પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

ડેન્માર્કના પ્રધાનમંત્રીની ભારતની મુલાકાત (09 ઓક્ટોબર, 2021) દરમિયાન ભારત- ડેન્માર્કનું સંયુક્ત નિવેદન

Posted On: 09 OCT 2021 3:40PM by PIB Ahmedabad

ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 9-11 ઓક્ટોબર, 2021 દરમિયાન ભારતની મુલાકાતે આવેલા ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ સુશ્રી મેટ્ટે ફ્રેડરિક્સનનું આતિથ્ય કર્યું હતું.

બંને દેશોના પ્રધાનમંત્રીએ ભારત અને ડેન્માર્ક વચ્ચે સહિયારા સિદ્ધાંતો અને લોકશાહી, કાયદાનું શાસન અને માનવ અધિકારોના સંદર્ભના આધારે બંને દેશો વચ્ચેના ઉષ્માપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધોને રેખાંકિત કર્યા હતા. તેઓ સંમત થયા હતા કે, ભારત અને ડેન્માર્ક કુદરતી અને નીકટના ભાગીદારો છે અને તેમણે બહુપક્ષવાદમાં સુધારો કરવા અને તેને વધુ નિષ્ઠ બનાવવા માટે તેમજ જહજા પરિવહનની મુક્તિ સાથે કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાના પ્રયાસોને વધુ ઉન્નત કરવા માટે સંમતિ દાખવી હતી.

બંને દેશના પ્રધાનમંત્રીઓએ 28 સપ્ટેમ્બર, 2020ના રોજ તેમની વર્ચ્યુઅલ શિખર મંત્રણા દરમિયાન ભારત અને ડેન્માર્ક વચ્ચે ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીનો આરંભ થયો ત્યારથી આજદિન સુધીમાં દ્વિપક્ષીય સંબંધોમાં જોવા મળેલી સકારાત્મક અને પ્રોત્સાહક પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કરીને આ બાબતની નોંધ લીધી હતી. બંને પ્રધાનંમત્રીએ આવનારા વર્ષો દરમિયાન પારસ્પરિક મહત્વના ક્ષેત્રો જેમાં, સૌથી વધુ નોંધપાત્ર રીતે ગ્રીન સેક્ટર (હરિત ક્ષેત્ર)માં, તેમજ આરોગ્ય સહિત સહકારના અન્ય અગ્રતા ધરાવતા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોનો વિકાસ કરવા અંગે તેમની અપેક્ષાઓની પુષ્ટિ કરી હતી. બંને પ્રધાનમંત્રીએ સાંસ્કૃતિક સહકારના મહત્વનો પુનરુચ્ચાર કર્યો હતો તેમજ ભારત અને ડેન્માર્ક વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારે ઘનિષ્ઠ બનાવવા અંગે સંમતિ વ્યક્ત કરી હતી.

ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારી અંગે પંચવર્ષીય આયોજન

બંને પ્રધાનમંત્રીઓએ મહત્વાકાંક્ષી તેમજ પરિણામલક્ષી ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારી પ્રત્યે તેમની કટિબદ્ધતાની પુષ્ટિ કરી હતી. તેમણે વિગતવાર પંચવર્ષીય કાર્યાલક્ષી યોજના (2021-2026)ને આવકારી હતી અને તેના અમલીકરણમાં આવેલી પ્રગતિની નોંધ લીધી. હરિત વિકાસ માટે ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે અને આ ભાગીદારી પારસ્પરિક લાભદાયી સહકાર તરફ દોરી જશે તે અંગે તેમણે સંમતિ દાખવી હતી. તેમણે ભવિષ્યમાં યોગ્ય પ્રસંગે પ્રગતિની સ્થિતિનું આકલન કરવાનું અને ગ્રીન વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવા અને મજબૂત કરવાના માર્ગો પર વિચાર કરવાનું પણ નક્કી કર્યું હતું.

દીર્ઘકાલીન વિકાસ અને હરિત વૃદ્ધિ

બંને પ્રધાનમંત્રીઓએ પંચવર્ષીય કાર્યાલક્ષી યોજના હરિત અને ઓછી કાર્બન વૃદ્ધિમાં વધારો અને એકીકરણની રીતો પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. આમાં નીચે ઉલ્લેખિત ક્ષેત્રો સામેલ છે: પાણી; પર્યાવરણ; નવીનીકરણીય ઉર્જા અને ગ્રીડ સાથે તેનું એકીકરણ; આબોહવા બાબતે પગલાં; સંસાધન કાર્યક્ષમતા અને ચક્રીય અર્થતંત્ર; ટકાઉ અને સ્માર્ટ સિટી; વ્યાપાર; બૌદ્ધિક સંપદા અધિકારો પર સહકાર સહિત વેપાર અને રોકાણો; દરિયાઇ સુરક્ષા સહિત દરિયાઇ સહકાર; ખોરાક અને કૃષિ; વિજ્ઞાન, ટેકનોલોજી અને આવિષ્કાર; આરોગ્ય અને જીવનવિજ્ઞાન; બહુપક્ષીય સંગઠનોમાં સહકાર; તેમજ સાંસ્કૃતિક અને લોકોથી લોકો વચ્ચેના સંબંધો.

બંને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારતમાં નવીનીકરણીય ઉર્જાનો વિકાસ કરવાની અપાર સંભાવના સમાયેલી છે અને આ સંદર્ભમાં ગુજરાત તેમજ તમિલનાડુમાં ડેનિશ કંપનીઓ દ્વારા નવા ઉત્પાદન અને ટેકનોલોજી રોકાણોને આવકાર્યા હતા. સપ્ટેમ્બર 2020માં યોજાયેલી વર્ચ્યુઅલ શિખર મંત્રણા પછી ખૂબજ મોટા પાયે વિસ્તરણ થયેલી પવન ઉર્જા, પાવર મોડેલિંગ અને ગ્રીડ એકીકરણ સહિત ઉર્જા ક્ષેત્રમાં સઘન અને વ્યાપકતા આધારિત સહયોગ દ્વારા તેઓ પ્રોત્સાહિત હતા. બંને પ્રધાનમંત્રીઓએ સંમતિ દર્શાવી હતી કે, નવી ટેકનોલોજી જેમાં ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજન, -મોબિલિટી અને સંગ્રહ સહિત વ્યાપારી સહયોગ વધારવામાં આવશે. બંને પ્રધાનમંત્રીએ નવી ગ્રીન ઉર્જા ટેકનોલોજીઓ પર સક્રિય વૈશ્વિક સહયોગની નોંધ લીધી હતી, જેમાં EU હોરાઇઝન કાર્યક્રમો અને મિશન ઇનોવેશન હેઠળ આવતી ટેકનોલોજીઓ સામેલ છે. આ ઉપરાંત ઓછા ઉત્સર્જન માટે ભારતીય-ડેનિશ સહયોગ પર અને ગ્રીન હાઇડ્રોજન સહિત હરિત ઇંધણોના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ પરિયોજનાઓ માટે પૂર્વયોજિત સંયુક્ત આહ્વાન પર તેમણે ભાર મૂક્યો હતો.

બંને દેશના પ્રધાનમંત્રીએ જળ ક્ષેત્રમાં એકબીજાના સહયોગના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો અને શહેરી તેમજ ગ્રામીણ જળ, ગંદા પાણી વ્યવસ્થાપન અને નદીઓના કાયાકલ્પ ક્ષેત્રમાં બંને દેશની સરકારો વચ્ચેની પહેલને આવકારી હતી. બંને પ્રધાનમંત્રીએ પાણી પૂરવઠા, ગંદા પાણીનું વ્યવસ્થાપન અને નદીઓના કાયાકલ્પ ક્ષેત્રે શહેરી સ્તરથી રાજ્ય સ્તર/બેસિન સ્તર સુધીની પ્રવૃત્તિઓમાં વધારો કરવાની સંભાવનાની નોંધ લીધી તેમજ સંબંધિત સત્તામંડળો સાથે મળીને આ વિકલ્પમાં વધુ અન્વેષણને પ્રોત્સાહન આપ્યું હતું. બંને મહાનુભાવોએ સ્વીકાર્યું હતું કે, પારસ્પરિક સહયોગ પાણીના નુકસાન, જળ સંસાધન વ્યવસ્થાપન અને ભારતમાં ગંદા પાણીના સંચાલન દ્વારા સંસાધન પુનઃપ્રાપ્તિ સહિત ટકાઉક્ષમ જળ પૂરવઠામાં સુધારો લાવી શકે છે.

