પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો
“આઝાદી પછીના ભારતમાં, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર લાંબા સમય સુધી જોઇએ એટલું ધ્યાન અપાયું નહીં અને નાગરિકોએ યોગ્ય સારવાર માટે અહીંથી ત્યાં ભટકવું પડતું હતું જેનાથી સ્થિતિ બગડતી અને નાણાકીય તાણ સર્જાતી”
“કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબો, વંચિતો, દલિતો, પછાત અને મધ્યમ વર્ગનું દુ:ખ સમજે છે”
“પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન મારફત સારવારથી લઈને મહત્વપૂર્ણ સંશોધન સુધીની સેવાઓ માટે દેશના દરેક ખૂણામાં સમગ્ર ઈકોસિસ્ટમ સર્જવામાં આવશે”
“પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન આરોગ્યની સાથે આત્મનિર્ભરતાનું પણ એક માધ્યમ છે.”
“કાશીનું દિલ એ જ છે, મન એ જ છે પણ કાયાને સુધારવાના સંનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે”
“આજે ટેકનોલોજીથી આરોગ્ય સુધી, બીએચયુમાં અભૂતપૂર્વ સગવડો સર્જાઇ રહી છે, દેશભરથી યુવા મિત્રો અહીં અભ્યાસ માટે આવી રહ્યા છે”
प्रविष्टि तिथि:
25 OCT 2021 3:18PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો શુભારંભ કર્યો હતો. તેમણે વારાણસી માટે રૂ. 5200 કરોડની આસપાસની વિવિધ વિકાસ પરિયોજનાઓનું પણ ઉદઘાટન કર્યું હતું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને મુખ્ય મંત્રી, કેન્દ્રીય મંત્રીઓ, ડૉ. મનસુખ માંડવિયા, ડૉ. મહેન્દ્ર નાથ પાંડે, રાજ્યના મંત્રીઓ અને જનપ્રતિનિધિઓ સહિત અન્યો પણ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોના મહામારી સામેની લડાઈમાં દેશે રસીના 100 કરોડ ડૉઝનું મોટું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. “બાબા વિશ્વનાથના આશીર્વાદથી, મા ગંગાના અસીમ પ્રતાપે, કાશીના લોકોની અતૂટ શ્રદ્ધા સાથે, તમામને મફત રસીનું અભિયાન સફળતાપૂર્વક આગળ ધપી રહ્યું છે” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું હતું કે આઝાદી પછીના ભારતમાં, લાંબા સમય સુધી આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જોઇએ એટલું ધ્યાન અપાયું નહીં અને નાગરિકોએ યોગ્ય સારવાર માટે અહીંથી ત્યાં ભટકવું પડતું હતું અને એનાથી સ્થિતિ બગડતી હતી અને નાણાકીય તાણ સર્જાતી હતી. આનાથી મધ્યમ વર્ગ અને ગરીબ લોકોનાં મનમાં તબીબી સારવાર વિશે સતત ચિંતા રહ્યા કરતી હતી. લાંબા સમય સુધી દેશમાં જેમની સરકારો રહી એમણે, દેશની આરોગ્યસંભાળની વ્યવસ્થાના ચોતરફ વિકાસને બદલે એને સુવિધાઓથી વંચિત રાખ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનો ઉદ્દેશ આ ઊણપને હાથ ધરવાનો છે. એનો ઉદ્દેશ ગામથી લઈને તાલુકા અને જિલ્લાથી લઈને પ્રાદેશિક અને રાષ્ટ્રીય સ્તરે આગામી 4-5 વર્ષોમાં ક્રિટિકલ હેલ્થ નેટવર્કને મજબૂત કરવાનો છે. આ નવા મિશન હેઠળ સરકાર દ્વારા લેવાયેલી આ પહેલને વર્ણવતા પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના આરોગ્ય ક્ષેત્રમાં વિવિધ ઊણપ અને તફાવતોને દૂર કરવા આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનનાં ત્રણ મુખ્ય પાસાં છે. પહેલું પાસું નિદાન અને સારવાર માટે પૂરતી વ્યવસ્થાઓના સર્જન સંબંધી છે. આ હેઠળ, આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો ગામો અને શહેરોમાં શરૂ થઈ રહ્યા છે જ્યાં રોગને વહેલો શોધી કાઢવા માટેની સગવડો હશે. મફત તબીબી સલાહ, મફત ટેસ્ટસ, મફત દવાઓ જેવી સુવિધાઓ આ કેન્દ્રોમાં ઉપલબ્ધ હશે. ગંભીર માંદગી માટે, 600 જિલ્લા અને રેફરલ સુવિધાઓમાં 35 હજાર નવા ક્રિટિકલ કેર સંબંધી બૅડ્સ ઉમેરાઇ રહ્યા છે જે 125 જિલ્લાઓમાં અપાશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું, આ યોજનાનું બીજું પાસું છે એ રોગના નિદાન માટે ટેસ્ટિંગ નેટવર્ક સંબંધી છે. આ મિશન હેઠળ, રોગના નિદાન અને દેખરેખ માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે. દેશના 730 જિલ્લાઓને એકીકૃત જાહેર આરોગ્ય લૅબ્સ મળશે અને 3000 તાલુકાઓને તાલુકા જાહેર આરોગ્ય એકમો મળશે. આ ઉપરાંત, રોગ નિયંત્રણ માટે 5 પ્રાદેશિક રાષ્ટ્રીય કેન્દ્રો, 20 મેટ્રોપોલિટન એકમો અને 15 બીએસએલ લૅબ્સ આ નેટવર્કને વધુ મજબૂત બનાવશે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીના જણાવ્યા મુજબ આ યોજનાનું ત્રીજું પાસું છે, મહામારીનો અભ્યાસ કરતી હાલની સંશોધન સંસ્થાઓનું વિસ્તરણ. હયાત 80 વાયરલ રોગ નિદાન અને સંશોધન લૅબ્સને મજબૂત કરાશે, 15 બાયોસેફ્ટી સ્તરની 15 લૅબ્સ કાર્યરત કરવામાં આવશે, 4 નવી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ વાયરોલોજીની અને એક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર વન હેલ્થની સ્થાપના થઈ રહી છે. દક્ષિણ એશિયા માટે ડબલ્યુએચઓ પ્રાદેશિક રિસર્ચ પ્લેટફોર્મ પણ આ નેટવર્કમાં મજબૂત કરાશે. “આનો અર્થ એ કે, પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન મારફત સારવારથી લઈને અતિ મહત્વના સંશોધન માટે એક સમગ્ર ઈકોસિસ્ટમ દેશના દરેક ખૂણે સર્જવામાં આવશે” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ આ પગલાંઓ દ્વારા રોજગારની સંભાવનાઓને ઉજાગર કરી હતી અને કહ્યું હતું કે પીએમ આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન આરોગ્યની સાથે આત્મનિર્ભરતાનું પણ એક માધ્યમ છે. “સાકલ્યવાદી આરોગ્ય સંભાળ હાંસલ કરવાના પ્રયાસનો આ એક ભાગ છે. એનો અર્થ છે કે આરોગ્યસંભાળ સસ્તી અને સૌને મળે એવી.” શ્રી મોદીએ કહ્યું કે સાકલ્યવાદી આરોગ્યસંભાળ આરોગ્યની સાથે સાથે સુખાકારી પર પણ ધ્યાન કેન્દ્રીત કરે છે. સ્વચ્છ ભારત મિશન, જલ જીવન મિશન, ઉજ્જવલા, પોષણ અભિયાન, મિશન ઇન્દ્રધનુષ જેવી યોજનાઓએ કરોડો લોકોને રોગમાંથી બચાવ્યા છે. આયુષ્માન ભારત યોજના હેઠળ 2 કરોડથી વધુ ગરીબ લોકોએ મફત સારવાર લીધી છે અને આયુષ્માન ભારત ડિજિટલ મિશન મારફત ઘણી આરોગ્ય સંબંધી સમસ્યાઓ ઉકેલાઇ રહી છે એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે આજે કેન્દ્રમાં અને રાજ્યમાં એક એવી સરકાર છે જે ગરીબો, વંચિતો, દલિતો, પછાત અને મધ્યમ વર્ગના દુ:ખ અને પીડાને સમજે છે. “દેશમાં આરોગ્ય સુવિધાઓ સુધારવા માટે અમે દિવસ-રાત મહેનત કરી રહ્યા છીએ” એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં જે ઝડપે નવી મેડિકલ કૉલેજો શરૂ થઈ રહી છે એની રાજ્યમાં મેડિકલ બેઠકો અને તબીબોની સંખ્યા પર મોટી અસર પડશે. વધુ બેઠકોને કારણે હવે ગરીબ મા-બાપના સંતાનો પણ તબીબ બનવાનું સપનું સેવી અને એને પરિપૂર્ણ કરી શક્શે એમ તેમણે ઉમેર્યું હતું.
પવિત્ર નગરી કાશીની ભૂતકાળની દુર્દશા વિશે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દયનીય હાલતને લોકોએ લગભગ સ્વીકારી લીધી હતી. પરિસ્થિતિઓ બદલાઇ અને આજે કાશીનું દિલ એ જ છે, મન એ જ છે પણ એની કાયા સુધારવાના સંનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. “છેલ્લા 7 વર્ષોમાં વારાણસીમાં જે કામ થયું છે એ છેલ્લા સાત દાયકાઓમાં થયું નથી” એમ તેમણે કહ્યું હતું.
પ્રધાનમંત્રીએ છેલ્લા કેટલાંક વર્ષોમાં કાશીની મહત્વની સિદ્ધિમાંની એક તરીકે વૈશ્વિક શ્રેષ્ઠતા તરફ બીએચયુની પ્રગતિનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. “આજે, ટેકનોલોજીથી લઈ આરોગ્ય સુધી, બીએચયુમાં અભૂતપૂર્વ સુવિધાઓ સર્જાઇ રહી છે. દેશભરમાંથી યુવા મિત્રો અહીં અભ્યાસ માટે આવી રહ્યા છે” એમ તેમણે ધ્યાન દોર્યું હતું.
વારાણસીમાં છેલ્લાં 5 વર્ષોમાં, ખાદી અને અન્ય કુટિર ઉદ્યોગની વસ્તુઓના ઉત્પાદનમાં 60 ટકાની વૃદ્ધિ અને વેચાણમાં 90 ટકાની વૃદ્ધિની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ ફરી એક વાર દેશવાસીઓને સ્થાનિક વસ્તુઓને ઉત્તેજન આપવાની અને ‘વોકલ ફોર લોકલ’ બનવાની હાકલ કરી હતી. તેમણે કહ્યું કે સ્થાનિકનો મતલબ એ નથી કે દિવા જેવી અમુક વસ્તુઓ ખરીદવી, પણ તહેવારોના સમયમાં એવી કોઇ પણ વસ્તુ જે દેશવાસીઓના કઠોર પરિશ્રમથી બની હોય એને તમામ દેશવાસીઓ દ્વારા ઉત્તેજન અને ટેકો આપવાની જરૂર છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1766318)
आगंतुक पटल : 459
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam