આગવી અને વિરલ વ્યવસ્થા હોવી જોઈએ, આપણી પોતાની વ્યવસ્થા હોવી જોઈએ. સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર હોવું, તે રાષ્ટ્ર સેવાનું પણ એક મોટું કાર્ય છે અને આજે હું દેશના નવયુવાનોને પણ આહવાન કરું છું કે તમે પોતાની કારકિર્દી માટે આ ક્ષેત્રની પસંદગી કરો. આપણે તાકાત સાથે ઊભા રહીશું.
માનનીય અધ્યક્ષજી,
આ બજેટમાં પણ અમે વધુમાં વધુ ડિફેન્સ સાધનો ભારતમાં જ બનાવીશું. ભારતીય કંપનીઓ પાસેથી ખરીદીશું, બજેટમાં આ જોગવાઈ કરવામાં આવી છે. બહારથી લાવવાના રસ્તા બંધ કરવાની દિશામાં અમે આ કર્યું છે. આપણા સૈન્યની જરૂરિયાતો પૂરી થવા ઉપરાંત અમે એક મોટા ડિફેન્સ એક્સપર્ટ પણ બનવાનું સપનું લઈને ચાલી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે આ સંકલ્પ પૂરો થશે. હું જાણું છું કે સંરક્ષણ સોદામાં કેટલી મોટી તાકાતો પહેલા સારામાં સારા લોકોને ખરીદી લેતી હતી. આવી તાકાતોને મોદીએ પડકાર આપ્યો છે. અને તેથી મોદી પર તે દિવસે નારાજગી નહીં, ગુસ્સે થવું પણ ઘણું સ્વાભાવિક છે. અને તેમનો ગુસ્સો પ્રગટ પણ થતો રહે છે.
માનનીય અધ્યક્ષજી,
વિપક્ષના અમારા કેટલાક સાથીઓએ અહીં મોંઘવારીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. સારું પણ લાગતું અને દેશનું પણ ભલું થતું જો તમને આ ચિંતા ત્યારે પણ હોત જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર હતી. આ પીડા તે સમયે પણ થવી જોઈતી હતી. કદાચ તમે ભૂલી ગયા છો, હું તમને યાદ અપાવવા ઈચ્છું છું. કોંગ્રેસ સરકારના અંતિમ પાંચ વર્ષોમાં, લગભગ સમગ્ર કાર્યકાળમાં દેશને ડબલ ડિજિટ મોંઘવારીનો માર સહન કરવો પડ્યો હતો. અમે આવ્યા તે પહેલા આ સ્થિતિ હતી. કોંગ્રેસની નીતિઓ એવી હતી કે સરકાર પોતે માનવા લાગી હતી કે મોંઘવારી તેના નિયંત્રણની બહાર છે. 2011માં તત્કાલીન નાણાં મંત્રીજીએ લોકોને બેશરમી સાથે કહી દીધું હતું કે મોંઘવારી ઓછી કરવા માટે કોઈ અલાઉદીનના જાદૂની આશા ના રાખે. આ તમારા નેતાઓની અસંવેદનશીલતા. આપણે ચિદમ્બરમજી, કે જે હાલના દિવસોમાં ઈકોનોમી પર અખબારોમાં કોલમ લખે છે, જ્યારે સરકારમાં હતા ત્યારે શું કરતા હતા, તે સમયના તમારા નેતા શું કહેતા હતા, 2012માં તેમણે કહ્યું હતું કે લોકોને 15 રૂપિયાની પાણીની બોટલ અને 20 રૂપિયાનો આઈસ્ક્રીમ ખરીદવામાં તકલીફ થતી નથી, પરંતુ ઘંઉ-ચોખા પર એક રૂપિયો પણ વધી જાય તો સહન થતું નથી. આ તમારા નેતાઓના નિવેદનો, એટલે કે મોંઘવારી પ્રત્યે કેટલું અસંવેદનશીલ વલણ હતું. આ ચિંતાનું કારણ છે.
માનનીય અધ્યક્ષજી,
મોંઘવારી દેશના સામાન્ય માનવી સાથે સીધો જોડાયેલો મુદ્દો છે. અમે અમારી સરકારે, એનડીએ સરકારે પ્રથમ દિવસથી સતર્ક અને સંવેદનશીલ રહીને આ મામલાને ઝીણવટપૂર્વક ફાઈનલ કરવાનો પ્રયાસ કર્યો છે. અને તેથી અમારી સરકાર મોંઘવારી નિયંત્રણને અમારી નાણાકીય નીતિનો પ્રાથમિક લક્ષ્યાંક બનાવ્યો છે.
માનનીય અધ્યક્ષજી,
સો વર્ષમાં આટલા મોટા રોગચાળાના આ કાળખંડમાં પણ અમે પ્રયાસ કર્યો છે કે મોંઘવારી અને જરૂરી ચીજવસ્તુઓની કિંમત આભને ના આંબે. સામાન્ય માનવી માટે, ખાસ કરીને ગરીબો માટે મોંઘવારી સહન શક્તિની બહાર ન જાય અને મોંઘવારીને નિયંત્રણમાં રાખવા માટે અમે શું કર્યું તે આંકડા પરથી સ્પષ્ટ થાય છે. કોંગ્રેસ સરકારમાં જ્યારે મોંઘવારી ડબલ ડિજિટમાં હતી, 10 ટકાથી વધારે હતી, ત્યારે 2014થી 2020 સુધી મોંઘવારી 5 ટકાથી ઓછી રહી છે. કોરોના હોવા છતાં આ વર્ષે મોંઘવારી 5.2 ટકા રહી છે અને તેમાં પણ ફૂડ ઈન્ફ્લેશન 3 ટકાથી ઓછું રહ્યું છે. તમે તમારા સમયમાં વૈશ્વિક પરિસ્થિતિઓના રોદણા રોઈને છટકી જતા હતા. મોંઘવારી અંગે કોંગ્રેસના રાજમાં પંડિત નેહરૂજીએ લાલ કિલ્લા પરથી શું કહ્યું હતું, તે જરા હું તમને જણાવવા ઈચ્છું છું. પંડિત નેહરૂ! દેશના પ્રથમ પ્રધાનમંત્રી, લાલ કિલ્લા પરથી બોલી રહ્યા છે! જૂઓ, તમારી ઈચ્છા હોય છે ને કે હું પંડિતજીનું નામ નથી લેતો, આજે હું વારંવાર બોલવાનો છું. આજે તો નેહરૂજી જ નેહરૂજી! આજે મજા લો. તમારા નેતા કહેશે કે મજા આવી ગઈ!
માનનીય અધ્યક્ષજી,
પંડિત નેહરૂજીએ લાલ કિલ્લા પરથી કહ્યું હતું કે અને તે એ જમાનામાં કહેવામાં આવ્યું હતું જ્યારે ગ્લોબલાઈઝેશન આટલું ન હતું, નામ માત્રનું પણ ન હતું. તે સમયે નેહરૂજી લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા કહી રહ્યા છે કે, ક્યારેક-ક્યારેક કોરિયામાં થયેલી લડાઈ પણ આપણને અસર કરે છે. તેને કારણે વસ્તુઓની કિંમતો વધી જાય છે. આ હતા નેહરૂજી! ભારતના પ્રથમ પ્રધાનમંત્રી! દેશની સામે, દેશના પ્રથમ પ્રધાનમંત્રી હાથ અધ્ધર કરી દે છે. આગળ શું કહે છે, જરા જુઓ તમારા કામની વાત છે. આગળ કહે છે, પંડિત નેહરૂજી આગળ કહે છે જો અમેરિકામાં પણ કંઈ થાય છે તો તેની અસર વસ્તુઓની કિંમતો પર પડે છે. વિચારો, ત્યારે મોંઘવારીની સમસ્યા કેટલી ગંભીર હતી કે નેહરૂજીને લાલ કિલ્લા પરથી દેશ સામે હાથ અધ્ધર કરવા પડ્યા હતા, નેહરૂજીએ ત્યારે કહ્યું હતું.
