પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ ધામનું ઉદઘાટન કર્યું


“વિશ્વનાથ ધામ એ માત્ર એક ભવ્ય ઈમારત નથી, એ ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તે આપણા આધ્યાત્મિક આત્માનું પ્રતીક છે. આ ભારતની પ્રાચીનતા, પરંપરાઓ, ભારતની ઊર્જા અને ગતિશીલતાનું પ્રતીક છે.”

“અગાઉ મંદિરનો વિસ્તાર માત્ર 3000 ચોરસ ફિટનો જ હતો જે હવે વિસ્તારીને આશરે 5 લાખ ચોરસ ફિટ કરવામાં આવ્યો છે- હવે 50000 - 75000 શ્રદ્ધાળુઓ મંદિર અને મંદિર પરિસરની મુલાકાત લઈ શકે છે”

“કાશી વિશ્વનાથ ધામ સમર્પિત કરાયું એનાથી ભારતને નિર્ણાયક દિશા મળશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. આ સંકુલ આપણી ક્ષમતા અને આપણા કર્તવ્યનું સાક્ષી છે. સંકલ્પ અને સંલગ્ન વિચારની સાથે, કશું જ અશક્ય નથી”

“મારા માટે જનતા જનાર્દન જ ઈશ્વર છે, મારા માટે દરેક વ્યક્તિ ભગવાનનો અંશ છે. હું દેશ માટે લોકો પાસેથી ત્રણ સંકલ્પો માગું છું- સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ”

“ગુલામીના લાંબા સમયગાળાએ આપણો આત્મવિશ્વાસ એ રીતે તોડી નાખ્યો કે આપણે આપણાં સર્જનમાં જ વિશ્વાસ ગુમાવી દીધો. આજે, હજારો વર્ષ પ્રાચીન આ કાશીથી હું દરેક દેશવાસીને આહ્વાન કરું છું- સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સર્જન કરો, નવીનતમ રીતે એ કરો”

કાશી વિશ્વનાથ ધામનાં બાંધકામનું કામ કરનાર શ્રમિકોને સન્માન્યા અને એમની સાથે ભોજન લીધું

Posted On: 13 DEC 2021 3:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ ધામનું ઉદઘાટન કર્યું હતું. તેમણે કાશીમાં કાલ ભૈરવ મંદિર અને કાશી વિશ્વનાથ ધામ ખાતે પ્રાર્થના કરી હતી. તેમણે ગંગા નદીમાં પવિત્ર ડૂબકી પણ લગાવી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001VBSE.jpg

 

પોતાનાં સંબોધનની શરૂઆત ‘નગર કોટવાલ’ (ભગવાન કાલ ભૈરવ)નાં ચરણોમાં પ્રણામ સાથે કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે એમના આશીર્વાદ વિના કશું જ વિશેષ થતું નથી. પ્રધાનમંત્રીએ દેશવાસીઓ માટે ભગવાનના આશીર્વાદ માગ્યા હતા. પ્રધાનમંત્રીએ પુરાણોને ટાંક્યા હતા જે કહે છે કે જ્યારે કોઇ કાશીમાં પ્રવેશે છે કે તરત એ તમામ બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. “ભગવાન વિશ્વેશ્વરના આશીર્વાદ, અહીં આવતા જ એક અલૌકિક ઊર્જા આપણા અંતર-આત્માને જાગૃત કરી દે છે”. તેમણે ઉમેર્યું હતું કે વિશ્વનાથ ધામનું આ આખું નવું પરિસર એ માત્ર એક ભવ્ય ઇમારત નથી. તે ભારતની સનાતન સંસ્કૃતિનું પ્રતીક છે. તે આપણી આધ્યાત્મિક આત્માનું પ્રતીક છે. તે ભારતની પ્રાચીનતા, પરંપરાઓ, ભારતની ઊર્જા અને ગતિશીલતાનું પ્રતીક છે. પ્રધાનમંત્રીએ કહ્યું “અહીં જ્યારે કોઇ આવે છે, ત્યારે તે માત્ર આસ્થાનાં દર્શન નથી કરતો પણ અહીં આપને અતીતના ગૌરવની લાગણીનો અનુભવ થશે. કેવી રીતે પ્રાચીનતા અને નવીનતા એકસાથે સજીવ થઈ રહી છે. કેવી રીતે પ્રાચીન પરંપરાઓ ભવિષ્યને દિશા આપી રહી છે. એનાં સાક્ષાત દર્શન આપણે વિશ્વનાથ ધામ પરિસરમાં કરી રહ્યા છીએ’, એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે અગાઉ મંદિરનો વિસ્તાર માત્ર 3000 ચોરસ ફિટનો હતો જે હવે વધારીને આશરે 5 લાખ ચોરસ ફિટ કરવામાં આવ્યો છે. હવે 50000 – 75000 શ્રદ્ધાળુઓ મંદિર અને મંદિર પરિસરની મુલાકાત લઈ શકે છે. એટલે કે, પહેલા મા ગંગાના દર્શન અને સ્નાન અને ત્યાંથી સીધા વિશ્વનાથ ધામ, એમ તેમણે માહિતી આપી હતી.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021OAU.jpg

