પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો


અગાઉ, સસ્તા અનાજનો અવકાશ અને બજેટ વધારવામાં આવતા હતા પરંતુ તેના પ્રમાણમાં ભૂખમરો અને કુપોષણમાં ઘટાડો થયો નહોતો: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો પ્રારંભ થયા પછી લાભાર્થીઓને અગાઉની સરખામણીએ લગભગ બમણું રાશન મળી રહ્યું છે: પ્રધાનમંત્રી

રૂપિયા 2 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ સાથે 80 કરોડ કરતાં વધારે લોકો મહામારીના આ સમય દરમિયાન વિનામૂલ્યે રાશન મેળવી રહ્યાં છે: પ્રધાનમંત્રી

સદીની સૌથી મોટી કુદરતી આપદા આવી છતાં, એક પણ વ્યક્તિને ભુખ્યા રહેવાનો વારો આવ્યો નથી: પ્રધાનમંત્રી

ગરીબોના સશક્તીકરણને આજે સૌથી વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે: પ્રધાનમંત્રી

આપણાં ખેલાડીઓમાં આવી રહેલો નવો આત્મવિશ્વાસ આપણાં નવા ભારતનો હોલમાર્ક બની રહ્યો છે: પ્રધાનમંત્રી

દેશ 50 કરોડ લોકોના રસીકરણ મહત્વપૂર્ણ આધારચિહ્નની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે: પ્રધાનમંત્રી

'આઝાદીનો અમૃત મહોત્સવ' નિમિત્તે ચાલો સૌ રાષ્ટ્ર નિર્માણ માટે નવી પ્રેરણા જગાવવાનું પવિત્ર સંકલ્પ કરીએ: પ્રધાનમંત્રી

Posted On: 03 AUG 2021 2:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જાહેર સહભાગીતાનો કાર્યક્રમ યોજના અંગે લોકોમાં જાગૃતિ લાવવાના ઉદ્દેશથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન સૌને સંબોધન કરતી વખતે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં લાખો પરિવારો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે રાશન મેળવી રહ્યાં છે. વિનામૂલ્યે રાશન ગરીબોની તણાવની સ્થિતિ ઘટાડે છે અને તેમને આત્મવિશ્વાસ આપે છે. તેમણે કહ્યું હતું કે, ગરીબોને લાગવું જોઇએ કે, ભલે ગમે તેવી કુદરતી આપદા આવે પરંતુ તેમનો દેશ હંમેશા તેમની પડખે ઉભો છે.

 

 

પ્રધાનમંત્રીએ ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, આઝાદી પછી લગભગ દરેક સરકારે ગરીબોને સસ્તુ ભોજન પૂરું પાડવાની ચર્ચાઓ કરી છે. વર્ષો વર્ષ સસ્તુ રાશન આપવાના અવકાશ અને બજેટમાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ, તેની અસર અત્યાર સુધી મર્યાદિત રહી છે. દેશમાં ખાદ્યાન્નના જથ્થામાં વધારો કરવામાં આવી રહ્યો છે પરંતુ, તેના પ્રમાણમાં ભૂખમરા અને કુપોષણની સ્થિતિમાં ઘટાડો જોવા મળ્યો નથી. આની પાછળનું એક મુખ્ય કારણ હતું કે, અત્યાર સુધી અસરકારક ડિલિવરી વ્યવસ્થાતંત્રનો અભાવ હતો. પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે 2014 પછી નવેસરથી કામગીરી હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરોડો નકલી લાભાર્થીઓને વ્યવસ્થાતંત્રમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે અને રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યા છે. આના કારણે સદીની સૌથી મોટી કુદરતી આપદાની સ્થિતિ હોવા છતાં પણ, જ્યારે આજીવિકાઓ પર સંકટ તોળાઇ રહ્યું હતું અને લૉકડાઉનના કારણે વ્યવસાયો કપરાં સમયમાંથી પસાર થઇ રહ્યાં હતા તેવા સમયે પણ દેશમાં એકપણ નાગરિકને ભુખ્યા રહેવાનો વારો આવ્યો નથી. આખી દુનિયાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આવકારી છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મહામારીના સમય દરમિયાન રૂપિયા 2 લાખ કરોડ કરતાં વધારે ખર્ચ સાથે 80 કરોડ કરતાં વધારે લોકોને વિનામૂલ્યે રાશન પૂરું પાડવામાં આવ્યું છે.

 

 

પ્રધાનમંત્રીએ આજે કહ્યું હતું કે, 2 રૂપિયો કિલો ઘઉં અને 3 રૂપિયે કિલો ચોખાના ક્વોટા ઉપરાંત, 5 કિલો ઘઉં અને ચોખા પણ લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવી રહ્યાં છે. જથ્થો યોજનાનો પ્રારંભ થયો તે પહેલાં રાશનકાર્ડ પર આપવામાં આવતા જથ્થાની સરખામણીએ લગભગ બમણો છે. યોજના હજુ દિવાળી સુધી ચાલુ રાખવાની છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એક પણ ગરીબને ભુખ્યા નહીં સુવું પડે. તેમણે વિસ્થાપિત શ્રમિકોની સંભાળ લેવા માટે અને એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ પહેલનો ઉદ્દેશ પરિપૂર્ણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

 

 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે દેશ માળખાકીય સુવિધાઓ ઉભી કરવામાં લાખો કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યો છે પરંતુ સાથે સાથે, સામાન્ય માણસોના જીવનની ગુણવત્તા સુધારવા માટે, ઇઝ ઓફ લિવિંગના નવા આધારચિહ્નો નિર્ધારિત કરવામાં આવી રહ્યાં છે. આજે ગરીબોના સશક્તીકરણને સૌથી વધારે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. બે કરોડ કરતાં વધારે ગરીબ પરિવારોને તેમના પોતાના મકાન આપીને, 10 કરોડ પરિવારોને શૌચાલયો ઉપબલ્ધ કરાવીને તેમનું વધારે સશક્તીકરણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, તેવી રીતે, જન ધન એકાઉન્ટ દ્વારા તેમને બેન્કિંગ તંત્રમાં સામેલ કરીને પણ તેમનું સશક્તીકરણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આરોગ્ય, શિક્ષણ, સુવિધાઓ અને સન્માન બધુ સુનિશ્ચિત કરવા માટે સશક્તીકરણની દિશામાં એકધારો સખત પરિશ્રમ કરવો જરૂરી છે. આયુષમાન યોજના, આર્થિક રીતે નબળા વર્ગોને અનામત, માર્ગો, વિનામૂલ્યે ગેસ અને વીજળીના જોડાણો, મુદ્રા યોજના, સ્વનિધી યોજના જેવી વિવિધ યોજનાઓ ગરીબો માટે આદરપૂર્ણ જીવનને દિશા આપી રહી છે અને તેમના સશક્તીકરણનું માધ્યમ બની રહી છે.

 

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સહિત આખા દેશમાં એવા સંખ્યાબંધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જેના કારણે દરેક દેશવાસીઓ અને દરેક પ્રદેશના આત્મવિશ્વાસમાં આજે એકધારો વધારો થઇ રહ્યો છે. અને, આત્મવિશ્વાસ દરેક પડકારો વચ્ચે પણ દરેક સપનાં સાકાર કરવાનો મંત્ર છે.

 

 

ભારતની ઓલિમ્પિકના ખેલાડીઓની ટીમનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સદીમાં એક વખત આવતી કુદરતી આપત્તિની સ્થિતિ વચ્ચે પણ વખતે સૌથી વધારે સંખ્યામાં ખેલાડીઓ ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય થયા છે. તેઓ માત્ર ક્વોલિફાય નથી થયા પરંતુ ઉત્તમ રેન્ક ધરાવતા હરીફ ખેલાડીઓને આકરી ટક્કર પણ આપી રહ્યાં છે.

 

 

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય ખેલાડીઓનો જુસ્સો, ધગશ અને ભાવના આજે સર્વોચ્ચ સ્તરે છે. તેમણે કહ્યું હતું કે, આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે સાચું કૌશલ્ય પારખવામાં આવે અને તેને પ્રોત્સાહન આપવામાં આવે. આત્મવિશ્વાસ ત્યારે આવે છે જ્યારે વ્યવસ્થાતંત્રમાં પરિવર્તન આવે, તે પારદર્શક બને. નવો આત્મવિશ્વાસ નવા ભારતનો હોલમાર્ક બની રહ્યો છે.

 

 

પ્રધાનમંત્રીએ લોકોને અનુરોધ કર્યો હતો કે તેઓ કોરોના સામેની જંગમાં અને રસીકરણ અભિયાનમાં પણ આત્મવિશ્વાસને એકધારો જાળવી રાખે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, વૈશ્વિક મહામારીના માહોલ વચ્ચે સતત સતર્કતા દાખવવી ખૂબ જરૂરી છે.

તેમણે કહ્યું હતું કે, અત્યારે દેશ 50 કરોડ લોકોના રસીકરણના આધારચિહ્નની દિશામાં ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે, ગુજરાત પણ 3.5 કરોડ રસીના ડોઝ સુધીના આધારચિહ્ન સુધી પહોંચવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, રસીકરણ કરાવવાની, માસ્ક પહેરવાની અને શક્ય હોય ત્યાં સુધી ભીડ વચ્ચે જવાનું ટાળવાની અત્યારે ખૂબ જરૂરિયાત છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રાષ્ટ્ર નિર્માણ માટે નવી પ્રેરણા જગાવવા માટે દેશવાસીઓને દૃઢ સંકલ્પ આપો. તેમણે સ્વતંત્રતાના 75 વર્ષના પર્વે પવિત્ર સંકલ્પ લેવા માટે સૌને અનુરોધ કર્યો હતો. તેમણે પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, સંકલ્પો ગરીબો, તવંગરો, પુરુષો અને મહિલાઓ, દબાયેલા સહિત તમામ લોકો માટે સમાન છે.

નોંધનીય છે કે, કોવિડના સમય દરમિયાન ખાદ્યાન્ન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અંદાજે 948 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો ગયા વર્ષે ફાળવવામાં આવ્યો હતો જે સામાન્ય વર્ષની સરખામણીએ લગભગ 50% કરતાં વધારે જથ્થો છે. વર્ષ 2020-21 દરમિયાન અંદાજે રૂપિયા 2.84 લાખ કરોડ ખાદ્ય સબસિડી માટે ખર્ચ કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં 3.3 કરોડ કરતાં વધારે પાત્ર લાભાર્થીઓને 25.5 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો પ્રાપ્ત થયો છે જેના માટે 5 હજાર કરોડ કરતાં વધારે રકમ સબસિડી પેટે ખર્ચવામાં આવી છે.

વિસ્થાપિત લાભાર્થીઓ માટે ખાદ્ય સુરક્ષા વધારે મજબૂત કરવા માટે, 33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડનો અમલ કરવામાં આવ્યો છે.

 

SD/GP/BT

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1741855) Visitor Counter : 813