પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી 25 નવેમ્બરે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથકનો શિલાન્યાસ કરશે

કનેક્ટિવિટીને વેગ આપવા તેમજ ભવિષ્ય માટે તૈયાર ઉડ્ડયન ક્ષેત્રનું સર્જન કરવાની દિશામાં પ્રધાનમંત્રીની દૂરંદેશી અનુસાર આ હવાઇમથકનું નિર્માણ કરાશે

સમગ્ર ભારતમાં ઉત્તરપ્રદેશ પાંચ આંતરરાષ્ટ્રીય હવાઇમથકો ધરાવતું એકમાત્ર રાજ્ય બનશે

પ્રથમ તબક્કાનું કામ 2024 સુધીમાં પૂરું કરવામાં આવશે

ભારતમાં પ્રથમ વખત, એકીકૃત મલ્ટિ-મોડલ કાર્ગો હબ સાથેના હવાઇમથકની પરિકલ્પના તૈયાર કરવામાં આવી

આ હવાઇમથક ઉત્તરીય ભારતના લોજિસ્ટિક્સ ગેટવે તરીકે સેવા આપશે અને વૈશ્વિક લોજિસ્ટિક્સ નકશા પર ઉત્તરપ્રદેશને પોતાનું સ્થાન સ્થાપિત કરવામાં મદદ મળશે

ઔદ્યોગિક ઉત્પાદનોની વિના અવરોધે હેરફેરની સુવિધા પૂરી પાડીને, આ હવાઇમથક આ પ્રદેશમાં ઝડપી ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં નિર્ણાયક ભૂમિકા નિભાવશે

હવાઇમથકની મુખ્ય વિશેષતાઓ: વિના અવરોધે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીની જોગવાઇ

આ ભારતનું પ્રથમ નેટ શૂન્ય ઉત્સર્જન હવાઇમથક બનશે

Posted On: 23 NOV 2021 9:29AM by PIB Ahmedabad

ઉત્તરપ્રદેશ સમગ્ર ભારતમાં પાંચ આંતરરાષ્ટ્રીય હવાઇમથક ધરાવતું એકમાત્ર રાજ્ય બનવા જઇ રહ્યું છે કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 નવેમ્બર 2021ના રોજ બપોરે 1 વાગ્યે ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં જેવાર ખાતે નોઇડા આંતરરાષ્ટ્રીય હવાઇમથક (NIA)નો શિલાન્યાસ કરશે.

કનેક્ટિવિટીને વેગ આપવા તેમજ ભવિષ્ય માટે તૈયાર ઉડ્ડયન ક્ષેત્રનું સર્જન કરવાની દિશામાં પ્રધાનમંત્રીની દૂરંદેશી અનુસાર આ હવાઇમથકનું નિર્માણ કરવામાં આવશે. આ ભવ્ય દૂરંદેશીમાં ઉત્તરપ્રદેશ (UP) રાજ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે અને આ રાજ્ય તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવેલા ખુશીનગર હવાઇમથક અને અયોધ્યા ખાતે નિર્માણાધીન આંતરરાષ્ટ્રીય હવાઇમથક સહિત બહુવિધ નવા આંતરરાષ્ટ્રીય હવાઇમથકોના વિકાસનું સાક્ષી બન્યું છે.

આ હવાઇમથક દિલ્હી NCRમાં બીજું આંતરરાષ્ટ્રીય હવાઇમથક બની જશે. તેનાથી IGI હવાઇમથકે ભીડ ઓછી કરવામાં મદદ મળી રહેશે. તેનું સ્થળ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે અને દિલ્હી, નોઇડા, ગાઝિયાબાદ, અલીગઢ, આગ્રા, ફરિદાબાદ સહિતના શહેરો અને આસપાસના વિસ્તારોના લોકોને તેની સેવાનો લાભ પ્રાપ્ત થશે.

આ હવાઇમથક ઉત્તરીય ભારતના લોજિસ્ટિક્સ ગેટવે તરીકે સેવા આપશે. તેની વ્યાપકતા અને કનેક્ટિવિટીના કારણે, આ હવાઇમથક ઉત્તરપ્રદેશ માટે ગમે ચેન્જર પુરવાર થશે. તેનાથી દુનિયામાં ઉત્તરપ્રદેશની સંભાવ્યતાઓ ઉજાગર થશે અને વૈશ્વિક લોજિસ્ટિક્સ નકશા પર ઉત્તરપ્રદેશને પોતાનું સ્થાન સ્થાપિત કરવામાં મદદ મળી શકશે. ભારતમાં પ્રથમ વખત આ હવાઇમથક માટે એકીકૃત મલ્ટિ-મોડલ કાર્ગો હબ સાથેની પરિકલ્પના તૈયાર કરવામાં આવી છે જેમાં ખાસ કરીને લોજિસ્ટિક્સના કુલ ખર્ચ અને સમયમાં ઘટાડો કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. કાર્ગો માટે સમર્પિત ટર્મિનલની ક્ષમતા 20 લાખ મેટ્રિક ટનની રહેશે જેને ભવિષ્યમાં વધારીને 80 લાખ મેટ્રિક ટન સુધી કરી શકાશે. ઔદ્યોગિક ઉત્પાદનોની વિના અવરોધે હેરફેરની સુવિધા પૂરી પાડીને, આ હવાઇમથક આ પ્રદેશમાં ઘણા મોટા રોકાણો આકર્ષવા માટે, ઝડપથી ઔદ્યોગિક વિકાસ કરવા માટે અને સ્થાનિક ઉત્પાદનોને રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં પહોંચવવા માટે સમક્ષ કરવા મામલે નિર્ણાયક ભૂમિકા નિભાવશે. આનાથી સંખ્યાબંધ ઉદ્યોગ સાહસિકો માટે નવી તકોનું સર્જન થશે અને તેનાથી પ્રચંડ સંખ્યામાં રોજગારીની તકોનું સર્જન પણ થઇ શકશે.

આ હવાઇમથકથી ભૂમિગત પરિવહન કેન્દ્રનો વિકાસ થશે જેમાં મલ્ટિ-મોડલ ટ્રાન્ઝિટ હબ, હાઉસિંગ મેટ્રો અને હાઇ સ્પીડ રેલ સ્ટેશનો, ટેક્સી, બસ સેવાઓ અને ખાનગી પાર્કિંગ જેવી સુવિધાઓ સામેલ રહેશે. આનાથી માર્ગ, રેલવે અને મેટ્રો સાથે વિના અવરોધે હવાઇમથકની કનેક્ટિવિટી સ્થાપિત થઇ શકશે. નોઇડા અને દિલ્હી ઝંઝટ મુક્ત મેટ્રો સેવા મારફતે આ હવાઇમથક સાથે જોડાઇ શકશે. તમામ આસપાસના મુખ્ય જમીનમાર્ગો અને યમુના એક્સપ્રેસવે, વેસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસવે, ઇસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસવે, દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે જેવા મોટા ધોરીમાર્ગો અને અન્ય માર્ગો હવાઇમથક સાથે જોડાયેલા રહેશે. આ હવાઇમથકને પૂર્વનિયોજિત દિલ્હી-વારાણસી હાઇસ્પીડ રેલવે સાથે પણ સાંકળવામાં આવશે જેના કારણે દિલ્હી અને હવાઇમથક વચ્ચેની મુસાફરીનો સમય માત્ર 21 મિનિટનો થઇ જશે.

આ હવાઇમથકમાં અદ્યતન MRO (જાળવણી, સમારકામ અને સંપૂર્ણ મરામત) સેવા પણ રહેશે. હવાઇમથકની ડિઝાઇન તૈયાર કરવામાં ઓછા પરિચાલન ખર્ચ અને મુસાફરો માટે અવરોધરહિત તેમજ ઝડપી ટ્રાન્સફર પ્રક્રિયા પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ હવાઇમથકમાં સ્વિંગ હવાઇમથક સ્ટેન્ડ પરિકલ્પનાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે જે એરલાઇન્સને એક જ સંપર્ક સ્ટેન્ડ પરથી હવાઇમથકની રી-પોઝિશનિંગ વગર ઘરેલું અને આંતરરાષ્ટ્રીય બંને પ્રકારની ઉડાનો માટે હવાઇમથકનું પરિચાલન કરવાની સવલત પૂરી પાડશે. આનાથી હવાઇમથક પર ઝડપી અને કાર્યદક્ષ ટર્નઅરાઉન્ડ શક્ય બનશે અને સાથે જ સુગમ તેમજ અવરોધરહિત મુસાફર ટ્રાન્સફર પ્રક્રિયા પણ સુનિશ્ચિત થશે.

આ ભારતનું પ્રથમ નેટ શૂન્ય ઉત્સર્જન હવાઇમથક બનશે. તેમાં પરિયોજના સ્થળ પરના વૃક્ષોનો ઉપયોગ કરીને ફોરેસ્ટ પાર્ક તરીકે વિકાસ કરવા માટે એક અલગ સમર્પિત જગ્યા નક્કી કરવામાં આવી છે. હવાઇમથકના સમગ્ર વિકાસકાર્ય દરમિયાન NIAમાં તમામ મૂળભૂત પ્રજાતિઓનું સંરક્ષણ કરવામાં આવશે અને તેમનું પોષણ કરવામાં આવશે.

આ હવાઇમથકના પ્રથમ તબક્કાના વિકાસનું કામ રૂપિયા 10,050 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. 1300 હેક્ટર કરતાં વધારે જમીનમાં ફેલાયેલા હવાઇમથકના આ પ્રથમ તબક્કાના વાર્ષિક ક્ષમતા 1.2 કરોડ કરતાં વધારે મુસાફરોને સેવા પૂરી પાડવાની રહેશે અને તેનું નિર્માણ કાર્ય 2024 સુધીમાં સંપન્ન થશે. આંતરરાષ્ટ્રીય બોલી લગાવનાર ઝુરિચ એરપોર્ટ ઇન્ટરનેશનલ AG દ્વારા કન્સેશનર તરીકે તેને અમલમાં મૂકવામાં આવશે. આ હવાઇમથક માટે જમીન સંપાદન અને અસરગ્રસ્ત પરિવારોના પુનર્વસન અંગેના પ્રથમ તબક્કાનું પાયાનું કામ પૂરું થઇ ગયું છે.

 

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1774181) Visitor Counter : 158