ડેન્માર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિકસેને આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (ISA)ને ડેન્માર્ક દ્વારા આપવામાં આવેલી બહાલીનો ઉલ્લેખ કર્યો, જેમાં તેમણે નવીનીકરણીય ઉર્જાના તમામ સ્ત્રોતોને પ્રોત્સાહન આપવાના પ્રયાસો સહિત આબોહવા અંગે સામુહિક સાર્વત્રિક પગલાંમાં યોગદાન આપવાની આ પહેલની નોંધપાત્ર સંભાવનાની નોંધ લીધી હતી. ભારત અને ડેન્માર્ક લીડઆઇટી (LeadIT)ના સભ્ય હોવાથી, બંને પ્રધાનમંત્રીઓ ઉદ્યોગ ટ્રાન્ઝિશન પર નેતૃત્વ સમૂહના સંબંધમાં હાર્ડ-ટુ-એબેટ ક્ષેત્રો (ભારે ઉદ્યોગ ક્ષેત્રો) પર સહયોગ કરવા માટે સંમતિ વ્યક્ત કરી હતી.

બંને પ્રધાનમંત્રીએ પેરિસ કરારમાં નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યો અને UN દીર્ઘકાલિન વિકાસ લક્ષ્યો (SDC)ને અનુરૂપ આબોહવા પરિવર્તનના વૈશ્વિક પડકારનો સામનો કરવા માટેની પહેલોમાં સહયોગ અંગે પુષ્ટિ કરી હતી. બંને પ્રધાનમંત્રીઓએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે, આબોહવા પરિવર્તન એક વૈશ્વિક કટોકટી છે અને તેને વૈશ્વિક નેતૃત્વની જરૂર છે; ડેન્માર્ક અને ભારતે રાષ્ટ્રીય સંજોગો અને સમાનતાના સિદ્ધાંતો, તેમજ પેરિસ કરાર હેઠળ કરવામાં આવેતી કટિબદ્ધતાઓને અનરૂપ, હરિયાળા અને ટકાઉ ભવિષ્ય તરફ ન્યાયી અને ઉચિત સંક્રાંતિ કરવા માટે તાકીદના ધોરણની અને વૈશ્વિક એકતા માટે સંમતિ દાખવી હતી. બંને પ્રધાનમંત્રીઓ સંમત થયા હતા કે, શ્રેષ્ઠ ઉપલબ્ધ વિજ્ઞાનને અનુરૂપ અને આબોહવા પરિવર્તન પર આંતરસરકાર પેનલના છઠ્ઠા મૂલ્યાંકન અહેવાલના તારણોના આધારે, આબોહવા પરિવર્તનને ઘટાડવા અને અનુકૂલન માટે વૈશ્વિક મહત્વાકાંક્ષી કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે. બંને પ્રધાનમંત્રીએ એવી પણ સંમતિ દર્શાવી હતી કે, મહામારી પછીની આર્થિક રિકવરી સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક સહયોગ જરૂરી છે. પ્રધાનમંત્રીઓએ ગ્લાસગોમાં યોજાનારી આગામી COP26 અંગે ચર્ચા કરી હતી અને COP26 દ્વારા નક્કર અને મહત્વાકાંક્ષી પરિણામોની જરૂરિયાત પર સંમત થયા તેમજ આ સંદર્ભે સાથે મળીને કામ કરવા માટે પણ સંમત થયા હતા.

બંને પ્રધાનમંત્રીઓએ ખાનગી ધીરાણ સંસ્થાઓમાં નોંધપાત્ર પ્રમાણમાં રુચિ અને કટિબદ્ધતાની નોંધ લઇને, ટકાઉક્ષમ ખાનગી ધીરામો અને રોકાણોના સંબંધિત સંસાધનોને ઓળખી કાઢવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો. બંને પ્રધાનમંત્રીએ પુષ્ટિ કરી હતી કે, અનુકૂળ માળખાની પરિસ્થિતિઓ પર વિસ્તૃત સંવાદ અને સહકાર દ્વારા રોકાણ અને પરિયોજનાઓના વિકાસને પ્રોત્સાહન આપવા માટે તે કટિબદ્ધ છે. આ ઉપરાંત, બંને પ્રધાનમંત્રીઓ એ બાબતે સંમત થયા હતા કે, ઓછા કાર્બનવાળી ઉર્જા અને ઉદ્યોગ સંક્રાંતિને પ્રોત્સાહન આપવા માટે આવિષ્કારી અને સસ્તી ટેકનોલોજીની હેરફેર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રીઓએ ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન મિથેનોલ સહિત ઈ-મોબિલિટી, ઓફશોર (વિદેશી) પવન, ઇંધણ-ટેકનોલોજીને સામેલ કરવા માટે ઉર્જા ક્ષેત્રમાં વ્યાપારી સહયોગનું વિસ્તરણ કરવાની સહિયારી મહત્વાકાંક્ષા અભિવ્યક્ત કરી હતી.

બંને પ્રધાનમંત્રીએ વધુમાં નોંધ્યું હતું કે, વર્ષ 2022માં UNLEASH પહેલ ભારતના બેંગલુરુ ખાતે શરૂ કરવામાં આવશે. આના કારણે દીર્ઘકાલિન વિકાસ લક્ષ્યો સુધી પહોંચવા માટે જરૂરી સાહસિકતાને પ્રોત્સાહન આપવામાં યુવાનોની ભૂમિકાને સમર્થન મળી શકશે. આવી જ રીતે, બંને પ્રધાનમંત્રીઓએ વર્ષ 2022 અને 2023માં નીતિ આયોગ - અટલ ઇનોવેશન મિશન અને ઇનોવેશન સેન્ટર ડેન્માર્ક 'વોટર ચેલેન્જ' અંતર્ગત દીર્ઘકાલિન જળ ઉદ્યોગસાહસિકતા પહેલને આવકારી હતી..

બંને પ્રધાનમંત્રીએ જળ જીવન મિશનના સમર્થમાં શરૂ કરવામાં આવેલી 3 વર્ષીય કાર્યલક્ષી યોજના, ભારતના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અને ડેન્માર્ક સરકાર વચ્ચે ટકાઉક્ષમ અને સ્માર્ટ શહેરી જળ ક્ષેત્ર માટેના 5 જુલાઇ 2021ના રોજના ઉદ્દેશ પત્ર તેમજ ગંગા નદી બેસિન અને વ્યવસ્થાપન અભ્યાસ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, કાનપુર (ઇ-ગંગા) અને ડેન્માર્ક સરકારના ઇનોવેશન સેન્ટર ડેન્માર્ક વચ્ચે ગંગા નદીને સાફ કરવા માટે ટેકનોલોજીક ઉકેલોના વિકાસ સંબંધે કરવામાં આવેલા સમજૂતી કરાર (MoU) સહિત પહેલાંથી જ હરિત વ્યૂહાત્મક ભાગીદારીના અમલીકરણ માટે લેવામાં આવેલા પગલાંઓને આવકાર્યા હતા.

આરોગ્ય, રસી ભાગીદારી અને કોવિડ-19

બંને પ્રધાનમંત્રીએ કોવિડ -19 મહામારીના ફેલાવા અંગે પોતાના અભિપ્રાયોનું આદાન-પ્રદાન કર્યું હતું અને વૈશ્વિક સ્તરે લાભદાયક રસી ભાગીદારી સ્થાપિત કરવાની જરૂરિયાત પર સંમતિ દર્શાવી હતી જેમાં ખાસ કરીને રસી ઉત્પાદન બાબતે ભારતની મજબૂત સ્થિતિ અને આખી દુનિયામાં જરૂરિયાતમંદ લોકોને રસીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાની દિશામાં તેના સહકારના નિર્માણની જરૂરિયાત પર સંમતિ દર્શાવી હતી. બંને પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, બંને દેશો કાર્ડિયોવાસ્ક્યુલર અને મેટાબોલિક (ચયાપચય સંબંધિત) રોગોમાં સંશોધન અને વિકાસ માટે એકબીજા સાથે મેળખાતા યોગદાન દ્વારા ભારત તરફથી વિજ્ઞાન એજન્સીઓ અને ડેનિશ તરફથી નોવો નોર્ડિસ્ક ફાઉન્ડેશન વચ્ચે સહયોગ સ્થાપિત કરવામાં આવશે. બંને પ્રધાનમંત્રીએ બંને દેશો વચ્ચે મુસાફરી વધુ સરળ બનાવવા માટે રસીકરણના પ્રમાણપત્રોને એકબીજાના દેશોમાં માન્યતા અંગેની તકો શોધવાનું નક્કી કર્યું.

બંને પ્રધાનમંત્રીએ આરોગ્ય અંગે નવી હસ્તાક્ષર કરવામાં આવેલી સમજૂતી (MoU)ને તેમના સમર્થનનો પુનરોચ્ચાર કરીને કર્યો હતો અને પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથ પહેલેથી જ થઇ ગયું હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આરોગ્ય અંગે વ્યાપક સહયોગ વધારવા માટે MoUની વ્યાપર સંભાવનાને રેખાંકિત કરી હતી, જેમાં ડિજિટલ આરોગ્ય, દીર્ઘકાલિન રોગો તેમજ રસીઓ અને કોવિડ-19ના સંદર્ભમાં વધેલા એન્ટિમાઇક્રોબાયલ પ્રતિકાર (AMR) પડકારનો સમાવેશ થાય છે.

નવા કરારો

બંને પ્રધાનમંત્રીઓ નીચે ઉલ્લેખિત આદાનપ્રદાનના સાક્ષી બન્યા હતા:

વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ અને ડેનિશ પેટન્ટ અને ટ્રેડમાર્ક કચેરી વચ્ચે પરંપરાગત જ્ઞાન ડિજિટલ લાઇબ્રેરીના ઍક્સેસ માટેનો કરાર.

ભારત પ્રજાસત્તાકના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય અને ડેન્માર્ક સરકાર વચ્ચે સંયુક્ત ઉદ્દેશ પત્ર.

ભારતમાં હૈદરાબાદ સ્થિત વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ- રાષ્ટ્રીય જીઓફિઝિકલ સંશોધન સંસ્થા અને ડેન્માર્કની આર્હસ યુનિવર્સિટી તેમજ ભૂગર્ભ જળ સંસાધનો અને જળચરનું મેપિંગ કરવા માટે ડેન્માર્ક અને ગ્રીનલેન્ડના ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ વચ્ચે સમજૂતી કરાર.

સંભવિત અમલીકરણો સાથે ઉષ્ણકટિબંધીય આબોહવા માટે કુદરતી રેફ્રિજરેન્ટ્સ તરફ શ્રેષ્ઠતા કેન્દ્રની સ્થાપના કરવા માટે બેગલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ અને ડેનફોસ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર.

બહુપક્ષીય સહકાર

બંને પ્રધાનમંત્રીઓએ કોવિડ-19નો અસરકારક રીતે ઉકેલ લાવવા માટે મજબૂત બહુપક્ષીય સહયોગના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો, જેમાં WHO અને આંતરરાષ્ટ્રીય કટોકટીની તૈયારીઓમાં સુધારા અને મજબૂતીની જરૂરિયાત તેમજ વધુ સારી અને હરિયાળી બનાવવાની જરૂરિયાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી ફ્રેડરિકસેને ઑગસ્ટ મહિનામાં UN સુરક્ષા પરિષદની સફળ અધ્યક્ષતા બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા અને સુધારેલ અને વિસ્તૃત UN સુરક્ષા પરિષદમાં ભારતના કાયમી સભ્યપદ બદલ ડેનમાર્કે પોતાનું સમર્થનનું પુનરાવર્તિત કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ 2025-2026ના સમયગાળા માટે UN સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યપદ માટે ડેન્માર્કની ઉમેદવારી માટે ભારતના સમર્થનની પુષ્ટિ કરી હતી.

પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ

બંને પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં ઉભી થયેલી ચિંતાજનક પરિસ્થિતિ સહિતના પોતપોતાના ક્ષેત્રોમાં વિકાસ અંગેના પોતાના દૃષ્ટિકોણો એકબીજા સમક્ષ રજૂ કર્યા હતા અને આ બાબતોના મહત્વ પર સહમતિ દર્શાવી: 1) વધુ પ્રાદેશિક અસ્થિરતા ટાળવી; 2) પ્રાદેશિક વેપાર અને કનેક્ટિવિટી સહિત પ્રાદેશિક જોડાણને મજબૂત બનાવવું અને કટ્ટરવાદ સામે લડવા માટે નક્કર પગલાં લેવા; અને 3) મૂળભૂત અધિકારો બાબતે પ્રગતિ જાળવી રાખવી. UNSC ઠરાવ 2593 (2021) અનુસાર, અફઘાનિસ્તાનમાં સમાવેશિતા, આતંકવાદ વિરોધી બાંયધરીઓ અને માનવ અધિકારો માટે જેમાં ખાસ કરીને મહિલાઓના અધિકારો માટે આદરની જરૂરિયાત પર ભાર મૂકતા બંને પ્રધાનમંત્રીએ અફઘાનના લોકોને સતત સમર્થન આપવા માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.

ઈન્ડો-પેસિફિક પર EUની વ્યૂહનીતિની તાજેતરમાં કરાયેલી જાહેરાતને બંને પ્રધાનમંત્રીએ આવકારી હતી અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં યુરોપિયન જોડાણ વધારવાની યોજનાઓની નોંધ લીધી હતી.

બંને દેશના પ્રધાનમંત્રીએ મે 2021માં પોર્ટુગલ દ્વારા યોજવામાં આવેલી ભારત-EUના નેતાઓની બેઠકને ભારત-EUની વ્યૂહાત્મક ભાગીદારીમાં નવા સીમાચિહ્ન તરીકે સ્વીકારી હતી અને મહત્વાકાંક્ષી, સંતુલિત, વ્યાપક અને પારસ્પરિક લાભદાયક ભારત-EU મુક્ત વેપાર કરાર અને રોકાણ માટે અલગ વાટાઘાટો ફરી શરૂ કરવાના નિર્ણયને આવકાર્યો હતો. પ્રધાનમંત્રીઓએ વહેલી તકે વાટાઘાટો શરૂ કરવાની જરૂરિયાત પર વિશેષ ભાર મૂક્યો. તેમણે ભારત-EU કનેક્ટિવિટી ભાગીદારીને પણ આવકારી હતી અને કનેક્ટિવિટી પરિયોજનાઓને પ્રોત્સાહન આપવા માટે દ્વિપક્ષીય અને EU સ્તરે સહયોગ કરવા સંમતિ દર્શાવી હતી.

પ્રધાનમંત્રી મોદીએ 2022માં કોપનહેગનમાં યોજાનારા બીજા ભારત-નોર્ડિક સંમેલનમાં આમંત્રણ આપવા બદલ પ્રધાનમંત્રી ફ્રેડરિકસેનનો આભાર વ્યક્ત કર્યો હતો.

 


(Release ID: 1762883) Visitor Counter : 294