સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં કોવિડ-19 સામે જાહેર આરોગ્ય પ્રતિક્રિયા અને રસીકરણમાં પ્રગતિ મુદ્દે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ

કોઇપણ પ્રકારની બાંધછોડનો કોઇ જ અવકાશ નથી: રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19ની પરિસ્થિતિનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવાની અને માળખાકીય સુવિધા, દવાઓ અને માનવ સંસાધનમાં વૃદ્ધિ કરવાની સલાહ આપવામાં આવી

કેન્દ્રીય આરોગ્ય સચિવે આગામી તહેવારોની મોસમ માટે આવશ્યક સાવચેતીઓ અને કેસોની સંખ્યામાં કોઇપણ વૃદ્ધિને રોકવા માટેની વ્યૂહનીતિ અંગે વિગતવાર માહિતી આપી

11 રાજ્યોમાં સ્ટીરિઓટાઇપ-II ડેંગ્યુના કેસોને નિયંત્રણમાં લેવા માટે રાજ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું

Posted On: 18 SEP 2021 3:24PM by PIB Ahmedabad

કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાની અધ્યક્ષતામાં આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોવિડ-19ની સ્થિતિની સમીક્ષા અને તેના વ્યવસ્થાપન તેમજ પ્રતિક્રિયાની વ્યૂહનીતિ અંગે ચર્ચા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ અને નીતી આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૌલની ઉપસ્થિતિમાં યોજાઇ હતી. બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, અધિક મુખ્ય સચિવો (આરોગ્ય), અગ્ર સચિવો (આરોગ્ય), મ્યુનિસિપલ કમિશ્નરો, જિલ્લા કલેક્ટરો અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગઇકાલે 2.5 કરોડ કરતા વધારે લોકોને રસી આપવાની સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને અભિનંદન પાઠવતા કેબિનેટ સચિવે આરોગ્ય સંભાળ કર્મચારીઓ, મુખ્ય તબીબી અધિકારીઓ, જિલ્લા મેજિસ્ટ્રેટ્સ અને રાજ્ય આરોગ્ય સચિવોએ કરેલા પ્રયાસો બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, રસીના ડોઝની ઉપલબ્ધતામાં વધારો થયો હોવાથી હવે રસીકરણની ગતિ એકધારી જળવાઇ રહેશે.

જોકે, તેમણે આ પ્રસંગે રાજ્યોને યાદ અપાવ્યું હતું કે, આ બાબતે બાંધછોડ માટે કોઇ જ અવકાશ નથી. તેમણે ભારપૂર્વક કોવિડ માટે યોગ્ય આચરણ (CAB)ના ચુસ્ત અમલની જરૂરિયાત હોવાનું કહ્યું હતું.

અનેક વખત કોવિડ-19ના સર્વોચ્ચ સ્તરની કેસ સંખ્યા જોવા મળી હોય તેવા અન્ય દેશોના ઉદાહરણો તરફ ધ્યાન દોરતા તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે, દેશમાં એવા કેટલાક વિસ્તારો છે જ્યાં પરીક્ષણમાં પોઝિટીવિટીની સંખ્યા વધારે ઘણી વધારે નોંધાઇ રહી છે. તેમણે રાજ્યોના આરોગ્ય પ્રશાસકોને સલાહ આપી હતી કે, વહેલી તકે તેમની કોવિડ સંબંધિત સ્થિતિનું ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરે, તેમની આરોગ્ય માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ કરે, આવશ્યક દવાઓના જથ્થાનો સ્ટોક કરે અને માનવ સંસાધનોમાં વધારો કરે જેથી કેસોની સંખ્યામાં કોઇપણ સંભવિત વૃદ્ધિની સ્થિતિને પહોંચી શકાય.

કેન્દ્રીય આરોગ્ય સચિવે 11 રાજ્યોમાં સ્ટીરિઓટાઇપ-II ડેંગ્યૂના કેસોની સંખ્યામાં વૃદ્ધિના નવા ઉભા થઇ રહેલા પડકાર પર પ્રકાશ પાડ્યો હતો. આ પ્રકાર બીમારીના અન્ય સ્વરૂપો કરતાં વધુ કેસો નોંધાય તેવો અને વધુ જટીલ છે. તેમણે રાજ્યોને કેસોના વહેલા નિદાન, તાવની હેલ્પલાઇનોના પરિચાલન, પૂરતા પ્રમાણમાં પરીક્ષણોની કિટ્સ, લાર્વીસાઇડ્સ અને દવાઓની ઉપલબ્ધતા, તાત્કાલિક તપાસ અને તાવનો સર્વે, સંપર્ક ટ્રેસિંગ, રોગવાહક જીવાણું નિયંત્રણ જેવા જરૂરી જાહેર આરોગ્ય પગલાં લેવા માટે ત્વરિત પ્રતિક્રિયા ટીમોની નિયુક્તિ, લોહી અને લોહીના ઘટકો જેમાં ખાસ કરીને પ્લેટલેટ્સનો પૂરતો જથ્થો જાળવી રાખવા માટે બ્લડ બેંકોને તાકીદ કરવી વગેરે પગલાં લેવા માટે સૂચનો આપ્યા હતા. રાજ્યોને હેલ્પલાઇન, રોગવાહક જીવાણું નિયંત્રણની પદ્ધતિઓ, ઘરોમાં સ્રોતમાં ઘટાડો અને ડેંગ્યૂના લક્ષણો સંબંધિત IEC અભિયાનો હાથ ધરવાની પણ વિનંતી કરવામાં આવી હતી.

આરોગ્ય સચિવે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનું ધ્યાન દોર્યું હતું કે, 15 રાજ્યોમાં 70 જિલ્લામાં કેસોની સંખ્યા ચિંતાજનક છે કારણ કે આમાંથી 34 જિલ્લામાં પોઝિટીવિટીની સંખ્યા 10% કરતાં વધારે છે અને 36 જિલ્લામાં પોઝિટીવિટીની સંખ્યા 5%-10%ની વચ્ચે છે. આગામી સમયમાં તહેવારોની મોસમ આવી રહી હોવાથી રાજ્યોને નિર્દેશો આપવામં આવ્યા હતા કે, મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય અને ખૂબ જ ઓછી જગ્યામાં ગીચતા વધે તેવી સ્થિતિ ટાળવા માટે તમામ જરૂરી તકેદારીઓ રાખવામાં આવે અને અસરકારક રીતે તેનું પાલન કરવામાં આવે તે સુનિશ્ચિત કરે. મોલ, સ્થાનિક બજારો અને ધાર્મિક સ્થળો સંબંધિત પ્રવર્તમાન માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થવું જોઇએ. રાજ્યોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે, કોવિડ માટે યોગ્ય આચરણ (CAB)ના પાલનને પ્રોત્સાહન આપવા અને કોવિડ સલામત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે અસરકારક IEC હાથ ધરવામાં આવે. તેમને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે, તમામ જિલ્લાઓમાં દૈનિક ધોરણે કેસોની વઘ-ઘટ પર નીકટતાથી નજર રાખવામાં આવે જેથી ચેતવણીના સંકેતોને વહેલી તકે પારખી શકાય અને પ્રતિબંધોના અમલ તેમજ CABના અનુપાલનને સુનિશ્ચિત કરી શકાય.

પાંચ સ્તરીય કોવિડ નિયંત્રણ વ્યૂહનીતિ (પરીક્ષણ, ટ્રેક, સારવાર, રસી, CABનું પાલન): વહેલા નિદાન માટે પરીક્ષણમાં વૃદ્ધિ ખૂબ મદદરૂપ છે, ભવિષ્ય માટે તૈયાર રહેવા માટે આરોગ્ય માળખાકીય સુવિધામાં વૃદ્ધિ (ગ્રામીણ વિસ્તારોને તેમજ પીડિયાટ્રિક કેસોને પ્રાથમિકતા સાથે), સંપર્ક ટ્રેસિંગ, દેખરેખ અને નિયંત્રણ માટેના પગલાં તેમજ મોટી સંખ્યામાં કેસ નોંધાતા હોય તેવા ક્લસ્ટરોમાં પગલાં, રસી દ્વારા પ્રાથમિકતા ધરાવતા વય જૂથને અને બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવા લગભગ તમામ લાભાર્થીને આવરી લેવા પર ધ્યાન આપવું તેમજ ટકાઉક્ષમ સામુદાયિક સહકાર પૂરો પાડવો આ તમામ બાબતો કોવિડ-19ના નિયંત્રણ માટે મુખ્ય છે તેવું ફરી ભારપૂર્વક કહેવામાં આવ્યું હતું.

એ પણ નોંધવામાં આવ્યું હતું કે, હોસ્પિટલની માળખાકીય સુવિધામાં વૃદ્ધિ, ઓક્સિજનની ઉપલબ્ધતા, મહત્વપૂર્ણ દવાઓનો સ્ટોક કરવો, એમ્બ્યુલન્સ સેવાઓ અને અને IT સિસ્ટમ્સ/ હેલ્પલાઇનો/ ટેલિમેડિસિન સેવાઓમાં વૃદ્ધિ માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. આરોગ્ય સચિવે ટાંક્યુ હતું કે, તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કટોકટી કોવિડ પ્રતિક્રિયા પેકેજ હેઠળ ભંડોળ આપવામાં આવ્યું જેનો તાત્કાલિક અને શ્રેષ્ઠતમ ઉપયોગ કરવો જોઇએ.

મુખ્ય સચિવોને જિલ્લા સ્તરે સમીક્ષા કરવાનો અને પૂરતા પ્રમાણમાં તબીબી માળખાકીય સુવિધાઓ અને સંભવિત જરૂરિયાતોને અનુરૂપ પૂરવઠાને તાત્કાલિક ધોરણે ગતિમાન કરવામાં આવે સુનિશ્ચિત કરવાનો અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત, ખાનગી ક્ષેત્રની ક્ષમતાઓને પણ આમાં યોગ્ય રીતે સમાવી શકાય અને ઉભરતી જરૂરિયાતો અનુસાર તેમને તૈનાત કરી શકાય.

કોઇપણ નવા કેસોની સંખ્યામાં વૃદ્ધિને નિવારવા માટે તમામ સંભવિત પ્રયાસો કરવા માટે રાજ્યના સત્તાધીશોને આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે:

  • કોવિડ માટે યોગ્ય આચરણનું પાલન થાય અને કોવિડ સામે સલામતી સાથે તહેવારોની ઉજવણી થાય તે સુનિશ્ચિત કરવું
  • જ્યાં મોટી સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યાં હોય તેવા ક્લસ્ટરોમાં સઘન કન્ટેઇન્મેન્ટ અને સક્રિય દેખરેખ અમલ કરવો અને પ્રતિબંધો લાદવામાં જરાય વિલંબ ના કરવો
  • RT-PCRનો રેશિયો જાળવીને પરીક્ષણમાં વધારો કરવો
  • PSA પ્લાન્ટ્સ, ઓક્સિજન સિલિન્ડરો, કોન્સન્ટ્રેટરો અને વેન્ટિલેટરોને તાત્કાલિક લગાવવા
  • ECRP-IIના પ્રાથમિકતા સાથે અમલીકરણ માટે નિયમિત સમીક્ષા કરવી જેથી પૂરતા પ્રમાણમાં અવકાશ સાથે તૈયારીઓ સુનિશ્ચિત થઇ શકે
  • કેટલાક રાજ્યોમાં શાળાઓ શરૂ કરવામાં આવી હોવાથી બાળકોમાં ચેપના ફેલાવાને ધ્યાનમાં રાખીને આ સ્થિતિ પર દેખરેખ રાખવી
  • રસીકરણ પછી ચેપમાં થતા ફેલાવા પર દેખરેખ રાખવી અને દેખીતી ઉભરતી સ્થિતિની સમીક્ષા કરવી
  • જીનોમ સિક્વન્સિંગ માટે પૂરતા પ્રમાણમાં નમૂનાઓ મોકલવા સહિત મ્યૂટેશન્સ પર દેખરેખ રાખવી
  • રસીકરણની ઝડપ અને કવરેજમાં વધારો કરવો
  • ડેંગ્યૂ અને અન્ય રોગવાહક જીવાણું-જન્ય બીમારીઓને રોકવા અને નિયંત્રણમાં માટે જરૂરી પગલાં લેવા


(Release ID: 1756129) Visitor Counter : 88