આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

સ્વચ્છ અમૃત મહોત્સવમાં રાષ્ટ્રપતિશ્રી દ્વારા ભારતના સ્વચ્છતમ શહેરો સન્માનિત થયાં


સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ ઇન્દોરે સતત પાંચમી વખત ‘ક્લિનેસ્ટ સિટી’નું ટાઇટલ જીત્યું

નવ ફાઇવ સ્ટાર સિટી, 143 શહેર થ્રી-સ્ટાર ગાર્બેજ ફ્રી સિટીઝ

સફાઇમિત્ર સુરક્ષા ચેલેન્જમાં ઇન્દોર, નવી મુંબઈ અને નેલ્લોર ટોચના પરફોર્મર તરીકે ઊભર્યાં

Posted On: 20 NOV 2021 2:54PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે શનિવારે નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (એમઓએચયુએ) દ્વારા સ્વચ્છ ભારત મિશન- અર્બન 2.0ના ભાગરૂપે આયોજિત સ્વચ્છ અમૃત મહોત્સવમાં ભારતના સૌથી સ્વચ્છ શહેરોના વિજેતાઓને સન્માનિત કર્યાં હતાં. સ્વચ્છ ભારત મિશન (અર્બન) તહત હાથ ધરાયેલી વિવિધ પહેલ જેવી કે સ્વચ્છ સર્વેક્ષણ 2021, સફાઇમિત્ર સુરક્ષા ચેલેન્જ અને ગાર્બેજ ફ્રી સ્ટાર રેટિંગ ફોર સિટીઝ હેઠળ નગરો/ શહેરો, રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સ્વચ્છતાની દિશામાં કરાયેલા સારા કાર્યની સ્વીકૃતિરૂપે આ પુરસ્કાર સમારોહ આયોજિત કરાયો હતો. આ પુરસ્કાર સમારોહમાં વિવિધ શ્રેણી હેઠળ 300 કરતાં વધુ એવોર્ડ અપાય છે. 

 

 

સ્વચ્છ સર્વેક્ષણ હેઠળ સતત પાંચમા વર્ષે ઇન્દોરને ભારતના ક્લિનેસ્ટ સિટી તરીકેનું ટાઇટલ એનાયત કરાયું  છે, જ્યારે સુરત અને વિજયવાડાને 1 લાખ કરતા વધુ વસતિની શ્રેણીમાં અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન પ્રાપ્ત થયું છે. 1 લાખ કરતા ઓછી વસતિની કેટેગરીમાં મહારાષ્ટ્રના વિટા, લોનાવલા અને સાસવડને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત થયું છે. વારાણસી બેસ્ટ ગંગા ટાઉન તરીકે ઊભરી આવ્યું છે, જ્યારે અમદાવાદ છાવણીને ભારતના સૌથી સ્વચ્છ કેન્ટોન્મેન્ટનું ટાઇટલ એનાયત કરાયું છે, ત્યાર પછીના ક્રમે મેરઠ છાવણી અને દિલ્હી છાવણી આવે છે. ફાસ્ટેસ્ટ મૂવરની શ્રેણીમાં હોશંગાબાદ (મધ્ય પ્રદેશ) 274 રેન્કની છલાંગ લગાવીને ચાલુ વર્ષે 87માં સ્થાને આવ્યું છે અને ફાસ્ટેસ્ટ મૂવર સિટી (એક લાખ કરતા વધુ વસતિની શ્રેણીમાં) તરીકે ઊભર્યું છે, જેની તુલનાએ 2020ના રેન્કિંગમાં તે 361મા રેન્ક પર હતું, આ રીતે આ શહેરે ટોચના 100 શહેર પૈકી સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સ્ટેટ એવોર્ડસમાં છત્તીસગઢ સતત ત્રીજા વર્ષે 100 કરતા વધુ અર્બન લોકલ બોડીઝની શ્રેણીમાં ક્લિનેસ્ટ સ્ટેટ તરીકે ઊભર્યું છે, જ્યારે ઝારખંડે 100 કરતા ઓછી અર્બન લોકલ બોડીઝની કેટેગરીમાં બીજી વખત ક્લિનેસ્ટ સ્ટેટનો એવોર્ડ જીત્યો છે. કર્ણાટક અને મિઝોરમ મોટા (100 અર્બન લોકલ બોડીઝ કરતા વધુ) અને નાના (100 કરતા ઓછી અર્બન લોકલ બોડીઝ) સ્ટેટની શ્રેણીમાં ફાસ્ટેસ્ટ મૂવર સ્ટેટ્સ બન્યાં છે.

આ અવસરે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે આ વર્ષના સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડસ્ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આપણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યાં છીએ. રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે કોવિડ મહામારીમાં પણ સફાઇમિત્રો અને સ્વચ્છતા કામદારોએ સતત પોતાની સેવાઓ આપી છે. રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે સફાઇની અસુરક્ષિત પદ્ધતિઓના લીધે કોઇ સ્વચ્છતા કામદારનું જીવન જોખમમાં ન મૂકાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે શહેરોને સ્વચ્છ રાખવા માટે સોલિડ વેસ્ટનું અસરકારક મેનેજમેન્ટ થવું આવશ્યક છે. રાષ્ટ્રપતિશ્રીએ ભારપૂર્વક કહ્યું કે પર્યાવરણનું સંરક્ષણ એ ભારતની પરંપરાગત જીવશૈલીનો અભિન્ન હિસ્સો છે. આજે આખું વિશ્વ પર્યાવરણની રક્ષા ઉપર ભાર આપી રહ્યું છે જેમાં સંસાધનોને રિડ્યૂસ, રિયૂઝ અને રિસાયકલ કરવા ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરાયું છે. રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે વેસ્ટ ટુ વેલ્થના આઇડિયામાંથી સારા ઉદાહરણો મળી રહ્યાં છે અને ઘણાં સ્ટાર્ટ-અપ્સ આ દિશામાં સક્રિય થયા છે. રાષ્ટ્રપતિશ્રીએ કહ્યું કે આ ક્ષેત્રોમાં સાહસિકતા અને મૂડીરોકાણને પ્રોત્સાહન આપવા માટે યોગ્ય યોજનાઓ ઘડી શકાય.

 

 

ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપસિંહ પુરીએ આ અવસરે પોતાના સંબોધનમાં કહ્યું કે, સ્વચ્છ ભારત મિશન-અર્બન હેઠળ મળેલી સિદ્ધિઓ એ અભૂતપૂર્વ સંયુક્ત પ્રયત્નોનું પરિણામ છે. ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રીએ કહ્યું કે આ મિશને હવે એક લોક ચળવળ – એક સાચા જન આંદોલનનો આકાર લઇ લીધો છે. સ્વચ્છ સર્વેક્ષણના વિરાટ વિકાસમાં પણ તે પ્રતિબિંબિત થાય છે. સ્વચ્છ સર્વેક્ષણ 2016માં પ્રાયોગિક ધોરણે 73 શહેરમાં શરૂ થયો હતો, અને આજે તે વિશ્વનો સૌથી મોટો શહેરી સ્વચ્છતા સર્વે છે. ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રીએ કહ્યું કે આગામી પાંચ વર્ષ સર્વગ્રાહી સ્વચ્છતા ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવા પ્રત્યે સમર્પિત કરાશે, જેમાં સ્વચ્છ હવા, સ્વટ્છ જમીન અને સ્વચ્છ જળનો સમાવેશ થાય છે. ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રીએ કહ્યું કે આપણી ભાવિ પેઢીઓ માટે વધુ હરિત અને સમાવેશક શહેરોના નિર્માણની આપણી ફરજ છે. તેમણે સ્વચ્છ અમૃત મહોત્સવ તરીકે સુયોગ્ય નામાભિધાન પામેલી આ ઉજવણી મારફત શહેરી ભારતના સ્વચ્છતા ચેમ્પિયન્સને અભિનંદન પાઠવ્યા હતાં.

 

 

છત્તીસગઢ અને સિક્કિમના મુખ્યમંત્રીઓ, અને આંદમાન અને નિકોબાર દ્વિપસમૂહના ઉપ રાજ્યપાલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રી હરદીપસિંહ પુરી તથા ગૃહ અને શહેરી વિકાસના મંત્રાલયના રાજ્ય મંત્રી શ્રી કૌશલ કિશોરે વિજેતા શહેરો અને રાજ્યોને સન્માનિત પણ કર્યા હતાં.

વિતેલા વર્ષો દરમિયાન સ્વચ્છ સર્વેક્ષણ શહેરી પરિદૃશ્યના પરિવર્તન માટેના એક અસરકારક સાધન તરીકે ઊભર્યું છે. કોવિડ-19 દ્વારા પડકારો ઊભા થયા હોવા છતાં 2,000 કરતા વધુ આકલન કરનારાઓએ 28 દિવસના વિક્રમજનક સમયમાં 65,000 કરતા વધુ વોર્ડની મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રએ સફળતાપૂર્વક કુલ 92 એવોર્ડ જીત્યા છે, જે ચાલુ વર્ષે કોઇ એક રાજ્યએ જીતેલા સૌથી વધુ એવોર્ડ છે, ત્યારપછીના ક્રમે 67 એવોર્ડ સાથે છત્તીસગઢ આવે છે. વધુમાં સ્વચ્છ સર્વેક્ષણ 2021 હેઠળ શરૂ કરાયેલી નવી પરફોર્મન્સ કેટેગરી પ્રેરક દૌર સન્માન હેઠળ પાંચ શહેર – ઇન્દોર, સુરત, નવી મુંબઈ, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ અને તિરૂપતિને દિવ્ય (પ્લેટિનમ) તરીકે વર્ગીકૃત કરાયા છે. આ વર્ષના સર્વેક્ષણમાં 4,320 શહેરોએ ભાગ લીધો હતો, જેમાં પાંચ કરોડ કરતા વધુની અભૂતપૂર્વ સંખ્યામાં નાગરિકોનો પ્રતિભાવ પણ મળ્યો હતો, જેની તુલનાએ ગત વર્ષે 1.87 કરોડ લોકો હતાં. સ્વચ્છતા સર્વેક્ષણ 2021 સફાઇ અને વેસ્ટ મેનેજમેન્ટના ક્ષેત્રે સમગ્ર શહેરી ભારતમાંથી 6000 કરતા વધુ ઇનોવેશન્સ અને શ્રેષ્ઠ પદ્ધતિઓને ઓળખવામાં પણ મદદરૂપ થયો છે.

 

 

આજના કાર્યક્રમનું બીજું સત્ર સ્વચ્છ ભારત મિશન – અર્બનના અગ્રશ્રેણીના સૈનિકો એવા સફાઇમિત્રો પ્રત્યે સમર્પિત હતું. વર્લ્ડ ટોઇલેટ ડે (19 નવેમ્બર)ના ઉપલક્ષ્યમાં યોજાયેલું, આ સત્રમાં સૌપ્રથમ સફાઇમિત્ર સુરક્ષા ચેલેન્જના ટોચના પરફોર્મર્સને સ્વીકૃતિ પ્રદાન કરાઈ હતી. સિવર્સ અને સેપ્ટિક ટેન્કની જોખમી સફાઇના લીધે માનવ જાનહાનિ નાબૂદ કરવા માટે MoHUA દ્વારા ગત વર્ષે શરૂ કરાયેલી સફાઇમિત્ર સુરક્ષા ચેલેન્જમાં વિવિધ વસતિ શ્રેણીમાં 246 શહેરોએ ભાગ લીધો હતો, જેમાંથી ઇન્દોર, નવી મુંબી, નેલ્લોર અને દેવાસ ટોચના પરફોર્મર્સ તરીકે ઊભર્યાં હતાં. આ ચેલેન્જ હેઠળ બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ અને યુનિયન ટેરેટરીનો એવોર્ડ છત્તીસગઢે અને ચંદીગઢે પ્રાપ્ત કર્યો હતો. પાછલા એક વર્ષમાં સફાઇમિત્ર સુરક્ષા ચેલેન્જ નેશનલ સફાઇ કર્મચારી ફાઇનાન્સિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એનએસકેએફડીસી) દ્વારા બેન્ક્સ સાથે સફાઇમિત્રના ક્રેડિટ જોડાણ, સેક્ટર સ્કીલ કાઉન્સિલ ફોર ગ્રીન જોબ્સ દ્વારા ચાલુ નોકરીએ તાલીમ તથા 190 કરતા વધુ શહેરોમાં હેલ્પલાઇન નંબર 14420 – નાગરિકોની ફરિયાદો માટેનું પ્લેટફોર્મની સ્થાપના જેવા પગલાઓ મારફત શહેરી ભારતમાં મેનહોલ ટુ મશીન હોલ ક્રાંતિને પ્રોત્સાહન આપી શકી છે.

સ્ટાર રેટિંગ પ્રોટોકોલ ઓફ ગાર્બેજ ફ્રી સિટીઝ હેઠળ થ્રી-સ્ટાર અને ફાઇવ-સ્ટાર શહેરોના પરિણામો જાહેર કરીને સ્વચ્છ ભારત મિશન- અર્બન 2.0 હેઠળ ગાર્બેજ ફ્રી ઇન્ડિયાના સ્વપ્નને વધુ વેગ પ્રદાન કરવામાં આવ્યો હતો. કુલ 9 શહેર – ઇન્દોર, સુરત, નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ, નવી મુંબઈ, અંબિકાપુર, મૈસુરુ, નોઇડા, વિજયવાડા અને પાટણને ફાઇવ-સ્ટાર શહેર તરીકે જ્યારે 143 શહેરને 3-સ્ટાર શહેર તરીકે પ્રમાણિત કરવામાં આવ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના માપદંડોમાં સર્વગ્રાહી ઢબે શહેરોનું મૂલ્યાંકન કરવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2018માં MoHUA દ્વારા સ્માર્ટ ફ્રેમવર્ક તરીકે સ્ટાર રેટિંગ પ્રોટોકોલ ઓફ ગાર્બેજ ફ્રી સિટીઝની શરૂઆત કરવામાં આવી હતી. વર્ષ 2018માં માત્ર 56 શહેરને અમુક સ્ટારના રેટિંગ પર સર્ટિફિકેશન અપાયું હતું. આ વર્ષે આ સંખ્યા અનેક ગણી વધી છે અને 2,238 શહેરે મૂલ્યાંકન માટે અરજી કરી હતી. કોવિડ-19 નિયંત્રણો હોવા છતાં આ વિરાટ ક્વાયત સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી, જેની સાબિતી ક્વાયતના આંકડામાંથી મળે છે – 3.5 કરોડ ડેટા પોઇન્ટ્સ પર 1.4 કરોડ ફોટોગ્રાફિક એવિડન્સ એકત્ર કરાયા હતાં, મૂલ્યાંકનની અવધિ દરમિયાન 14.19 લાખ સિટિઝન વેલિડેશન અને 1 લાખ લોકેશનને આવરી લેવાયા હતાં. 

ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્વારા હર ધડકન સ્વચ્છ ભારત કી – શીર્ષક ધરાવતા સ્વચ્છ ભારત મિશન (અર્બન) 2.0 પ્રત્યે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરતા ગીતને રિલીઝ કરીને એ રીતે ઉજવણીના ઉલ્લાસને વધુ ઉચ્ચ સ્તરે લઇ જવામાં આવ્યો હતો. આ ગીતમાં સ્વચ્છતાની મૂવમેટના જુસ્સાને સમાવવામાં આવ્યો છે અને તે સ્વચ્છતાની યાત્રામાં તમામ નાગરિકો, ખાસ કરીને બાળકો, યુવાઓ અને વરિષ્ઠ નાગરિકોની પ્રતિબદ્ધતાને વંદન કરે છે.  સ્વચ્છ, હરિત અને આધુનિક શહેરી ભારતનું નિરૂપણ કરતો વીડિયો આગામી દિવસોમાં સ્વચ્છ ભારત મિશન-યુ 2.0ની યાત્રાને આગળ લઇ જવા માટે લોકોને પુનઃ પ્રોત્સાહિત કરવાનો એક પ્રયાસ છે. આ ગીતની લિંક : https://www.youtube.com/watch?v=CY_ejy6ifwE.

 

1 ઓક્ટોબર, 2021ના દિવસે શરૂ થયેલું સ્વચ્છ ભારત મિશન – અર્બન 2.0 સૌ માટે સ્વચ્છતા સુવિધાઓનો સંપૂર્ણ લાભ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. પાછલા સાત વર્ષમાં એસબીએમ-યુની યાત્રા હેઠળ પરિણામ પ્રાપ્ત કરવામાં ટેક્નોલોજીએ એક મહત્વની ભૂમિકા ભજવી છે. આ ડિજિટલ યાત્રામાં ભવિષ્ય તરફ વિશાળ ડગલું ભરતા મંત્રાલયે સ્વચ્છ ભારત મિશન – અર્બન 2.0ના સુધારેલા વેબસાઇટ અને ઇન્ટિગ્રેટેડ એમઆઇએસ પોર્ટલ સ્વચ્છતમ્ને લોન્ચ કર્યાં છે.

વધુમાં એક ભવિષ્યવાદી અને અતિ આધુનિક સ્પેટીઅલ જીઆઇએસ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, જે આ મિશનને સ્માર્ટ, ડેટા આધારિત નિર્ણય પ્રક્રિયા તરફ આગળ ધપાવશે. આ નવા ડિજિટલ સક્ષમતાના કારણે સ્વચ્છતા સ્પેક્ટ્રમમાં રહેલા તમામ રાજ્યો, શહેરો અને હિતધારકો સાથે તમામ સમય જોડાણની સાથોસાથ આ મિશનને વધુ પેપરલેસ, મજબૂત અને પારદર્શક બનાવશે.

આમ સ્વચ્છ અમૃત મહોત્સવ એ સ્વચ્છ ભારત મિશન- અર્બનના પાછલા સાત વર્ષમાં શહેરોએ મેળવેલી સિદ્ધિઓની ઉજવણી છે અને સ્વચ્છ ભારત મિશન- અર્બન 2.0 મારફત સ્વચ્છતાના આગામી તબક્કામાં નવા જોશ સાથે આગળ વધવાની શહેરો અને નાગરિકોની પ્રતિબદ્ધતા છે.

 

વિગતવાર પરિણામ, અહેવાલો અને યાદીઓ સ્વચ્છ ભારત મિશન – અર્બન પર ઉપલબ્ધ છે : https://www.ss2021.in/#/home .

આ કાર્યક્રમનું વેબકાસ્ટ સ્વચ્છ ભારત અર્બનની યુટ્યૂબ ચેનલ પર ઉપલબ્ધ છે. 

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1773531) Visitor Counter : 446