પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સરદારધામ ભવનનું લોકાર્પણ અને સરદારધામ ફેઝ -II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું
મહાન તમિલ કવિ સુબ્રમણ્ય ભારતીની 100મી પુણ્યતિથિ નિમિત્તે, વારાણસીમાં BHUની આર્ટ્સ વિદ્યાશાખામાં તમિલ અભ્યાસ માટે 'સુબ્રમણ્ય ભારતી ચેર'ની સ્થાપવા કરવાની પ્રધાનમંત્રીએ જાહેરાત કરી
એક ભારત, શ્રેષ્ઠ ભારતની પરિકલ્પનાના સરદાર સાહેબના મૂળ વિચાર મહાકવિ ભારતીના તમિલ લેખનોમાં સંપૂર્ણ દિવ્યતા સાથે ઝળકી ઉઠે છે
આજે દુનિયાને સમજાઇ ગયું છે કે, 9/11 જેવી દુર્ઘટનાઓનો કાયમી ઉકેલ ફક્ત આ માનવીય મૂલ્યો દ્વારા જ આવી શકશે: પ્રધાનમંત્રી
મહામારીએ ભારતની અર્થવ્યવસ્થા પર અસર પહોંચાડી છે પરંતુ જે પ્રમાણે નુકસાન થયું તેના કરતાં વધુ ઝડપથી રિકવરી આવી રહી છે: પ્રધાનમંત્રી
જ્યારે મોટી અર્થવ્યવસ્થાઓ પોતાના બચાવ મોડમાં આવી ગઇ હતી ત્યારે ભારત સુધારના મોડમાં હતું: પ્રધાનમંત્રી
Posted On:
11 SEP 2021 1:00PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સરદારધામ ભવનનું લોકાર્પણ કર્યું હતું અને સરદારધામ ફેઝ- II કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમંત્રીએ, ગણેશોત્સવના પર્વ સમયે જ સરધારધામ ભવનનો શુભારંભ થઇ રહ્યો હોવાની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે સૌને ગણેશ ચતુર્થી, ગણેશ મહોત્સવ અને ઋષિ પંચમી તેમજ ક્ષમાવાણી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે માનવજાતની સેવા કરવાની દિશામાં સરદારધામ ટ્રસ્ટ સાથે સંકળાયેલા તમામ સભ્યોના સમર્પણભાવની પ્રશંસા કરી હતી. તેમણે પાટીદાર સમાજના યુવાનોના સશક્તિકરણ માટે તેમજ ગરીબ અને ખાસ કરીને મહિલાઓના ઉત્કર્ષ પર આપવામાં આવી રહેલા વિશેષ મહત્વની પ્રશંસા કરી હતી.
આ કાર્યક્રમમાં સંબોધન આપતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, આજે જે છાત્રાલયની સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે સંખ્યાબંધ છોકરીઓને જીવનમાં પ્રગતિ કરવામાં મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, પોતાની રીતે શ્રેષ્ઠ ભવન, કન્યા છાત્રાલય અને આધુનિક પુસ્તકાલય યુવાનોને વધુ સશક્ત બનાવશે. ઉદ્યમશીલતા વિકાસ કેન્દ્ર ગુજરાતની મજબૂત વ્યવસાયિક ઓળખને વધુ સુદૃઢ બનાવશે અને નાગરિક સેવા કેન્દ્ર નાગરિક, સંરક્ષણ તેમજ ન્યાયિક સેવાઓમાં કારકિર્દી ઘડવામાં રસ ધરાવતા યુવાનોને નવી દિશા આપશે. તેમણે કહ્યું કે, સરદાર ધામ ફક્ત દેશના ભવિષ્યનું નિર્માણ કરવા માટેની એક ઈમારત નહીં રહે પરંતુ તેનાથી આવનારી પેઢીઓને સરદાર સાહેબના આદર્શો અનુસાર જીવવાની પ્રેરણા પણ પ્રાપ્ત થશે.
તેમણે ટિપ્પણી કરી હતી કે, આજે 11 સપ્ટેમ્બર છે અને આજનો દિવસ વિશ્વના ઇતિહાસમાં એક એવી તારીખ છે જ્યારે સમગ્ર માનવજાત પર પ્રહાર થયો હતો. પરંતુ, આ તારીખે આખી દુનિયાને ઘણું શીખવ્યું પણ છે! એક સદી પહેલાં 11 સપ્ટેમ્બર, 1893 ના દિવસે જ, શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, આ દિવસે જ સ્વામી વિવેકાનંદે વિશ્વ મંચ પર ઉભા રહીને દુનિયાને ભારતના માનવીય મૂલ્યોથી પરિચિત કરી હતી. આજે દુનિયાને સમજાઇ ગયું છે કે, 9/11 જેવી દુર્ઘટનાનો કાયમી ઉકેલ માત્ર આ માનવીય મૂલ્યો દ્વારા જ આવી શકશે.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આજે 11 મી સપ્ટેમ્બરના રોજ બીજો એક મોટો પ્રસંગ છે - ભારતના મહાન વિદ્વાન, દાર્શનિક અને સ્વાતંત્ર્ય સેનાની 'સુબ્રમણ્ય ભારતી'ની 100 મી પુણ્યતિથિ આજના દિવસે જ છે. સરદાર સાહેબે જે એક ભારત, શ્રેષ્ઠ ભારતની કલ્પના કરી હતી તે મૂળ વિચાર મહાકવિ ભારતીના તમિલ લખાણોમાં સંપૂર્ણ દિવ્યતા સાથે ઝળકી ઉઠે છે. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, સુબ્રમણ્ય ભારતીએ સ્વામી વિવેકાનંદ પાસેથી પ્રેરણા લીધી હતી અને શ્રી ઓરોબિંદોથી તેઓ ઘણા પ્રભાવિત હતા. ભારતી કાશીમાં રહેતા હતા ત્યારે તેમણે પોતાના વિચારો અને નવી ઉર્જાને નવી દિશા આપી હતી. પ્રધાનમંત્રીએ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં 'સુબ્રમણ્ય ભારતીજીના નામથી ચેર શરૂ કરવાની જાહેરાત પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, BHUમાં આર્ટ્સ વિદ્યાશાખામાં તમિલ અભ્યાસ માટે 'સુબ્રમણ્ય ભારતી ચેર'ની સ્થાપના કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, સુબ્રમણ્ય ભારતીજીએ હંમેશા માનવજાતની એકતા અને ભારતની એકતા પર વિશેષ ભાર મૂક્યો છે. તેમના આદર્શો ભારતની વિચારધારા અને ફિલસુફીના અભિન્ન અંગ છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, જુના જમાનાથી લઇને આજ સુધીના સમયમાં ગુજરાત હંમેશા સહિયારા પ્રયાસોની ભૂમિ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે, ગાંધીજીએ અહીંથી જ દાંડી યાત્રાનો આરંભ કર્યો હતો, જેને આજે પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં દેશના સામુહિક પ્રયાસોના પ્રતીકરૂપે જોવામાં આવે છે. આવી જ રીતે, ખેડા ચળવળ દરમિયાન, સરદાર પટેલના નેતૃત્વમાં, ખેડૂતો, યુવાનો અને ગરીબોની એકતાએ બ્રિટિશ સરકાર પર શરણાગતિ સ્વીકારવા માટે દબાણ લાવી દીધું હતું. ગુજરાતની ભૂમિ પર નિર્માણ પામેલી સરદાર સાહેબની ગગનચુંબી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી'ના રૂપમાં તેમની ઉર્જા આજે પણ આપણી સમક્ષ અડીખમ છે તે પ્રેરણાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સમાજના જે વર્ગો પાછળ રહી ગયા છે તેમને આગળ લાવવા માટે અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે એક તરફ દલિતો અને સામાજિક રીતે પછાત રહી રહેલા લોકોના અધિકારો પર કામ કરવામાં આવી રહ્યું છે તો, બીજી તરફ આર્થિક રીતે પછાત લોકોને 10% અનામત આપીને તેમને મદદ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આવા પ્રયાસોથી સમાજમાં એક નવા આત્મવિશ્વાસનું નિર્માણ થઇ રહ્યું છે.
પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિદ્યાર્થીઓને પ્રારંભિક તબક્કેથી જ બજારમાં આપણા યુવાનો પાસેથી અપેક્ષા રાખવામાં આવતા કૌશલ્યો માટે તેમને તૈયાર કરશે. તેમણે કહ્યું કે, 'કૌશલ્ય ભારત મિશન' પણ દેશ માટે હાલમાં ઘણી મોટી પ્રાથમિકતા છે. આ મિશન અંતર્ગત લાખો યુવાનોએ વિવિધ કૌશલ્યો શીખવાની તક મેળવી છે અને તેઓ સ્વાવલંબી બની રહ્યાં છે. રાષ્ટ્રીય એપ્રેન્ટીસશીપ પ્રોત્સાહન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને તેમની આવકમાં વધારો કરવાની તક મળી રહીછે અને સાથે સાથે કૌશલ્ય વિકાસ હેઠળ તેમનું કૌશલ્ય પણ વધારે ખીલવવાની તક મળી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સંખ્યાબંધ વર્ષોના એકધારા પ્રયાસોના પરિણામરૂપે ગુજરાતમાં આજે એક બાજુ શાળામાંથી ડ્રોપઆઉટ દર (અધવચ્ચે શિક્ષણ છોડવાનો દર) ઘટીને 1 ટકાની નીચે જતો રહ્યો છે, તો બીજી બાજુ લાખો યુવાનોને વિવિધ યોજનાઓના માધ્યમથી નવું ભવિષ્ય પ્રદાન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતના યુવાનોનું કૌશલ્ય સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવા અભિયાનોના માધ્યમથી નવી ઇકોસિસ્ટમ મેળવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ પાટીદાર સમાજની પ્રશંસા કરતા કહ્યું હતું કે, તેઓ જ્યાં પણ હોય ત્યાં વ્યવસાયને નવી ઓળખ આપે છે. તેમણે કહ્યું હતું કે, 'તમારું આ કૌશલ્ય હવે માત્ર ગુજરાત અને દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયામાં સ્વીકારવામાં આવી રહ્યું છે.' તેમણે ઉમેર્યું હતું કે, પાટીદાર સમાજની અન્ય એક મોટી ખાસિયત એ છે કે, તેઓ જ્યાં પણ હોય ત્યાં, તેમના માટે ભારતનું હિત સર્વોપરી હોય છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીના કારણે ભારતની અર્થવ્યવસ્થાને અસર પડી છે પરંતુ જે પ્રમાણે નુકસાન થયું તેની તુલનાએ ઘણી ઝડપથી રિકવરી આવી રહી છે. જ્યારે મોટી અર્થવ્યવસ્થાઓ તેમના બચાવ મોડમાં હતી ત્યારે ભારત સુધારના મોડમાં હતું. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, જ્યારે વૈશ્વિક પુરવઠા શ્રૃંખલાઓ વિક્ષેપના કારણે અસ્તવ્યસ્ત હતી ત્યારે, આ આફતને આપણે ભારત માટે અવસરમાં પરિવર્તિત કરવા માટે PLI યોજનાઓ શરૂ કરી રહ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જ કાપડ ઉદ્યોગમાં શરૂ કરવામાં આવેલી PLI યોજનાથી સુરત જેવા શહેરોને ખૂબ જ મોટો લાભ પ્રાપ્ત થશે.
(Release ID: 1754107)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam