પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી


એઇમ્સ, ખાતર પ્લાન્ટ અને ICMR કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું


ડબલ એન્જિનની સરકારે વિકાસના કાર્યોની ગતિ બમણી કરી દીધી: પ્રધાનમંત્રી


“જે સરકાર વંચિતો અને શોષિતોનો વિચાર કરે છે, તે સખત પરિશ્રમ કરે છે અને તેના પરિણામો પણ મળે છે”


“આજનો કાર્યક્રમ એવા નવા ભારતના દૃઢ સંકલ્પનો પુરાવો છે જેના માટે કંઇ જ અશક્ય નથી”


શેરડીના ખેડૂતોના લાભાર્થે સરકારે કરેલી કામગીરી બદલ ઉત્તરપ્રદેશની સરકારની પ્રશંસા કરી

Posted On: 07 DEC 2021 4:15PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ આ પ્રસંગે એઇમ્સ અને ખાતરના નવા પ્લાન્ટના ઉદ્ઘાટન બદલ ઉત્તરપ્રદેશના લોકોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમજ ગોરખપુરમાં ICMRની નવનિર્મિત પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રની ઇમારતના ઉદ્ઘાટન બદલ પણ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પાંચ વર્ષ પહેલાં એઇમ્સ અને ખાતરના પ્લાન્ટ માટે કરવામાં આવેલા શિલાન્યાસનો દિવસ યાદ કર્યો હતો અને આજે આ બંને પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે એકવાર પરિયોજનાઓને હાથમાં લીધી પછી તેને પૂરી કરવા માટેની સરકારની કામ કરવાની શૈલી રેખાંકિત કરી હતી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, જ્યારે ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે ત્યારે, વિકાસના કાર્યોના અમલીકરણની ગતિ પણ બમણી થઇ ગઇ છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે સારા ઇરાદા સાથે કામ કરવામાં આવે ત્યારે, આપત્તિઓ પણ અવરોધો ઉભા કરી શકતી નથી. જ્યારે સરકાર ગરીબો, નિઃસહાય અને વંચિતોની કાળજી લેતી હોય, ત્યારે તે સખત પરિશ્રમ કરે છે અને તેનાથી મળેલા પરિણામો પણ બતાવે છે. તેમણે કહ્યું હતું કે, આજનો કાર્યક્રમ એ વાતનો પુરાવો છે કે જ્યારે નવું ભારત કોઇ દૃઢ સંકલ્પ કરે ત્યારે તેના માટે કંઇ જ અશક્ય નથી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ત્રણ તરફી અભિગમમાં, સરકારે 100% નીમ કોટેડ યુરિયા લાવીને યુરિયાનો દૂરુપયોગ થતો અટકાવી દીધો છે. તેમણે કહ્યું કે, જમીન આરોગ્ય કાર્ડ કરોડો ખેડૂતોને આપવામાં આવ્યા છે જેથી તેઓ નક્કી કરી શકે છે તે તેમના ખેતરને કૃષિ માટે કેવા પ્રકારના ખાતરની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, સરકારે યુરિયાના ઉત્પાદનમાં વધારો કરવા પર વિશેષ ભાર મૂક્યો છે. ઉત્પાદનમાં વધારો કરવા માટે બંધ થઇ ગયેલા ખાતરના ઉત્પાદનના પ્લાન્ટ્સને પણ ફરી ખોલવા માટે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશમાં અલગ અલગ જગ્યાએ 5 ખાતર પ્લાન્ટ્સનું કામ પૂરું થવાથી, દેશમાં 60 લાખ ટન યુરિયા ઉપલબ્ધ થશે.

તાજેતરના વર્ષોમાં ઉત્તરપ્રદેશમાં શેરડીના ખેડૂતોના લાભાર્થે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અભૂતપૂર્વ કામગીરી અંગે પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશની સરકારની પ્રશંસા કરી હતી. તેમણે શેરડીના ખેડૂતોને વળતર માટેના ભાવોમાં કરવામાં આવેલી વૃદ્ધિ બદલ રાજ્ય સરકારને બિરદાવી હતી. તાજતેરમાં શેરડીના ખેડૂતોને મળતા વળતરમાં રૂપિયા 300/- સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને અગાઉના 10 વર્ષમાં શેરડીના ખેડૂતોને અગાઉની સરકારો દ્વારા કરવામાં આવેલી ચુકવણી જેટલી જ ચુકવણી આ સરકાર દ્વારા કરી દેવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશને સ્વતંત્રતા મળી ત્યારથી આ સદીની શરૂઆત થઇ ત્યાં સુધીમાં દેશમાં માત્ર એક જ એઇમ્સ હતી. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ વધુ 6 એઇમ્સને મંજૂરી આપી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા 7 વર્ષમાં 16 નવી એઇમ્સ બનાવવા માટે દેશભરમાં કામ ચાલી રહ્યું છે. તેમણે તેમની સરકારનું લક્ષ્ય જાહેર કરતા જણાવ્યું હતું કે, દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ હોવી જોઈએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બધા જ લોકો આ પ્રદેશના ખેડૂતો માટે અને આ પ્રદેશના લોકોને રોજગારી પૂરી પાડવામાં ગોરખપુરમાં શરૂ કરવામાં આવેલા ખાતરના પ્લાન્ટનું મહત્વ જાણે છે. તેમણે કહ્યું હતું કે, આ પ્લાન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ હોવા છતાં, અગાઉની સરકારોએ તેને ફરીથી શરૂ કરવામાં કોઇ જ રસ દાખવ્યો નહોતો. બધાને ખબર હતી કે, ગોરખપુરમાં એઇમ્સની માંગ કેટલાય વર્ષોથી થઇ રહી હતી. પરંતુ, 2017 પહેલાં જે લોકો સરકાર ચલાવી રહ્યા હતા તેમણે ગોરખપુરમાં એઇમ્સના નિર્માણ માટે જમીન આપવા માટે તમામ પ્રકારના બહાના કરીને આ કામ ટાળ્યું હતું. પ્રધાનમંત્રીએ આ વિસ્તારમાં જાપાનીઝ એન્સેફાલીટીસના કેસોમાં ભારે ઘટાડો થયો હોવાની તેમજ આ ક્ષેત્રમાં તબીબી માળખાકીય સુવિધાઓ માટે હાથ ધરાયેલા વિકાસ કાર્યોની નોંધ લીધી હતી. તેમણે ઉમેર્યું હતું કે, એઇમ્સ અને ICMR કેન્દ્રની મદદથી JE (જાપાનીઝ એન્સેફાલીટીસ) સામેની જંગમાં નવી તાકાત પ્રાપ્ત થશે.

પ્રધાનમંત્રીએ ભૂતકાળમાં આ રાજ્યને દુઃખો આપનારા લોકો દ્વારા સત્તાના પ્રદર્શનની રાજનીતિ, સત્તા માટેની રાજનીતિ, કૌભાંડો અને માફિયાઓની આકરી ટીકા કરી હતી. તેમણે લોકોને આવી શક્તિઓ સામે સતર્ક રહેવા અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે અમારી સરકારે ગરીબો માટે ગોદામો ખોલી દીધા છે અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પ્રત્યેક પરિવારને ખાદ્યચીજોની ડિલિવરી પહોંચાડવાના કાર્યોમાં વ્યસ્ત છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં અંદાજે 15 કરોડ લોકો આનો લાભ મેળવી રહ્યાં છે. તાજેતરમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હોળી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉની સરકારોએ ગુનેગારોને સુરક્ષા પૂરી પાડીને ઉત્તરપ્રદેશની બદનામી કરી હતી. આજે માફિયાઓ જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયા છે અને રોકાણકારો મુક્ત રીતે ઉત્તરપ્રદેશમાં રોકાણ કરી રહ્યાં છે. આ જ ડબલ એન્જિનની સરકાર દ્વારા કરવામાં આવતો બેગણો વિકાસ છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કારણે જ ઉત્તરપ્રદેશ ડબલ એન્જિનની સરકારમાં ભરોસો રાખે છે.

SD/GP/JD

 

 


(Release ID: 1779007) Visitor Counter : 248