પ્રધાનમંત્રીનું કાર્યાલય
તમિલનાડુમાં 11 નવી મેડિકલ કૉલેજો અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલના એક નવા કૅમ્પસનાં ઉદ્ઘાટન ખાતે પ્રધાનમંત્રીનાં ભાષણનો મૂળપાઠ
Posted On:
12 JAN 2022 5:47PM by PIB Ahmedabad
તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર.એન. રવિ, તમિલનાડુના મુખ્ય મંત્રી શ્રી એમ કે સ્ટાલિન, કેન્દ્રીય પ્રધાન શ્રી મનસુખ માંડવિયા, મંત્રી પરિષદમાં મારા સાથીઓ શ્રી એલ. મુરુગન, ભારતી પવાર્જી, તમિલનાડુ સરકારના પ્રધાનો, સાંસદો, તમિલનાડુ વિધાનસભાના ધારાસભ્યો,
તમિલનાડુનાં બહેનો અને ભાઇઓ, વણક્કમ! આપ સૌને પોંગલ અને મકર સંક્રાંતિની શુભેચ્છા આપીને શરૂ કરવા દો. એક જાણીતું ગીત કહે છે-
தை பிறந்தால் வழி பிறக்கும்
આજે આપણે બે ખાસ કારણોથી ભેગા થયા છીએ: 11 મેડિકલ કૉલેજોનું ઉદ્ઘાટન. અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલની નવી ઇમારતનું ઉદ્ઘાટન. આ રીતે, આપણે આપણા સમાજની તંદુરસ્તી આગળ વધારી રહ્યા છીએ અને આપણી સંસ્કૃતિ સાથેનાં જોડાણને બળવત્તર બનાવી રહ્યા છીએ.
સાથીઓ,
તબીબી શિક્ષણ એ અભ્યાસના સૌથી ઇચ્છિત પ્રવાહોમાંનું એક છે. ભારતમાં તબીબોની અછત સર્વવિદિત છે. પરંતુ, આ સમસ્યા ઉકેલવા માટે પૂરતા પ્રયાસો થયા ન હતા. કદાચ સ્થાપિત હિતોએ પણ અગાઉની સરકારોને યોગ્ય નિર્ણયો ન લેવા દીધાં. અને, તબીબી શિક્ષણ સુધીની પહોંચ એક સમસ્યા બની ગઈ. જ્યારથી અમે પદભાર સંભાળ્યો છે, અમારી સરકારે આ ઊણપ ભરવા માટે કામ કર્યું છે. 2014માં આપણા દેશમાં 387 મેડિકલ કૉલેજો હતી. છેલ્લાં માત્ર સાત વર્ષોમાં જ આ સંખ્યા વધીને 596 મેડિકલ કૉલેજો થઈ છે. આ 54 ટકાનો વધારો છે. 2014માં આપણા દેશમાં આશરે 82 હજાર મેડિકલ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ બેઠકો હતી. છેલ્લાં સાત વર્ષોમાં આ સંખ્યા વધીને આશરે 1 લાખ 48 હજાર બેઠકો થઈ છે. આ આશરે 80 ટકાનો વધારો છે. 2014માં દેશમાં માત્ર સાત એઈમ્સ હતી. પરંતુ 2014 બાદ, મંજૂર થયેલી એઈમ્સની સંખ્યા વધીને 22 થઈ છે. એની સાથે સાથે, તબીબી શિક્ષણ ક્ષેત્રને વધારે પારદર્શક બનાવવા માટે વિવિધ સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે. મેડિકલ કૉલેજો અને હૉસ્પિટલ્સ સ્થાપવા માટેનાં નિયમોને ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ઉદાર બનાવાયા છે.
સાથીઓ,
મને જણાવાયું હતું કે આ પહેલી વાર છે કે કોઇ પણ એક રાજ્યમાં પહેલી વાર એકસાથે 11 મેડિકલ કૉલેજોનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે. થોડા દિવસો પહેલાં જ, મેં આ જ સમયે ઉત્તર પ્રદેશમાં 9 મેડિકલ કૉલેજોનું ઉદ્ઘાટન કર્યું હતું. એટલે, હું મારો પોતાનો જ વિક્રમ તોડી રહ્યો છું. પ્રાદેશિક અસંતુલનને ઉકેલવું અગત્યનું છે. આ પરિપ્રેક્ષ્યમાં, બે મેડિકલ કૉલેજો રામનાથપુરમ અને વિરુધુનગરના આકાંક્ષી જિલ્લાઓમાં ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે એ જોવું સારું છે. આ એ જિલ્લાઓ છે જ્યાં વિકાસ પર ખાસ ધ્યાનની જરૂર છે. એક કૉલેજ નિલગીરીસના દૂરના પર્વતીય જિલ્લામાં છે.
સાથીઓ,
જીવનકાળમાં એક વાર આવતી કોવિડ-19 મહામારીએ આરોગ્ય ક્ષેત્રની અગત્યતાનો ફરી એકરાર કર્યો છે. ભવિષ્ય એ સમાજોનું છે જે આરોગ્ય સંભાળમાં રોકાણ કરે. ભારત સરકાર આ ક્ષેત્રમાં ઘણાં સુધારા લાવી છે. આયુષ્માન ભારતના કારણે, ગરીબોને સર્વોચ્ચ ગુણવત્તાની અને સસ્તી આરોગ્ય સંભાળ મળી છે. ઘૂંટણ ઇમ્પ્લાન્ટ્સ અને સ્ટેન્ટ્સની કિમતો હતી એના કરતા ત્રીજા ભાગની થઈ છે. પીએમ-જન ઔષધિ યોજનાએ સસ્તી દવાઓ મેળવવામાં લગભગ ક્રાંતિ આણી છે. ભારતમાં આવા આશરે 8000થી વધુ સ્ટૉર્સ છે. આ યોજનાને ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગને મદદ કરી છે. દવાઓ પર ખર્ચાતાં નાણાં ઘણાં અંશે ઘટી ગયા છે. મહિલાઓમાં તંદુરસ્ત જીવનશેલીને આગળ ધપાવવા, સેનિટરી નેપકિન્સ એક રૂપિયામાં પૂરાં પડાઈ રહ્યાં છે. હું તમિલનાડુના લોકોને આ યોજનાનો પૂરો લાભ લેવા અનુરોધ કરીશ. પ્રધાનમંત્રી આયુષ્માન ભારત ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો ઉદ્દેશ આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આરોગ્ય સંશોધન ખાસ કરીને જિલ્લા સ્તરે ઊણપને ભરવાનો છે. તમિલનાડુને આગામી પાંચ વર્ષોમાં રૂપિયા ત્રણ હજાર કરોડની મદદ પૂરી પડાશે. આનાથી સમગ્ર રાજ્યમાં શહેરી આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, જિલ્લા જાહેર આરોગ્ય લૅબ્સ અને ક્રિટિકલ કેર બ્લૉક્સ સ્થાપવામાં મદદ મળશે. તમિલનાડુના લોકો માટે આના લાભો અપાર હશે.
સાથીઓ,
આગામી વર્ષોમાં હું ભારતને ગુણવત્તા અને સસ્તી સંભાળ માટે ગો ટુ ડેસ્ટિનેશન તરીકે જોઉં છું. મેડિકલ ટુરિઝમ માટેના હબ બનવા માટે જરૂરી બધું જ ભારત પાસે છે. આ હું આપણા તબીબોની કુશળતાના આધારે કહું છું. હું તબીબી આલમને ટેલિ-મેડિસિન પર પણ ધ્યાન આપવા અનુરોધ કરું છું. આજે, વિશ્વએ સુખાકારી વધારતી ભારતીય પદ્ધતિઓની નોંધ લીધી છે. આમાં યોગ, આયુર્વેદ અને સિદ્ધનો સમાવેશ થાય છે. અમે આને વિશ્વ સમજે એ ભાષામાં લોકપ્રિય કરવા કામ કરી રહ્યા છીએ.
સાથીઓ,
સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લાસિકલ તમિલની નવી ઈમારત તમિલ અભ્યાસને વધારે લોકપ્રિય બનાવશે. તે વિદ્યાર્થીઓ અને સંશોધકોને વ્યાપક ફલક પણ આપશે. મને જણાવાયું છે કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ તમિલનો ઇરાદો તિરુક્કુલનો વિવિધ ભારતીય ભાષાઓ અને વિદેશી ભાષાઓમાં અનુવાદિત કરી પ્રસિદ્ધ કરવાનો છે. આ એક સારું પગલું છે. તમિલ ભાષા અને સંસ્કૃતિની સમૃદ્ધતાએ મને હંમેશા આકર્ષ્યો છે. મારાં જીવનની સૌથી ખુશ ઘડીઓમાંની એક ઘડી એ હતી જ્યારે મને સંયુક્ત રાષ્ટ્રોમાં વિશ્વની સૌથી જૂની ભાષા, તમિલમાં જૂજ શબ્દો બોલવાની તક મળી. સંગમ ક્લાસિક્સ પ્રાચીન સમયનાં સમૃદ્ધ સમાજ અને સંસ્કૃતિની આપણી બારી છે. અમારી સરકારને પણ બનારસ હિંદુ યુનિવર્સિટી ખાતે ‘સુબ્રમણ્ય ભારતી પીઠ’ સ્થાપવાનું ગૌરવ મળ્યું છે. મારા સંસદીય મતવિસ્તારમાં આવેલ આ પીઠ, તમિલ વિશે વધુ જિજ્ઞાસા જગાડશે. મેં જ્યારે તિરુક્કુરલનો ગુજરાતીમાં અનુવાદ પ્રસિદ્ધ કર્યો ત્યારે હું જાણતો હતો કે આ અનંત કાર્યના સમૃદ્ધ વિચારો ગુજરાતના લોકોને જોડશે અને પ્રાચીન તમિલ સાહિત્યમાં વધારે રસ જગાડશે.
સાથીઓ,
આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અમે ભારતીય ભાષાઓ અને ભારતીય જ્ઞાન પદ્ધતિઓને ઉત્તેજન આપવા બહુ મોટો ભાર મૂક્યો છે. સેકન્ડરી કે મિડલ લેવલે શાળા શિક્ષણમાં હવે તમિલનો પ્રાચીન ભાષા તરીકે અભ્યાસ થઈ શકે છે. ભાષા-સંગમમાં તમિલ ભાષાઓમાંની એક ભાષા છે જ્યાં શાળાના વિદ્યાર્થીઓ વિવિધ ભારતીય ભાષાઓમાં ઑડિયો-વીડિયોમાં 100 વાક્યોથી વાકેફ થાય છે. તમિલની સૌથી મોટી ઈ-વિષય વસ્તુને ભારતવાણી પ્રોજેક્ટ હેઠળ ડિજિટલાઇઝ્ડ કરવામાં આવી છે.
સાથીઓ,
અમે શાળાઓમાં માતૃભાષામાં અને સ્થાનિક ભાષાઓમાં શિક્ષણ પર ભાર આપી રહ્યા છીએ. અમારી સરકારે ઇજનેરી જેવા ટેકનિકલ અભ્યાસક્રમો પણ વિદ્યાર્થીઓને ભારતીય ભાષામાં ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે. તમિલનાડુએ ઘણા તેજસ્વી ઇજનેરો આપ્યા છે. એમાંના ઘણાં ટોચના વૈશ્વિક ટેકનોલોજી અને બિઝનેસ લીડર્સ બન્યા છે. હું આ પ્રતિભાશાળી તમિલ સમુદાયને સ્ટેમ અભ્યાસક્રમોમાં તમિલ ભાષા વિકસાવવામાં મદદ કરવા માટે અનુરોધ કરું છું. અમે અંગ્રેજી ભાષાના ઓનલાઇન અભ્યાસક્રમોને તમિલ સહિતની બાર વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદ કરવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત લેન્ગ્વેજ ટ્રાન્સલેશન ટૂલ પણ વિકસાવી રહ્યા છીએ.
સાથીઓ,
ભારતની વિવિધતા આપણી તાકાત છે. એક ભારત શ્રેષ્ઠ ભારત વિવિધતામાં એક્તાની ભાવના વધારવા અને આપણા લોકોને વધુ નિકટ લાવવા માગે છે. હરિદ્વારમાં જ્યારે એક નાનું બાળક થિરુવલ્લુવરની પ્રતિમા જુએ છે અને એની મહાનતા વિશે જાણે છે ત્યારે એ યુવા મનમાં એક ભારત શ્રેષ્ઠ ભારતનું બીજ વવાય છે. એવી જ ભાવના જ્યારે હરિયાણાનું એક બાળક કન્યાકુમારી ખાતે રોક મેમોરિયલની મુલાકાત લે છે ત્યારે જોવા મળે છે. જ્યારે તમિલનાડુ કે કેરળનાં બાળકો વીર બાલ દિવસ વિશે જાણે છે, ત્યારે તેઓ સાહિબઝાદેનાં જીવન અને સંદેશા સાથે જોડાય છે. આ ભૂમિના મહાન સપૂતો જેમણે એમનાં જીવનનું બલિદાન આપ્યું પણ કદી પોતાના આદર્શો સાથે સમાધાન ન કર્યું. અન્ય સંસ્કૃતિઓ શોધવા પણ આપણે પ્રયાસ કરીએ. હું ખાતરી આપું છું કે તમને એમાં મજા આવશે.
સાથીઓ,
હું સમાપન કરું એ પહેલાં, હું આપ સૌને તમામ કોવિડ-19 સંબંધી પ્રોટોકોલ્સ ખાસ કરીને માસ્ક શિસ્તને અનુસરવા વિનંતી કરું છું. ભારતની રસીકરણની ઝુંબેશ નોંધપાત્ર પ્રગતિ કરી રહી છે. છેલ્લા કેટલાંક દિવસોમાં, 15 થી 18 વર્ષના વયજૂથની શ્રેણીમાં યંગસ્ટર્સે એમના ડૉઝ લેવાના શરૂ કર્યા છે. વૃદ્ધો અને આરોગ્ય સંભાળ કાર્યકરો માટે અગમચેતીના ડૉઝ પણ શરૂ થયા છે. હું જેઓ પાત્ર છે એ સૌને રસી લેવાનો અનુરોધ કરું છું.
સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ અને સબ કા પ્રયાસના મંત્રથી માર્ગદર્શિત થઈ આપણે સૌએ 135 કરોડ ભારતીયોનાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા ભેગા મળી કામ કરવાનું છે. મહામારીમાંથી બોધ લઈને આપણે આપણા દેશવાસીઓને સમાવેશી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ સુનિશ્ચિત કરવા કામ ચાલુ રાખવાનું છે. આપણે આપણી સમૃદ્ધ સંસ્કૃતિમાંથી શીખ લઈને આવનારી ભાવિ પેઢીઓ માટે અમૃત કાળનો પાયો ચણવાનો છે. પોંગલના અવસરે ફરી એક વાર સૌને શુભકામના. આ તહેવાર આપણા સૌના માટે શાંતિ અને સમૃદ્ધિ લાવે.
વણક્કમ.
આભાર.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1789516)
Visitor Counter : 280
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam