પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી અફઘાનિસ્તાન મામલે યોજાયેલી G20 અસાધારણ શિખર બેઠકમાં સહભાગી થયા

Posted On: 12 OCT 2021 7:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અફઘાનિસ્તાન મામલે યોજાયેલી G20 અસાધારણ શિખર બેઠકમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો હતો. આ બેઠક હાલમાં G20ની અધ્યક્ષતા સંભાળી રહેલા ઇટાલી દ્વારા બોલાવવામાં આવી અને બેઠકની અધ્યક્ષતા ઇટાલીના પ્રધાનમંત્રી શ્રી મારીઓ ડ્રાઘીએ કરી હતી. બેઠક દરમિયાન વિચાર કરવામાં આવેલા મુદ્દાઓમાં અફઘાનિસ્તાનમાં માનવીય સ્થિતિ, ત્રાસવાદ સંબંધિત ચિંતાઓ અને માનવાધિકારોને લગતી બાબતો હતી.

પ્રધાનમંત્રીએ પોતાની ટિપ્પણી વખતે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અંગે જાણકારી મેળવવા માટે ઇટાલીની G20ની અધ્યક્ષતામાં આ બેઠક બોલાવવાની પહેલને આવકારી હતી. તેમણે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે સદીઓ જૂના લોકોથી લોકોના સંબંધો પર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, છેલ્લા બે દાયકા દરમિયાન, ભારતે અફઘાનિસ્તાનમાં યુવાનો અને મહિલાઓના સામાજિક-આર્થિક વિકાસ અને ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ઘણું યોગદાન આપ્યું છે. તેમણે અફઘાનિસ્તાનમાં ભારત દ્વારા અમલીકૃત કરવામાં આવેલી 500 કરતાં વધારે વિકાસ પરિયોજનાઓ પણ યાદ કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, અફઘાન લોકો ભારત સાથે મૈત્રીની ખૂબ જ સારી ભાવના ધરાવે છે. તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં ભૂખ અને કુપોષણનો સામનો કરી રહેલા અફઘાન નાગરિકોની પીડા દરેક ભારતીય અનુભવે છે. અફઘાનિસ્તાનમાં તાત્કાલિક ધોરણે અને કોઇપણ અવરોધો વગર માનવીય સહાયતા મળે તેવું આંતરરાષ્ટ્રીય સમુદાયે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પ્રધાનમંત્રીએ વિશેષ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ એ બાબતને પણ રેખાંકિત કરી હતી કે, અફઘાનની સીમા પ્રાદેશિક અને વૈશ્વિક સ્તરે કટ્ટરવાદ અને ત્રાસવાદનો સ્રોત ના બની જાય તે સુનિશ્ચિત કરવાની ખાસ જરૂરિયાત છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, આ પ્રદેશમાં કટ્ટરવાદ, ત્રાસવાદ અને નશીલા દ્રવ્યો તેમજ શસ્ત્રોની દાણચોરીની સાંકળ સામે આપણી સંયુક્ત લડતને હજુ વધારવાની જરૂર છે.

છેલ્લા 20 વર્ષમાં અહીં સામાજિક-આર્થિક સ્તરે આવેલા સુધારાને જાળવી રાખવા અને કટ્ટરવાદી વિચારધારાનો ફેલાવો રોકવા માટે પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં એવા સમાવેશી પ્રશાસન માટે આહ્વાન કર્યું હતું, જેમાં મહિલાઓ અને લઘુમતીઓને સામેલ કરવામાં આવ્યા હોય. તેમણે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્રની ભૂમિકાને ભારતનું સમર્થન હોવાનું જણાવ્યું હતું અને અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદ ઠરાવ 2593માં સામેલ કરવામાં આવેલા સંદેશા માટે G20ના નવતર સહકાર માટે આહ્વાન કર્યુ હતું. પ્રધાનમંત્રીએ એકજૂથ આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાને આગળ વધારવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કર્યું હતું કારણ કે તેના વગર અફઘાનિસ્તાનમાં ઇચ્છિત પરિવર્તન લાવવું મુશ્કેલ છે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1763359) Visitor Counter : 301