પ્રધાનમંત્રીનું કાર્યાલય

અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંઘ સ્ટેટ યુનિવર્સિટીના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 14 SEP 2021 4:53PM by PIB Ahmedabad

ભારત માતાકી જય,

ભારત માતાકી જય,

 

ઉત્તર પ્રદેશના ગવર્નર શ્રીમતી આનંદીબેન પટેલજી, ઉત્તર પ્રદેશના યશસ્વી અને તેજસ્વી મુખ્યમંત્રી આદિત્યનાથજી, ઉપમુખ્ય મંત્રી દિનેશ શર્માજી, યુપી સરકારના મંત્રીગણ, અન્ય સાંસદગણ, ધારાસભ્યો અને અલીગઢના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

 

આજે અલીગઢ માટે, પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે ખૂબ મોટો દિવસ છે. આજે રાધા અષ્ઠમી પણ છે. આ અવસર આજના દિવસને વધુ પવિત્ર બનાવે છે. વ્રજભૂમિના કણ કણમાં, રજ રજમાં, રાધા જ રાધા છે. હું આપ સૌને અને સમગ્ર દેશને રાધા અષ્ટમીની હાર્દિક શુભેચ્છા પાઠવું છું.

 

આપણું સૌભાગ્ય એ છે કે વિકાસના આટલા મોટા કાર્યોની શરૂઆત આજના આ પવિત્ર દિવસે થઈ રહી છે. આપણાં એ સંસ્કાર છે કે જ્યારે પણ કોઈ શુભ કાર્ય કરવામાં આવે છે ત્યારે આપણને આપણાં વડિલો ચોક્કસ યાદ આવે છે. હું આજે આ ધરતીના મહાન સપૂત સ્વર્ગીય કલ્યાણ સિંહજીની  ગેરહાજરી ખૂબ જ અનુભવી રહ્યો છે. આજે કલ્યાણ સિંહજી આપણી સાથે હોત તો રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય વિશ્વ વિદ્યાલય અને સંરક્ષણ સેક્ટરમાં બની રહેલી અલીગઢની નવી ઓળખ જોઈને ખૂબ ખુશ થયા હોત. આજે તેમનો આત્મા જ્યાં પણ હોય આપણને આશીર્વાદ આપતો રહેશે.

 

સાથીઓ,

ભારતનો હજારો વર્ષનો ઈતિહાસ એવા રાષ્ટ્ર ભક્તોથી ભરેલો છે કે જેમણે સમયે સમયે ભારતને પોતાના તપ અને ત્યાગથી દિશા આપી છે. આપણી આઝાદીના આંદોલનમાં આવા અનેક મહાન વ્યક્તિઓએ પોતાનું સર્વસ્વ ખપાવી દીધું છે, પરંતુ દેશનું એ દુર્ભાગ્ય રહ્યું છે કે આઝાદી પછી એવા રાષ્ટ્ર નાયક અને રાષ્ટ્ર નાયિકાઓની તપસ્યાથી દેશની પછીની પેઢીઓને પરિચિત કરાવાઈ જ નહીં. તેમની ગાથાઓ જાણવાથી દેશની અનેક પેઢીઓ વંચિત રહી છે.

 

20મી સદીની આ ભૂલોને આજે 21મી સદીનું ભારત સુધારી રહ્યું છે. મહારાજા સુહેલ દેવજી હોય, દીનબંધુ ચૌધરી છોટુરામજી હોય કે પછી હવે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીનું રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનથી નવી પેઢીને પરિચિત કરાવવાનો પ્રમાણિક પ્રયાસ આજે દેશમાં થઈ રહ્યો છે. આજે જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષનું મનાવી રહ્યો છે, આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે આ પ્રયાસોને વધુ ગતિ આપવામાં આવી રહી છે. ભારતની આઝાદીમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને નમન કરવાનો આ પ્રયાસ એવો જ એક પવિત્ર અવસર છે.

 

સાથીઓ,

આજે દેશના દરેક યુવાન મોટા સપનાં જોઈ રહ્યો છે, જે મોટા લક્ષ્ય હાંસલ કરવા માંગતો હોય તેણે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી વિષે અવશ્ય જાણવું જોઈએ, અવશ્ય વાંચવું જોઈએ. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીના જીવનની અગમ્ય ઈચ્છાશક્તિ આપણને સપનાં પૂરા કરવા માટે અને કંઈક કરી છૂટવાનો બોધપાઠ આજે પણ આપણને શિખવા મળે છે. તે ભારતની આઝાદી ઈચ્છતા હતા અને પોતાના જીવનની એક એક પળ તેના માટે સમર્પિત કરી દીધી હતી. તેમણે માત્ર ભારતમાં જ રહીને ભારતના લોકોને પ્રેરિત કર્યા છે તેવું નથી, પણ ભારતની આઝાદી માટે તે દુનિયાના ખૂણે ખૂણે ગયા હતા. અફઘાનિસ્તાન હોય, પોલેન્ડ હોય, જાપાન હોય, દક્ષિણ આફ્રિકા હોય, પોતાના જીવ  માટે તમામ જોખમો ઉઠાવીને તે ભારત માતાને બેડીઓથી મુક્ત કરાવવા માટે મથી રહ્યા હતા, પૂરી શક્તિથી લાગી ગયા હતા. જીવનભર કામ કરતા રહ્યા હતા.

 

હું આજે યુવાનોને કહીશ કે જ્યારે પણ મારા દેશના યુવાનો સાથે મારી વાત થાય તો તેને સાંભળો. દેશના યુવાનોને હું કહીશ કે જ્યારે પણ તેમને કોઈ લક્ષ્ય કઠીન લાગે, કોઈ મુશ્કેલીઓ નજરે પડે ત્યારે મારો તેમને અનુરોધ છે કે તે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીને ચોક્કસ યાદ કરે. તમારો ઉત્સાહ બુલંદ થઈ જશે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી જે રીતે એક લક્ષ્ય, એક નિષ્ટ થઈને ભારતની આઝાદી માટે ઝઝૂમી રહ્યા હતા તે બાબત આજે પણ બધાંને પ્રેરણા પૂરી પાડે છે.

 

અને સાથીઓ,

આજે જ્યારે હું તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે મને દેશના વધુ એક મહાન સ્વાતંત્ર્ય સેનાની, ગુજરાતના સપૂત, શ્યામજી કૃષ્ણ વર્માજીની પણ યાદ આવે છે. પ્રથમ વિશ્વ યુધ્ધ સમયે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી, ખાસ કરીને શ્યામજી કૃષ્ણ વર્માજી અને લાલા હરદયાલજીને મળવા માટે યુરોપ ગયા હતા. તે બેઠકમાં જે દિશા નક્કી થઈ, તેનું પરિણામ આપણને અફઘાનિસ્તાનમાં ભારતની પ્રથમ નિર્વાસિત સરકાર તરીકે જોવા મળ્યું તે સરકારનુ નેતૃત્વ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીએ કર્યું હતું.

 

એ મારૂં સૌભાગ્ય રહ્યું છે કે જ્યારે હું ગુજરાતનો મુખ્ય મંત્રી હતો ત્યાર શ્યામજી કૃષ્ણ વર્માજીના અસ્થિને 73 વર્ષ પછી ભારત પરત લાવવામાં સફળતા મળી હતી. અને જો તમને ક્યારેક કચ્છ જવાની તક મળે તો કચ્છના માંડવીમાં શ્યામજી કૃષ્ણ વર્માજીનું ખૂબ જ પ્રેરક સ્મારક છે કે જ્યાં તેમના અસ્થિ કળશ રાખવામાં આવ્યા છે તે આપણને ભારત માતા માટે જીવવાની પ્રેરણા પૂરી પાડે છે.

 

રાજા મહેન્દ્ર પ્રતાપજી જેવા દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા અને મહાન સ્વાતંત્રતા સેનાનીના નામ પર બની રહેલી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરી રહ્યો છું  કે આજે દેશના પ્રધાન મંત્રી હોવાના નાતે, મને વધુ એક વખત સૌભાગ્ય મળ્યું છે. મારા જીવનનું એ મોટું સૌભાગ્ય છે અને આજે આવા પવિત્ર અવસરે આટલી મોટી સંખ્યા આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. જનતા જનાર્દનના દર્શન કરવા તે પણ એક શક્તિદાયક બાબત છે.

 

સાથીઓ,

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીએ માત્ર ભારતની આઝાદી માટે જ લડત આપી હતી તેવું નથી. તેમણે ભારતના ભવિષ્ય નિર્માણના પાયા માટે પણ મોટું યોગદાન આપ્યું હતું. તેમણે દેશ વિદેશની યાત્રાઓમાંથી મળેલા અનુભવનો ઉપયોગ ભારતની શિક્ષણ વ્યવસ્થાને આધુનિક બનાવવા માટે કર્યો હતો. વૃંદાવનમાં આધુનિક ટેકનિકલ કોલેજ તેમણે પોતાના સંશાધનોથી અને પોતાની પૈતૃક સંપત્તિનું દાન કરીને બનાવી હતી. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી માટે પણ મોટી જમીન રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજીએ આપી હતી. આજે આઝાદીના આ અમૃત કાળમાં જ્યારે 21મી સદીનું ભારત શિક્ષણ અને કૌશલ્યના નવા દિશા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભારત માતાના અમર સપૂતના નામે વિશ્વ વિદ્યાલયનું નિર્માણ તેમને સાચી કાર્યાંજલિ છે. આ વિચારને સાકાર કરવા માટે યોગીજી અને તેમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન.

 

સાથીઓ,

આ વિશ્વ વિદ્યાલય જ્યારે આધુનિક શિક્ષણ માટેનું એક મોટું કેન્દ્ર તો બનશે જ, પણ સાથે સાથે દેશમાં સંરક્ષણ સાથે જોડાયેલા અભ્યાસ, સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાયેલી ટેકનોલોજી અને માનવબળ તૈયાર કરનારૂં કેન્દ્ર પણ બનશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે રીતે શિક્ષણ, કૌશલ્ય અને સ્થાનિક ભાષાના અભ્યાસ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, જેનાથી આ વિશ્વ વિદ્યાલયમાં અભ્યાસ કરનારા છાત્રા- છાત્રાઓને ખૂબ જ લાભ મળશે.

 

આપણાં સૈન્યની તાકાતને મજબૂત કરવા માટે આત્મનિર્ભરતાની તરફ આગળ ધપવાના ભારતના પ્રયાસોને આ વિશ્વ વિદ્યાલયમાં થનારા અભ્યાસને કારણે નવી ગતિ મળશે. આજે માત્ર દેશ જ નહીં, દુનિયા પણ જોઈ રહી છે કે આધુનિક ગ્રેનેડથી માંડીને અને રાયફલથી માંડીને લડાકુ વિમાન, આધુનિક ડ્રોન, યુધ્ધ જહાજ સુધીના તમામ ભારતમાં જ નિર્માણ કરવાનું અભિયાન ચાલી રહ્યુ છે. એક મોટા સંરક્ષણ આયાતકારની છબીમાંથી બહાર નીકળીને... નહીં તો આપણી છબી એવી છે કે સંરક્ષણ માટે જે કાંઈ પણ જોઈએ તેને આયાત કરીએ છીએ, બહારથી મંગાવીએ છીએ અને આઝાદીના 75 વર્ષ થઈ ગયા છતાં આપણે મંગાવતા રહ્યા છીએ...હવે આ છબીમાંથી બહાર નિકળીને દુનિયાને એક મહત્વના સંરક્ષણ નિકાસકારની નવી ઓળખ આપવાના સંકલ્પની સાથે આગળ ધપી રહ્યા છીએ. ભારતની બદલાતી આ ઓળખનું એક ખૂબ મોટું કેન્દ્ર આપણું ઉત્તર પ્રદેશ બનવા જઈ રહ્યું છે. અને ઉત્તર પ્રદેશના સાંસદ હોવાના નાતે મને આ વાતનો વિશેષ ગર્વ છે.

 

સાથીઓ,

થોડીવાર પહેલાં જ મેં ડિફેન્સ કોરિડોરના 'અલીગઢ નોડ' ની પ્રગતિનું અવલોકન કર્યું છે. અલીગઢમાં જ સંરક્ષણ ઉત્પાદન સાથે જોડાયેલી દોઢ ડઝનથી વધુ કંપનીઓ સેંકડો કરોડ રૂપિયાનું મૂડી રોકાણ કરીને હજારો નવા રોજગાર પૂરાં પાડવાની છે. અલીગઢ નોડમાં નાના હથિયાર, આયુધ, ડ્રોન, એરોસ્પેસ, મેટલ કોમ્પોનન્ટ, એન્ટી ડ્રોન સિસ્ટમ, ડિફેન્સ પેકેજીંગ જેવા ઉત્પાદનો તૈયાર થઈ શકે તે માટે નવા ઉદ્યોગો સ્થાપવામાં આવી રહ્યા છે. આ પરિવર્તન અલીગઢ અને આસપાસના વિસ્તારોને એક નવી ઓળખ આપશે.

 

સાથીઓ,

અત્યાર સુધી લોકો પોતાના ઘરની, દુકાનની સુરક્ષા માટે અલીગઢના ભરોસે રહેતા હતા, ખબર છે ને? કારણ કે અલીગઢનું તાળું જો લગાવ્યું હોય તો લોકો નિશ્ચિંત થઈ જતા હતા. અને મને આજે બાળપણની એક વાત કરવાનું મન થઈ રહ્યુ છે. આશરે 55 થી 60 વર્ષ જૂની આ વાત છે. અમે બાળકો હતા ત્યારે અલીગઢના તાળાના જે સેલ્સમેન હતા તે એક મુસ્લિમ મહેમાન હતા. તે દર ત્રણ મહિને અમારા ગામમાં આવતા હતા. હજુ પણ મને એ યાદ છે કે તે કાળું જેકેટ પહેરતા હતા અને સેલ્સમેન હોવાના સંબંધે દુકાનોમાં પોતાના તાળાં માટે મૂકીને જતા હતા. અને ત્રણ મહિના પછી આવીને પોતાના પૈસા લઈ જતા હતા. ગામની આસપાસના ગામડાં પણ વેપારીઓ પાસે જતા હતા. તેમને પણ તાળાં આપતા હતા. મારા પિતાજી સાથે તેમની ખૂબ સારી દોસ્તી હતી. અને જ્યારે તે આવતા હતા ત્યારે 4-6 દિવસ અમારા ગામમાં રોકાતા હતા અને સમગ્ર દિવસ દરમ્યાન જે પૈસા વસૂલ કરીને આવતા હતા તે પૈસા મારી પિતાજી પાસે મૂકીને જતા હતા. અને 4-6 દિવસ પછી તે જ્યારે અમારૂં ગામ છોડીને જતા હતા ત્યારે મારા પિતાજી પાસેથી તે તમામ પૈસા લઈને તે પોતાની ટ્રેનમાં રવાના થતા હતા. અમે બાળપણમાં ઉત્તર પ્રદેશના બે શહેરોથી પરિચિત રહ્યા જેમાં એક છે સીતાપુર અને બીજુ છે અલીગઢ. અમારા ગામમાં કોઈને જો આંખની  બિમારીની સારવાર કરવી હોય તો દરેક વ્યક્તિ કહેતી હતી કે સીતાપુર જાવ. અમે ઝાઝું સમજતા ન હતા, પણ સીતાપુર સૌની પાસેથી સાંભળતા હતા. બીજુ આ મહાશયને કારણે અલીગઢ અંગે વારંવાર સાંભળતા હતા.

 

પરંતુ સાથીઓ,

હવે અલીગઢના રક્ષા ઉપકરણો પણ... ગઈકાલ સુધી અલીગઢના તાળાંના માધ્યમથી ઘર અને દુકાનોનું રક્ષણ થતું હતું. તે 21મી સદીમાં મારૂં આ અલીગઢ ભારતની સીમાઓનું રક્ષણ કરવાનું કામ કરશે. અહીંયા એવા શસ્ત્રોનું નિર્માણ થશે. વન ડિસ્ટ્રીક્ટ, વન પ્રોડક્ટ  યોજના હેઠળ યુપી સરકારને અલીગઢના તાળાં અને હાર્ડવેરને એક નવી ઓળખ આપવાનું કામ કરવામાં આવ્યું છે, જેનાથી યુવાનો માટે, એમએસએમઈ ક્ષેત્ર માટે એક નવી તક ઉભી થઈ રહી છે. હવે સંરક્ષણ ઉદ્યોગના માધ્યમથી અહીંના હાલના ઉદ્યોગોને એમએસએમઈ ક્ષેત્રનો વિશેષ લાભ થશે અને એમએસએમઈ ક્ષેત્રને પ્રોત્સાહન પણ મળશે. જે નાના ઉદ્યોગો છે તેમના માટે પણ સંરક્ષણ કોરિડોરનો અલીગઢ નોડ નવી તકો ઉભી કરશે.

 

ભાઈઓ અને બહેનો,

ડિફેન્સ કોરિડોરના લખનૌ નોડમાં દુનિયાની સૌથી બહેતર મિસાઈલમાંની એક બ્રહ્મોસનું ઉત્પાદન કરવાનો પ્રસ્તાવ છે. તેના માટે હવે પછીના થોડાંક વર્ષોમાં રૂ.9 હજાર કરોડનું મૂડી રોકાણ કરવામાં આવી રહ્યું છે. ઝાંસી નોડમાં પણ વધુ એક મિસાઈલ મેન્યુફેક્ચરીંગ સાથે જોડાયેલું ખૂબ જ મહત્વ ધરાવતું એકમ સ્થાપવાની દરખાસ્ત છે. યુપી ડિફેન્સ કોરિડોર આવા જ મોટા મૂડીરોકાણ અને રોજગારીની ખૂબ મોટી તક  લઈને આવે છે.

 

સાથીઓ,

આજે ઉત્તર પ્રદેશ દેશ અને દુનિયાના દરેક નાના- મોટા મૂડીરોકાણ કરનાર માટે આકર્ષક સ્થળ બની  રહ્યું છે. આવું એવા સમયે થાય છે કે જ્યારે મૂડીરોકાણ માટે જરૂરી વાતાવરણ ઉભુ થાય છે, જરૂરી સુવિધાઓ મળે છે. આજે ઉત્તર પ્રદેશ ડબલ એન્જીન સરકારના બમણાં લાભનું ખૂબ મોટું ઉદાહરણ છે. યોગીજી અને તેમની સમગ્ર ટીમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસના મંત્રને આધારે ચાલીને ઉત્તર પ્રદેશને નવી ભૂમિકા માટે તૈયાર કર્યું છે. હવે બધાંના પ્રયાસથી તેને વધુ આગળ ધપાવવાનું છે. સમાજના વિકાસની તકોથી જેને દૂર રાખવામાં આવ્યા છે તેવા દરેક સમાજને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં તક આપવામાં આવી રહી છે. આજે ઉત્તર પ્રદેશની ચર્ચા મોટા મોટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ અને મોટા નિર્ણયો માટે થઈ રહી છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ તેનું એક ખૂબ મોટું લાભાર્થી છે.

 

ગ્રેટર નોઈડામાં ઈન્ટીગ્રેટેડ ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશીપનું નિર્માણ, મલ્ટી મોડલ લોજીસ્ટીક હબ, જેવર ઈન્ટરનેશનલ એરપોર્ટ, દિલ્હી- મેરઠ રિજીયોનલ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ, મેટ્રો કનેક્ટિવીટી, આધુનિક હાઈવે અને એક્સપ્રેસ વે જેવા અનેક કામ આજે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ચાલી રહેલા આ હજારો કરોડ રૂપિયાના પ્રોજેક્ટ આવનારા વર્ષોમાં ભારતની પ્રગતિનો મોટો આધાર બનશે.

 

ભાઈઓ અને બહેનો,

મને આજે એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે જે યુપીને દેશના વિકાસમાં એક અવરોધ તરીકે જોવામાં આવતું હતું તે જ ઉત્તર પ્રદેશ આજે દેશના મોટા અભિયાનોનું નેતૃત્વ કરી રહ્યું છે. શૌચાલય બનાવવાનું અભિયાન હોય કે ગરીબોને પોતાનું પાકુ ઘર આપવાનું અભિયાન હોય, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવાનું હોય કે વિજળીનું જોડાણ હોય, પીએમ કિસાન સન્માન નીધિ હોય જેવી દરેક યોજના, દરેક મિશનમાં યોગીજીના ઉત્તર પ્રદેશે દેશના લક્ષ્યોને હાંસલ કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે, પરંતુ મને તો યાદ છે, એ દિવસ હું ભૂલી શકતો નથી કે જ્યારે 2017 પહેલાં ગરીબો માટેની દરેક યોજનામાં અવરોધ ઉભા કરવામાં આવતા હતા. એક-એક યોજના લાગુ કરવા માટે અનેક વખત કેન્દ્ર તરફથી પત્રો લખવામાં આવતા હતા, પરંતુ તે ગતિથી કામ થતું ન હતું... હું આ 2017 અગાઉની વાત કરી રહ્યો છું. જેવું થવું જોઈએ તેવું થતું ન હતું.

 

સાથીઓ,

ઉત્તર પ્રદેશના લોકો ભૂલી શકે તેમ નથી કે અગાઉ અહીંયા કેવા પ્રકારના ગોટાળા થતા હતા. કેવી રીતે રાજ-કાજ ભ્રષ્ટાચારીઓના હવાલે કરી દેવામાં આવ્યું હતું. આજે યોગીજીની સરકાર સંપૂર્ણ ઈમાનદારી સાથે ઉત્તર પ્રદેશના વિકાસમાં જોડાઈ ગઈ છે. એક એવો પણ સમય હતો કે જ્યાં શાસન અને તંત્રમાં ગુંડાઓ અને માફિયાઓની આપખુદી ચાલતી હતી, પણ હવે વસૂલાત કરનારા લોકો, માફિયા રાજ ચલાવનારા જેલમાં છે.

 

હું ઉત્તર પ્રદેશના લોકોને ખાસ કરીને એ બાબત યાદ અપાવવા માંગુ છું કે આ વિસ્તારમાં 4-5 વર્ષ પહેલાં પરિવાર પોતાના જ ઘરમાં ડરી ડરીને જીવતો હતો. બહેન- દીકરીઓને ઘરેથી નિકળવામાં, શાળા- કોલેજ જવામાં ડર લાગતો હતો. જ્યાં સુધી દીકરીઓ ઘરે પરત ના આવે ત્યાં સુધી માતા-પિતાના શ્વાસ અટકેલા રહેતા હતા. જે વાતાવરણ હતું તેમાં અનેક લોકોએ પોતાના પૈતૃક ઘર છોડવા પડ્યા હતા, સ્થળાંતર કરવું પડયું હતું. આજે ઉત્તર પ્રદેશમાં કોઈ અપરાધી આવું કરતાં પહેલાં સો વખત વિચાર કરે છે.

 

યોગીજીની સરકારમાં ગરીબોને સાંભળવામાં આવે છે અને ગરીબોનું સન્માન પણ થાય છે. યોગીજીના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશની બદલાયેલી કાર્યશૈલીનું આ એક ખૂબ મોટું ઉદાહરણ છે. તમામને રસી- મફત રસી અભિયાન ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ રસીકરણ થઈ ચૂકયું છે. દેશમાં એક દિવસમાં સૌથી વધુ રસીકરણનો રેકોર્ડ પણ ઉત્તર પ્રદેશના નામે છે. કોરોનાના આ સંકટ કાળમાં ગરીબોની ચિંતા એ સરકારની સર્વોચ્ચ અગ્રતા છે. કોઈ ગરીબ ભૂખે ના સૂએ તે માટે મહિનાઓ સુધી મફત અનાજ આપવામાં આવી રહ્યું છે. ગરીબોને ભૂખમરાથી બચાવવા માટે જે કામ દુનિયાના મોટા મોટા દેશો નથી કરી શક્યા તે કામ આજે ભારત કરી રહ્યું છે, આ કામ ઉત્તર પ્રદેશ કરી રહ્યું છે.

 

સાથીઓ,

આઝાદીના આ અમૃતકાળમાં ગ્રામીણ અર્થવ્યવસ્થામાં પણ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું છે. પરિવર્તનની સાથે કેવી રીતે તાલમેલ કરવો પડે છે તેનો માર્ગ સ્વયં ચૌધરી ચરણ સિંહજીએ દાયકાઓ પહેલાં દેશને બતાવ્યો હતો. જે રસ્તો ચૌધરી સાહેબે દેખાડ્યો તેનાથી દેશના ખેત મજૂર અને નાના ખેડૂતોને કેટલો ફાયદો થયો તે આપણો સૌ જાણીએ છીએ. આજની અનેક પેઢીઓ તે સુધારાઓના કારણે એક ગૌરવપૂર્ણ જીવન જીવી રહી છે.

 

દેશના નાના ખેડૂતોની ચિંતા ચૌધરી સાહેબને હતી. તેમની સાથે સરકાર એક સાથી તરીકે ઉભી રહે તે ખૂબ જ જરૂરી છે. આ નાના ખેડૂતો પાસે બે હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે અને આપણાં દેશમાં નાના ખેડૂતોની સંખ્યા 80 ટકા કરતાં પણ વધારે છે, એટલે કે દેશના જે 10 ખેડૂતો પાસે જમીન છે તેમાંથી 8 ખેડૂતો એવા છે કે જેમની પાસે જમીનનો નાનો સરખો ટૂકડો જ છે. આટલા માટે કેન્દ્ર સરકારનો એ નિરંતર પ્રયાસ રહ્યો છે કે ખેતી કરનારા નાના લોકોને તાકાત પૂરી પાડવામાં આવે. દોઢ ગણી એમએસપીનું વિસ્તરણ થાય, કિસાન ક્રેડિટ કાર્ડનું વિસ્તણ થાય, વીમા યોજનાઓમાં સુધારો થાય, 3000 રૂપિયાના પેન્શનની વ્યવસ્થા થાય. આવા અનેક નિર્ણયો નાના નાના ખેડૂતોને સશક્ત બનાવી રહ્યા છે.

 

કોરોનાના આ સમયમાં સમગ્ર દેશના ખેડૂતોના ખાતામાં સરકારે રૂ.1 લાખ કરોડથી વધુ રકમ સીધી તબદીલ કરી છે. એમાં રૂપિયા 25 હજાર કરોડથી વધુ રકમ ઉત્તર પ્રદેશના ખેડૂતોને મળી છે. મને એ વાતનો આનંદ છે કે ઉત્તર પ્રદેશમાં વિતેલા 4 વર્ષમાં એમએસપીના આધારે ખરીદીમાં એક નવો વિક્રમ રચાયો છે. શેરડીની ચૂકવણી બાબતે પણ જે મુશ્કેલીઓ આવતી હતી તેને સતત ઓછી કરવામાં આવી રહી છે. વિતેલા ચાર વર્ષમાં ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતોને રૂ.1 લાખ, 40 હજાર કરોડથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે. આવનારા વર્ષમાં તો ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતો માટે નવી સંભાવનાઓના દરવાજા ખૂલવાના છે. શેરડીમાંથી ઈથેનોલ બને છે, બાયોફ્યુઅલ બને છે અને તેનો ઉપયોગ ઈંધણમાં વધારવામાં આવી રહ્યો છે. તેનો મોટો લાભ પશ્ચિમ ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતોને પણ થવાનો છે.

 

સાથીઓ,

અલીગઢ સહિત સમગ્ર પશ્ચિમી ઉત્તર પ્રદેશ આગળ ધપે તે માટે યોગીજીની સરકાર અને કેન્દ્ર સરકાર ખભેખભા મિલાવીને દિવસ- રાત મહેનત કરી રહી છે. આપણે સૌએ સાથે મળીને આ ક્ષેત્રને વધુ સમૃધ્ધ બનાવવાનું છે. અહીંના દીકરા- દીકરીઓના સામર્થ્યને વધુ આગળ ધપાવવાનું છે અને વિકાસ વિરોધિ દરેક તાકાત સાથે  ઉત્તર પ્રદેશને બચાવવાનું છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહજી જેવા રાષ્ટ્ર નાયકોની પ્રેરણાથી આપણે સૌ પોતાના લક્ષ્યમાં સફળ બનીશું એવી શુભેચ્છા સાથે આપ સૌ આટલી મોટી સંખ્યામાં આશીર્વાદ આપવા માટે આવ્યા, મને આપ સૌના દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું તે બદલ તમને સૌને ધન્યવાદ પાઠવું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

 

બંને હાથ ઉપર કરીને મારી સાથે બોલવાનું છે, હું કહીશ કે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ, આપ બંને હાથ ઉપર કરીને બોલશો કે અમર રહો, અમર રહો.

 

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ

અમર રહો, અમર રહો.

 

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ

અમર રહો, અમર રહો.

 

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ

અમર રહો, અમર રહો.

 

ભારત માતા કી જય

ભારત માતા કી જય.

ખૂબ ખૂબ ધન્યવાદ!!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1754894) Visitor Counter : 338