પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રાષ્ટ્રને સંબોધન કર્યું


“સરદાર પટેલ માત્ર એક ઐતિહાસિક હસ્તી નથી પરંતુ દરેક દેશવાસીઓના દિલમાં વસે છે”

“જ્યાં 130 કરોડ ભારતીયો વસે છે તે આ ભૂમિ સમૂહ આપણા આત્મા, સપનાં અને મહત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગ છે”

“સરદાર પટેલ શક્તિશાળી, સહિયારું, સંવેદનશીલ અને સતર્ક ભારત ઇચ્છતા હતા”

“સરદાર પટેલથી પ્રેરાઇને, ભારત બાહ્ય અને આંતરિક પડકારોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સક્ષમ બની રહ્યું છે”

“જળ, આકાશ, ભૂમિ અને અવકાશમાં દેશનો નિર્ધાર અને ક્ષમતાઓ અભૂતપૂર્વ છે અને દેશે આત્મનિર્ભરતાના નવા મિશનના માર્ગે આગેકૂચ કરવાનું શરૂ કરી દીધું છે”

“આ ‘આઝાદીનો અમૃતકાળ’ અભૂતપૂર્વ વિકાસ, મુશ્કેલ લક્ષ્યોની પ્રાપ્તિ અને સરદાર સાહેબના સપનાંના ભારતના નિર્માણનો સમય છે”

“જો સરકારની સાથે સાથે, લોકોની ‘ગતિ શક્તિ’નો પણ ઉપયોગ કરવામાં આવે તો કંઇ જ અશક્ય નથી”

Posted On: 31 OCT 2021 10:25AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય એકતા દિવસના પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના આદર્શ માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દેનારા સરદાર પટેલને કોટી કોટી વંદન કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, સરદાર પટેલ માત્ર એક ઐતિહાસિક હસ્તી નથી પરંતુ તેઓ દરેક દેશવાસીઓના દિલમાં વસે છે અને એકતાના આ સંદેશને જેઓ આગળ વધારી રહ્યાં છે તે લોકો એકતાની અતૂટ ભાવનાના ખરા પ્રતીક છે. તેમણે કહ્યું હતું કે, દેશના દરેક શેરી-નાકા અને ખૂણામાં રાષ્ટ્રીય એકતા પરેડ અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમો એક સમાન જુસ્સો અને ભાવના પ્રતિબિંબિત કરી રહ્યાં છે.

તેમણે કહ્યું હતું કે, ભારતમાં માત્ર ભૌગોલિક દૃષ્ટિએ જ એકતા નથી પરંતુ, આ દેશ આદર્શો, કલ્પનાઓ, સભ્યતાઓ અને સંસ્કૃતિઓના ઉમદા ધોરણોથી છલકાતું રાષ્ટ્ર છે. તેમણે કહ્યું હતું કે, “130 કરોડ ભારતીયો જ્યાં વસી રહ્યાં છે તે આ ભૂમિ સમૂહ આપણા આત્મા, સપનાં અને મહત્વાકાંક્ષાઓનું અભિન્ન અંગે છે.”

એક ભારતની ભાવના દ્વારા ભારતની લોકશાહી પરંપરાઓને મજબૂત બનાવવાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ દેશને પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરવાની દિશામાં દરેક ભારતીય દ્વારા સંયુક્ત રીતે પ્રયાસો કરવા માટે આહ્વાન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, સરદાર પટેલ શક્તિશાળી, સહિયારું, સંવેદનશીલ અને સતર્ક ભારત ઇચ્છતા હતા. એવું ભારત કે જ્યાં માનવતાની સાથે સાથે વિકાસ પણ હોય. તેમણે ઉમેર્યું હતું કે, “સરદાર પટેલથી પ્રેરાઇને, ભારત તેના બાહ્ય અને આંતરિક પડકારોને પહોંચી વળવા માટે સંપૂર્ણ સક્ષમ બની રહ્યું છે.”

દેશને શક્તિશાળી બનાવવાની દિશામાં છેલ્લા 7 વર્ષમાં લેવામાં આવેલા પગલાંઓનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, દેશે બિનજરૂરી જુનવાણી કાયદાઓમાંથી આઝાદી મેળવી છે અને એકતાના આદર્શો વધુ મજબૂત થયા છે તેમજ કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધાઓ પર મૂકવામાં આવેલા વિશેષ આગ્રહના કારણે ભૌગોલિક અને સાંસ્કૃતિક અંતર ઘટી ગયું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આજે, ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરીને, સામાજિક, આર્થિક અને બંધારણીય એકતાનો એક ‘મહાયજ્ઞ’ ચાલી રહ્યો છે અને જળ, આકાશ, ભૂમિ તેમજ અવકાશમાં દેશના નિર્ધાર અને ક્ષમતા અભૂતપૂર્વ સ્તરે છે તેમજ દેશે આત્મનિર્ભરતાના નવા મિશનના માર્ગે આગેકૂચ કરવાનું શરૂ કરી દીધું છે.” તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ‘સૌનો પ્રયાસ’ સ્વતંત્રતાના અમૃતકાળ દરમિયાન પહેલાંથી પણ વધુ સાંદર્ભિક છે. તેમણે જણાવ્યું હતું કે, “આ ’આઝાદીનો અમૃતકાળ’ એ અભૂતપૂર્વ વિકાસ, મુશ્કેલ લક્ષ્યોની પ્રાપ્તિ અને સરદાર સાહેબના સપનાંના ભારતના નિર્માણનો સમય છે.” પ્રધાનમંત્રીએ એ પણ ટિપ્પણી કરી હતી કે, ‘એક ભારત’ મતલબ સૌના માટે સમાન તકો. પ્રધાનમંત્રીએ આ વિચારધારાને વિગતે સમજાવી હતી અને કહ્યું હતું કે, ‘એક ભારત’ એવું ભારત છે જે મહિલાઓ, દલીતો, વંચિતો, આદિવાસીઓ અને વનવાસીઓને સમાન તકો પૂરી પાડે. તેમણે ઉમેર્યું હતું કે, જ્યાં આવાસ, વીજળી અને પાણી કોઇપણ પ્રકારના ભેદભાવ વગર દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ હોય તેવો દેશ. દેશ ‘સૌના પ્રયાસ’ દ્વારા આ કામ કરી રહ્યો છે.

કોરોના સામેની લડતમાં જોવા મળેલી ‘સૌના પ્રયાસ’ની તાકાતનો પ્રધાનમંત્રીએ પુનરુચ્ચાર કર્યો હતો, જેમાં નવી કોવિડ હોસ્પિટલો, આવશ્યક દવાઓ, કોવિડ વિરોધી રસીના 100 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ દરેક નાગરિકના સંયુક્ત પ્રયાસોના કારણે શક્ય બન્યા છે.

સરકારી વિભાગોની સંયુક્ત શક્તિમાં સુમેળ બેસાડવા માટે તાજેતરમાં શરૂ કરવામાં આવેલા પી.એમ. ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો સરકારની સાથે સાથે લોકોની ‘ગતિ શક્તિ’નો પણ ઉપયોગ કરવામાં આવેલ તો કંઇજ અશક્ય નથી. આથી, તેમણે કહ્યું હતું કે, આપણા દરેક કાર્યો વ્યાપક રાષ્ટ્રીય લક્ષ્યો પર વિચાર કરીને તે દિશામાં હોવા જોઇએ. વિદ્યાર્થીઓ જ્યારે તેમના અભ્યાસ માટે કયા પ્રવાહમાં આગળ વધવું તેની પસંદગી કરતી વખતે જે-તે ચોક્કસ ક્ષેત્રના આવિષ્કારનો વિચાર કરે છે અથવા લોકોએ ખરીદી કરતી વખતી પોતાની અંગત પ્રાધાન્યતાઓની સાથે સાથે આત્મનિર્ભરતાના લક્ષ્યને ધ્યાનમાં રાખવું જોઇએ તે બાબતના ઉદાહરણોને તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેવી જ રીતે ઉદ્યોગો અને ખેડૂતો, સહકારી સંસ્થાઓ પણ તેમની પસંદગીઓને પ્રાધાન્યતા આપતી વખતે દેશના લક્ષ્યોને ધ્યાનમાં રાખી શકે છે.

પ્રધાનમંત્રીએ સ્વચ્છ ભારતનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને કહ્યું હતું કે, સરકારે લોકોની સહભાગિતાને દેશની તાકાત બનાવી દીધી છે. તેમણે પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, “જ્યારે પણ ‘એક ભારત’ આગળ વધે, ત્યારે આપણને સફળતા પ્રાપ્ત થાય છે અને ‘શ્રેષ્ઠ ભારત’ના નિર્માણમાં આપણે યોગદાન આપી શકીએ છીએ.”

SD/GP/JD

 

 

 



(Release ID: 1768051) Visitor Counter : 253