સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ડૉ. મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રીના ‘હર ઘર દસ્તક’ અભિયાનને વધુ મજબૂત બનાવવા અંગે રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા કરી


તમામ આરોગ્ય મંત્રીઓને કોઇપણ વ્યક્તિ કોવિડ-19ની રસીની સુરક્ષાથી બાકી ના રહી જાય તે માટે સહિયારા પ્રયાસો હાથ ધરવા અનુરોધ કર્યો

રસીનો જરૂરી પૂરવઠો પહોંચાડવાની રાજ્યોને ખાતરી આપી: “દેશમાં રસીની કોઇ જ અછત નથી”

કોવિડ માટે યોગ્ય આચરણનું પાલન કરવા પર વિશેષ ભાર મૂક્યો: “રસીકરણ આપણા માટે ‘સુરક્ષા કવચ’ છે, તો સાથે જ આપણે કોવિડ માટે યોગ્ય આચરણને પણ ભૂલવું જોઇએ નહીં”

Posted On: 11 NOV 2021 2:09PM by PIB Ahmedabad

 “દેશમાં કોવિડ-19ની રસી લેવા માટે પાત્રતા ધરાવતા એકપણ નાગરિક રસીના ‘સુરક્ષા કવચ’થી વંચિત ના રહી જાય તે માટે ચાલો સૌ સાથે મળીને સહકારપૂર્ણ અને બહુ-હિતધારક પ્રયાસો દ્વારા સંયુક્ત રીતે સૌનું રસીકરણ સુનિશ્ચિત કરીએ. ચાલો, દેશના દરેક ખૂણા અને પરિવાર સુધી પહોંચીએ અને લોકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘હર ઘર દસ્તક’ અભિયાન હેઠળ રસીના બંને ડોઝ લેવા માટે પ્રેરિત કરીએ.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. ભરત પ્રવીણ પવારની ઉપસ્થિતિમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે ચર્ચા બેઠક યોજી ત્યારે આ શબ્દો કહ્યા હતા. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે સ્થાનિક સ્તરે હાથ ધરવામાં આવેલા જાહેર આરોગ્યના પગલાંઓની સમીક્ષા કરવામાં આવી હતી.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ વીણા જ્યોર્જ (કેરળ), ડૉ. ધનસિંહ રાવત (ઉત્તરાખંડ), શ્રી બન્ના ગુપ્તા (ઝારખંડ), ડૉ. લાલ થાંગલિયાના (મિઝોરમ), શ્રી મંગલ પાંડે (બિહાર), ડૉ. કે. સુધાકર (કર્ણાટક), શ્રી રાજેશ ટોપે (મહારાષ્ટ્ર), ડૉ. પ્રભુરામ ચૌધરી (મધ્યપ્રદેશ), શ્રી જય પ્રતાપ સિંહ (ઉત્તરપ્રદેશ), શ્રી મા સુબ્રમણ્યમ (તમિલનાડુ), શ્રી વિશ્વજીત રાણે (ગોવા), શ્રી ઋષિકેશ ગણેશભાઈ પટેલ (ગુજરાત), શ્રી કેશબ મહંતા (આસામ), શ્રી સત્યેન્દ્ર જૈન (દિલ્હી) આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ, તમામ રાજ્યોના અગ્ર સચિવો/અધિક મુખ્ય સચિવો/મિશન નિયામકો (NHM) પણ ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં પુખ્તવયની વસ્તીમાંથી હાલમાં 79% લોકોને કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ જ્યારે પાત્રતા ધરાવતી 39% વસ્તીએ રસીના બંને ડોઝ લઇ લીધા છે. કોવિડ-19ની રસીના બીજા ડોઝ માટે 12 કરોડ કરતાં વધારે લાભાર્થીઓને રસી આપવાની બાકી હોવાની નોંધ લેતા તેમણે રાજ્યોના આરોગ્ય મંત્રીઓને અનુરોધ કર્યો હતો કે, પુખ્ત વયની તમામ વસતીને હાલમાં ચાલી રહેલા ‘હર ઘર દસ્તક’ અભિયાન હેઠળ રસીનો પ્રથમ ડોઝ આપવાનું સુનિશ્ચિત કરવામાં આવે જ્યારે બીજો ડોઝ લેવાનો બાકી હોય તેમને પણ બીજો ડોઝ લેવા માટે પ્રેરિત કરવામાં આવે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ 'હર ઘર દસ્તક' અભિયાનને વધારે મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીએ સૂચવેલી મોપ-અપ વ્યૂહરચનાઓનો પુનરુચ્ચાર કર્યો હતો. આ વ્યૂહરચનામાં ગામડાંઓમાં અગાઉથી 'પ્રચાર ટોળી' નિયુક્ત કરવાનું સામેલ છે, જે જાગૃતિ અભિયાનો ચલાવાની સાથે સાથે રસી માટે લાયકાત ધરાવતી વસ્તીનું એકત્રીકરણ કરશે અને તેમને રસી અંગે સલાહસુચન આપવાનું સુનિશ્ચિત કરશે, ત્યારબાદ 'રસીકરણ ટોળી' પાત્રતા ધરાવતા તમામ નાગરિકો પહેલા અને બીજા ડોઝ દ્વારા તેમનું રસીકરણ સુનિશ્ચિત કરવાની જવાબદારી ઉપાડશે. સમીક્ષા બેઠક દરમિયાન ડૉ. મનસુખ માંડવિયાએ લક્ષિત વિસ્તારમાં નિશ્ચિત સમયમર્યાદામાં 100% કવરેજ સુનિશ્ચિત કરવા માટે બહુવિધ રસીકરણ ટીમો (50-100)ની વ્યૂહરચના; કોવિડ-19 રસીકરણની પ્રેરિત પ્રગતિ માટે પ્રત્યેક 24 કલાકમાં મહત્તમ સંખ્યામાં રસીના ડોઝ આપતી રસીકરણ ટીમો (જિલ્લા અને તાલુકા સ્તરે)ને ઓળખવા અને તેમને સન્માનિત કરવા માટે રેન્કિંગના વ્યવસ્થાતંત્રનો વિકાસ; લોકોમાં જાગૃતિ લાવવા અને રસીકરણ સેવાઓ પૂરી પાડવા માટે સ્થાનિક સાપ્તાહિક બજારો અને હાટનો ઉપયોગ; સ્થાનિક ધાર્મિક અને સમુદાયના નેતાઓ સાથે સહયોગ; ગામ/શહેરી વિસ્તારોમાં રસી લીધા વગરના લોકોને પ્રોત્સાહિત કરવા માટે CSO, NGO, NSS, NYK વગેરેનો સંપર્ક; રસી વિરોધી અફવાઓનો અસરકારક રીતે સામનો કરવા માટે મલ્ટીમીડિયા IEC જાગૃતિ અભિયાનો; સમાન વ્યૂહરચના અપનાવવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉચ્ચ કવરેજ ધરાવતા જિલ્લાઓ દ્વારા અનુસરવામાં આવતા નવીન અભિગમો અને પ્રથાઓનું અનુકરણ કરવા પર ભાર મૂક્યો હતો. લોકોના આચરણમાં પરિવર્તન લાવવા માટે બાળકો શ્રેષ્ઠ એમ્બેસેડર બની શકે છે તે બાબતની નોંધ લેતા, તેમણે વિનંતી કરી હતી કે, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ સંપૂર્ણ રસીકરણના સંદેશને આગળ ધપાવવા બાળકો સાથે જોડાવું જોઇએ. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, બાળકોને તેમના માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોને રસીના બંને ડોઝ લેવા માટે પ્રેરિત કરવા દો.