માનનીય અધ્યક્ષજી,
જો કોંગ્રેસ સરકાર આજે સત્તામાં હોત તો આજે દેશનું નસીબ છે. દેશ બચી ગયો, પરંતુ જો આજે તમે હોત તો મોંઘવારી કોરોનાના ખાતામાં જમા કરીને તમે બધા છટકી ગયા હોત. પરંતુ અત્યંત સંવેદનશીલતા સાથે આ સમસ્યાને મહત્વની સમજીએ છીએ અને તેનો ઉકેલ લાવવા માટે સમગ્ર તાકાતથી કામ કરી રહ્યા છીએ. આજે વિશ્વમાં અમેરિકા અને OECD દેશોમાં મોંઘવારી સાત ટકા છે, સાત ટકા જેટલી છે. પરંતુ માનનીય અધ્યક્ષજી, અમે કોઈને દોષ દઈને છટકી જનારાઓમાં નથી. અમે પ્રામાણિકતાથી પ્રયાસ કરનારાઓમાં છીએ, જવાબદારી સાથે દેશવાસીઓ સાથે ઊભા રહેનારા લોકો છીએ.
માનનીય અધ્યક્ષજી,
આ ગૃહમાં ગરીબી ઓછી કરવાના મોટા-મોટા આંકડા પણ આપવામાં આવ્યા, પરંતુ એક વાત ભૂલી ગયા. આ દેશનો ગરીબ એટલો વિશ્વાસઘાતી નથી. આ દેશનો ગરીબ એટલો વિશ્વાસઘાતી નથી કે કોઈ સરકાર તેની ભલાઈના કામ કરે અને તેમ છતાં તેને સત્તાની બહાર કરી દે, આ વાત દેશના ગરીબના સ્વભાવમાં નથી. તમારી આ દુર્દશા એટલા માટે થઈ છે કેમ તે તમે માની લીધું હતું કે નારા આપીને ગરીબોને પોતાની જાળમાં ફસાયેલા રાખીશું, પરંતુ ગરીબ જાગી ગયો છે, ગરીબ તમને ઓળખી ગયો છે. આ દેશનો ગરીબ એટલો જાગૃત છે કે તમને 44 બેઠકોમાં જ સમેટી લીધા છે. 44 બેઠકો પર આવીને અટકી ગયા છો. કોંગ્રેસ 1971થી ગરીબી હટાવોના નારા પર ચૂંટણી જીતતી રહી હતી. 40 વર્ષ બાદ ગરીબી તો ના હટી પરંતુ કોંગ્રેસ સરકારે નવી વ્યાખ્યા આપી દીધી.
માનનીય અધ્યક્ષજી,
દેશના નવયુવાનોએ આ વાતો જાણવી જરૂરી છે અને અધ્યક્ષજી, તમે જુઓ કે આ ડિસ્ટર્બ ત્યારે કરે છે, તમને અંદાજ આવી જાય છે કે ફટકો કેટલો મોટો પડવાનો છે. તેમને ખબર છે કે આજે મુશ્કેલીમાં મુકાયા છે. અને કેટલાક લોકો બોલીને ભાગી જાય છે અને સહન આ બિચારાઓને કરવું પડે છે.
માનનીય અધ્યક્ષજી,
40 વર્ષ બાદ ગરીબી તો ના હટી, પરંતુ ગરીબોએ કોંગ્રેસને હટાવી દીધી. અને કોંગ્રેસ શું કર્યું... માનનીય અધ્યક્ષજી, કોંગ્રેસે ગરીબીની વ્યાખ્યા બદલી દીધી. 2013માં એક જ ઝાટકે તેમણે કાગળ પર કમાલ કરીને 17 કરોડ ગરીબ લોકોને અમીર બનાવી દીધા. આ કેવી રીતે થયું, તેનું સત્ય દેશના યુવાનોને ખબર હોવું જોઈએ. હું તમને ઉદાહરણ આપું છું, તમને ખબર છે આપણા દેશમાં પહેલા રેલવેમાં ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ હતો. જે ફર્સ્ટ ક્લાસવાળા હોય, દરવાજાની બાજુંમાં એક લાઈન લખેલી જોવા મળતી હતી, સેકન્ડ ક્લાસમાં બે લાઈન લખેલી રહેતી હતી, થર્ડ ક્લાસમાં ત્રણ લાઈન. તેમને લાગ્યું કે થર્ડ ક્લાસવાળો મેસેજ સારો નથી તો તેમણે એક લાઈન કાઢી નાંખી. આ તેમની રીતો છે અને તેમને લાગે છે કે ગરીબી હટી ગઈ અને તેમણે તેના તમામ બેઝિક માપદંડો બદલીને કહી દીધું 17 કરોડ ગરીબ ગણવામાં આવશે નહીં. આ પ્રકારના આંકડા બદલવાનું કામ તેઓ કરતા રહ્યા છે.
માનનીય અધ્યક્ષજી,
અહીં કેટલાક તાત્વિક મુદ્દાઓ ઉઠાવવાનો પ્રયાસ કર્યો. મેં તો સમજવાનો ઘણો પ્રયાસ કર્યો. કદાચ કોઈ સમજી શક્યું હોય, આવું તો કોઈ મને હજી કોઈ મળ્યું નથી. પરંતુ જે કોઈ સમજી શક્યા છે તો હું સમજવા માટે તૈયાર છું. માનનીય અધ્યક્ષજી, સદનમાં રાષ્ટ્રને લઈને વાતો થઈ છે. આ વાતો આશ્ચર્યજનક છે. હું મારી વાત કહેતા પહેલા એક વાતનો પુનરોચ્ચાર કરવા ઈચ્છું છું, અને હું ક્વોટ કરી રહ્યો છું,
"આ જાણકારી ઘણી આશ્ચર્યજનક છે કે બંગાળી, મરાઠી, ગુજરાતી, તમિલ, આંધ્ર, ઉડિયા, અસમી, કન્નડ, મલયાલી, સિંધી, પંજાબી, પઠાન, કાશ્મીરી, રાજપૂત અને હિન્દુસ્તાની ભાષા-ભાષી જનતાથી વસેલો આ વિશાળ મધ્ય ભાગ કેટલી સદીઓથી પોતાની અલગ ઓળખ બનાવીને બેઠો છે. તેમ છતાં આ તમામના ગુણ-દોષો એક જેવા છે. તેની જાણકારી જુની પરંપરા અને અભિલેખોમાં જોવા મળે છે. સાથે જ સમગ્ર દરમિયાન તેઓ સ્પષ્ટ રીતે એવા ભારતીય બની રહ્યા છે, જેમની રાષ્ટ્રીય વિરાસત એક જ હતી અને તેમની નૈતિક અને માનસિક વિશેષતાઓ પણ સમાન હતી."
અધ્યક્ષ મહોદય,
આપણે ભારતીયોની આ વિશેષતાને જણાવતા આ ક્વોટેશનમાં બે શબ્દો પર ખાસ ધ્યાન આપવા જેવું છે, 'રાષ્ટ્રીય વિરાસત' અને આ ક્વોટ પંડિત નેહરૂજીનો છે. આ વાત નેહરૂજીએ પોતાના પુસ્તક 'ભારત કી ખોજ'માં કહી છે. આપણે રાષ્ટ્રીય વિરાસત એક છે. આપણી નૈતિક અને માનસિક વિશેષતાઓ એક છે, શું રાષ્ટ્ર વગર આ શક્ય છે. આ સદનનું તે કહીને પણ અપમાન કરવામાં આવ્યું છે કે આપણે બંધારણમાં 'રાષ્ટ્ર' શબ્દ આવતો નથી. બંધારણની પ્રસ્તાવનામાં લખ્યું 'રાષ્ટ્ર' વાંચવામાં ન આવે, આ શક્ય નથી. કોંગ્રેસ આ અપમાન કેમ કરી રહી છે હું તેના પર વિસ્તારથી મારી વાત જણાવીશ.
માનનીય અધ્યક્ષજી,
'રાષ્ટ્ર' કોઈ સત્તા કે સરકારની વ્યવસ્થા નથી. માનનીય અધ્યક્ષજી, આપણા માટે રાષ્ટ્ર એક જીવંત આત્મા છે. અને તેનાથી હજારો વર્ષોથી દેશવાસીઓ જોડાયેલા છે અને સંઘર્ષ કરતા રહ્યા છે. આપણે અહીં વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે, આ કોઈ પક્ષના વ્યક્તિએ નથી લખ્યું, વિષ્ણુ પુરાણમાં કહેવામાં આવ્યું છે,
ઉત્તરમ યશ સમુદક્ષય હિમાવરી ચરૂ દક્ષિણ
વર્ષતત ભારતમ નામ ભારત યત્ર સંતિત
એટલે કે સમુદ્રના ઉત્તરમાં અને હિમાલયના દક્ષિણમાં જે દેશ છે તેને ભારત કહે છે તથા તેમના સંતાનોને ભારતીય કહેવાય છે. વિષ્ણુ પુરાણનો આ શ્લોક જો કોંગ્રેસના લોકોને સ્વીકાર્ય નથી તો હું વધુ એક ક્વોટનો ઉપયોગ કરીશ. કેમ કે કેટલીક બાબતોની તમને એલર્જી હોઈ શકે છે. હું ક્વોટ કરી રહ્યો છું, "એક ક્ષણ આવે છે પરંતુ ઈતિહાસમાં વિરલ જ આવે છે. જ્યારે આપણે જૂનામાંથી બહાર નીકળીને નવા યુગમાં પગલાં પાડીએ છીએ. જ્યારે એક યુગ સમાપ્ત થઈ જાય છે, જ્યારે એક દેશની લાંબા સમયથી દબાયેલી આત્મા મુક્ત થાય છે." આ પણ નેહરૂજીના જ શબ્દો છે. નેહરૂજી કયા દેશની વાત કરી રહ્યા હતા. આ નેહરૂજી કહી રહ્યા છે.
અને માનનીય અધ્યક્ષજી,
અહીં તમિળ સેન્ટિમેન્ટને આગ લગાડવાનો ઘણો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજનીતિ માટે કોંગ્રેસની જે પરંપરા અંગ્રેજોની વિરાસતમાં આવેલી જોવા મળે છે, 'તોડો અને રાજ કરો, ભાગલા પાડો અને રાજ કરો'. પરંતુ આજે હું તમિળ ભાષાના મહાકવિ, માનનીય અધ્યક્ષજી, તમિળ ભાષાના મહાકવિ અને સ્વતંત્રતા સેનાની આદરણીય સુબ્રમણ્યમ ભારતીએ જે લખ્યું હતું, હું અહીં તે જણાવવા ઈચ્છું છું, મારા ઉચ્ચારણમાં કોઈ ભૂલ થાય તો તમિળ ભાષી લોકો મને માફ કરે, પરંતુ મારો આદર અને મારી ભાવનામાં કોઈ ખોટ નથી. સુબ્રહ્મણ્યમ ભારતીજીએ કહ્યું હતું કે-
મનુમ ઈમયે મલે એંગલ મલે, પનરૂમ ઉપનિક નુલેંગલ દુલે
પારમિસે એદોરૂ નુલઈદહૂ પોલે, પોનેરો ભારત નાડેંગન નાડે
પોડરૂઓમ ઈતે ઈમ્મકિલેડે
તેનો ભાવાર્થ જે ઉપલબ્ધ છે તે આ પ્રકારે છે- સુબ્રહ્મણ્યમ ભારતીજી કહે છે - જે તેમણે તમિળ ભાષામાં કહ્યું છે, તેનો હું અનુવાદ, જે ભાવ મને ઉપલબ્ધ થયો છે હું કહી રહ્યો છું- સન્માનિત જે સકલ વિશ્વમાં, મહિમા જેની ઘણી થઈ રહી છે. અમર ગ્રંથ તે તમામ આપણે, ઉપનિષદોનો દેશ આ છે. સુબ્રહ્મણ્યમ ભારતી કહી રહ્યા છે - ગાઈશું આપણે યશ આ બધાનો, આ છે સ્વર્ણિમ દેશ આપણો આગળ કોણ જગમતમાં આપણાથી, આ છે ભારત દેશ આપણો. આ સુબ્રહ્મણ્યમ ભારતીજીની કવિતાનો ભાવ છે. આ તે સંસ્તુતિ છે અને હું આજે તમિળના તમામ નાગરિકોને સલામ કરવા ઈચ્છીશ.
જ્યારે આપણે સીડીએસ રાવત દક્ષિણમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં તેમનું નિધન થયું અને જ્યારે તેમનો મૃતદેહ તમિલનાડુમાં એરપોર્ટ તરફથી લાવવા માટે રસ્તામાંથી પસાર થઈ રહ્યો હતો, મારા તમિળ ભાઈ, મારી તમિળ બહેનો લાખોની સંખ્યામાં કલાકો સુધી લાઈનમાં ઊભી રહી હતી રોડ પર. જ્યારે સીડીએસ રાવતનો મૃતદેહ ત્યાંથી જઈ રહ્યો હતો ત્યારે પ્રત્યેક તમિળવાસી ગૌરવ સાથે હાથ ઉપર કરી-કરીને આંખમાં આંસુ સાથે કહી રહ્યા હતા - વીર મણક્કમ, વીર મણક્કમ. આ મારો દેશ છે. પરંતુ કોંગ્રેસને હંમેશા આ બધી વાતોથી નફરત રહી છે. વિભાજનકારી માનસિકતા તેમના ડીએનએમાં ઘૂસી ગઈ છે. અંગ્રેજો જતા રહ્યા પરંતુ 'ભાગલા પાડો અને રાજ કરો' આ નીતિ કોંગ્રેસે પોતાનું ચરિત્ર બનાવી લીધું છે. અને તેથી જ આજે કોંગ્રેસ ટૂકડે-ટૂકડે ગેંગની લીડર બની ગઈ છે.
માનનીય અધ્યક્ષજી,
જે લોકશાહીની પ્રક્રિયાથી અમને રોકી શકતા નથી તેઓ અહીં ગેરશિસ્ત કરીને અમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળશે.
માનનીય અધ્યક્ષ મહોદય,
કોંગ્રેસ પાર્ટીની સત્તામાં આવવાની જે ઈચ્છા પૂરી થઈ ગઈ છે. પરંતુ જ્યારે કંઈ મળવાનું નથી તો પછી બગાડી તો દો, આ ફિલોસોફી પર આજે નિરાશાવાદી છે. પરંતુ તે લોભમાં બરબાદ કરીને છોડીશું, આ મોહમાં દેશમાં એ બીજ રોપી રહ્યા છે જે અલગતાવાદના મૂળીયા મજબૂત કરનારા છે. સદનમાં આવી ઘણી વાતો થઈ કે જેમાં દેશના કેટલાક લોકોને ઉશ્કેરવાનો ભરપૂર પ્રયાસ કરવામાં આવ્યો. જો છેલ્લા સાત વર્ષથી કોંગ્રેસના પ્રત્યેક કારનામા, પ્રત્યેક ગતિવિધિ, તેને ઝીણવટપૂર્વક જોવામાં આવે તો પ્રત્યેક બાબતને જો દોરામાં પરોવીને જોઈશું તો તેમનો ગેમ પ્લાન શું છે તે સ્પષ્ટ રીતે સમજાઈ જશે અને તેને જ આજે હું ખુલ્લો કરી રહ્યો છું.
માનનીય અધ્યક્ષજી,
તમારો ગેમ પ્લાન કંઈ પણ હોય, માનનીય અધ્યક્ષજી, આવા ઘણા લોકો આવ્યા અને જતાં રહ્યા. લાખો પ્રયાસો થયા, પોતાના સ્વાર્થવશ કરવામાં આવ્યું પરંતુ આ દેશ અજર-અમર છે, આ દેશને કંઈ થઈ શકશે નહીં. આવનારાઓને, આ પ્રકારના પ્રયાસો કરનારા લોકોને હંમેશા કંઈને કંઈ ગુમાવવું પડ્યું છે. આ દેશ એક હતો, શ્રેષ્ઠ હતો, આ દેશ એક છે, આ દેશ શ્રેષ્ઠ છે. આ વિશ્વાસ સાથે અમે આગળ વધી રહ્યા છીએ.
માનનીય અધ્યક્ષજી,
અહીં કર્તવ્યોની વાત કરવા અંગે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેનાથી પણ કેટલાક લોકોને પીડા થઈ છે કે દેશના પ્રધાનમંત્રી કર્તવ્યની વાત કેમ કરે છે. કર્તવ્યની ચર્ચા થઈ રહી છે. કોઈ વાતને સમજીને ભાવથી કે ખોટા ઈરાદાથી, વિકૃતિથી વણી લેવી, વિવાદ ઊભા કરવા જેથી પોતે લાઈમલાઈટમાં રહે. હું આશ્ચર્યમાં છું કે અચાનક કોંગ્રેસને હવે કર્તવ્યની વાત ખૂંચવા લાગી છે.
માનનીય અધ્યક્ષજી,
તમે લોકો કહી રહ્યા છો કે મોદીજી, નેહરૂજીનું નામ લેતા નથી, તો આજે હું તમારી ઈચ્છા પૂરી કરી રહ્યો છું. તમારી તરસ છીપાવી રહ્યો છું. જુઓ કર્તવ્યોના સંબંધમાં નેહરુજીએ શું કહ્યું હતું, જરા હું આજે ક્વોટ કરવા ઈચ્છું છું-
માનનીય અધ્યક્ષજી,
પંડિત નેહરૂજી, દેશના પ્રથમ પ્રધાનમંત્રી, - તેમણે કહ્યું હતું, "હું તમને આજે ફરીથી કહું છું કે આઝાદ હિન્દુસ્તાન છે. આઝાદ હિન્દુસ્તાનની વર્ષગાંઠ આપણે મનાવીએ છીએ પરંતુ આઝાદી સાથે જવાબદારી હોય છે અને કર્તવ્યને જ બીજા શબ્દોમાં જવાબદારી કહેવાય છે." તેથી કોઈ સમજવા ઈચ્છે છે તો હું સમજાવી દઉં. કર્તવ્યોને બીજા શબ્દોમાં જવાબદારી કહેવાય છે. હવે આ પંડિત નેહરૂનો ક્વોટ છે- "હું તમને ફરીથી કહું છું કે આઝાદ હિન્દુસ્તાન છે. આઝાદ હિન્દુસ્તાનની વર્ષગાંઠ આપણે મનાવીએ છીએ પરંતુ આઝાદી સાથે જવાબદારી હોય છે. જવાબદારી, કર્તવ્ય ફક્ત હુકૂમત નથી, જવાબદારી પ્રત્યેક એક આઝાદ વ્યક્તિની હોય છે અને જો તમે તે જવાબદારીનો અનુભવ કરતા નથી, જો તમે સમજતા નથી ત્યારે સંપૂર્ણ રીતે તમે આઝાદીનું મહત્વ સમજ્યા નથી અને તમે આઝાદીને સંપૂર્ણ રીતે બચાવી શકતા નછી." આ કર્તવ્ય માટે દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત નેહરૂજીએ કહ્યું હતું પરંતુ તમે તેને ભૂલી ગયા.
માનનીય અધ્યક્ષજી,
હું સદનનો વધારે સમય લેવા ઈચ્છતો નથી અને તેઓ પણ થાકી ગયા છે. માનનીય અધ્યક્ષજી, આપણે ત્યાં કહેવામાં આવ્યું છે-
ક્ષણશઃ કણશઃ શ્ચેવ વિદ્યામર્થ ચ સાધયેત|
ક્ષણે નષ્ટે કુતો વિદ્યા કણે નષ્ટે કુતો ધનમ||
અર્થાત વિદ્યા જ્ઞાન માટે એક-એક ક્ષણ મહત્વની હોય છે. સંપત્તિ સંસાધનો માટે એક-એક કણ જરૂરી હોય છે. એક-એક ક્ષણ બરબાદ કરીને જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી અને એક-એક કણ બરબાદ કરી, નાના-નાના સંસાધનોનો યોગ્ય ઉપયોગ ન કરવામાં આવે તો સંસાધન વ્યર્થ થઈ જાય છે. હું કોંગ્રેસ અને તેમના સહયોગીઓને કહીશ તમે આ મંથન જરૂરથી કરો કે ક્યાંક તમે ઈતિહાસની આ મહત્વની ક્ષણને નષ્ટ તો નથી કરી રહ્યા ને. મને સંભળાવવા માટે, મારી ટીકાઓ કરવા માટે, મારા પક્ષની ટીકા કરવા માટે ઘણું બધું છે, જે તમે કરી શકો છો. અને આગળ પણ કરતા રહેજો, પ્રસંગોની ખોટ નથી. પરંતુ આઝાદીના અમૃતકાળનો આ સમય, 75 વર્ષનો આ સમય ભારતની વિકાસ યાત્રામાં હકારાત્મક યોગદાનનો સમય છે. હું વિપક્ષને અને અહીં બેઠેલા તમામ સાથીઓને અને સદનના માધ્યમથી દેશવાસીઓને પણ આઝાદીના આ અમૃત મહોત્સવના આ પર્વ પર આગ્રહ કરું છું, નિવેદન કરું છું, અપેક્ષા રાખું છું કે આવો આઝાદીના આ અમૃત મહોત્સવને આપણે નવા સંકલ્પો સાથે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે એકજૂટ થઈને આપણે લાગી જઈએ. પ્રયત્ન કરીએ કે છેલ્લા 75 વર્ષોમાં જ્યાં-જ્યાં આપણે જે-જે કાર્ય કરી શક્યા નહીં તેને પૂરા કરીએ અને આગામી 2047ના શતાબ્દી વર્ષ પહેલા દેશનો કેવો બનાવવો છે તેનો સંકલ્પ લઈને આગળ વધીએ.
દેશના વિકાસ માટે મળીને કામ કરવાનું છે. રાજનીતિ તેની જગ્યાએ છે પરંતુ પક્ષીય લાગણીઓથી ઉપર આવીને દેશની ભાવનાઓને લઈને જીવીએ. ચૂંટણીના મેદાનમાં જે કંઈ કરવાનું છે, કરતા રહીએ પરંતુ આપણે દેશહિત માટે આગળ આવીએ. આવી અપેક્ષા રાખું છું. આઝાદીના 100 વર્ષ જ્યારે થશે, આવી જ રીતે સદનમાં જે લોકો બેઠા હશે તો જરૂર ચર્ચા કરશે કે આવા મજબૂત પાયા પર આવી પ્રગતિ પર પહોંચેલી 100 વર્ષની આ યાત્રા બાદ દેશ એવા લોકોના હાથમાં જાય જેથી તેમને આગળ લઈ જવાનું મન થાય. આપણે આ જ વિચારીએ કે જે સમય મળ્યો છે તેનો આપણે સદઉપયોગ કરીએ. આપણે સ્વર્ણિમ ભારતના નિર્માણમાં કોઈ આળસ રાખીએ નહીં. પૂરા સામર્થ્ય સાથે આપણે આ કામમાં લાગી જઈએ.
માનનીય અધ્યક્ષજી,
હું ફરી એક વાર રાષ્ટ્રપતિ જીના ઉદબોધનના આભારવિધી પ્રસ્તાવનું અનુમોદન કરું છું. અને હું આ સદનમાં ચર્ચામાં ભાગ લેનારા તમામ માનનીય સંસદ સદસ્યોનો પણ ફરી એક વાર આભાર માનતા, આપે જે અવસર આપ્યો, રોકવાના પ્રયાસ છતાં મેં તમામ વિષયોને સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. ખૂબ ખૂબ આભાર.
SD/GP/JD
(Release ID: 1796640)
Visitor Counter : 655
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam