પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ કાનપુરના IIT ખાતે 54મા દીક્ષાંત સમારંભમાં હાજરી આપી અને બ્લૉકચેઇન આધારિત ડિજિટલ ડિગ્રીનો પ્રારંભ કર્યો


“જે રીતે અત્યારે દેશમાં અમૃતકાળ ચાલી રહ્યો છે, એવી રીતે આ તમારા જીવનનો અમૃતકાળ છે”

“આજે, દેશની વિચારધારા અને અભિગમ તમારા જેવી જ છે. અગાઉ, વિચારધારા અવ્યવસ્થિત પ્રકારની હતી, તો આજની વિચારધારા કાર્ય અને પરિણામલક્ષી છે”

“દેશે ઘણો સમય ગુમાવ્યો છે. આ દરમિયાન, બે પેઢીઓ જતી રહી, આથી આપણે હવે બે મિનિટનો સમય પણ બગાડવાનો નથી”

“હું થોડો અધીરો લાગું છુ કારણ કે, મારી ઇચ્છા છે કે તમે આવી જ રીતે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અધીરા બનો. આત્મનિર્ભર ભારત સંપૂર્ણ સ્વતંત્રતાનું મૂળભૂત સ્વરૂપ છે, જ્યાં આપણે કોઇના પર નિર્ભર હોઇશું નહીં”

“જો તમે પડકારો શોધી રહ્યા હો તો, તમે શિકારી છો અને પડકારો તમારો શિકાર છે”

“જ્યારે આનંદ અને કરુણાભાવની વહેંચણી કરવાની વાત આવે ત્યારે, કોઇ પાસવર્ડ રાખશો નહીં અને ખુલ્લા દિલથી જીવનનો આનંદ લૂંટો”

Posted On: 28 DEC 2021 1:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાનપુરના IIT ખાતે યોજાયેલા 54મા દીક્ષાંત સમારંભમાં હાજરી આપી હતી અને ઇન-હાઉસ તૈયાર કરવામાં આવેલી બ્લૉકચેઇનથી સંચાલિત ટેકનોલોજી દ્વારા ડિજિટલ ડિગ્રીઓ ઇશ્યુ કરી હતી.

આ પ્રસંગે સંસ્થાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાનપુર માટે આજનો દિવસ શહેર તરીકે ઘણો મોટો દિવસ છે કારણ કે આજે તેને મેટ્રો સુવિધા મળી રહી છે અને અહીંથી પાસ થઇ રહેલા વિદ્યાર્થીઓના રૂપમાં કાનપુર સમગ્ર વિશ્વને અનમોલ ભેટ આપી રહ્યું છે. આ પ્રતિષ્ઠિત સંસ્થામાં વિદ્યાર્થીઓની શિક્ષણ સફર અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, IIT કાનુપરમાં પ્રવેશથી પાસ થવા સુધીની સફર દરમિયાન “તમને ચોક્કસપણે તમારામાં ઘણું મોટું પરિવર્તન અનુભવાયું હશે. અહીં આવતા પહેલાં અવશ્યપણે તમારા મનમાં એક અજાણ્યો ડર અથવા અજાણ્યો પ્રશ્ન ઘુમરાતો હશે. હવે તમારામાં કોઇ જ અજાણ્યો ડર નથી, હવે તમે આખી દુનિયાને એક્સપ્લોર કરવા માટે હિંમત ધરાવો છે. હવે કોઇ અજાણ્યા પ્રશ્નો મનમાં નથી, હવે મનમાં કંઇક શ્રેષ્ઠ કરવાની ઝંખના છે અને આખી દુનિયા પર પ્રભૂત્વ જમાવવાનું સપનું છે.”

કાનપુરના ઐતિહાસિક અને સામાજિક વારસાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કાનપુર ભારતના એવા જૂજ શહેરોમાંથી છે જે આટલા વૈવિધ્યપૂર્ણ હોય. પ્રધાનમંત્રીએ યાદ અપાવ્યું હતું કે, “સતી ચૌરાઘાટથી લઇને મંદારી પાસી સુધી, નાના સાહેબથી લઇને બટુકેશ્વર દત્ત સુધી, જ્યારે આપણે આ શહેરની મુલાકાત લઇએ ત્યારે, એવું લાગે છે કે, આપણે ગૌરવશાળી ભૂતકાળમાંથી પસાર થઇ રહ્યાં છીએ અને સ્વતંત્રતાના સંગ્રામમાં બલિદાનની કિર્તીને સ્પર્શી રહ્યા છીએ.”

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ જીવનકાળમાંથી પસાર થઇ રહેલા વિદ્યાર્થી તરીકેના વર્તમાન તબક્કાનું મહત્વ ટાંક્યું હતું. તમણે 1930ના દાયકાના સમયનો ઉલ્લેખ કરીને સમજાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “તે સમયે જેઓ 20-25 વર્ષના યુવાન હતા તેમણે ચોક્કસપણે 1947 સુધી, આઝાદીની સિદ્ધિ સુધીનો પ્રવાસ કર્યો હશે. એ તેમના જીવનનો સોનેરી તબક્કો હતો. આજે તમે પણ એવા જ પ્રકારના સુવર્ણ યુગમાં પ્રવેશ કરી રહ્યા છો. જે રીતે અત્યારે રાષ્ટ્રનો અમૃતકાળ ચાલી રહ્યો છે, તેવી જ રીતે આ તમારાં જીવનનો અમૃતકાળ છે.

કાનપુર IITએ પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ એવી સંભાવનાઓનું વર્ણન કર્યું હતું જે વર્તમાન ટેકનોલોજીના પરિદૃશ્યના કારણે આજના પ્રોફેશનલોને પ્રાપ્ત થઇ છે. AI, ઉર્જા, ક્લાઇમેટ ઉકેલો, આરોગ્ય ઉકેલો અને આપત્તિ વ્યવસ્થાપનમાં ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં રહેલા વિપુલ અવકાશો તરફ સૂચન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આ માત્ર તમારી જવાબદારીઓ નથી પરંતુ ઘણી પેઢીઓનાં સપનાં છે જેને પૂરાં કરવાનું તમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આ સમયગાળો મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવા અને તેને પ્રાપ્ત કરવા માટે તમારી તમામ શક્તિને કામે લગાડીને વેગ આપવનો છે.”

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, 21મી સદી સંપૂર્ણપણે ટેકનોલોજી દ્વારા સંચાલિત સદી છે. આ દાયકામાં પણ, ટેકનોલોજી વિવિધ ક્ષેત્રમાં તેનું પ્રભૂત્વ વધારવા જઇ રહી છે. ટેકનોલોજી વગરનું જીવન હવે કોઇપણ પ્રકારે અધુરું છે. તેમણે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, તેઓ જીવન અને ટેકનોલોજીની સ્પર્ધાના આ યુગમાં ચોક્કસપણે આગળ આવશે. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રનો મૂડ કેવો છે તે અંગે પોતાના વાંચન વિશે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે, દેશની વિચારધારા અને અભિગમ તમારા જેવી જ છે. અગાઉ, વિચારધારા અવ્યવસ્થિત પ્રકારની હતી, તો આજની વિચારધારા કાર્ય અને પરિણામલક્ષી છે. અગાઉ સમસ્યાઓથી દૂર ભાગવાનો પ્રયાસ કરવામાં આવતો હતો, જ્યારે આજે સમસ્યાઓના નિરાકરણ માટે સંકલ્પો લેવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ એ વાતનો અફસોસ કર્યો હતો કે, દેશની સ્વતંત્રતાની 25મી વર્ષગાંઠ પછી આપણા હાથમાંથી ઘણો સમય જતો રહ્યો છે જેનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણ માટે કરવાની જરૂર હતી. તેમણે કહ્યું હતું કે, “જ્યારે દેશે પોતાની સ્વતંત્રતાના 25 વર્ષ પૂરાં કર્યા ત્યારથી અત્યાર સુધીમાં આપણે પગભર થવા માટે ઘણું બધું કરવાનું હતું. ત્યારથી અત્યાર સુધીમાં ઘણું મોડું થઇ ગયું છે, દેશે ઘણો બધો સમય ગુમાવ્યો છે. આ દરમિયાન, બે પેઢીઓ નીકળી ગઇ છે, આથી હવે આપણી પાસે ગુમાવવા માટે 2 મિનિટ જેટલો સમય પણ નથી.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જો તેઓ તેમને થોડા અધીરા લાગતા હોય તો એનું કારણ એવું છે કે, તેઓ પાસ થઇ રહેલા વિદ્યાર્થીઓ પાસેથી ઇચ્છે છે કે, “વિદ્યાર્થીઓ આવી જ રીતે ભારતને આત્મનિર્ભર બનાવવા માટે અધીરા બને. આત્મનિર્ભર ભારત સંપૂર્ણ સ્વતંત્રતાનું મૂળભૂત સ્વરૂપ છે, જ્યાં આપણે કોઇના પર નિર્ભર હોઇશું નહીં.” પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદનું વિધાન યાદ કર્યું હતું કે, “દરેક રાષ્ટ્ર પાસે આપવા માટે એક સંદેશ હોય છે, પૂરું કરવા માટે એક મિશન હોય છે, પહોંચવા માટે એક મુકામ હોય છે. જો આપણે આત્મનિર્ભર ના બનીએ તો, આપણે કેવી રીતે આપણો દેશ પોતાના લક્ષ્યો પૂરાં કરી શકે, કેવી રીતે તે પોતાના મુકામ સુધી પહોંચી શકે.”

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અટલ ઇનોવેશન મિશન, પ્રધાનમંત્રી સંશોધન ફેલોશીપ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેવી વિવિધ પહેલ હાથ ધરીને નવો ઉત્સાહ અને નવી તકોનું સર્જન કરવામાં આવી રહ્યું છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં કરવામાં આવેલા સુધારા અને નીતિઓના કારણે આવતા અવરોધો દૂર કરવાના પરિણામો સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આઝાદીના 75માં વર્ષમાં ભારતમાં 75 થી વધુ યુનિકોર્ન કંપનીઓ છે, 50,000 કરતાં વધારે સ્ટાર્ટ-અપ્સ છે. તેમાંથી 10,000 તો માત્ર છેલ્લા 6 મહિનામાં જ આવ્યા છે. આજે ભારત સમગ્ર વિશ્વમાં બીજા સૌથી મોટા સ્ટાર્ટઅપ હબ તરીકે ઉભરી આવ્યું છે. IITમાંથી યુવાનો દ્વારા ઘણા સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ દેશની વૈશ્વિક સ્થિતિમાં યોગદાન આપે તેવી પોતાની ઇચ્છા પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, “કઇ ભારતીય વ્યક્તિ એવું ના ઇચ્છે કે ભારતીય કંપનીઓ અને ભારતીય ઉત્પાદનો વૈશ્વિક બને. જેઓ IITને જાણે છે, અહીંની પ્રતિભા વિશે જાણે છે, અહીંના પ્રોફેસરોની મહેનત જાણે છે, તેઓ માને છે કે IITના આ યુવાનો ચોક્કસપણે તે કરી બતાવશે.

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને પડકારોના બદલે આરામ પસંદ ના કરવાની સલાહ આપી હતી. તેનું કારણ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “તમે ઇચ્છો કે ના ઇચ્છો, જીવનમાં પડકારો તો આવવાના જ છે. જેઓ પડકારોથી છટકીને દૂર ભાગી જાય છે તેઓ જ તેના શિકાર બને છે. જો તમે પડકારો શોધી રહ્યા હોવ તો, તમે શિકારી છો અને અને પડકાર તમારો શિકાર છે.”

વ્યક્તિગત રીતે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સંવેદનશીલતા, જિજ્ઞાસાવૃત્તિ, કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાને પોતાની અંદર જીવંત રાખવાની સલાહ આપી હતી અને જીવનના ટેકનોલોજી સિવાયના પાસાએ પ્રત્યે સંવેદનશીલ રહેવા કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે, “જ્યારે આનંદ અને કરુણાભાવ વહેંચવાની વાત આવે ત્યારે, કોઇ પાસવર્ડ ના રાખશો અને ખુલ્લા દિલથી જીવનો આનંદ લૂંટો.”

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1785788) Visitor Counter : 335