 

કાશીની ભવ્યતાનું વર્ણન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશી અવિનાશી છે અને ભગવાન શિવનાં સંરક્ષણમાં છે. આ ભવ્ય સંકુલનાં નિર્માણમાં કાર્ય કરનાર દરેક શ્રમિકનો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. કોરોના છતાં તેમણે અહીં કામ અટકવા ન દીધું. તેઓ શ્રમિકોને મળ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું. શ્રી મોદીએ ધામનાં બાંધકામ માટે કામ કરનાર શ્રમિકો સાથે બપોરનું ભોજન લીધું હતું. પ્રધાનમંત્રીએ બાંધકામ સાથે સંકળાયેલાં લોકો, વહીવટીતંત્ર, અહીં જેમનાં ઘર છે એ પરિવારો,  કારીગરોની પણ પ્રશંસા કરી હતી. આ બધાની સાથે તેમણે ઉત્તર પ્રદેશ સરકાર, કાશી વિશ્વનાથ ધામ પ્રોજેક્ટ પૂર્ણ કરવા અથાક મહેનત કરનાર મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથને પણ અભિનંદન આપ્યા હતા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003IKN0.jpg

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ શહેર પર આક્રમણકારોએ આક્રમણ કર્યું, એનો વિનાશ કરવાનો પ્રયાસ કર્યો. આ શહેર ઔરંગઝેબના અત્યાચાર અને એનાં આતંકના ઇતિહાસનું સાક્ષી છે. જેણે સભ્યતાને તલવારના જોરે બદલવાનો પ્રયત્ન કર્યો, જેણે સંસ્કૃતિને કટ્ટરતાથી કચડી નાખવાની કોશીશ કરી. પણ આ દેશની માટી શેષ વિશ્વથી અલગ છે. જો અહીં ઔરંગઝેબ છે, પ્રધાનમંત્રીએ કહ્યું, તો અહીં શિવાજી પણ છે. જો કોઇ સાલાર મસૂદ આવે છે તો રાજા સુહેલદેવ જેવા વીર યોદ્ધા એને ભારતની એક્તાની તાકાતનો પરચો બતાવે છે. અને બ્રિટિશ કાળમાં પણ કાશીના લોકો જાણે છે કે હેસ્ટિંગ્સની શી વલે થઈ હતી, એમ શ્રી મોદીએ જણાવ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004L9OX.jpg

 

પ્રધાનમંત્રીએ કાશીની કૃપા અને અગત્યતાનું વર્ણન આગળ વધાર્યું હતું. તેમણે ટિપ્પણી કરી કે કાશી એ માત્ર શબ્દોનો વિષય નથી, એ સંવેદનાઓની સૃષ્ટિ છે. કાશી એ છે- જ્યાં જાગૃતિ જ જીવન છે; કાશી એ છે- જ્યાં મૃત્યુ પણ મંગળ છે; કાશી એ છે – જ્યાં  સત્ય એ જ સંસ્કાર છે; કાશી એ છે- જ્યાં પ્રેમ જ પરંપરા છે. તેમણે ઉમેર્યું હતું કે વારાણસી એવું શહેર છે જ્યાં જગદગુરુ શંકરાચાર્યને શ્રી ડોમ રાજાની પવિત્રતાથી પ્રેરણા મળી અને દેશને એક્તાના સૂત્રમાં બાંધવાનો સંકલ્પ લીધો. આ એ સ્થળ છે જ્યાં ભગવાન શંકરની પ્રેરણાથી ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસ જેવી અલૈકિક રચનાઓ રચી. પ્રધાનમંત્રીએ આગળ ધપાવતા કહ્યું કે અહીંની ધરતી સારનાથમાં ભગવાન બુદ્ધનો બોધ વિશ્વ માટે પ્રગટ થયો. સમાજ સુધારણા માટે કબીરદાસ જેવા ઋષિમુનિ અહી6 પ્રગટ થયા. સમાજને જોડવાની જરૂરિયાત હતી તો સંત રૈદાસની ભક્તિની શક્તિનું કેન્દ્ર પણ આ કાશી બન્યું, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશી ચાર જૈન તીર્થંકરોની ભૂમિ છે, અહિંસા અને તપની પ્રતિમૂર્તિ. રાજા હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાથી લઈને વલ્લભાચાર્ય, રમાનંદના જ્ઞાન સુધી, ચૈતન્ય મહાપ્રભુ, સમર્થક ગુરુ રામદાસથી લઈને સ્વામી વિવેકાનંદ, મદનમોહન માલવીય સુધી. કાશીની પવિત્ર ધરતી અગણિત  ઋષિઓ-આચાર્યોનું ઘર રહી છે.  પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે છત્રપતિ શિવાજી મહારાજ અહીં આવ્યા હતા. રાણી લક્ષ્મીબાઇથી ચંદ્રશેખર આઝાદ સુધી, કાશી ઘણાં સેનાનીઓની કર્મભૂમિ રહી છે. ભારતેન્દુ હરિશ્ચંદ્ર, જયશંકર પ્રસાદ, મુનશી પ્રેમચંદ, પંડિત રવિ શંકર અને બિસ્મિલ્લા ખાન જેવી પ્રતિભાઓ આ ભવ્ય શહેરમાંથી છે, એમ તેમણે કહ્યું હતું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0055IO7.jpg

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે કાશી વિશ્વનાથ ધામ સમર્પિત કરવામાં આવ્યું એનાથી ભારતને નિર્ણાયક દિશા મળશે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જશે. આ સંકુલ આપણી ક્ષમતા અને આપણા કર્તવ્યનું સાક્ષી છે. સંકલ્પ અને સંહિત વિચારથી, કશું જ અશક્ય નથી. પ્રધાનમંત્રીએ કહ્યું “ભારતીયો પાસે અકલ્પનીયને સાકાર કરવાની શક્તિ છે. આપણે તપ જાણીએ છીએ, તપસ્યા જાણીએ છીએ અને દેશ માટે કેવી રીતે દિન રાત એક કરવા એ જાણીએ છીએ. ગમે એટલો મોટો પડકાર કેમ ન હોય, આપણે ભારતીયો મળીને એને પરાસ્ત કરી શકીએ છીએ.”

પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત એના ગુમાવેલા વારસાને ફરી જીવંત કરી રહ્યું છે. અહીં કાશીમાં મા અન્નપૂર્ણા ખુદ બિરાજે છે. તેમણે ખુશી વ્યક્ત કરી કે મા અન્નપૂર્ણાની પ્રતિમા, જે કાશીથી ચોરાઇ ગઈ હતી, એ હવે એક સદીની પ્રતીક્ષા બાદ કાશીમાં પુન:સ્થાપિત થઈ છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે એમના માટે જનતા જનાર્દન ઇશ્વરનું રૂપ છે અને તેમના માટે દરેક ભારતીયમાં ઈશ્વરનો અંશ છે. તેમણે દેશ માટે લોકો પાસેથી ત્રણ સંકલ્પો માગ્યા હતા- સ્વચ્છતા, સર્જન અને આત્મનિર્ભર ભારત માટે નિરંતર પ્રયાસ.

પ્રધાનમંત્રીએ સ્વચ્છતાને જીવનક્રમ ગણાવ્યો હતો અને આ સાહસમાં, ખાસ કરીને નમામિ ગંગે મિશનમાં લોકોની સહભાગિતાની હાકલ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ગુલામીના લાંબા સમયગાળાએ આપણો આત્મવિશ્વાસ એ રીતે તોડી નાખ્યો કે આપણે આપણાં પોતાના સર્જનમાંથી વિશ્વાસ ગુમાવી બેઠા. આજે, આ હજાર વર્ષ પ્રાચીન કાશીથી હું દરેક દેશવાસીને આહ્વાન કરું છું- સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સર્જન કરો, નવીનીકરણ કરો, નવીનતમ રીતે કરો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006NI4M.jpg

 

પ્રધાનમંત્રીએ કહ્યું કે ત્રીજો સંકલ્પ આજે એ લેવાની જરૂર છે કે આત્મનિર્ભર ભારત માટે આપણા પ્રયાસો વધારીએ. આ ‘અમૃત કાળ’માં, આઝાદીનાં 75મા વર્ષમાં, આપણે ભારત જ્યારે આઝાદીનાં 100 વર્ષોની ઉજવણી કરીએ ત્યારે ભારત કેવું હશે એના માટે કામ કરવું જ રહ્યું, એમ પ્રધાનમંત્રીએ સમાપન કર્યું હતું.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1780991) Visitor Counter : 254