રાષ્ટ્રપતિ સચિવાલય

75મા સ્વતંત્રતા દિનની પૂર્વસંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદનો રાષ્ટ્રજોગ સંદેશ

Posted On: 14 AUG 2021 7:44PM by PIB Ahmedabad

મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર.

1) દેશ-વિદેશમાં રહેતા સૌ ભારતવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. આ દિવસ આપણા સૌ માટે અત્યંત આનંદ અને ઉલ્લાસનો દિવસ છે. આ વર્ષના સ્વતંત્રતા દિવસનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે આ જ વર્ષથી આપણે સૌ આઝાદીની 75મી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યા છીએ. આ ઐતિહાસિક અવસર પર આપ સૌને ખૂબ-ખૂબ અભિનંદન.

2) સ્વતંત્રતા દિવસ આપણા માટે પરાધીનતાથી મુક્તિનો તહેવાર છે.

અનેક પેઢીઓના જાણ્યા અને અજાણ્યા સ્વતંત્રતા સેનાનીઓએ કરેલા સંઘર્ષથી આપણી આઝાદીનું સ્વપ્ન સાકાર થયું હતું. તે બધાએ ત્યાગ અને બલિદાનના અનોખા ઉદાહરણ પ્રસ્તુત કર્યા. તેમના શૌર્ય અને પરાક્રમના બળ પર જ આજે આપણે આઝાદીના શ્વાસ લઈ રહ્યા છીએ. હું એ તમામ અમર સેનાનીઓની પાવન સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું.

3) અનેક દેશોની જેમ આપણા દેશે પણ, વિદેશી હકૂમત દરમ્યાન ઘણા અન્યાય અને અત્યાચાર સહન કરવા પડ્યા. પરંતુ ભારતની વિશેષતા એ હતી કે ગાંધીજીના નેતૃત્વમાં આપણો સ્વાધીનતા સંગ્રામ સત્ય અને અહિંસાના સિદ્ધાંતો પર આધારિત રહ્યો. તેમણે તથા બાકી બધા રાષ્ટ્ર-નાયકોએ ભારતને ઉપનિવેશિક શાસનથી મુક્ત કરવાનો માર્ગ તો બતાવ્યો જ, સાથે જ, રાષ્ટ્રના પુનર્નિર્માણની રૂપરેખા પણ પ્રસ્તુત કરી.

તેમણે ભારતીય જીવન-મૂલ્યો અને માનવીય ગરિમાને પુનઃસ્થાપિત કરવા માટે પણ ભરપૂર પ્રયાસ કર્યા.

4) આપણા રાષ્ટ્રના છેલ્લા 75 વર્ષની યાત્રા પર જ્યારે આપણે નજર નાખીએ તો આપણને ગૌરવ થાય છે કે આપણે પ્રગતિના પથ પર ઘણું લાંબુ અંતર કાપ્યું છે. ગાંધીજીએ આપણને એ શીખવ્યું છે કે ખોટી દિશામાં ઝડપથી ડગ માંડવા કરતાં સારું છે કે સાચી દિશામાં ભલે ધીરે, પણ યોગ્ય ડગલાં ભરીને આગળ વધવું જોઈએ. અનેક પરંપરાઓથી સમૃદ્ધ ભારતના સૌથી મોટા અને જીવંત લોકતંત્રની અદ્ભુત સફળતાને વિશ્વ સમુદાય સન્માનપૂર્વક જુએ છે.

5) પ્રિય દેશવાસીઓ, હાલમાં જ સંપન્ન થયેલા ટોકિયો ઓલિમ્પિકમાં આપણા ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી દેશનું ગૌરવ વધાર્યું છે.

ભારતે ઓલિમ્પિક રમતોમાં પોતાની હિસ્સેદારીના 121 વર્ષોમાં સૌથી વધુ મેડલ જીતવાનો ઇતિહાસ રચ્યો છે. આપણી દીકરીઓએ અનેક અડચણોને પાર કરીને રમતના મેદાનોમાં વિશ્વ સ્તરની ઉત્કૃષ્ટતા હાંસલ કરી છે. રમત-ગમતની સાથે જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી અને સફળતામાં યુગાંતરકારી પરિવર્તન થઈ રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓથી લઈને સશસ્ત્ર દળો સુધી, પ્રયોગશાળાઓથી લઈને રમતનાં મેદાનો સુધી, આપણી દીકરીઓ અલગ ઓળખ બનાવી રહી છે. દીકરીઓની આ સફળતામાં મને ભવિષ્યના વિકસિત ભારતની ઝલક દેખાઈ રહી છે. હું દરેક માતા-પિતાને આગ્રહ કરું છું કે તેઓ આવી હોનહારર દીકરીઓના પરિવારો પાસેથી શીખ મેળવે અને પોતાની દીકરીઓને પણ આગળ વધવાના અવસર પૂરા પાડે.

6) ગયા વર્ષની જેમ, મહામારીના કારણે, આ વર્ષે પણ સ્વતંત્રતા દિવસ સમારંભ મોટા સ્તર પર ઊજવી નહિ શકાય, પરંતુ આપણા સૌના હૃદયમાં હંમેશાં ભરપૂર ઉત્સાહ ભરેલો હોય છે. મહામારીની તીવ્રતમાં ઘટાડો જરૂર થયો છે, પરંતુ કોરોના વાયરસનો પ્રભાવ હજી પૂરો નથી થયો. આ વર્ષે આવેલી મહામારીની બીજી લહેરની વિનાશકારી અસરોથી હજી સુધી આપણે બહાર નથી આવી શક્યા. ગયા વર્ષે બધા લોકોના અસાધારણ પ્રયાસોને કારણે, આપણે સંક્રમણના પ્રસાર પર કાબૂ મેળવવામાં સફળ થયા હતા. આપણા વૈજ્ઞાનિકોએ બહુ જ ઓછા સમયમાં વેક્સિન તૈયાર કરવાનું મુશ્કેલ કામ પૂરું કરી દીધું. તેથી, આ વર્ષના આરંભમાં આપણે સૌ વિશ્વાસથી ભરેલા હતા, કારણ કે આપણે ઇતિહાસનું સૌથી મોટું રસીકરણ અભિયાન શરૂ કરી દીધું હતું.

તેમ છતાં, કોરોના વાયરસના નવા સ્વરૂપો અને અન્ય અનઅપેક્ષિત કારણોના પરિણામ સ્વરૂપે, આપણે બીજી લહેરના ભયાવહ પ્રકોપના ભોગ બનવું પડ્યું. મને એ વાતનું ઊંડું દુઃખ છે, કે બીજી લહેરમાં ઘણાં લોકોના જીવન બચાવી ન શકાયા અને ઘણાં લોકોને ભારે કષ્ટ સહન કરવું પડ્યું. આ એક અભૂતપૂર્વ સંકટનો સમય હતો. હું સમગ્ર દેશ તરફથી, આપ સૌ પીડિત પરિવારોના દુઃખમાં સમાન ભાગીદાર છું.

7) આ વાયરસ એક અદ્રશ્ય અને શક્તિશાળી શત્રુ છે, જેનો વિજ્ઞાન દ્વારા પ્રશંસનીય ગતિથી સામનો કરવામાં આવી રહ્યો છે. અમને એ વાતનો સંતોષ છે કે આ મહામારીમાં આપણે જેટલા લોકોના જીવ ગુમાવ્યા છે, તેનાથી વધુ લોકોના જીવન બચાવી શકાયા છે. ફરી એક વાર, આપણે આપણા સામૂહિક સંકલ્પના બળ પર જ બીજી લહેરમાં ઘટાડો જોવા પામી શક્યા છીએ.

દરેક પ્રકારનું જોખમ ઉપાડીને, આપણા ડોક્ટરો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ, પ્રશાસકો અને અન્ય કોરોના યોદ્ધાઓના પ્રયાસો થકી કોરોનાની બીજી લહેર પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.

8) કોવિડની બીજી લહેરથી આપણી જાહેર આરોગ્ય સેવાઓના મૂળભૂત માળખા પર ઘણું દબાણ આવ્યું છે. હકીકત તો એ છે કે વિકસિત અર્થવ્યવસ્થાઓ સહિત, કોઈ પણ દેશનું મૂળભૂત માળખું, આ વિકરાળ સંકટનો સામનો કરવામાં સમર્થ સિદ્ધ થયું નથી. આપણે આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવા યુદ્ધના ધોરણે પ્રયાસ કર્યા. દેશના નેતૃત્વએ આ પડકારનો બરાબર મુકાબલો કર્યો. કેન્દ્ર સરકારના પ્રયાસોની સાથોસાથ રાજ્ય સરકારો, ખાનગી ક્ષેત્રની આરોગ્ય સેવાઓ, બિનસરકારી સંગઠનો તથા અન્ય સમૂહોએ સક્રિય યોગદાન આપ્યું.

આ અસાધારણ અભિયાનમાં, અનેક દેશોએ ઉદારતાથી અનિવાર્ય વસ્તુઓ એ જ રીતે મોકલાવી, જે રીતે ભારતને અનેક દેશોને દવાઓ, ઉપકરણો અને વેક્સિન ઉપલબ્ધ કરાવ્યા હતા. આ સહાયતા માટે હું વિશ્વ સમુદાયનો આભાર માનું છું.

9) આ બધાં પ્રયાસોના પરિણામ સ્વરૂપે, ઘણી હદ સુધી સામાન્ય સ્થિતિ સ્થાપી શકાઈ છે, અને હવે આપણા મોટા ભાગના દેશવાસીઓ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે. અત્યાર સુધીના અનુભવમાંથી એ જ શીખ મળી છે કે હવે આપણે સૌએ સતત સાવધાની રાખવાની જરૂર છે. હાલમાં વેક્સિન આપણા સૌને માટે વિજ્ઞાન દ્વારા સુલભ કરાવવામાં આવેલું સર્વોચ્ચ સુરક્ષા કવચ છે. આપણા દેશમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ દેશવાસીઓને વેકિસન લાગી ચુકી છે.

હું સૌ દેશવાસીઓને આગ્રહ કરું છું કે તેઓ પ્રોટોકોલને અનુરૂપ, શક્ય એટલી જલ્દી વેક્સિન મૂકાવી દે અને અન્ય લોકોને પણ પ્રેરિત કરે.

10) મારા પ્રિય દેશવાસીઓ, આ મહામારીનો પ્રભાવ અર્થવ્યવસ્થા માટે એટલો જ વિનાશકારી છે, જેટલો લોકોના આરોગ્ય માટે. સરકાર ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગના લોકોની સાથે નાના અને મધ્યમ ઉદ્યોગોની સમસ્યાઓ અંગે પણ ચિંતિત રહી છે. સરકાર, એ શ્રમિકો અને ઉદ્યમીઓની જરૂરિયાતો અંગે પણ સંવેદનશીલ રહી છે, જેમને લોકડાઉન અને આવન-જાવન પરના પ્રતિબંધોને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. તેમની જરૂરિયાતોને સમજીને સરકારે ગયા વર્ષે તેમને રાહત આપવા માટે અનેક પગલાં લીધાં હતાં. આ વર્ષે પણ સરકારે મે અને જૂનમાં લગભગ 80 કરોડ લોકોને અનાજ ઉપલબ્ધ કરાવ્યું.

હવે આ સહાય દિવાળી સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત, કોવિડથી અસર પામેલા અમુક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકારે હાલમાં જ 6 લાખ 28 હજાર કરોડ રૂપિયાનું પ્રોત્સાહન પેકેજ આપવાની જાહેરાત કરી છે. આ બાબત વિશેષ રૂપે સંતોષજનક છે, કે ચિકિત્સા સેવાઓનો વ્યાપ વધારવા એક વર્ષ દરમ્યાન 23,220 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે.

11) મને એ વાતનો આનંદ છે કે બધી અડચણો છતાં ગ્રામીણ ક્ષેત્રોમાં, ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં, વૃદ્ધિ જળવાઈ રહી છે. હાલમાં જ, કાનપુર દેહાત જિલ્લામાં આવેલા મારા પૈતૃક ગામ પરૌંખની યાત્રા દરમ્યાન, મને એ જોઈને ઘણો આનંદ થયો કે ગ્રામીણ ક્ષેત્રોમાં લોકોના જીવનને સુગમ બનાવવા માટે બહેતર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવામાં આવી રહ્યું છે.

શહેરી અને ગ્રામીણ ક્ષેત્રો વચ્ચેનું મનૌવૈજ્ઞાનિક અંતર હવે અગાઉની સરખામણીએ ઘણું ઓછું થઈ ગયું છે. મૂળભૂત રીતે ભારત ગામોમાં જ વસે છે, તેથી તેમને વિકાસના માપદંડો પર પાછળ ન રહેવા દઈ શકાય. તેથી, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સહિત, આપણા ખેડૂત ભાઈ-બહેનો માટે વિશેષ અભિયાનો પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

12) આ બધા પ્રયાસો આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને અનુરૂપ છે. આપણી અર્થવ્યવસ્થામાં સમાયેલી વિકાસની ક્ષમતા પર દ્રઢ વિશ્વાસ રાખીને સરકારે સુરક્ષા, આરોગ્ય, નાગરિક ઉડ્ડયન, વીજઊર્જા તથા અન્ય ક્ષેત્રોમાં મૂડીરોકાણને વધુ સરળ બનાવ્યું છે. સરકાર દ્વારા પર્યાવરણને અનુકૂળ, ઊર્જાના પુનઃપ્રાપ્ય સ્રોતો, ખાસ કરીને સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવાના નવીન પ્રયાસોની વિશ્વવ્યાપી પ્રશંસા થઈ રહી છે.

જ્યારે ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસના રેન્કિંગમાં સુધારો થાય છે, ત્યારે તેની સકારાત્મક અસર ઈઝ ઑફ લિવિંગ પર પણ થાય છે. આ ઉપરાંત, જનકલ્યાણની યોજનાઓ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઉદાહરણ રૂપે, 70,000 કરોડ રૂપિયાની ક્રેડિટ-લિંક્ડ સબસિડી યોજનાને કારણે, પોતાનું ઘરનું ઘર હોવાનું સ્વપ્ન હવે સાકાર થઈ રહ્યું છે. એગ્રિકલ્ચરલ માર્કેટિંગ માટે કરવામાં આવેલા અનેક સુધારાઓને કારણે આપણા અન્નદાતા ખેડૂતો વધુ સશક્ત થશે અને તેમને પોતાનાં ઉત્પાદનોની વધુ સારી કિંમત મળશે. સરકારે દરેક દેશવાસીની ક્ષમતાને વિકસિત કરવા માટે અનેક પગલાં લીધાં છે, જેમાંથી અમુકનો જ ઉલ્લેખ મેં કર્યો છે.

13) પ્રિય દેશવાસીઓ, હવે જમ્મુ-કાશ્મીરમાં નવ-જાગરણ દેખાઈ રહ્યું છે.

સરકારે લોકતંત્ર અને કાયદાના શાસનમાં વિશ્વાસ ધરાવતા તમામ પક્ષો સાથે પરામર્શની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હું જમ્મુ-કાશ્મીરના રહેવાસીઓ, ખાસ કરીને યુવાનોને આ અવસરનો લાભ લેવાનો અને લોકતાંત્રિક સંસ્થાઓના માધ્યમથી પોતાની આકાંક્ષાઓને સાકાર કરવા માટે સક્રિય થવાનો આગ્રહ કરું છું.

14) સર્વાંગી વિકાસના પ્રભાવથી, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું કદ ઊંચું થઈ રહ્યું છે. આ પરિવર્તન, મહત્ત્વના બહુપક્ષીય મંચો પર આપણી પ્રભાવશાળી ભાગીદારીમાં તથા અનેક દેશો સાથેના આપણા દ્વિપક્ષીય સંબંધોને સુદ્રઢ બનાવવામાં પરિલક્ષિત થઈ રહ્યું છે.

15) પ્રિય દેશવાસીઓ, 75 વર્ષ પહેલાં જ્યારે ભારતે આઝાદી હાંસલ કરી હતી, ત્યારે અનેક લોકોને એ સંશય હતો કે ભારતમાં લોકશાહી સફળ નહિ થાય.

આવા લોકો કદાચ એ તથ્યથી અજ્ઞાત હતા કે પ્રાચીન કાળમાં, લોકશાહીનાં મૂળિયાં આ જ ભારતની ભૂમિમાં પુષ્પિત-પલ્લવિત થયા હતાં. આધુનિક યુગમાં પણ ભારત, કોઈપણ ભેદભાવ વિના, વયસ્કોને મતાધિકાર આપવામાં અનેક પશ્ચિમી દેશો કરતાં આગળ રહ્યું. આપણા-રાષ્ટ્ર નિર્માતાઓએ જનતાના વિવેકમાં પોતાની આસ્થા વ્યક્ત કરી અને - આપણે ભારતના લોકો – આપણા દેશને એક શક્તિશાળી લોકતંત્ર બનાવવામાં સફળ રહ્યાં છીએ.

16) આપણું લોકતંત્ર સંસદીય પ્રણાલિ પર આધારિત છે, તેથી સંસદ આપણા લોકતંત્રનું મંદિર છે. જ્યાં જનતાની સેવા માટે મહત્ત્વના મુદ્દાઓ પર વાદ-વિવાદ, સંવાદ અને નિર્ણય કરવાનું સર્વોચ્ચ મંચ આપણને ઉપલબ્ધ છે.

તમામ દેશવાસીઓ માટે આ એક ગૌરવની વાત છે કે આપણા લોકતંત્રનું આ મંદિર નજીકના ભવિષ્યમાં જ એક નવા ભવનમાં સ્થાપિત થવા જઈ રહ્યું છે. આ ભવન આપણી રીતિ અને નીતિને અભિવ્યક્ત કરશે. તેમાં આપણા વારસા પ્રત્યે સન્માનનો ભાવ હશે અને સાથે જ, સમકાલીન વિશ્વની સાથે કદમ મિલાવીને ચાલવાની કુશળતાનું પ્રદર્શન પણ હશે. સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠના અવસર પર આ નવા ભવનના ઉદ્ઘાટનને વિશ્વ સૌથી મોટા લોકતંત્રની વિકાસયાત્રામાં એક ઐતિહાસિક પ્રસ્થાનબિંદુ માનવામાં આવશે.

17) સરકારે આ વિશેષ વર્ષને સ્મરણીય બનાવવા માટે અનેક યોજનાઓનો શુભારંભ કર્યો છે. ગગનયાન મિશન એ અભિયાનોમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ મિશન અંતર્ગત ભારતીય વાયુ સેનાના અમુક પાયલટ્સ વિદેશમાં તાલીમ મેળવી રહ્યા છે.

જ્યારે તેઓ અંતરિક્ષમાં ઉડાન ભરશે, તો ભારત માનવયુક્ત અંતરિક્ષ મિશનને સફળ બનાવનાર દુનિયાનો ચોથો દેશ બની જશે. આ રીતે, આપણી આકાંક્ષાઓની ઉડાન કોઈ પ્રકારની મર્યાદામાં બંધાઈ રહે તેવી નથી.

18) તેમ છતાં, આપણા પગ યથાર્થની ઠોસ જમીન પર ટકેલા છે. આપણને એ ખ્યાલ છે કે આઝાદી માટે મરી ફીટનારા સ્વાધીનતા સેનાનીઓના સપનાંને સાકાર કરવાની દિશામાં હજુ ઘણું આગળ જવાનું છે. તે સ્વપ્નો આપણા સંવિધાનમાં, ન્યાય, સ્વતંત્રતા, સમતા અને બંધુતા – આ ચાર સારગર્ભિત શબ્દો દ્વારા સ્પષ્ટ રૂપે સમાવવામાં આવ્યા છે. અસમાનતાથી ભરેલી વિશ્વ વ્યવસ્થામાં, વધુ સમાનતા માટે અને અન્યાયપૂર્ણ પરિસ્થિતિઓમાં વધુ ન્યાય માટે, દ્રઢતાપૂર્વક પ્રયાસ કરવાની આવશ્યકતા છે.

ન્યાયની અવધારણા ઘણી વ્યાપક થઈ ગઈ છે, જેમાં આર્થિક અને પર્યાવરણ સંબંધિત ન્યાય પણ સામેલ છે. આગળનો માર્ગ બહુ સરળ નથી. આપણે અનેક જટિલ અને કઠિન પડાવો પાર કરવા પડશે. પરંતુ આપણને સૌને અસાધારણ માર્ગદર્શન ઉપલબ્ધ થયું છે. આ માર્ગદર્શન વિભિન્ન સ્રોતોથી આપણને મળે છે. સદીઓ પહેલાંના આપણા ઋષિ-મુનિઓથી લઈને આધુનિક યુગના સંતો  અને રાષ્ટ્ર-નાયકો સુધી, આપણા માર્ગદર્શકોની અત્યંત સમૃદ્ધ પરંપરાની શક્તિ આપણને સાંપડી છે. અનેકતામાં એકતાની ભાવનાના બળ પર, આપણે દ્રઢતાપૂર્વક એક રાષ્ટ્ર રૂપે આગળ વધી રહ્યાં છીએ.

19) વારસામાં મળેલી આપણા પૂર્વજોની જીવન-દ્રષ્ટિ, આ સદીમાં ન માત્ર આપણા માટે, પરંતુ સમગ્ર વિશ્વ માટે સહાયરૂપ સાબિત થશે.

આધુનિક ઔદ્યોગિક સભ્યતાએ માનવ જાતિ સમક્ષ ગંભીર પડકારો ઊભા કરી દીધા છે. સમુદ્રોનું જળ-સ્તર વધી રહ્યું છે, ગ્લેશિયર પીગળી રહ્યા છે અને પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ થઈ રહી છે. આ રીતે જળવાયુ પરિવર્તનની સમસ્યા આપણા જીવનને અસર કરી રહી છે. આપણા માટે ગૌરવની વાત છે, કે ભારતે ન માત્ર પેરિસ જળવાયુ સંધિનું પાલન કર્યું છે, પરંતુ જળવાયુના રક્ષણ માટે નિશ્ચિત કરવામાં આવેલી પ્રતિબદ્ધતા કરતાં પણ વધુ યોગદાન આપી રહ્યું છે. છતાં પણ, માનવતાએ વિશ્વ સ્તર પર પોતાની રીતભાત બદલવાની અત્યંત જરૂર છે. તેથી જ ભારતીય જ્ઞાન પરંપરા તરફ દુનિયાનું વલણ વધી રહ્યું છે. એવી જ્ઞાન પરંપરા, જે વેદો અને ઉપનિષદોના રચનાકારો દ્વારા નિર્મિત કરવામાં આવી, રામાયણ અને મહાભારતમાં વર્ણિત કરવામાં આવી, ભગવાન મહાવીર, ભગવાન બુદ્ધ અને ગુરુ નાનક દ્વારા પ્રસારિત કરવામાં આવી, અને મહાત્મા ગાંધી જેવા લોકોના જીવનમાં પરિલક્ષિત થઈ.

20) ગાંધીજીએ કહ્યું હતું કે પ્રકૃતિને અનુરૂપ જીવવાની કળા શીખવા માટે પ્રયાસ કરવો પડે છે. પરંતુ એક વાર આપ નદીઓ અને પહાડો, પશુઓ અને પક્ષીઓ સાથે સંબંધ જોડી લો છો, તો પ્રકૃતિ પોતાનાં રહસ્યો આપની સામે પ્રગટ કરી દે છે. આવો, આપણે સંકલ્પ લઈએ, કે ગાંધીજીના આ સંદેશને આત્મસાત્ કરીશું અને જે ભારતની ભૂમિ પર આપણે રહીએ છીએ, તેના પર્યાવરણના સંરક્ષણ માટે ત્યાગ પણ કરીશું.

21) આપણા સ્વતંત્રતા સેનાનીઓમાં દેશપ્રેમ અને ત્યાગની ભાવના સર્વોપરિ હતી. તેમણે પોતાનાં હિતોની ચિંતા ન કરતાં, દરેક પ્રકારના પડકારોનો સામનો કર્યો. મેં જોયું છે કે કોરોનાના સંકટનો સામનો કરવામાં પણ લાખો લોકોએ પોતાની પરવા ન કરીને, માનવતા પ્રત્યે નિઃસ્વાર્થ ભાવથી બીજા લોકોના સ્વાસ્થ્ય અને જિંદગીના રક્ષણ માટે ભારે જોખમ ઉઠાવ્યું છે. એવા તમામ કોવિડ યોદ્ધાઓની હું હૃદયપૂર્વક પ્રશંસા કરું છું. અનેક કોવિડ યોદ્ધાઓને પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો છે. હું એ સૌની સ્મૃતિને નમન કરું છું.

22) હાલમાં જ, કારગિલ વિજય દિવસના સંદર્ભમાં, હું લદ્દાખ-સ્થિત કારગિલ યુદ્ધ સ્મારક – દ્રાસમાં આપણા બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા જવા માગતો હતો. પરંતુ રસ્તામાં મોસમ ખરાબ થઈ જવાને કારણે મારું એ સ્મારક સુધી જવું શક્ય ન બન્યું. વીર સૈનિકોના સન્માનમાં, તે દિવસે મેં બારામૂલામાં ડૈગર વૉર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. એ મેમોરિયલ એ તમામ સૈનિકોની સ્મૃતિમાં તૈયાર કરવામાં આવ્યું છે, જેમણે પોતાના કર્તવ્ય પથ પર સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.

એ જાંબાઝ યોદ્ધાઓની વીરતા અને ત્યાગની પ્રશંસા કરતાં મેં જોયું કે એ યુદ્ધ સ્મારકમાં એક આદર્શ-વાક્ય અંકિત છે – મેરા હર કામ, દેશ કે નામ. આ આદર્શ વાક્ય આપણે સૌ દેશવાસીઓએ મંત્ર રૂપે આત્મસાત્ કરી લેવું જોઈએ, અને રાષ્ટ્રના વિકાસ માટે પૂરી નિષ્ઠા અને સમર્પણથી કાર્ય કરવું જોઈએ. હું ચાહું છું, કે રાષ્ટ્ર અને સમાજના હિતને સર્વોપરિ માનવાની આ જ ભાવના સાથે, આપણે સૌ દેશવાસીઓ, ભારતને પ્રગતિના પથ પર આગળ લઈ જવા માટે એકજુટ થઈએ.

23) મારા પ્રિય દેશવાસીઓ, હું વિશેષ રૂપે સશસ્ત્ર દળોના વીર જવાનોની પ્રશંસા કરું છું, જેમણે આપણી સ્વતંત્રતાની રક્ષા કરી છે, અને જરૂર પડ્યે સહર્ષ બલિદાન પણ આપ્યાં છે. હું તમામ પ્રવાસી ભારતીયોની પણ પ્રશંસા કરું છું, જેમણે જે પણ દેશમાં ઘર વસાવ્યું છે, ત્યાં પોતાની માતૃભૂમિની છબિને ઉજ્જવળ બનાવી રાખી છે.

24) હું ફરી એક વાર આપ સૌને ભારતના 75મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ અભિનંદન આપું છું. આ વર્ષગાંઠ ઊજવતાં મારું મન સહજ રૂપે આઝાદીના શતાબ્દિ વર્ષ 2047ના સશક્ત, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ ભારતની પરિકલ્પનાથી ભર્યું ભર્યું છે.

25) હું એવી મંગળ કામના કરું છું કે આપણા સૌ દેશવાસીઓ કોવિડ મહામારીના પ્રકોપથી મુક્ત થાય તથા સુખ અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધે.

ફરી એક વાર, આપ સૌને મારી શુભકામનાઓ.

ધન્યવાદ,

જય હિંદ.

 

 

 


(Release ID: 1745895) Visitor Counter : 719