ડૉ. માંડવિયાએ એવું સૂચન કર્યું હતું કે, ચાલો આપણે બસ સ્ટેશનો, રેલ્વે સ્ટેશનો વગેરે પર કોવિડ રસીકરણ કેન્દ્રો શરૂ કરીએ, જેમાં ખાસ કરીને મોટા મહાનગરોમાં તેની શરૂઆત કરીએ, કારણ કે મોટી સંખ્યામાં લોકો શહેરમાં પ્રવેશતા હોય તે માટે આ પ્રાથમિક પોઇન્ટ્સ છે. કેટલાક રાજ્યોએ રોકો અને ટોકો ઝુંબેશ પણ શરૂ કરી છે જેમાં બસ, ટ્રેન તેમજ રિક્ષા વગેરેમાંથી ઉતરતા મુસાફરોને રસીના ડોઝ લેવા માટે પ્રેરણા આપવામાં આવે છે. તેમણે એવું પણ સૂચન કર્યું હતું કે, ‘હર ઘર દસ્તક’ અભિયાનનો દરેક દિવસ અલગ અલગ સમૂહના લાભાર્થીઓને એકત્ર કરવા અને તેમના રસીકરણ માટે સમર્પિત કરી શકાય. તેમણે ઉમેર્યું હતું કે, “એક દિવસ વેપારીઓ, ફેરિયાઓ, વેન્ડરો, દુકાનદારો વગેરે માટે સમર્પિત કરી શકાય જ્યારે એક દિવસે આપણે રીક્ષા ચાલકો અને ઓટો ડ્રાઇવરોને એકત્ર કરીને તેમના રસીકરણ માટે ફાળવી શકીએ. એક દિવસ શ્રમિકો અને ખેડૂતો માટે સમર્પિત કરી શકાય.”

હાલમાં ચાલી રહેલા કોવિડ નિયંત્રણ અને વ્યવસ્થાપન માટેના જાહેર આરોગ્યના પગલાંઓની સમીક્ષા કરતી વખતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ચેતવ્યા હતા કે, કોવિડ -19 મહામારી જતી નથી રહી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આપણે એવું જરાય ના વિચારવું જોઇએ કે કોવિડની બીમારી જતી રહી છે. દુનિયાભરમાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. સિંગાપોર, બ્રિટન, રશિયા અને ચીનમાં 80 ટકા કરતાં વધારે લોકોનું રસીકરણ થઇ ગયું હોવા છતાં કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. રસીકરણ અને કોવિડ માટે યોગ્ય આચરણ (CAB)નું એક સાથે પાલન થવું જોઇએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રસીકરણના કારણે આ બીમારીની તીવ્રતામાં ઘટાડો થાય છે તો સાથે સાથે CABનું પાલન કરવાનું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી દેશ દ્વારા આજદિન સુધીમાં સાથે મળીને હાથ ધરવામાં આવેલા પ્રયાસોથી થયેલો લાભ એળે જાય નહીં અને હવે કોવિડ-19 કેસોમાં વધારો થાય નહીં તે સુનિશ્ચિત કરી શકાય. ડૉ. માંડવિયાએ એ બાબતને ધ્યાનમાં લીધી હતી કે, કોવિડ-19 સામેની જંગ હવે અંતિમ તબક્કામાં છે: તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા “દવાઇ પણ, કડકાઇ પણ!” સૂત્રનો પુનરુચ્ચાર કરતા જણાવ્યું હતું કે, “રસીકરણ અને CAB આ બંને શસ્ત્રો આ બીમારી સામે લડવા માટે આપણી સૌથી મોટી સુરક્ષા શક્તિ છે અને આપણે આ બીમારી સંપૂર્ણ નાબૂદ ના થાય ત્યાં સુધી આ શસ્ત્રો હેઠાં મૂકવા જોઇએ નહીં.”

રાજ્યોના આરોગ્ય મંત્રીઓએ કોવિડના વ્યવસ્થાપન માટે રસી, દવાઓ, નાણાંકીય અને ટેકનિકલ સંસાધનો પૂરાં પાડવા બદલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના વ્યક્ત કરી હતી. તેમણે ખાસ કરીને નબળું પ્રદર્શન કરી રહેલા જિલ્લાઓમાં રસીકરણની સંખ્યા ટોચે લઇ જવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ નવતર પગલાંઓ વિશે પણ માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. ડૉ. માંડવિયાએ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખૂબ જ ઉત્સાહપૂર્ણ સહકાર બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમને અનુરોધ કર્યો હતો કે, અન્ય રાજ્યો દ્વારા હાથ ધરવામાં આવેલા શ્રેષ્ઠ આચરણોનું તેઓ પાલન કરે. તેમણે તમામ રાજ્યોના આરોગ્ય અધિકારીઓને “હર ઘર દસ્તક” અભિયાન હેઠળ દરેક ઘર સુધી પહોંચવા પ્રોત્સાહિત કર્યા હતા.

કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ, ICMRના DG ડૉ. બલરામ ભાર્ગવ, આરોગ્ય સેવાઓના મહાનિદેશક ડૉ. સુનિલ કુમાર, અધિક સચિવ (આરોગ્ય) ડૉ. મનોહર અગનાની, અધિક સચિવ અને મિશન નિયામક-NHM શ્રી વિકાસ શીલ, અધિક સચિવ (આરોગ્ય) શ્રીમતી આરતી આહુજા, સંયુક્ત સચિવ (આરોગ્ય) શ્રી લવ અગ્રવાલ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ બેઠક દરમિયાન હાજર રહ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1770946) Visitor Counter : 418