પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ દિલ્હીમાં બેંક થાપણદાર વીમા કાર્યક્રમ દરમિયાન થાપણદારોને સંબોધન કર્યું
“છેલ્લા કેટલાક દિવસમાં, એક લાખ કરતાં વધારે થાપણદારોએ વર્ષોથી અટવાઇ ગયેલા તેમના નાણાં પાછા મેળવ્યા છે. આ રકમ રૂપિયા 1300 કરોડ કરતાં વધારે છે”
“આજનું નવું ભારત સમસ્યાના ઉકેલો લાવવા માટે તત્પર છે, આજનું ભારત સમસ્યાઓથી મોં ફેરવતું નથી”
“ગરીબોની ચિંતાને સમજીને, મધ્યવર્ગીય લોકોની સમસ્યાને સમજીને, અમે ગેરેન્ટીની રકમ વધારીને રૂ. 5 લાખ કરી છે”
“અગાઉ રિફંડ માટેની કોઇ સમય મર્યાદા નહોતી, હવે અમારી સરકારે 90 દિવસમાં રિફંડ ચુકવવાનું ફરજિયાત કર્યું છે”
“દેશની સમૃદ્ધિમાં બેંકો ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે. અને, બેંકોની સમૃદ્ધિ માટે થાપણદારોના નાણાંની સલામતીનું પણ એટલું જ મહત્વ છે. જો આપણે બેંકોને બચાવવા માંગતા હોઇએ તો, થાપણદારોનું રક્ષણ કરવું જરૂરી છે”
“દુનિયામાં વિકસિત દેશો પણ તેમના નાગરિકોને મદદ કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે, ભારતે દેશના લગભગ તમામ વર્ગના લોકોને ખૂબ જ ઝડપથી પ્રત્યક્ષ રીતે મદદ પૂરી પાડી છે”
“જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કરોડો બેંક ખાતાઓમાંથી, અડધાથી વધુ ખાતા મહિલાઓના છે”
Posted On:
12 DEC 2021 1:26PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ દિલ્હીમાં યોજવામાં આવેલા “થાપણદારો સૌથી પહેલા: રૂ. 5 લાખ સુધી બાંયધરીકૃત નિર્ધારિત સમયમાં થાપણ વીમાની ચુકવણી” કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. કેન્દ્રીય નાણાં મંત્રી, રાજ્ય નાણાં મંત્રી અને RBIના ગવર્નર સહિત અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન કેટલાક થાપણદારોને ચેક પણ અર્પણ કર્યા હતા.
ઉપસ્થિતોને સંબોધન કરતી વખતે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બેન્કિંગ ક્ષેત્ર અને દેશની બેંકોના કરોડો ખાતાધારકો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આજનો દિવસ દાયકાઓથી જેનો ઉકેલ નહોતો આવી રહ્યો તે મોટી સમસ્યાના ઉકેલનો સાક્ષી બની રહ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘થાપણદારો સૌથી પહેલા’ની ભાવના ઘણી અર્થપૂર્ણ છે. છેલ્લા કેટલાક દિવસમાં, એક લાખ કરતાં વધારે થાપણદારોને વર્ષોથી અટવાયેલા તેમના નાણાં પાછા મળી ગયા છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આ રકમ રૂપિયા 1300 કરોડ કરતાં વધારે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોઇપણ દેશ સમસ્યાનો સમયસર ઉકેલ લાવીને જ તે સમસ્યાના કારણે ઉભી થનારી પરિસ્થિતિને વધુ ખરાબ થતા બચાવી શકે છે. તેમણે આગળ કહ્યું હતું કે, જોકે, વર્ષોથી સમસ્યાઓને ટાળવાનું વલણ ચાલી રહ્યું હતું. આજનું નવું ભારત સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તત્પર છે. આજનું ભારત સમસ્યાઓથી મોં ફેરવતું નથી.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, બેંક થાપણદારો માટેના વીમાનું તંત્ર 60ના દાયકામાં લાવવામાં આવ્યું હતું. અગાઉ, બેંકમાં થાપણ પેટે મૂકવામાં આવતી રકમમાંથી, રૂપિયા 50 હજાર સુધીની રકમની ગેરેન્ટી લેવામાં આવતી હતી. ત્યારબાદ તે રકમ વધારીને રૂપિયા એક લાખ કરવામાં આવી. એટલે કે, જો બેંક ડુબી જાય તો થાપણદારોને માત્ર રૂપિયા એક લાખ સુધીની રકમ પાછી મળે તેવી જોગવાઇ હતી. આ નાણાં થાપણદારોને પરત ચુકવવા અંગે પણ કોઇ સમયમર્યાદા બાંધવામાં આવી નહોતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ગરીબોની ચિંતાને સમજીને, મધ્યવર્ગીય લોકોની સમસ્યાને સમજીને, અમે ગેરેન્ટીની રકમ વધારીને રૂ. 5 લાખ કરી છે.” કાયદામાં સુધારો કરીને અન્ય એક સમસ્યાનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, “અગાઉ રિફંડની ચુકવણી કરવા માટે કોઇ જ સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી નહોતી, પરંતુ હવે અમારી સરકારે આ સમય મર્યાદા નિર્ધારિત કરીને થાપણદારોને 90 દિવસમાં એટલે કે 3 મહિનામાં રિફંડ ચુકવવાનું ફરજિયાત કર્યું છે. બેંક ડુબી જાય તેવી સ્થિતિમાં પણ, થાપણદારોને 90 દિવસમાં તેમના નાણાં પાછા મળી જશે.”
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે દેશની સમૃદ્ધિમાં બેંકો ખૂબ જ મોટી ભૂમિકા નિભાવે છે. અને, બેંકોની સમૃદ્ધિ માટે થાપણદારોના નાણાં સુરક્ષિત રહે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. જો આપણે બેંકોને બચાવવા માંગતા હોઇએ તો, થાપણદારોનું રક્ષણ કરવું જરૂરી છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વર્ષોના સમયગાળામાં સંખ્યાબંધ નાની જાહેર ક્ષેત્રની બેંકોનું મોટી બેંકોમાં વિલિનીકરણ કરીને, દરેક રીતે તેમની ક્ષમતા, સામર્થ્ય અને પારદર્શકતામાં મજબૂતી લાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, RBI દ્વારા સહકારી બેંકો પર નજર રાખવામાં આવે છે, તેના કારણે સામાન્ય થાપણદારોને તેમના પર ભરોસામાં વધારો થાય છે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમસ્યા માત્ર બેંક ખાતા વિશેની નહોતી પરંતુ દૂરસ્થ ગામડાંઓ સુધી બેન્કિંગ સેવાઓ પહોંચાડવાની પણ સમસ્યા હતી. આજે, દેશના લગભગ દરેક ગામડાં સુધી બેંકોની શાખાઓની સુવિધા પહોંચી ગઇ છે અથવા 5 કિમીની ત્રિજ્યા વિસ્તારમાં બેંકોના પ્રતિનિધિઓ દ્વારા બેન્કિંગ સેવાઓ પહોંચાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે, ભારતના સામાન્ય નાગરિકો ગમે ત્યારે, ગમે ત્યાં, દિવસમાં 24 કલાકના ધોરણે નાનામાં નાના લેવડદેવડના કાર્યો ડિજિટલ માધ્યમથી કરવા માટે સમર્થ બન્યા છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આના જેવા સંખ્યાબંધ સુધારાઓ કરવામાં આવ્યા છે જેણે ભારતની બેન્કિંગ પ્રણાલીને 100 વર્ષમાં આવેલી સૌથી મોટી આપત્તિના સમય દરમિયાન પણ ખૂબ જ સુમગતાથી ચલાવવામાં મદદ કરી છે. તેમણે ઉમેર્યુ હતું કે, “દુનિયામાં વિકસિત દેશો પણ તેમના નાગરિકોને મદદ કરવામાં સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે, ભારતે દેશના લગભગ તમામ વર્ગના લોકોને ખૂબ જ ઝડપથી પ્રત્યક્ષ રીતે મદદ પૂરી પાડી છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષમાં લેવામાં આવેલા પગલાંઓના કારણે વીમા, બેંક લોન અને નાણાકીય સશક્તીકરણ જેવી સુવિધાઓને પણ ગરીબો, મહિલાઓ, રસ્તા પરના ફેરિયા, નાના ખેડૂતો સહિત સમાજમાં ખૂબ જ મોટા વંચિત વર્ગ સુધી પહોંચાડી શકાઇ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અગાઉ આટલી નોંધપાત્ર રીતે દેશની મહિલાઓ સુધી બેન્કિંગ સેવાઓ પહોંચી નહોતી. તેમણે ઉમેર્યું હતું કે, તેમની સરકાર દ્વારા આ બાબતને પ્રાથમિકતા તરીકે ધ્યાનમાં લેવામાં આવી છે. જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા કરોડો બેંક ખાતાઓ પૈકી અડધાથી વધુ ખાતાઓ મહિલાઓના છે. તેમણે કહ્યું હતું કે, “આ બેંક ખાતાઓની મહિલાઓના આર્થિક સશક્તીકરણ પર જે અસર પડે છે, તે આપણે તાજેતરમાં આવેલા રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેના તારણો પણ જોયું છે.”
થાપણ વીમા હેઠળ ભારતમાં કામ રહેલી તમામ કોમર્શિયલ બેંકોમાં તમામ થાપણો એટલે કે, બચત, ફિક્સ્ડ, ચાલુ ખાતાની થાપણો તેમજ રિકરિંગ થાપણો વગેરેને આવરી લેવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામ કરી રહેલી રાજ્ય, કેન્દ્ર અને પ્રાથમિક સહકારી બેંકોની થાપણોને પણ આ વીમા કવચમાં સમાવી લેવામાં આવી છે. નવતર સુધારા રૂપે, બેંક થાપણ વીમા કવચની રકમ રૂપિયા 1 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરી દેવામાં આવી છે.
બેંકમાં પ્રત્યેક થાપણદાર માટે રૂપિયા 5 લાખના થાપણ વીમા કવચથી, અગાઉના નાણાકીય વર્ષ દરમિયાન બેંકોમાં કુલ ખાતાઓની સંખ્યામાંથી સંપૂર્ણ સુરક્ષિત ખાતાઓની સંખ્યા 98.1% સુધી પહોંચી ગઇ છે જે 80%ના આંતરરાષ્ટ્રીય આધારચિહ્નની સરખામણીએ વધુ આંકડો છે.
થાપણ વીમા અને ક્રેડિટ ગેરેન્ટી નિગમ દ્વારા તાજેતરમાં જ વચગાળાની ચુકવણીનો પ્રથમ હિસ્સો ચુકવણી માટે રીલિઝ કરવામાં આવ્યો છે, જે RBI દ્વારા પ્રતિબંધો હેઠળ આવરી લેવાયેલી 16 શહેરી સહકારી બેંકોના થાપણદારો પાસેથી પ્રાપ્ત થયેલા દાવા સામે છે કરાયેલી ચુકવણી છે. 1 લાખથી વધુ થાપણદારોને તેમણે કરેલા દાવા સામે વૈકલ્પિક બેંક ખાતાઓમાં રૂ. 1300 કરોડથી વધુની ચુકવણી કરવામાં આવી છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1780664)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam