પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં રૂ. 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કર્યું


ઉત્તરાખંડનાં લોકોનું સામર્થ્ય આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે”

“લખવાડ પરિયોજના વિશે પહેલાં 1976માં વિચાર થયો હતો. આજે 46 વર્ષો બાદ, અમારી સરકારે એના કામ માટે ભૂમિપૂજન કર્યું છે. આ વિલંબ અપરાધ સમાન છે”

“ભૂતકાળની અસુવિધાઓને અને અભાવને હવે સુવિધાઓ અને સદ્ભાવમાં ફેરવાઇ રહ્યાં છે”

“આજે, દિલ્હીમાં અને દહેરાદૂનમાં સરકારો સત્તાભાવથી નહીં પણ સેવાભાવથી ચાલે છે”

“તમારાં સપનાં અમારા સંકલ્પો છે. તમારી ઇચ્છા અમારી પ્રેરણા છે; અને તમારી દરેક જરૂરિયાત પૂર્ણ કરવાની અમારી જવાબદારી છે.”

Posted On: 30 DEC 2021 3:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરાખંડમાં રૂ. 17500 કરોડથી વધુની 23 પરિયોજનાઓનું ઉદઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. તેમણે લખવાડ બહુહેતુક પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો જેનો વિચાર પહેલાં 1976માં થયો હતો અને ઘણાં વર્ષોથી પડતર હતી. તેમણે રૂ. 8700 કરોડની માર્ગ ક્ષેત્રની પરિયોજનાઓનું ઉદઘાટન અને ભૂમિપૂજન કર્યું હતું. આ માર્ગ પરિયોજનાઓ દૂરના, ગ્રામીણ અને સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનને સાકાર કરશે. કૈલાશ માનસરોવર યાત્રાને પણ સુધારેલી કનેક્ટિવિટી મળશે. તેમણે ઉધમસિંહ નગર ખાતે અને પિથૌરાગઢ ખાતે જગજીવન રામ સરકારી મેડિકલ કૉલેજમાં એઈમ્સ ઋષિકેશ સેટેલાઇટ સેન્ટરનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સેટેલાઇટ સેન્ટરો દેશના તમામ ભાગોમાં વિશ્વ સ્તરની મેડિકલ સુવિધાઓ પૂરી પાડવાના પ્રધાનમંત્રીના પ્રયાસને અનુરૂપ છે. તેમણે કાશીપુરમાં અરોમા પાર્ક અને સિતારગંજ ખાતે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રિઅલ પાર્કનો અને સમગ્ર રાજ્યમાં આવાસ, સેનિટેશન અને પીવાનાં પાણી પુરવઠામાં બહુવિધ અન્ય પહેલનો પણ શિલાન્યાસ કર્યો હતો.

સમારોહને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ કુમાઉં સાથેના એમના જૂના સંબંધો યાદ કર્યા હતા અને ઉત્તરાખંડની ટોપી પહેરાવીને પોતાનું સન્માન કરવા બદલ આ પ્રદેશના લોકોનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ વિસ્તૃત રીતે જણાવ્યું કે આ દાયકો ઉત્તરાખંડનો દાયકો છે એવું તેઓ શા માટે માને છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ઉત્તરાખંડના લોકોનું સામર્થ્ય આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. ઉત્તરાખંડમાં વિકસતું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ચાર ધામ પરિયોજના, નવા રેલ માર્ગો નિર્મિત થઈ રહ્યા છે એ આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે. હાઇડ્રો પાવર, ઉદ્યોગ, પર્યટન, પ્રાકૃતિક ખેતી અને કનેક્ટિવિટીનાં ક્ષેત્રે ઉત્તરાખંડે ભરેલી હરણફાળનો ઉલ્લેખ તેમણે કર્યો હતો અને કહ્યું કે આ બધું આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે.

પ્રધાનમંત્રી આ પર્વતીય પ્રદેશને સતત વિકાસથી વંચિત રાખતી વિચારધારા અને આ પર્વતીય રાજ્યના વિકાસ માટે નિરંતર કામ કરતી વિચારધારા વચ્ચેનો ભેદ ઉજાગર કર્યો હતો. તેમણે કહ્યું કે વિકાસ અને સુવિધાઓના અભાવે ઘણાં લોકો આ પ્રદેશથી અન્ય સ્થળે હિજરત કરી ગયા. તેમણે કહ્યું હતું કે સરકાર સબ કા સાથ, સબ કા વિકાસની ભાવના સાથે કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ઉધમસિંહ નગર અને પિથૌરગઢ ખાતે જગજીવન રામ સરકારી મેડિકલ કૉલેજ ખાતે એઈમ્સ ઋષિકેશ સેટેલાઈટ સેન્ટર રાજ્યમાં તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે આજે આરંભ થયેલ સહિતની પરિયોજનાઓ રાજ્યમાં કનેક્ટિવિટીને સુધારશે. તેમણે કહ્યું હતું કે આજે જે ભૂમિપૂજનો થઈ રહ્યાં છે એ પ્રતિજ્ઞા સ્તંભો છે જેને સંપૂર્ણ નિર્ધાર સાથે અનુસરવામાં આવશે. તેમણે કહ્યું કે ભૂતકાળની અસુવિધાઓ અને અભાવને હવે સુવિધાઓ અને સદભાવમાં ફેરવાઇ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે છેલ્લાં સાત વર્ષો દરમ્યાન હર ઘર જલ, શૌચાલય, ઉજ્જવલા યોજના, પીએમએવાય મારફત મહિલાઓનાં જીવનમાં નવી સુવિધાઓ અને ગરિમા મળી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સરકારી યોજનાઓમાં વિલંબ એ અગાઉ જે લોકો સરકારમાં હતા એમનો કાયમી ટ્રેડમાર્ક રહ્યો છે. “લખવાડ પરિયોજના જે આજે ઉત્તરાખંડમાં અહીં શરૂ થઈ છે એનો પણ એવો જ ઈતિહાસ છે. આ પરિયોજના પર પહેલાં 1976માં વિચાર કરવામાં આવ્યો હતો. આજે 46 વર્ષો બાદ, અમારી સરકારે આ કામ માટે શિલાન્યાસ કર્યો છે. આ વિલંબ એ બીજું કઈ નહીં પણ ગુનો છે”, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી મિશનમાં જોતરાયેલી છે. શૌચાલયોનાં નિર્માણ, વધારે સારી સુએઝ વ્યવસ્થા અને આધુનિક વૉટર ટ્રિટમેન્ટ સુવિધાઓ સાથે ગંગામાં પડતી ગંદા પાણીની ગટરોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે. એવી જ રીતે, નૈનિતાલ ઝીલ પર પણ ધ્યાન અપાઇ રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકારે ભારતનો સૌથી મોટો ઑપ્ટિકલ ટેલિસ્કૉપ નૈનિતાલમાં દેવસ્થળ ખાતે સ્થાપિત કર્યો છે. આનાથી દેશ અને વિદેશના વૈજ્ઞાનિકોને નવી સુવિધા મળી છે એટલું જ નહીં પણ આ વિસ્તારને પણ નવી ઓળખ મળી છે. તેમણે કહ્યું કે આજે, દિલ્હી અને દહેરાદૂનમાં સરકારો સત્તાભાવથી નહીં પણ સેવાભાવથી ચાલે છે.

પ્રધાનમંત્રીએ એ હકીકત પ્રત્યે ખેદ વ્યક્ત કર્યો કે સીમાવર્તી રાજ્ય હોવાં છતાં ઘણી સંરક્ષણ સંબંધી જરૂરિયાતોની ઉપેક્ષા કરવામાં આવી. કનેક્ટિવિટીની સાથે, રાષ્ટ્રીય સલામતીનાં દરેક પાસાંની ઉપેક્ષા કરવામાં આવી. તેમણે કહ્યું કે કનેક્ટિવિટી, આવશ્યક કવચ, દારૂગોળા અને શસ્ત્રો માટે સૈનિકોએ રાહ જોવી પડતી હતી અને આક્રમણખોરો અને ત્રાસવાદીઓને યોગ્ય જવાબ આપવામાં પણ.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી કે ઉત્તરાખંડ વિકાસની ગતિને વેગીલી કરવા માગે છે. તેમણે કહ્યું “તમારાં સપનાં અમારા સંકલ્પો છે; તમારી ઇચ્છા અમારી પ્રેરણા છે; અને તમારી દરેક જરૂરિયાત પરિપૂર્ણ કરવાની અમારી જવાબદારી છે.” તેમણે કહ્યું કે ઉત્તરાખંડનાં લોકોનો સંકલ્પ આ દાયકાને ઉત્તરાખંડનો દાયકો બનાવશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1786338) Visitor Counter : 247