પ્રધાનમંત્રીનું કાર્યાલય
લોકશાહી માટેની સમિટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાષ્ટ્રીય નિવેદન
Posted On:
10 DEC 2021 5:46PM by PIB Ahmedabad
મહાનુભાવો,
નમસ્કાર
આ સમિટમાં વિશ્વની સૌથી મોટી લોકશાહીનું પ્રતિનિધિત્વ કરતા મને ગર્વ થાય છે. આપણી સાંસ્કૃતિક પ્રકૃતિમાં લોકશાહીની ભાવના અખંડ છે. છેક 2500 વર્ષો પૂર્વે લિચ્છવિ અને શાક્ય જેવા ચૂંટાયેલા પ્રજાસત્તાક શહેર-રાજ્યો ભારતમાં પાંગર્યાં. આ જ લોકતાંત્રિક ભાવના 10મી સદીના “ઉત્તરિમેરૂર” શિલાલેખમાં દેખાય છે જેમાં લોકતાંત્રિક સહભાગિતાના સિદ્ધાંતો સંહિતાકાર થયા હતા. આ જ લોકતાંત્રિક ભાવના અને પ્રકૃતિએ પ્રાચીન ભારતને સૌથી સમૃદ્ધમાંનું એક બનાવ્યું. વસાહતી શાસનની સદીઓ ભારતીય લોકોનાં લોકતાંત્રિક સ્વરૂપને દબાવી શકી નહીં. ભારતની આઝાદી સાથે તે ફરી સંપૂર્ણ અભિવ્યક્તિ સાથે જોવા મળ્યું અને છેલ્લાં 75 વર્ષોમાં લોકતાંત્રિક રાષ્ટ્ર-નિર્માણમાં અજોડ ગાથા તરફ દોરી ગયું.
આ ગાથા તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સામાજિક-આર્થિક સમાવેશની છે. આ ગાથા આરોગ્ય, શિક્ષણ અને માનવ સુખાકારીમાં અકલ્પનીય વ્યાપ સાથે સતત સુધારણાની છે. ભારત ગાથાનો વિશ્વને એક જ સંદેશ છે. તે એ કે લોકશાહી આપી શકે છે, તે એ કે લોકશાહીએ આપ્યું છે અને લોકશાહી સદા માટે આપવાનું ચાલુ રાખશે.
મહાનુભાવો,
બહુપક્ષીય ચૂંટણીઓ, સ્વતંત્ર ન્યાયત6ટ્ર અને મુક્ત મીડિયા જેવી માળખાગત વિશેષતાઓ- લોકશાહીનાં મહત્ત્વનાં સાધનો છે. તેમ છતાં, લોકશાહીની મૂળ તાકાત આપણા નાગરિકો અને આપણા સમાજોની અંદર રહેલી ભાવના અને લાક્ષણિકતામાં રહેલી છે. લોકશાહી માત્ર લોકોની, લોકો દ્વારા, લોકો માટે જ નથી પણ લોકોની સાથે, લોકોની અંદર પણ છે.
મહાનુભાવો,
વિશ્વનાં જુદાંજુદાં ભાગોએ લોકતાંત્રિક વિકાસના જુદાજુદા માર્ગો અનુસર્યા છે. એવું ઘણું છે જે આપણે એકબીજા પાસેથી શીખી શકીએ. આપણે આપણી લોકતાંત્રિક પદ્ધતિઓ અને પ્રણાલિઓને સતત સુધારતા રહેવાની જરૂર છે. અને, આપણે સમાવેશતા, પારદર્શિતા, માનવ ગરિમા, જવાબદાર ફરિયાદ નિવારણ અને સત્તાના વિકેન્દ્રીકરણને સતત વધારતા રહેવાની જરૂર છે.
આ પરિપ્રેક્ષ્યમાં, આજની સભા લોકશાહીઓ વચ્ચે સહકાર આગળ વધારવા સમયસરનો મંચ પૂરો પાડે છે. મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજવામાં અને નવીન ડિજિટલ ઉપાયોથી શાસનના તમામ ક્ષેત્રોમાં પારદર્શિતા વધારવામાં ભારતને પોતાની કુશળતા વહેંચવામાં ખુશી થશે. આપણે સોશિયલ મીડિયા અને ક્રિપ્ટો-કરન્સીઝ જેવી ઉદભવતી ટેકનોલોજીઓ માટે સંયુક્ત રીતે વૈશ્વિક નિયમો ઘડવા જ રહ્યા જેથી તેનો ઉપયોગ લોકશાહીની ઉપેક્ષા માટે નહીં પણ એને સશક્ત કરવા માટે થાય.
મહાનુભાવો,
ભેગા મળીને કાર્ય કરવાથી, લોકશાહીઓ આપણા નાગરિકોની આકાંક્ષાઓને પહોંચી વળી શકે છે અને માનવજાતની લોકતાંત્રિક પ્રકૃતિને ઉજવી શકે છે. આ ઉચ્ચ પ્રયાસમાં ભારત સાથી લોકશાહીઓ સાથે જોડાવા તૈયાર થઈ ઊભું છે.
આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ
SD/GP/JD
(Release ID: 1780316)
Visitor Counter : 418
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam