પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

PMએ નાણામંત્રી અને તેમની ટીમને 'લોકાભિમુખ અને પ્રગતિશીલ બજેટ' માટે અભિનંદન પાઠવ્યા


"આ વર્ષનું બજેટ સો વર્ષે આવેલી આપદા વચ્ચે વિકાસના નવા આત્મવિશ્વાસ સાથે આવ્યું છે"

"આ બજેટ અર્થતંત્રને મજબૂતી આપવા સાથે સામાન્ય લોકો માટે નવી તકો ઉભી કરશે"

"બજેટ વધુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓ માટેની તકોથી ભરેલું છે."

"ગરીબોનું કલ્યાણ આ બજેટનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે"

"બજેટની જોગવાઈઓનો ઉદ્દેશ્ય કૃષિને આકર્ષક અને નવી તકોથી ભરપૂર બનાવવાનો છે"

Posted On: 01 FEB 2022 3:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આ વર્ષનું બજેટ સો વર્ષે આવેલી આપદા વચ્ચે વિકાસના નવા આત્મવિશ્વાસ સાથે આવ્યું છે. "આ બજેટ અર્થતંત્રને મજબૂતી આપવા સાથે સામાન્ય લોકો માટે નવી તકો ઉભી કરશે," તેમણે કહ્યું.

લોકસભામાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યા પછી પોતાની ટિપ્પણીમાં, પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બજેટ "વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ રોકાણ, વધુ વૃદ્ધિ અને વધુ નોકરીઓ માટેની તકોથી ભરેલું છે." તેનાથી ગ્રીન જોબ સેક્ટર વધુ ખુલશે. આ બજેટ માત્ર સમકાલીન સમસ્યાઓનું નિરાકરણ જ નહીં પરંતુ યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની પણ ખાતરી આપે છે, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે ખેડૂતો માટે ડ્રોન, વંદે ભારત ટ્રેન, ડિજિટલ કરન્સી, 5જી સેવાઓ, રાષ્ટ્રીય ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ જેવા પગલાઓ દ્વારા જીવનના દરેક ક્ષેત્રમાં આધુનિકતા અને ટેકનોલોજીની શોધથી આપણા યુવાનો, મધ્યમ વર્ગ, ગરીબ, દલિત અને પછાત વર્ગોને ઘણો ફાયદો થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ગરીબોનું કલ્યાણ આ બજેટનું સૌથી મહત્વપૂર્ણ પાસું છે. બજેટનો ઉદ્દેશ્ય દરેક ગરીબ પરિવાર માટે પાકું ઘર, શૌચાલય, નળનું પાણી અને ગેસ કનેક્શન સુનિશ્ચિત કરવાનો છે. આ સાથે જ, આધુનિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો કે દેશમાં પ્રથમ વખત હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વ જેવા પ્રદેશોમાં 'પર્વતમાલા' યોજના શરૂ કરવામાં આવી રહી છે. આ યોજના પર્વતીય વિસ્તારોમાં પરિવહનની આધુનિક વ્યવસ્થા ઊભી કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, કરોડો ભારતીયોની આસ્થાનું કેન્દ્ર ગણાતી ગંગાની સફાઈની સાથે સાથે સરકાર પાંચ રાજ્યો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં નદીના કિનારે કુદરતી ખેતીને પ્રોત્સાહિત કરશે. ખેડૂતોના કલ્યાણ માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે અને આ ગંગાને કેમિકલ મુક્ત બનાવવામાં પણ મદદ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

બજેટની જોગવાઈઓનો ઉદ્દેશ્ય કૃષિને નફાકારક અને નવી તકોથી ભરપૂર બનાવવાનો છે. નવા કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ ભંડોળ અને ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ માટે પેકેજ જેવા પગલાં ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે. MSP ખરીદી દ્વારા ખેડૂતોના ખાતામાં 2.25 લાખ કરોડથી વધુ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે, એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.

ક્રેડિટ ગેરંટીમાં રેકોર્ડ વધારાની સાથે બજેટમાં ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ભારતના MSME ક્ષેત્રને ઘરેલુ ઉદ્યોગ માટે સંરક્ષણ મૂડી બજેટના 68 ટકા આરક્ષણથી ઘણો ફાયદો થશે. 7.5 લાખ કરોડ રૂપિયાનું જાહેર રોકાણ અર્થતંત્રને નવો વેગ આપશે અને નાના અને અન્ય ઉદ્યોગો માટે નવી તકો ઉભી કરશે," તેમણે કહ્યું.

પ્રધાનમંત્રીએ નાણાં મંત્રી અને તેમની ટીમને ‘લોકાભિમુખ અને પ્રગતિશીલ બજેટ' માટે અભિનંદન આપીને સમાપન કર્યું.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1794352) Visitor Counter : 259