આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ
મંત્રીમંડળે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY)-I, PMGSY-II અને ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો માટે માર્ગ કનેક્ટિવિટી પરિયોજના (RCPLWEA) ચાલુ રાખવાની મંજૂરી આપી
PMGSYના હાલમાં ચાલી રહેલા તમામ હસ્તક્ષેપો માટે 2021-22 થી 2024-25 દરમિયાન રાજ્યના હિસ્સા સહિત કુલ રૂ. 1,12,419 કરોડનો ખર્ચ થવાની શક્યતા
9 રાજ્યોના 44 જિલ્લામાં 2016થી આજદિન સુધીમાં RCPLWEA હેઠળ 4,490 કિમી લાંબા માર્ગ અને 105 પુલોનું કામ પહેલાંથી જ પૂરું થઇ ગયું છે
સપ્ટેમ્બર 2022 સુધી મુદત લંબાવવાથી પૂર્વોત્તર અને પહાડી રાજ્યોને બાકી રહેલા કાર્યો પૂરાં કરવામાં મદદ મળી રહેશે
Posted On:
17 NOV 2021 3:33PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોના મંત્રીમંડળ દ્વારા આજે ગ્રામીણ વિકાસ મંત્રાલયના ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિકાસની વિવિધ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. આ અંતર્ગત, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના- I અને IIને સપ્ટેમ્બર 2022 સુધી લંબાવવામાં આવી છે જેથી બાકી રહેલા માર્ગો અને પુલોનું નિર્માણ કાર્ય સંપન્ન થઇ શકે. CCEA દ્વારા ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારો માટે માર્ગ કનેક્ટિવિટી પરિયોજના (RCPLWEA)ને પણ માર્ચ, 2023 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
ભારત સરકારે મેદાની વિસ્તારોમાં 500 કરતાં વધારે લોકો અને પૂર્વોત્તર તેમજ હિમાલય રાજ્યોનાં ક્ષેત્રોમાં 250 કરતાં વધારે લોકોની વસ્તી ધરાવતી જે વસાહતો સાથે કનેક્ટિવિટી ના હોય તેમને કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી PMGSY-I યોજનાનો પ્રારંભ કર્યો છે. પસંદગીના ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત તાલુકાઓ, વસાહતોમાં 100 કરતાં વધારે લોકોની વસતી હોય ત્યાં પણ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવી રહી છે. કુલ 1,84,444 વસાહતોમાંથી હવે માત્ર 2,432 વસાહતોની કનેક્ટિવિટીનું કામ બાકી છે. કુલ 6,45,627 કિમી લંબાઇના માર્ગો અને 7,523 પુલોના નિર્માણની મંજૂરી આપવામાં આવી હતી જેમાંથી હવે 20,950 કિમી લંબાઇના માર્ગો અને 1,974 પુલોનું કામ પૂરું કરવાનું બાકી છે. આમ, આ કાર્યો હવે પૂર્ણતાના આરે આવી ગયા છે.
PMGSY-II હેઠળ, 50,000 કિમીના ગ્રામીણ માર્ગ નેટવર્કને અપગ્રેડ કરવાનો વિચાર રાખવામાં આવ્યો હતો. કુલ 49,885 કિમી લંબાઇના માર્ગો અને 765 LSBને મંજૂરી આપવામાં આવી હતી જેમાંથી 4,240 કિમી લંબાઇના માર્ગો અને 254 પુલોનું કામ બાકી છે. આમ આ કાર્યો પણ હવે લગભગ પૂર્ણતાના આરે છે.
PMGSY-I અને II હેઠળ બાકી હોય તેવું મોટાભાગનું કામ પૂર્વોત્તર અને પહાડી રાજ્યોમાં જ છે જેના માટે જવાબદાર મુખ્ય પરિબળો કોવિડના કારણે લાગુ કરવામાં આવેલા લૉકડાઉન, વરસાદની મોસમમાં થયેલું લંબાણ, શિયાળો અને જંગલ સંબંધિત પ્રશ્નો છે. રાજ્યો દ્વારા ગ્રામીણ અર્થતંત્ર માટે ઘણા મહત્વપૂર્ણ કહી શકાય તેવા આ કાર્યો પૂરાં કરવા માટે સમયમર્યાદા લંબાવવાની વિનંતી કરવામાં આવી હતી. આ માટે, સપ્ટેમ્બર 2022 સુધી મુદત લંબાવવાનો નિર્ણય લેવાયો હોવાથી તેના કારણે રાજ્યોમાં બાકી રહેલા કાર્યો સંપન્ન કરવામાં મદદ મળી રહેશે.
9 રાજ્યમાં 44 LWE પ્રભાવિત જિલ્લાઓમાં કનેક્ટિવિટીમાં સુધારો લાવવા માટે 2016માં ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં માર્ગ કનેક્ટિવિટી પરિયોજના (RCPLWEA)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 5,714 કિમી લંબાઇના માર્ગો અને 358 પુલોનું કામ પૂરું કરવાનું હવે બાકી રહ્યું છે અને અન્ય 1,887 કિમી લંબાઇના માર્ગો અને 40 પુલોને મંજૂરી આપવામાં આવી રહી છે. આ યોજનાને માર્ચ 2023 સુધી લંબાવવામાં આવી છે જેથી કમ્યુનિકેશન અને સુરક્ષાના દૃષ્ટિકોણથી ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકાય તેવી આ પરિયોજનાઓનું બાકી રહેલું કામ પૂરું થઇ શકે.
PMGSY હેઠળ ગ્રામીણ માર્ગોના નિર્માણમાં નવી અને ગ્રીન (હરિત) ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવે છે. ઓછા ખર્ચાળ અને ઝડપી બાંધકામને પ્રોત્સાહન આપવા માટે માર્ગોના નિર્માણમાં સ્થાનિક રીતે ઉપલબ્ધ હોય તેવી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આજદિન સુધીમાં, નવી અને ગ્રીન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1 લાખ કિમીથી વધુ લંબાઈના માર્ગોના નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી 61,000 કિમીથી વધુ લંબાઇના માર્ગોનું કામ પૂર્ણ થઈ ગયું છે. ઉત્તરપ્રદેશ રાજ્યને તાજેતરમાં ફુલ ડેપ્થ રિક્લેમેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1,255 કિમી લંબાઇના માર્ગોનું નિર્માણ કરવાની મંજૂરી આપવામાં આવી છે, આના કારણે ખર્ચ અને સમયનો બચાવ થશે અને સાથે સાથે, કુદરતી સંસાધનોનું સંરક્ષણ પણ થશે તેમજ કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો આવશે.
PMGSY પાછળનો મૂળ વિચાર બાંધકામ દરમિયાન અને બાંધકામ પછીના માર્ગોના કામોની ગુણવત્તા સુનિશ્ચિત કરવા માટે ત્રણ સ્તરીય ગુણવત્તા ખાતરી પદ્ધતિનો અમલ કરવાનો છે. બહેતર ગુણવત્તા વ્યવસ્થાપન માટે કેન્દ્ર અને રાજ્ય, બંને સ્તરે ગુણવત્તા નિરીક્ષકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે તેમજ નિરીક્ષણોની ફ્રિક્વન્સીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તાજેતરના વર્ષોમાં સંતોષકારક કાર્યોની પ્રમાણ વધી રહ્યું હોવાનું વલણ જોવા મળી રહ્યું છે.
સરકાર દ્વારા માર્ચ 2025 સુધીમાં કુલ 1,25,000 કિમી લંબાઇના માર્ગોનું મજબૂતીકરણ કરવા માટે વર્ષ 2019માં PMGSY-IIIનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજદિન સુધીમાં PMGSY-III હેઠળ લગભગ 72,000 કિમી લંબાઇના માર્ગોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 17,750 કિમી લંબાઇના માર્ગોનું કામ પૂરું થઇ ગયું છે.
PMGSYના હાલમાં ચાલી રહેલા હસ્તક્ષેપોનું કામ પૂરું કરવા માટે વર્ષ 2021-22 થી 2024-25 દરમિયાન કુલ રૂપિયા 1,12,419 કરોડનો ખર્ચ થવાનું અનુમાન છે.
મુદ્દાસર વિગતો
PMGSY-I
- વર્ષ 2001માં થયેલી વસ્તીગણતરી અનુસાર મેદાની વિસ્તારોમાં 500 કરતાં વધારે લોકો અને પૂર્વોત્તર તેમજ હિમાલય રાજ્યોના ક્ષેત્રોમાં 250 કરતાં વધારે લોકોની વસ્તી ધરાવતી જે વસાહતો સાથે કનેક્ટિવિટી ના હોય તેવા પાત્રતા ધરાવતા વિસ્તારોને કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી વર્ષ 2000માં PMGSY-I યોજનાનો પ્રારંભ કર્યો છે. આ યોજનામાં એવા જિલ્લાઓ માટે હાલના ગ્રામીણ માર્ગોને અપગ્રેડ કરવાનો ઘટક પણ સામેલ કરવામાં આવ્યો છે જ્યાં પાત્રતા ધરાવતી તમામ વસાહતો સંતૃપ્ત થયેલી છે.
- વર્ષ 2013માં, એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, વર્ષ 2001ની વસતી ગણતરી અનુસાર ગૃહ મંત્રાલય દ્વારા ઓળખી કાઢવામાં આવેલા ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત તાલુકાઓ કે જ્યાં 100- 249 લોકોની વસ્તી હોય તેમને પણ સમાવી લેવામાં આવશે.
- આ યોજના અંતર્ગત 250થી વધારે અને 500થી વધારે વસ્તી ધરાવતી 1,78,184 વસાહતોને ઓળખી કાઢવામાં આવી છે. 15 નવેમ્બર 2021ના રોજની સ્થિતિ અનુસાર 1,71,494 વસાહતોને પહેલાંથી જ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી દીધી છે અને 1,968 વસાહતોનું કામ બાકી છે. બાકી રહેલી 4,722 વસાહતો કાં તો અગાઉ પડતી મૂકવામાં આવી છે અથવા શક્ય નથી. 15 નવેમ્બર 2021ના રોજની સ્થિતિ અનુસાર 100-249ની શ્રેણીમાં કુલ 6,260 વસાહતોને મંજૂરી આપવામાં આવી હતી જેમાંથી 464 વસાહતોનું કામ પૂરું કરવાનું બાકી છે.
- PMGSY-I હેઠળ કુલ 6,45,627 કિમી લંબાઇના માર્ગોને અને 7,523 પુલના નિર્માણની મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 15 નવેમ્બર 2021ના રોજની સ્થિતિ અનુસાર માત્ર 20,950 કિમી લંબાઇના માર્ગો અને 1,974 પુલનું કામ બાકી છે.
- મોટાભાગની બાકી રહેલી પરિયોજનાઓના કાર્યો પૂર્વોત્તર અને હિમાલય ક્ષેત્રના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છે.
- CCEA દ્વારા 9 ઑગસ્ટ 2018ના રોજ માર્ચ 2019 સુધી મુદત લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
- બાકી રહેલી તમામ વસાહતોને પ્રસ્તાવિત મુદત લંબાવેલા સમય એટલે કે, સપ્ટેમ્બર 2022 સુધીમાં 20,950 કિમી લંબાઇના માર્ગો અને 1,974 પુલોનું કામ કરીને કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે લક્ષ્યમાં રાખવામાં આવી છે.
PMGSY-II
- મંત્રીમંડળ દ્વારા 2013માં PMGSY-IIને મંજૂરી આપવામાં આવી હતી જેનો મૂળ ઉદ્દેશ હાલમાં અસ્તિત્વ ધરાવતા 50,000 કિમી ગ્રામીણ માર્ગોના નેટવર્કનું મજબૂતીકરણ કરવાનો છે.
- રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની તમામ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે.
- આ યોજના હેઠળ મંજૂર કરવામાં આવેલા કુલ 49,885 કિમી લંબાઇના માર્ગો અને 765 પુલોમાંથી માત્ર 4,240 કિમી લંબાઇના માર્ગો અને 254 પુલનું કામ બાકી છે.
- મોટાભાગની બાકી રહેલી પરિયોજનાઓ પૂર્વોત્તર અને હિમાલય ક્ષેત્રના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો તેમજ બિહાર રાજ્યમાં પણ છે.
- CCEA દ્વારા 9 ઑગસ્ટ 2018ના રોજ આ યોજનાની મુદત માર્ચ 2020 સુધી લંબાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
- તમામ બાકી રહેલી પરિયોજનાઓ મુદત લંબાવવામાં આવેલા સમયગાળા એટલે કે, સપ્ટેમ્બર 2022 સુધીમાં પૂરી કરવાનું લક્ષ્ય છે.
ડાબેરી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં માર્ગ કનેક્ટિવિટી પરિયોજના
- 9 રાજ્યો એટલે કે, આંધ્રપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા અને ઉત્તરપ્રદેશના 44 જિલ્લાઓમાં વ્યૂહાત્મક રીતે મહત્વ ધરાવતા હોય તેવા 5,412 કિલોમીટર લંબાઈના માર્ગોના બાંધકામ/અપગ્રેડેશન તેમજ 126 પુલ માટે 2016 માં કુલ રૂ. 11,725 કરોડના ખર્ચની આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
- અમલીકરણનો સમય: 2016-17 થી 2019-20
- આ યોજના અંતર્ગત, રાજ્ય અને સુરક્ષા દળો સાથે પરામર્શ કરીને ગૃહ મંત્રાલય દ્વારા નિર્માણ કાર્ય કરવાનું હોય તેવા માર્ગો અને પુલોના કામોની ઓળખ કરવામાં આવી છે.
- આ યોજના અંતર્ગત આજદિન સુધીમાં, રૂપિયા 9,822 કરોડના ખર્ચે 10,231 કિમી લંબાઇના માર્ગો અને પુલોના કાર્યોને મંજૂરી આપવામાં આવી છે જેમાં ત્યારબાદ ગૃહ મંત્રાલય દ્વારા ભલામણ કરવામાં આવેલી વધારાની દરખાસ્તો પણ સામેલ છે.
- 4,490 કિમી લંબાઇના માર્ગો અને 105 પુલોના કાર્યો પહેલાંથી જ પૂરાં થઇ ગયા છે.
- બાકી રહેલી પરિયોજનાઓ અને વધારાની પરિયોજનાઓના અંદાજે 1,887 કિમી લંબાઇના કાર્યો, કે જેને હજુ મંજૂરી આપવાની બાકી છે, તે સૂચિત મુદત લંબાવવામાં આવેલા સમયગાળા એટલે કે, માર્ચ 2023 સુધીમાં પૂરાં કરવાનું લક્ષ્ય છે.
રોજગારી નિર્માણની સંભાવનાઓ સહિત મુખ્ય અસર
- PMGSY સંબંધે હાથ ધરવામાં આવેલા વિવિધ સ્વતંત્ર પ્રભાવ મૂલ્યાંકન અભ્યાસોમાંથી એવું તારણ આવ્યું છે કે, આ યોજનાથી કૃષિ, આરોગ્ય, શિક્ષણ, શહેરીકરણ અને રોજગાર સર્જન વગેરે પર સકારાત્મક અસર કરી છે.
- વિકાસ માટે ગ્રામીણ કનેક્ટિવટી આવશ્યક હોય છે. બાકી રહેલી વસાહતોમાં હવામાનની તમામ પ્રકારની સ્થિતિમાં માર્ગ કનેક્ટિવિટી પ્રદાન કરવાથી કનેક્ટેડ વસાહતોની આર્થિક સંભાવના અનલૉક થશે. હાલના ગ્રામીણ માર્ગોનું અપગ્રેડેશન કરવાથી લોકો, માલસામાન અને સેવાઓ માટે પરિવહન સેવાઓના પ્રદાતા તરીકે માર્ગ નેટવર્કની એકંદરે કાર્યક્ષમતામાં સુધારો આવશે. માર્ગોનું બાંધકામ/અપગ્રેડેશન સ્થાનિક લોકો માટે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે રોજગારીનું સર્જન કરશે.
અમલીકરણની વ્યૂહનીતિ અને લક્ષ્યો
- જેના માટે સમય મર્યાદા લંબાવવાની વિનંતી કરવામાં આવી તેવા હસ્તક્ષેપો/કાર્યો પહેલાંથી જ PMGSY અંતર્ગત અમલીકરણ હેઠળ છે. PMGSY-I અને II હેઠળની તમામ પરિયોજનાઓને પહેલાંથી જ મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલય ડિસેમ્બર, 2021 સુધીમાં RCPLWEA હેઠળ બાકી રહેલી વધારાની દરખાસ્તોને મંજૂરી આપવાનો પ્રયાસ કરશે.
- મંત્રાલય દ્વારા રાજ્યો સાથે પ્રગતિ સંબંધિત સતત ફોલો-અપ લેવામાં આવશે જેથી બાકી રહેલી પરિયોજનાઓ લંબાવવામાં આવેલી સમય મર્યાદામાં પૂરી થાય તે સુનિશ્ચિત કરી શકાય.
પૃષ્ઠભૂમિ
- PMGSY-I શરૂ કરવાનો ઉદ્દેશ નિર્ધારિત વસ્તીના કદની (2001ની વસ્તી ગણતરી મુજબ મેદાની વિસ્તારોમાં 500થી વધારે અને પૂર્વોત્તર, પર્વતીય તેમજ આદિવાસી અને રણ વિસ્તારોમાં 250થી વધારે) પાત્રતા ધરાવતી કનેક્ટિવિટી વગરની વસાહતોને તમામ હવામાનની સ્થિતિમાં એકલ કનેક્ટિવિટી પ્રદાન કરવાનો છે જેથી આ વિસ્તારોમાં એકંદરે સામાજિક આર્થિક વિકાસ થઇ શકે. સરકાર દ્વારા, ત્યારબાદ PMGSY-II, RCPLWEA અને PMGSY-III નામથી નવા હસ્તક્ષેપો/કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
- વર્તમાન દરખાસ્ત PMGSY-I, II અને RCPLWEAની મુદતમાં વધારો કરવા માટેની છે.
- PMGSY-III નો પ્રારંભ વર્ષ 2019 માં વસાહતોને જોડતી રૂટ્સ અને મુખ્ય ગ્રામીણ લિંક્સ એટલે કે ગ્રામીણ કૃષિ બજારો, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને હોસ્પિટલો સાથે કનેક્ટિવિટી ધરાવતા 1,25,000 કિમીના હાલના માર્ગોના મજબૂતીકરણ માટે કરવામાં આવ્યો છે અને આ યોજનાનો અમલીકરણનો સમય માર્ચ 2025 સુધીનો છે.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1772653)
Visitor Counter : 366
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam