પ્રધાનમંત્રીનું કાર્યાલય
સોમનાથ ગુજરાત ખાતે વિવિધ યોજનાઓના ઉદ્દઘાટન અને શિલાન્યાસ વિધિ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Posted On:
20 AUG 2021 2:38PM by PIB Ahmedabad
જય સોમનાથ!
કાર્યક્રમમાં આપણી સાથે જોડાયેલા આપણાં સૌના શ્રધ્ધેય લાલકૃષ્ણ અડવાણીજી, દેશના ગૃહમંત્રી શ્રી અમિત શાહજી, શ્રીપદ નાયકજી, અજય ભટ્ટજી, ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયજી, ગુજરાતના ઉપમુખ્ય મંત્રી શ્રી નીતિનભાઈ, ગુજરાત સરકારના પ્રવાસન મંત્રી જવાહરજી વાસણભાઈ, લોકસભામાં મારા સાથી રાજેશભાઈ, સોમનાથ મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી પ્રવિણ લહેરીજી, તમામ શ્રધ્ધાળુ દેવીઓ અને સજ્જનો.
હું આ પવિત્ર અવસરે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયો છું, પણ મનથી હું સ્વયં ભગવાન શ્રી સોમનાથના ચરણોમાં જ હોઉં તેવો અનુભવ કરી રહ્યો છું. મારૂં સૌભાગ્ય છે કે સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે મને આ પવિત્ર સ્થળની સેવા કરવાની તક મળતી રહી છે. આજે ફરી એકવાર આપણે સૌ આ પવિત્ર તીર્થના કાયાકલ્પના સાક્ષી બની રહ્યા છીએ. આજે મને સમુદ્ર દર્શન તટ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જીર્ણોધ્ધાર પછી નવા સ્વરૂપમાં જૂના સોમનાથ મંદિરનું લોકાર્પણ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. સાથે સાથે આજે પાર્વતી માતા મંદિરનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આટલો પાવન સહયોગ અને સાથે પવિત્ર શ્રાવણ માસમાં, હું માનું છું કે આ બધા માટે ભગવાન સોમનાથજીના આશીર્વાદની જ સિધ્ધિ છે. હું આ અવસરે આપ સૌને ટ્રસ્ટના તમામ સભ્યો અને દેશ- વિદેશમાં ભગવાન સોમનાથજીના કરોડો ભક્તો તરફથી શુભેચ્છા પાઠવું છું. ખાસ કરીને આજે હું લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલજીના ચરણમાં પણ નમન કરૂં છું, કે જેમણે પ્રાચીન ભારતના ગૌરવને પુનર્જિવત કરવાની ઈચ્છાશક્તિ દેખાડી હતી. સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની, સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા. આપણું એ સૌભાગ્ય છે કે આજે આઝાદીની 75મા વર્ષમાં, આઝાદીના અમૃત મહોત્સવમાં આપણે સરદાર સાહેબે કરેલા પ્રયાસોને આગળ ધપાવી રહ્યા છીએ. સોમનાથ મંદિરને નવી ભવ્યતા આપી રહ્યા છીએ. આજે હું લોકમાતા અહલ્યાબાઈ હોલ્કરને પણ પ્રણામ કરૂં છું કે તેમના વિશ્વાસના કારણે સોમનાથ સુધી કેટલાય મંદિરોનો જીર્ણોધ્ધાર થયો હતો. પ્રાચીનતા અને આધુનિકતાનો જે સમન્વય તેમના જીવનમાં હતો તેને આજે દેશ આદર્શ માનીને આગળ ધપી રહ્યો છે.
સાથીઓ,
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માંડીને કચ્છના કાયાકલ્પ સુધી પ્રવાસન સાથે જ્યારે આધુનિકતા જોડાય છે ત્યારે કેવા પરિણામો આવે છે તે ગુજરાતે નજીકથી જોયું છે. તે દરેક કાલખંડની માંગ રહી છે કે આપણે ધાર્મિક પર્યટનની દિશામાં પણ નવી સંભાવનાઓ શોધતા રહીએ, સ્થાનિક અર્થવ્યવસ્થા સાથે યાત્રાળુઓનો જે સંબંધ રહ્યો છે તેને વધુ મજબૂત કરીએ. જે રીતે સોમનાથ મંદિરમાં અત્યાર સુધી સમગ્ર દેશ અને દુનિયામાંથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા આવતા હતા, પણ હવે અહીં સમુદ્ર દર્શન પથ, પ્રદર્શન, પિલગ્રીમ પ્લાઝા અને શોપીંગ કોમ્પલેક્સ પણ પ્રવાસીઓ માટે આકર્ષણ ઉભુ કરશે. હવે અહીં આવનારા શ્રધ્ધાળુ જૂના સોમનાથ મંદિરના આકર્ષક સ્વરૂપનું પણ દર્શન કરશે. નવા પાર્વતી મંદિરનું પણ દર્શન કરશે. તેનાથી અહીંયા નવી તકો અને નવા રોજગારનું પણ સર્જન થશે અને આ સ્થળની દિવ્યતામાં પણ વધાર થશે. એટલું જ નહીં, પણ પ્રોમનેડ જેવા નિર્માણથી સમુદ્રના કિનારે ઉભેલા આપણાં મંદિરની સુરક્ષા પણ વધશે. આજે અહીંયા સોમનાથ પ્રદર્શન ગેલેરીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. તેનાથી આપણાં યુવાનોને, આવનારી પેઢીને, તે ઈતિહાસ સાથે જોડવાની આપણી આસ્થાને તેના પ્રાચીન સ્વરૂપે જોવાની અને સમજવાની એક તક પણ પ્રાપ્ત થશે.
સાથીઓ,
સોમનાથ તો સદીઓથી સદાશિવની ભૂમિ રહી છે અને આપણાં શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે
“શં કરોતિ સઃ શંકરઃ”
આનો અર્થ એવો થાય છે કે જે કલ્યાણનું, જે સિધ્ધિનું પ્રદાન કરે છે તે શિવ જ છે. જે વિનાશમાં પણ વિકાસનું બીજ અંકુરિત કરે છે, સંહારમાં પણ સર્જનને જન્મ આપે છે. એટલા માટે જ શિવ અવિનાશી છે, અવ્યક્ત છે અને શિવ અનાદિ છે. અને એટલા માટે જ તો શિવને અનાદિ યોગી કહેવામાં આવ્યા છે. એટલા માટે શિવમાં આપણી આસ્થા આપણે સમયની સીમાઓથી અળગા રહીને અસ્તિત્વનો બોધ આપે છે. આપણને સમયના પડકારો સાથે ઝઝૂમવાની શક્તિ આપે છે અને સોમનાથનું આ મંદિર આપણાં આત્મવિશ્વાસ માટેનું એક પ્રેરણા સ્થળ છે.
સાથીઓ,
આજે દુનિયામાં કોઈપણ વ્યક્તિ આ ભવ્ય ઘટનાને જુએ છે તો તેને માત્ર મંદિર જ નથી દેખાતું, તેને એક એવું અસ્તિત્વ જોવા મળે છે કે જે સેંકડો હજારો વર્ષોથી પ્રેરણા આપતું રહ્યું છે, જે માનવતાના મૂલ્યોની ઘોષણા કરી રહ્યું છે. એક એવું સ્થળ કે જેને હજારો વર્ષો પહેલાં આપણાં ઋષિઓએ પ્રભાત ક્ષેત્ર એટલે કે પ્રકાશના, જ્ઞાનના ક્ષેત્ર તરીકે ઓળખાવ્યું હતું. અને આજે પણ સમગ્ર વિશ્વની સામે તે આહ્વાન કરી રહ્યું છે કે સત્યને અસત્યથી હરાવી શકાતું નથી. આસ્થાને આતંકથી કચડી શકાતી નથી. આ મંદિરને સેંકડો વર્ષોના ઈતિહાસમાં કેટલી વખત તોડવામાં આવ્યું છે, અહીંની મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે, તેના અસ્તિત્વને મિટાવી દેવાની તમામ કોશિષ કરવામાં આવી હતી, પણ તેને જેટલી પણ વખત તોડવામાં આવ્યું એટલી વખત ઉઠીને ઉભુ થયું છે. એટલા માટે ભગવાન સોમનાથનું આ મંદિર આજે માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે એક વિશ્વાસ છે અને એક આશ્વાસન પણ છે કે જે તોડનારી શક્તિઓ છે, જે આતંકના બળ ઉપર સામ્રાજ્ય ઉભુ કરવાની વિચારધારા છે, તે કોઈ કાલખંડમાં થોડા સમય માટે ભલે હાવી થઈ જાય, પણ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી હોતું નથી. તે વધુ દિવસો સુધી માનવતાને દબાવી રાખી શકતું નથી. આ બાબત જ્યારે આતંકીઓ સોમનાથ મંદિરને તોડી રહ્યા હતા તે સમયે જેટલી સાચી હતી, તેટલી આજે પણ છે કે જ્યારે વિશ્વ આવી વિચારધારાઓથી આશંકિત છે.
સાથીઓ,
આપણે સૌ જાણીએ છીએ કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણથી માંડીને ભવ્ય વિકાસની આ યાત્રા માત્ર થોડાંક વર્ષો અથવા થોડાંક દાયકાઓનું પરિણામ નથી. તે સદીઓની દ્રઢ ઈચ્છાશક્તિ અને વૈચારિક નિરંતરતાનું પરિણામ છે. રાજેન્દ્ર પ્રસાદજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને કે.એમ મુનશી જેવા મહાનુભવોએ આ અભિયાન માટે આઝાદી પછી પણ કઠણાઈઓનો સામનો કર્યો છે, પરંતુ આખરે 1950માં સોમનાથ મંદિર આધુનિક ભારતના દિવ્ય સ્તંભ સ્વરૂપે સ્થાપિત થઈ ગયું હતું. કઠણાઈઓ અને સૌહાર્દપૂર્ણ સમાધાનની કટિબધ્ધતાની સાથે આજે દેશ વધુ આગળ ધપી રહ્યો છે. આજે રામ મંદિર સ્વરૂપે નવા ભારતના ગૌરવનો એક પ્રકાશિત સ્તંભ પણ ઊભો થઈ રહયો છે.
સાથીઓ,
આપણો બોધ હોવો જોઈએ કે ઈતિહાસમાંથી શિખીને વર્તમાનને સુધારવાનો, એક નવું ભવિષ્ય બનાવવાનો. એટલા માટે જ જ્યારે હું ‘ભારત જોડો આંદોલન’ ની વાત કરૂં છું ત્યારે તેની ભાવના કેવળ ભૌગોલિક અથવા તો વૈચારિક જોડાણ પૂરતી જ સિમીત હોતી નથી. તે ભવિષ્યના ભારતના નિર્માણ માટે આપણને આપણાં ભૂતકાળ સાથે જોડવાનો સંકલ્પ પણ છે. આત્મવિશ્વાસની સાથે આપણે ભૂતકાળના ખંડેરોને જોડવાનો સંકલ્પ પણ છે. આ આત્મવિશ્વાસ સાથે આપણે ભૂતકાળના ખંડેરો પર આધુનિક ભારતનું નિર્માણ કર્યું છે. ભૂતકાળની પ્રેરણાઓને સજાવી છે. જ્યારે રાજેન્દ્ર પ્રસાદજી સોમનાથ આવ્યા હતા ત્યારે તેમણે જે કહ્યું હતું તે આપણે હંમેશા યાદ રાખવાનું છે. તેમણે કહ્યું હતું કે “સદીઓ પહેલાં ભારત સોના અને ચાંદીનો ભંડાર હતો. દુનિયાનો સોનાનો મોટો હિસ્સો તે વખતે ભારતના મંદિરોમાં જ હતો. મારી નજરમાં સોમનાથનું પુનઃનિર્માણ એ દિવસે પૂરૂ થશે કે જ્યારે તેના પાયા પર વિશાળ મંદિરની સાથે સાથે સમૃધ્ધ અને સંપન્ન ભારતનું ભવ્ય મંદિર પણ તૈયાર થઈ ચૂક્યું હશે. સમૃધ્ધ ભારતનું તે ભવન કે જેનું પ્રતિક સોમનાથ મંદિર હશે.” આપણા પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રજીનું આ સપનું આપણાં સૌ માટે ખૂબ મોટી પ્રેરણા છે.
સાથીઓ,
આપણાં માટે ઈતિહાસ અને આસ્થાનો મૂળ ભાવ છે-
‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ’
આપણે ત્યાં દ્વાદશ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે. તેની શરૂઆત ‘સૌરાષ્ટ્રે સોમનાથં’ ની સાથે સોમનાથ મંદિરથી જ શરૂ થાય છે. પશ્ચિમમાં સોમનાથ અને નાગેશ્વરથી માંડીને પૂર્વમાં બૈધનાથ સુધી, ઉત્તરમાં બાબા કેદારનાથથી માંડીને દક્ષિણમાં ભારતના અંતિમ છેડા પર બિરાજમાન શ્રી રામેશ્વર સુધી આ 12 જ્યોતિર્લિંગ સમગ્ર ભારતને એક બીજા સાથે પરોવવાનું કામ કરે છે. એટલા માટે જ આપણાં ચાર ધામની વ્યવસ્થા, આપણી છપ્પન શક્તિપીઠની સંકલ્પના, આપણાં અલગ અલગ ખૂણાઓમાં અલગ અલગ તીર્થોની સ્થાપના, આપણી આસ્થાની આ રૂપરેખા વાસ્તવમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ ની ભાવનાની અભિવ્યક્તિ છે. સદીઓથી દુનિયાને એ આશ્ચર્ય થતું રહયું છે કે આટલી વિવિધતાઓથી ભરેલું ભારત એક કેવી રીતે છે. આપણે એક જૂથ કેવી રીતે છીએ? પણ જ્યારે આપણે પૂર્વથી હજારો કિલોમીટર ચાલીને પૂર્વથી પશ્ચિમ સોમનાથના દર્શન કરનારા શ્રધ્ધાળુઓને જોઈએ છીએ ત્યારે, અથવા તો દક્ષિણ ભારતના હજારો ભક્તોને કાશીની માટીને મસ્તક પર લગાવતા જોઈએ છીએ ત્યારે આપણે તે બાબતનો અહેસાસ થાય છે કે ભારતની તાકાત શું છે. આપણે એક બીજાની ભાષા સમજતા ના હોઈએ તો પણ, વેશભૂષા અલગ હોય તો પણ, ખાણી-પીણીની આદતો અલગ હોય છે, પણ આપણને અહેસાસ હોય છે કે આપણે એક છીએ. આપણી આ આધ્યાત્મિકતાએ આપણને સદીઓથી ભારતને એક સૂત્રમાં પરોવવાનું, પરસ્પર સંવાદ સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને આપણાં સૌની જવાબદારી તેને નિરંતર મજબૂત કરતા રહેવાની છે.
સાથીઓ,
આજે સમગ્ર દુનિયા ભારતના યોગ, દર્શન, આધ્યાત્મ અને સંસ્કૃતિ તરફ આકર્ષિત થઈ રહી છે. આપણી નવી પેઢીમાં પણ હવે પોતાના મૂળ સાથે જોડાવાની નવી જાગૃતિ આવી છે. એટલા માટે જ આપણે પ્રવાસન અને આધ્યાત્મિક પ્રવાસન ક્ષેત્રમાં આજે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંભાવનાઓ છે. આ સંભાવનાઓને આકાર આપવા માટે દેશ આજે આધુનિક માળખાકિય સુવિધાઓ બનાવી રહ્યો છે, પ્રાચીન ગૌરવને પુનર્જીવિત કરી રહ્યો છે. રામાયણ સર્કીટનું ઉદાહરણ આપણી સામે છે. આજે દેશ અને દુનિયાના કેટલાય રામ ભકતોને રામાયણ સર્કીટના માધ્યમથી ભગવાન રામ સાથે જીવનને જોડતા નવા નવા સ્થળો અંગે જાણકારી મળી રહી છે. ભગવાન રામ જે રીતે સમગ્ર ભારતના રામ છે, આ સ્થળો ઉપર જઈને આપણને આજે એ અનુભવ કરવાની તક મળી રહી છે, તેવી જ રીતે બુધ્ધ સર્કીટ સમગ્ર વિશ્વના બૌધ્ધ અનુયાયીઓને ભારતમાં આવવાની, પર્યટન કરવાની સુવિધા પૂરી પાડી રહી છે. આજે એ દિશામાં કામ ઝડપથી આગળ ધપાવવામાં આવી રહ્યું છે. આવી જ રીતે આપણાં પ્રવાસન મંત્રાલયની ‘સ્વદેશ દર્શન યોજના’ હેઠળ 15 અલગ અલગ વિષયો પર ટુરિસ્ટ સર્કીટસ વિકસાવવામાં આવી રહી છે. આ સર્કીટસથી દેશના અનેક ઉપેક્ષિત વિસ્તારોમાં પણ પર્યટન અને વિકાસની તકો ઉભી થશે.
સાથીઓ,
આપણાં પૂર્વજોની એટલી દૂરદ્રષ્ટિ હતી કે તેમણે દૂર દૂરના ક્ષેત્રોને પણ આપણી આસ્થા સાથે જોડવાનું કામ કર્યું છે. તેમના પોતાપણાંનો અનુભવ કરાવ્યો છે, પરંતુ કમનસીબે જ્યારે આપણે સક્ષમ થયા, જ્યારે આપણી પાસે આધુનિક ટેકનિક અને સાધનો આવ્યા ત્યારે આપણે તે વિસ્તારોને દુર્ગમ ગણીને છોડી દીધા. આપણાં પર્વતિય વિસ્તારો તેનું ખૂબ મોટુ ઉદાહરણ છે, પરંતુ આજે દેશ આ પવિત્ર તીર્થોના અંતરને પણ કાપી રહ્યો છે. વૈષ્ણોદેવી મંદિરની આસપાસનો વિકાસ હોય કે પૂર્વોત્તર સુધી પહોંચી રહેલી હાઈટેક માળખાકિય સુવિધાઓ હોય, આજે દેશમાં આપણાં લોકો સાથેનું અંતર ઓછુ થઈ રહ્યું છે. એવી જ રીતે વર્ષ 2014માં દેશે આ રીતે તીર્થ સ્થાનોના વિકાસ માટે ‘પ્રસાદ યોજના’ ની જાહેરાત કરી હતી. આ યોજના હેઠળ દેશમાં આશરે 40 મોટા તીર્થ સ્થાનો વિકસાવવામાં આવી રહ્યા છે, જેમાંથી 15 યોજનાઓનું કામ પૂરૂં પણ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ રૂ.100 કરોડથી વધુ રકમની ત્રણ યોજનાઓ પર પ્રસાદ યોજના હેઠળ કામ ચાલી રહ્યું છે. ગુજરાતમાં સોમનાથ અને અન્ય પ્રવાસન સ્થળો અને શહેરોને પણ એક બીજા સાથે જોડવા માટે કનેક્ટિવીટી ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કોશિશ એ છે કે જ્યારે પર્યટક એક જગાએ દર્શન કરવા આવે તો બીજા પર્યટક સ્થળો સુધી પણ જાય. આ રીતે સમગ્ર દેશના 19 આઈકોનિક પ્રવાસન સ્થળોની ઓળખ કરીને આજે તેમને વિકસિત કરવામાં આવી રહ્યા છે. આ તમામ પ્રોજેક્ટસ આપણાં પ્રવાસન ઉદ્યોગને આવનારા સમયમાં એક નવી ઊર્જા પૂરી પાડશે.
સાથીઓ,
પર્યટનના માધ્યમથી આજે દેશના સામાન્ય માનવીને માત્ર જોડવામાં જ આવી રહ્યો નથી, તે ખુદ પણ આગળ ધપી રહ્યો છે. તેનું પરિણામ એ આવ્યું છે કે વર્ષ 2013માં દેશ ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પિટીટવનેસના ઈન્ડેક્સમાં 65મા સ્થાને હતું ત્યાંથી વર્ષ 2019માં 34મા સ્થાને આવી ગયું છે. આંતરરાષ્ટ્રીય પર્યટનને વેગ આપવા માટે દેશે આ 7 વર્ષમાં અનેક નીતિ વિષયક નિર્ણયો પણ કર્યા છે, જેનો લાભ દેશને આજે થઈ રહ્યો છે. દેશની ઈ-વિઝા વ્યવસ્થા, વિઝા ઓન અરાઈવલ જેવી વ્યવસ્થાઓને આગળ ધપાવવામાં આવી રહી છે અને વિઝાની ફી પણ ઓછી કરવામાં આવી છે. આ રીતે પ્રવાસન ક્ષેત્રમાં હોસ્પિટાલિટી માટે લાગતો જીએસટી પણ ઓછો કરવામાં આવ્યો છે. આનાથી પ્રવાસન ક્ષેત્રને ઘણો લાભ થશે અને કોવિડની અસરમાંથી બહાર નિકળવામાં પણ મદદ મળશે. અનેક નિર્ણયો પર્યટકોની રૂચિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે. જેમકે કોઈ પર્યટક જ્યારે આવે છે ત્યારે તેનો ઉત્સાહ સાહસ માટે પણ હોય છે, તેને ધ્યાનમાં રાખીને દેશમાં 120 પર્વત શિખરોને ટ્રેકીંગ માટે ખોલવામાં આવ્યા છે. પર્યટકોને નવા સ્થળે અસુવિધા ના થાય, નવા સ્થળોની પૂરી જાણકારી મળે તે માટે કાર્યક્રમ તૈયાર કરીને ગાઈડઝને પણ તાલિમ આપવામાં આવી રહી છે. તેનાથી મોટી સંખ્યામાં રોજગારીની તકો પણ ઉભી થઈ છે.
સાથીઓ,
આપણાં દેશની પરંપરા આપણને કપરા સમયમાંથી બહાર નિકળીને તકલીફને ભૂલીને આગળ ધપવા માટેની પ્રેરણા આપે છે. આપણે પણ જોયું છે કે કોરોનાના આ સમયમાં પર્યટન લોકો માટે એક આશાનું કિરણ છે. એટલા માટે જ આપણે પર્યટનના સ્વભાવ અને સંસ્કૃતિને સતત વિસ્તારી રહ્યા છીએ, આગળ ધપાવી રહ્યા છીએ અને આપણે પણ આગળ વધવાનુ છે. પણ સાથે સાથે આપણે એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે કે આપણે જરૂરી સાવધાની અને જરૂરી બચાવનો પણ પૂરો ખ્યાલ રાખીએ. મને વિશ્વાસ છે કે આ ભાવના સાથે દેશ આગળ ધપતો રહેશે અને આપણી પરંપરાઓ, આપણું ગૌરવ આધુનિક ભારતના નિર્માણમાં આપણને દિશા દેખાડતું રહેશે. ભગવાન સોમનાથના આશીર્વાદ આપણી ઉપર છવાયેલા રહે. ગરીબમાં ગરીબનું કલ્યાણ કરવા માટે આપણે નવી નવી ક્ષમતા, નવી નવી ઊર્જા આપણને પ્રાપ્ત થતી રહે કે જેથી સર્વના કલ્યાણનો માર્ગ આપણે સમર્પિત ભાવ સાથે સેવા કરવાના માધ્યમથી સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવી શકીએ તેવી શુભકામના સાથે આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ! જય સોમનાથ!
SD/GP/JD
(Release ID: 1747631)
Visitor Counter : 495
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada