પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ હિસ્સાના મોડલ્સના પ્રદર્શનની પણ મુલાકાત લીધી

રાષ્ટ્રીય નાયકો અને રાષ્ટ્રીય નાયિકાઓએ આપેલા બલિદાનથી પેઢીઓ અવગત નહોતી. 21મી સદીનું ભારત 20મી સદીમાં થયેલી આ ભૂલોને સુધારી રહ્યું છે: પ્રધાનમંત્રી

રાજા મહેન્દ્ર પ્રતાપસિંહજીનું જીવન આપણને આપણા સપનાં પૂરાં કરવા માટે અદમ્ય મનોબળ અને કોઇપણ હદ સુધી આગળ જવાની ઇચ્છાશક્તિનો પાઠ શીખવે છે: પ્રધાનમંત્રી

ભારત દુનિયામાં મોટા સંરક્ષણ આયાતકાર તરીકેની છબી દૂર કરી કરી રહ્યું છે અને દુનિયામાં મહત્વપૂર્ણ સંરક્ષણ નિકાસકર્તા તરીકેની નવી ઓળખ પ્રાપ્ત કરી રહ્યું છે: પ્રધાનમંત્રી

દેશ તેમજ દુનિયાના દરેક નાના અને મોટા રોકાણકારો માટે ઉત્તરપ્રદેશ એક આકર્ષક સ્થળ તરીકે ઉદયમાન થઇ રહ્યું છે: પ્રધાનમંત્રી

આજે ઉત્તરપ્રદેશ ડબલ એન્જિન સરકારના બેવડા લાભનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું છે: પ્રધાનમંત્રી

Posted On: 14 SEP 2021 2:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે ઉત્તરપ્રદેશ સંરક્ષણ ઔદ્યોગિક કોરિડોરના અલીગઢ હિસ્સા અને રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીના મોડલના પ્રદર્શનની પણ મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ દિવંગત કલ્યાણસિંહજીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કલ્યાણસિંહજી જો આજે હયાત હોત તો, સંરક્ષણ ક્ષેત્રમાં અલગીઢની ઉદયમાન થઇ રહેલી પ્રોફાઇલ જોઇને તેમજ અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપસિંહ સ્ટેટ યુનિવર્સિટીની સ્થાપના થતી જોઇને ઘણા ખુશ થયા હોત.

પ્રધાનમંત્રીએ એ તથ્યને રેખાંકિત કર્યું હતું કે, કેવી રીતે આવી મહાન હસ્તીઓએ સ્વતંત્રતાની ચળવળ માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. પરંતુ દેશ માટે આ ઘણી દુર્ભાગ્યની વાત છે કે, સ્વતંત્રતા પછી, દેશની નવી પેઢીઓ દેશના આવા નાયકો અને દેશની નાયિકાઓએ આપેલા બલિદાનથી અવગત નહોતી. દેશની સંખ્યાબંધ પેઢીઓ તેમની ગાથાઓથી વંચિત રહી હોવાનો પણ પ્રધાનમંત્રીએ વસવસો વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજે 21મી સદીનું ભારત 20મી સદીમાં થયેલી ભૂલોને સુધારી રહ્યું છે.

રાજા મહેન્દ્ર પ્રતાપસિંહજીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજા મહેન્દ્ર પ્રતાપસિંહજીનું જીવન આપણને આપણા સપનાં સાકાર કરવા માટે અદમ્ય મનોબળ અને કોઇપણ હદ સુધી આગળ જવાની પ્રબળ ઇચ્છાશક્તિનો પાઠ શીખવે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજા મહેન્દ્ર પ્રતાપસિંહજી ભારતની સ્વતંત્રતા ઇચ્છતા હતા અને તેમણે આના માટે પોતાના જીવનની દરેક ક્ષણ સમર્પિત કરી દીધી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે, જ્યારે ભારત આઝાદીના અમૃત મહોત્સવના સમયે શિક્ષણ અને કૌશલ્ય વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે ત્યારે, માતા ભારતના પુત્રના નામે યુનિવર્સિટીની સ્થાપના થઇ રહી છે તે ખરેખર ખૂબ મહત્વપૂર્ણ છે અને ખરા અર્થમાં તેમને સમર્પિત 'કાર્યાંજલિ' છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ યુનિવર્સિટી ફક્ત ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર નહીં બની રહે પરંતુ આધુનિક સંરક્ષણ અભ્યાસ, સંરક્ષણ ઉત્પાદન સંબંધિત ટેકનોલોજી અને માનવબળ વિકાસના અદ્યતન કેન્દ્ર તરીકે ઉભરી આવશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સ્થાનિક ભાષામાં કૌશલ્ય અને શિક્ષણ આપવાની વિશેષતાઓથી યુનિવર્સિટીને ઘણો ફાયદો થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આજે, ફક્ત દેશ નહીં પરંતુ દુનિયા પણ ભારતમાં આધુનિક ગ્રેનેડથી લઇને રાઇફલો અને સંરક્ષણ એરક્રાફ્ટ, ડ્રોન, યુદ્ધ જહાજો સહિતના સંરક્ષણ ઉપકરણોના વિનિર્માણના સાક્ષી બની રહ્યાં છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, ભારત એક સમયે દુનિયામાં મોટા સંરક્ષણ આયાતકાર તરીકેની છબી ધરાવતું હતું તેમાંથી હવે બહાર આવી રહ્યું છે અને દુનિયામાં મહત્વના સંરક્ષણ નિકાસકર્તા તરીકે પોતાની નવી ઓળખ તરફ આગળ વધી રહ્યું છે. ઉત્તરપ્રદેશ પરિવર્તનનું મોટું કેન્દ્ર બની રહ્યું છે અને પ્રધાનમંત્રીએ પોતે પણ ઉત્તરપ્રદેશના સાંસદ હોવાથી તેમણે બાબતે વિશેષ ગૌરવ થઇ રહ્યું હોવાનું કહ્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, દોઢ ડઝન જેટલી સંરક્ષણ વિનિર્માણ કંપનીઓ અહીં હજારો નવી નોકરીઓનું સર્જન કરશે અને સાથે જ સેંકડો કરોડો રૂપિયાનું રોકાણ પણ આવશે. સંરક્ષણ કોરિડોરના અલીગઢ હિસ્સામાં નાના શસ્ત્રો, હથિયારો, ડ્રોન અને એરોસ્પેસ સંબંધિત પ્રોડક્ટ્સના વિનિર્માણના સમર્થ માટે નવી ઇન્ડસ્ટ્રીઓ આવી રહી છે. આનાથી અલગીઢ અને આસપાસના વિસ્તારોને નવી ઓળખ પ્રાપ્ત થશે. પ્રધાનમંત્રીએ વધુમાં ટાંક્યું હતું કે, અલગીઢ એક સમયે પોતાના ખ્યાતનામ તાળાઓના કારણે લોકોના ઘરો અને દુકાનોનું રક્ષણ કરવા માટે ખાસ ઓળખ ધરાવતું હતું, હવે તે દેશની સરહદોનું રક્ષણ કરવા માટેના ઉત્પાદનોનું નિર્માણ કરવા બદલ પણ ખ્યાતિ મેળવશે. તેમણે કહ્યું હતું કે, આનાથી યુવાનો અને MSME માટે નવી તકોનું સર્જન થશે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજે, ઉત્તરપ્રદેશ સમગ્ર દેશ અને દુનિયાના નાના અને મોટા એમ દરેક રોકાણકારો માટે આકર્ષક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, આવું ત્યારે જ શક્ય બને છે જ્યારે રોકાણ માટે જરૂરી માહોલનું સર્જન કરવામાં આવે, જ્યારે આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે. આજે ઉત્તરપ્રદેશ ડબલ એન્જિન સરકારના બેવડા લાભનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યું છે.

પ્રધાનમંત્રીએ એક સમયે ઉત્તરપ્રદેશને દેશમાં વિકાસના અવરોધો વચ્ચે ફસાયેલું જોવામાં આવતું હતું તે, આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, આજે તે દેની મોટી કંપનીઓનું નેતૃત્વ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ 2017 પહેલાંની ઉત્તરપ્રદેશની સ્થિતિ અંગે અફસોસની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઉત્તરપ્રદેશના લોકો અહીં થયેલા કૌભાંડો અને કેવી રીતે રીતે સરકારોએ અહીં ભ્રષ્ટાચાર આચર્યો હતો તેને ક્યારેય ભૂલી શકશે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આજે, યોગીજીની સરકાર નિષ્ઠાપૂર્વક ઉત્તરપ્રદેશના વિકાસમાં જોડાયેલી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, એક એવો સમય હતો જ્યારે ગુંડાઓ અને માફિયાઓની મરજીથી પ્રશાસન ચાલતુ હતું. પરંતુ હવે ખંડણીખોરો અને માફિયારાજ ચલાવનારાઓને જેલના સળિયાની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રીએ મહામારી દરમિયાન સૌથી નિઃસહાય વર્ગની સુરક્ષા અને તેમના સુધી સહાયતા પહોંચાડવા માટે ઉત્તરપ્રદેશ સરકારે કરેલા પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો અને જે પ્રકારે નિઃસહાય અને ગરીબ વર્ગોને મહામારી દરમિયાન ખાદ્યાન્ન પહોંચાડવામાં આવ્યું તેની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતોને વધુ મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એકધારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. લઘુતમ ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો, કિસાન ક્રેડિટ કાર્ડનું વિસ્તરણ, વીમા યોજનામાં સુધારો, રૂપિયા 3 હજારના પેન્શનની જોગવાઇ સહિતની સંખ્યાબંધ પહેલ હાથ ધરવામાં આવી છે જે નાના ખેડૂતોને વધારે સશક્ત બનાવી રહી છે. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, 1 લાખ 40 હજાર કરોડ રૂપિયા કરતાં વધારે રકમની ચુકવણી આ રાજ્યના શેરડીના ખેડૂતોને કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, પેટ્રોલમાં ઇથેનોલની માત્રા વધારવાની મંજૂરી આપવાથી પશ્ચિમ ઉત્તરપ્રદેશના શેરડીના ખેડૂતોને ખૂબ જ સારો લાભ થશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1754766) Visitor Counter : 67