પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યુ ખાતે સંરક્ષણ કચેરીઓના પરિસરોનું ઉદ્ઘાટન કર્યું
ભારતની સ્વતંત્રતાના 75મા વર્ષ દરમિયાન નવા ભારતની જરૂરિયાત અને મહત્વાકાંક્ષાઓ અનુસાર દેશની રાજધાનીના વિકાસની દિશામાં ભારતે વધુ એક પગલું ભર્યું છે: પ્રધાનમંત્રી
રાજધાનીમાં આધુનિક સંરક્ષણ ભવનના નિર્માણની દિશામાં આ ઘણું મોટું પગલું છે: પ્રધાનમંત્રી
કોઇપણ દેશની રાજધાની તે દેશની વિચારધારા, નિર્ધાર, શક્તિ અને તેમની સંસ્કૃતિનું પ્રતીક હોય છે: પ્રધાનમંત્રી
ભારત લોકશાહીની જનેતા છે, ભારતની રાજધાની એવી હોવી જોઇએ કે જ્યાં દરેક નાગરિકો, લોકો કેન્દ્ર સ્થાને હોય: પ્રધાનમંત્રી
સરકાર દ્વારા ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ પર આપવામાં આવી રહેલા ધ્યાનમાં આધુનિક માળખાકીય સુવિધા ખૂબ જ મોટી ભૂમિકા ધરાવે છે: પ્રધાનમંત્રી
જો નીતિઓ અને ઇરાદા સ્પષ્ટ હોય, ઇચ્છાશક્તિ મજબૂત હોય અને પ્રામાણિક પ્રયાસો કરવામાં આવે તો, બધુ જ શક્ય છે: પ્રધાનમંત્રી
પરિયોજનાઓ તેના નિર્ધારિત સમય પહેલાં જ પૂરી થઇ રહી છે જે અભિગમ અને વિચારધારામાં આવેલા પરિવર્તનની પ્રતિતિ કરાવે છે: પ્રધાનમંત્રી
Posted On:
16 SEP 2021 12:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યુ ખાતે સંરક્ષણ કચેરીઓના પરિસરોનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આફ્રિકા એવેન્યુ ખાતે સંરક્ષણ કચેરીના પરિસરની મુલાકાત પણ લીધી હતી અને સૈન્ય, નૌકાદળ તેમજ વાયુદળના જવાનો અને નાગરિક અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ઉદ્ઘાટન કરવામાં આવેલા પરિસરોના કારણે ભારત તેની આઝાદીના 75મા વર્ષે નવા ભારતની જરૂરિયાતો અને મહત્વાકાંક્ષાઓ અનુસાર રાષ્ટ્રની રાજધાનીના વિકાસની દિશામાં વધુ એક કદમ આગળ વધ્યું છે. તેમણે એ તથ્ય પર વસવસો વ્યક્ત કર્યો હતો કે, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ઘોડાના તબેલા અને બેરેકની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવેલા છાવણી જેવા માળખામાં ખૂબ જ લાંબા સમયથી સંરક્ષણ સંબંધિત કાર્યો કરવામાં આવી રહ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, “નવનિર્મિત સંરક્ષણ કચેરીના પરિસરો આપણા સંરક્ષણ દળોને વધુ સગવડ અને સુવિધા સાથે અને અસરકારક રીતે તેમના પ્રયાસો આગળ ધપાવવામાં મજબૂતી લાવશે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કસ્તુરબા ગાંધી માર્ગ અને આફ્રિકા એવેન્યુ ખાતે ઉભી કરવામાં આવેલી આ આધુનિક કચેરીઓ દેશની સુરક્ષા સંબંધિત તમામ પ્રકારના કાર્યો અસરકારક રીતે હાથ ધરવા માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થશે. રાજધાનીમાં આધુનિક સંરક્ષણ ભવનનું નિર્માણ કરવાની દિશામાં આ એક મોટું ડગલું છે. તેમણે આ પરિસરોમાં આત્મનિર્ભર ભારતના પ્રતીકરૂપે ભારતીય કલાકારો દ્વારા સમાવવામાં આવેલી આકર્ષક કલાકૃતિઓ બદલ તેમની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ પરિસરો દિલ્હીના જુસ્સા અને પર્યાવરણનું સંરક્ષણ કરીને આપણી સંસ્કૃતિમાં વૈવિધ્યતાના આધુનિક સ્વરૂપને પ્રતિબિંબિત કરે છે.”
પ્રધાનમંત્રીએ ટાંક્યું હતું કે, જ્યારે આપણે રાજધાની વિશે વાત કરી રહ્યાં હોઇએ ત્યારે, આ માત્ર એક શહેર નથી હોતું. કોઇપણ દેશની રાજધાની તે દેશની વિચારધારા, નિર્ધાર, તાકાત અને તેની સંસ્કૃતિનું પ્રતીક હોય છે. ભારત લોકશાહીની જનેતા છે. આથી, ભારતની રાજધાની એવી હોવી જોઇએ જ્યાં, નાગરિકો, લોકોને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા હોય.
પ્રધાનમંત્રીએ ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં સરકાર ધ્યાન આપી રહી છે તેમાં આધુનિક માળખાકીય સુવિધાઓની ભૂમિકા ઘણી મોટી હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “સેન્ટ્રલ વિસ્ટામાં હાલમાં ચાલી રહેલું નિર્માણ કાર્ય આ વિચારને અનુલક્ષીને જ આગળ વધી રહ્યું છે.” રાજધાનીની મહત્વાકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને નવા બાંધકામના પ્રયાસો ગણાવતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, લોકોના પ્રતિનિધિઓના આવાસો સહિત સંખ્યાબંધ બાંધકામો, બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિઓને જાળવવા માટેના પ્રયાસો, સંખ્યાબંધ ભવનો, આપણા શહીદો માટેના સ્મારકો આજે આપણા દેશની રાજધાનીની કિર્તીમાં વધારો કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ કચેરીના પરિસરના નિર્માણનું કાર્ય આમ તો 24 મહિનામાં પૂરું કરવાનું હતું પરંતુ માત્ર 12 મહિનાના વિક્રમી સમયમાં જ સંપન્ન કરવામાં આવ્યું છે. એ પણ એવા સમયે કે જ્યારે, કોરોનાના કારણે સર્જાયેલા સંજોગોમાં શ્રમિકોથી માંડીને બીજા સંખ્યાબંધ પડકારો હતા. કોરોનાના સમય દરમિયાના આ પરિયોજનાના કારણે સેંકડો શ્રમિકોને રોજગારી પ્રાપ્ત થઇ છે. પ્રધાનમંત્રીએ સરકારની કામગીરીમાં અપનાવવામાં આવેલી નવી વિચારધારા અને અભિગમને આ સફળતાનો શ્રેય આપ્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “જ્યારે નીતિઓ અને ઇરાદાઓ સ્પષ્ટ હોય, ઇચ્છાશક્તિ મજબૂત હોય અને પ્રામાણિક રીતે પ્રયાસો કરવામાં આવો તો બધુ જ શક્ય છે.”
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સંરક્ષણ કચેરીના પરિસરો બદલાતા કામકાજના માહોલ અને સરકારની પ્રાથમિકતાની પ્રતિતિ કરાવે છે. તેમણે કહ્યું હતું કે, ઉપલબ્ધ જમીનનો સરકારના વિવિધ વિભાગો સાથે મળીને શ્રેષ્ઠત્તમ અને યોગ્ય રીતે ઉપયોગ કરવો એ આવી જ એક પ્રાથમિકતા છે. પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આ સંરક્ષણ કચેરીઓના પરિસરો ફક્ત 13 એકર જમીન પર બાંધવામાં આવ્યા છે જ્યારે આનાથી વિપરિત, અગાઉના સમયમાં આવા જ પરિસરોનું નિર્માણ કરવા માટે આના કરતાં પાંચ ગણી જમીનનો ઉપયોગ કરવામાં આવતો હતો. પ્રધાનમંત્રીએ એ બાબતે પણ પ્રકાશ પાડ્યો હતો કે, આગામી 25 વર્ષમાં એટલે કે, 'આઝાદીના અમૃત કાળ' દરમિયાન સરકારની તંત્રની ઉત્પાદકતા અને કાર્યદક્ષતાને આવા પ્રયાસોથી જ સમર્થન મળશે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનનું સમાપન કરતા કહ્યું હતું કે, સામાન્ય કેન્દ્રીય સચિવાલય, જોડાયેલા કોન્ફરન્સ હોલ, મેટ્રો જેવી સરળ કનેક્ટિવિટી વગેરેથી દેશની રાજધાનીને વધુ લોકોપયોગી બનાવવામાં ખૂબ જ મોટી મદદ મળી રહેશે.
SD/GP/BT
(Release ID: 1755410)
Visitor Counter : 292
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam