પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું અને વર્ચ્યુઅલ માધ્યમથી મોરેશિયસમાં નાગરિક સેવા કોલેજ તેમજ 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો

Posted On: 20 JAN 2022 6:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદકુમાર જુગનાથે આજે સંયુક્ત રીતે મોરેશિયસમાં સામાજિક આવાસ એકમ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પરિયોજના ભારત અને મોરેશિયસ વચ્ચે વાઇબ્રન્ટ વિકાસ ભાગીદારીના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રસંગે, બંને દેશોના પ્રધાનમંત્રીએ મોરેશિયસમાં ભારતના વિકાસ સહકારના ભાગરૂપે નિર્માણ કરવામાં આવનારી અદ્યતન નાગરિક સેવા કોલેજ અને 8 MW સોલર PV ફાર્મ પરિયોજનાના વર્ચ્યુઅલ શિલાન્યાસ કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજવામાં આવ્યો હતો. મોરિશિયસની PMO ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મંત્રીમંડળના મંત્રીઓ અને મોરેશિયસ સરકારના વરિષ્ઠ અધિકારીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સંબોધન આપતા, પ્રધાનમંત્રી મોદીએ લોકોની સુખાકારીમાં વૃદ્ધિ અને દેશની ક્ષમતાઓને પ્રવેગ આપવા પર ધ્યાન આપવાની સાથે સાથે આપણા મિત્રો અને સાર્વભૌમત્વના આદરણીયોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી ભારતના વિકાસ સહાયને પ્રબળ કરતી દૂરંદેશી પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ સ્વીકાર્યું હતું કે, રાષ્ટ્રના નિર્માણમાં નાગરિક સેવા કોલેજ પરિયોજના મહત્વપૂર્ણ છે અને મિશન કર્મયોગીના બોધપાઠ શેર કરવાની પણ રજૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ એક સૂર્ય, એક વિશ્વ, એક ગ્રીડ (OSOWOG) પહેલને પણ યાદ કરી હતી જેને ઓક્ટોબર 2018માં આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન (ISA)ની પ્રથમ સભા દરમિયાન લાવવામાં આવી હતી અને કહ્યું હતું કે, મોરેશિયસમાં તૈયાર થઇ હેલા 8 MW સોલર PV ફાર્મથી 13,000 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ટાળી શકાશે જેથી મોરેશિયસ આબોહવા પરિવર્તનની જે સમસ્યાનો સામનો કરી રહ્યું છે તેનું શમન કરવામાં મદદ મળશે.

મોરેશિયસના પ્રધાનમંત્રી શ્રી પ્રવિંદ જુગનાથે પોતાની ટિપ્પણી દરમિયાન ભારતે મોરેશિયસને આર્થિક સહાય ઉપરાંત વિવિધ પ્રકારે વ્યાપક પ્રમાણમાં કરેલી મદદ બદલ ભારતનો આભાર માન્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ભારત અને મોરેશિયસ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈઓ સુધી પહોંચી શક્યા છે.

ભારત સરકારે મે 2016માં મોરેશિયસ સરકાર દ્વારા પાંચ પ્રાથમિકતાની પરિયોજનાઓ સહિત અન્ય યોજનાઓ અમલમાં મૂકવામા માટે મોરેશિયસ સરકારને વિશેષ આર્થિક પેકેજ રૂપે 353 મિલિયન અમેરિકી ડૉલરની સહાય આપી હતી. આ મુખ્ય પાંચ યોજનાઓમાં મેટ્રો એક્સપ્રેસ પ્રોજેક્ટ, સર્વોચ્ચ અદાલતની ઈમારત, નવી ENT હોસ્પિટલ, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ ટેબ્લેટ્સનો પૂરવઠો અને સામાજિક આવાસ પરિયોજના છે. આજે સામાજિક આવાસ પરિયોજનાના ઉદ્ઘાટન સાથે, SEP હેઠળ તમામ ઉચ્ચ પ્રોફાઇલ પરિયોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે.

નાગરિક સેવા કોલેજ પરિયોજના રેડુઇટમાં આવેલી છે જેના માટે 2017માં મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથે ભારતની મુલાકાત લીધી ત્યારે બંને દેશો વચ્ચે કરવામાં આવેલા MoU હેઠળ 4.74 મિલિયન અમેરિકી ડૉલરની અનુદાન સહાય દ્વારા નાણાં આપવામાં આવી રહ્યાં છે. એકવાર આ કોલેજનું નિર્માણ થઇ જાય તે પછી, તે મોરિશયસના નાગરિક સેવકો માટે સંપૂર્ણ સાધન સંપન્ન અને કાર્યરત સુવિધા પ્રદાન કરશે જેથી અહીં વિવિધ તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો હાથ ધરી શકાશે. આનાથી ભારત સાથે તેમના સંસ્થાગત જોડાણમાં પણ વધારે મજબૂતી આવશે.

8 MW સોલર PV ફાર્મમાં 25,000 PV સેલનું ઇન્સ્ટોલેશન સામેલ છે જેનાથી દર વર્ષે અંદાજે 14 GWh ગ્રીન ઉર્જાનું ઉત્પાદન થશે જે મોરેશિયસમાં લગભગ 10,000 પરિવારોને વીજળી પૂરી પાડશે તેમજ દર વર્ષે 13,000 ટન કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ટાળી શકાશે. આના કારણે મોરેશિયસને આબોહવા પરિવર્તનના કારણે થતી અસરોનું શમન કરવામાં પણ મદદ મળી રહેશે.

આજના કાર્યક્રમમાં બે મુખ્ય દ્વિપક્ષીય કરારોનું આદાનપ્રદાન પણ સામેલ હતું જેમાં મેટ્રો એક્સપ્રેસ અને અન્ય માળખાકીય સુવિધાઓની પરિયોજનાઓ માટે ભારત સરકાર દ્વારા મોરેશિયસ સરકારને 190 મિલિયન અમેરિકી ડૉલરની લાઇન ઓફ ક્રેડિટ લંબાવવા માટેનો કરાર અને નાના વિકાસના પ્રોજેક્ટ્સના અમલીકરણ માટે MoU સામેલ છે.

કોવિડ-19ના કારણે ઉભા થયેલા પડકારો વચ્ચે પણ ભારત – મોરેશિયસ વિકાસ ભાગીદારી પરિયોજનાઓ ઝડપથી આગળ વધી છે. વર્ષ 2019માં, પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી જુગનાથે સંયુક્ત રીતે મોરેશિયસમાં મેટ્રો એક્સપ્રેસ પરિયોજના અને નવી ENT હોસ્પિટલ માટે વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કર્યું હતું. એવી જ રીતે, જુલાઇ 2020માં મોરેશિયસમાં નવી સર્વોચ્ચ અદાલતની ઈમારતનું બંને દેશના પ્રધાનમંત્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

ભારત અને મોરેશિયસ આપણા સામાન્ય ઇતિહાસ, વંશ, સંસ્કૃતિ અને ભાષામાં ઘનિષ્ઠ સંબંધો ધરાવે છે. આ આપણા બંને દેશો વચ્ચેની વિશેષાધિકૃત વિકાસ ભાગીદારીમાં આ બાબત પ્રતિબિંબિત થાય છે, જેમાં હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મોરેશિયસ ભારત માટે મુખ્ય વિકાસ ભાગીદાર છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ, સબકા પ્રયાસની ભાવનાને અનુરૂપ આજની ઘટના, આ સફળ અને સમયની કસોટીએ પરખાયેલી ભાગીદારીમાં વધુ એક સીમાચિહ્નરૂપ મુકામ છે.

SD/GP/JD



(Release ID: 1791323) Visitor Counter : 274