પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું


બિના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પરિયોજનાનું ઉદઘાટન કર્યું

“ઉત્તર પ્રદેશની ડબલ એન્જિનની સરકાર આજે ભૂતકાળમાં જે સમય બરબાદ થયો એની ભરપાઇ કરવાની કોશીશમાં છે. અમે ડબલ સ્પીડે કામ કરી રહ્યા છીએ”

“અમારી સરકારે કાનપુર મેટ્રોનો શિલાન્યાસ કર્યો અને અમારી સરકાર એને સમર્પિત કરી રહી છે. અમારી સરકારે પૂર્વાંચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કર્યો અને અમારી સરકારે એ કામ પૂર્ણ કર્યું”

“જો આજે આપણે કાનપુર મેટ્રોનો સમાવેશ કરીએ તો ઉત્તર પ્રદેશમાં મેટ્રોની લંબાઈ હવે 90 કિમી કરતા વધારે છે. 2014માં તે 9 કિમી હતી અને 2017માં માત્ર 18 કિમી”

“રાજ્યોના સ્તરે સમાજમાં અસમાનતા દૂર કરવી અગત્યની છે. એટલે જ અમારી સરકાર સબ કા સાથ સબ કા વિશ્વાસના મંત્ર પર કામ કરી રહી છે”

“આ ડબલ એન્જિનની સરકાર જાણે છે કે મોટાં લક્ષ્યો કેવી રીતે નક્કી કરવાં અને કેવી રીતે એને સિદ્ધ કરવાં”

Posted On: 28 DEC 2021 3:53PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે કાનપુર મેટ્રો રેલ પરિયોજનાનું નિરીક્ષણ કર્યું હતું અને આઇઆઇટી મેટ્રો સ્ટેશનથી ગીતાનગર સુધી મેટ્રોમાં યાત્રા કરી હતી. તેમણે બિના-પનકી મલ્ટીપ્રોડક્ટ પાઇપલાઇન પ્રોજેક્ટનું પણ ઉદઘાટન કર્યું હતું. પાઇપલાઇનને મધ્યપ્રદેશની બિના રિફાઇનરીથી કાનપુરમાં પનકી સુધી લંબાવાઇ છે અને એનાથી પ્રદેશને બિના રિફાઇનરીથી પેટ્રોલિયમ પેદાશો મળવામાં મદદ થશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ પુરી સહિતના મહાનુભાવો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

મેટ્રો કનેક્ટિવિટી અને પાઇપલાઇન પરિયોજનાના ઉદઘાટન માટે પ્રધાનમંત્રીએ કાનપુરના લોકોને અભિનંદન આપ્યા હતા. આ શહેર સાથે પોતાના લાંબા સમયના સંબંધને યાદ કરતા તેમણે પોતાના સંબોધનની શરૂઆત ઘણાં સ્થાનિક ઉલ્લેખો સાથે કરી હતી અને કાનપુરના લોકોનાં બિન્દાસ્ત અને મજાકિયા સ્વભાવ અંગે હળવી ટિપ્પણી કરી હતી. તેમણે દીન દયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને સુંદર સિંહ ભંડારી જેવા દિગ્ગજોનાં ઘડતરમાં શહેરની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એવી પણ નોંધ લીધી કે આજનો દિવસ મંગળવાર છે અને ઉત્તર પ્રદેશના વિકાસમાં પનકીવાળા હનુમાનજીનાં આશીર્વાદથી વધુ એક સુવર્ણ અધ્યાય ઉમેરાઇ રહ્યો છે. “ઉત્તર પ્રદેશની આ ડબલ એન્જિનની સરકાર ભૂતકાળમાં જે સમય ગુમાવાયો એની ભરપાઇ કરવા માટે આજે પ્રયત્ન કરી રહી છે. અમે ડબલ સ્પીડથી કામ કરી રહ્યા છીએ”, એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશની સ્થિતિ માટે બદલાયેલી તસવીરની નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે એક રાજ્ય, જે ગેરકાયદે હથિયારો માટે જાણીતું હતું એ હવે સંરક્ષણ કૉરિડોરનું હબ છે જે દેશની સલામતી અને સુરક્ષામાં યોગદાન આપી રહ્યું છે. સમય મર્યાદાને વળગી રહેવાની કાર્ય સંસ્કૃતિ પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જે કામ માટે ભૂમિપૂજનો થયાં છે એને પૂર્ણ કરવા માટે આ ડબલ એન્જિનની સરકાર દિવસ રાત મહેનત કરી રહી છે. “અમારી સરકારે કાનપુર મેટ્રોનો શિલાન્યાસ કર્યો, અમારી સરકાર એને સમર્પિત પણ કરી રહી છે. અમારી સરકારે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનો શિલાન્યાસ કર્યો, અમારી સરકારે એનું કામ પૂર્ણ કર્યું”, શ્રી મોદીએ ચોખવટ કરી હતી. તેમણે મુખ્ય સિદ્ધિઓ ગણાવી હતી જેવી કે ઉત્તર પ્રદેશમાં આવી રહેલ સૌથી મોટું આંતરરાષ્ટ્રીય હવાઇ મથક, દેશનો સૌથી લાંબો એક્સપ્રેસ વે પણ રાજ્યમાં નિર્માણ થઈ રહ્યો છે અને ઉત્તર પ્રદેશમાં આવી રહેલ ડેડિકેટેડ ફ્રેટ કૉરિડોર હબ.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે વર્ષ 2014 પહેલાં, ઉત્તર પ્રદેશમાં મેટ્રોની કુલ લંબાઈ 9 કિમી હતી. 2014 અને 2017ની વચ્ચે, મેટ્રોની લંબાઇ વધીને કુલ 18 કિમી થઈ. જો આજે આપણે કાનપુર મેટ્રોને જોડીએ તો રાજ્યમાં મેટ્રોની લંબાઇ હવે વધીને 90 કિમી કરતા વધુ થઈ છે, એમ તેમણે કહ્યું હતું.

ભૂતકાળમાં અસમાન વિકાસની નોંધ લેતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દાયકાઓ સુધી, જો એક ભાગ વિકસિત થાય તો બીજો પાછળ રહી જતો. “રાજ્યોના સ્તરે સમાજમાં આ સમાનતા દૂર કરવાનું એટલું જ અગત્યનું છે. એટલે જ તો અમારી સરકાર સબ કા સાથ સબ કા વિકાસના મંત્ર પર કામ કરી રહી છે” એમ તેમણે ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું કે રાજ્યની જરૂરિયાતોને સમજીને ડબલ એન્જિનની આ સરકાર મજબૂત કામ કરી રહી છે. અગાઉ પાઇપ દ્વારા પાણી ઉત્તર પ્રદેશમાં કરોડો ઘરો સુધી પહોંચતું ન હતું. આજે અમે હર ઘર જલ મિશન મારફત ઉત્તર પ્રદેશનાં દરેક ઘરમાં સ્વચ્છ પાણી પૂરું પાડવામાં જોતરાયેલા છીએ’ એમ તેમણે ધ્યાન દોર્યું હતું.

ઉત્તર પ્રદેશને વિકાસની નવી ઊંચાઇઓએ લઈ જવા માટે આ ડબલ એન્જિનની સરકાર પ્રામાણિકતા અને જવાબદારી સાથે કામ કરી રહી છે. આ ડબલ એન્જિનની સરકાર જાણે છે કે કેવી રીતે મોટાં લક્ષ્યો નિર્ધારિત કરવાં અને કેવી રીતે એને સિદ્ધ કરવાં. તેમણે ટ્રાન્સમિશન, વીજળી સ્થિતિ, શહેરો અને નદીઓની સ્વચ્છતામાં સુધારાનાં ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે માહિતી આપી હતી કે 2014 સુધીમાં, રાજ્યના શહેરી ગરીબો માટે માત્ર 2.5 લાખ ઘરોની સરખામણીએ છેલ્લાં સાડા ચાર વર્ષોમાં 17 લાખ ઘરોને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે, સ્ટ્રીટ વૅન્ડર્સને પહેલી વાર સરકારનું ધ્યાન પ્રાપ્ત થયું છે અને પીએમ સ્વનિધિ યોજના મારફત રાજ્યમાં 7 લાખ લોકોને 700 કરોડ રૂપિયા કરતા વધારે મળ્યા છે. મહામારી દરમ્યાન, સરકારે રાજ્યમાં 15 કરોડથી વધુ નાગરિકો માટે મફત રાશનની વ્યવસ્થા કરી હતી. 2014માં, દેશમાં માત્ર 14 કરોડ એલપીજી જોડાણ હતાં. હવે 30 કરોડ કરતાં વધારે છે. એકલા ઉત્તર પ્રદેશમાં જ, 1.60 કરોડ પરિવારોને નવાં એલપીજી જોડાણો મળ્યાં છે.

કાયદો અને વ્યવસ્થાની સુધરેલી સ્થિતિનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે યોગી સરકાર દ્વારા માફિયા કલ્ચર નિર્મૂળ કરાતા ઉત્તર પ્રદેશમાં રોકાણ વધ્યું છે. વેપાર અને ઉદ્યોગની સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા સરકારે કાનપુર અને ફઝલગંજમાં મેગા લેધર ક્લસ્ટરને મંજૂરી આપી છે. સંરક્ષણ કૉરિડોર અને એક જિલ્લો, એક પેદાશ જેવી યોજનાઓથી કાનપુરના સાહસિકો અને વેપારીઓને લાભ થશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે કાયદાના ડરને લીધે અપરાધીઓ હવે બેકફૂટ પર છે. તેમણે સરકારી દરોડા મારફત તાજેતરમાં ગેરકાયદે નાણાંનો પર્દાફાશ કરાયો એનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે લોકો આવા લોકોનાં વર્ક કલ્ચરને જોઇ રહ્યાં છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 


(Release ID: 1785843) Visitor Counter : 314