નાણા મંત્રાલય

161મો આવકવેરા દિવસ: રાષ્ટ્રનિર્માણની સફર

Posted On: 24 JUL 2021 12:21PM by PIB Ahmedabad

આજે દેશભરમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કરવેરા મંડળ (સીબીડીટી) અને એની તમામ ફિલ્ડ ઓફિસોમાં 161મા આવકવેરા દિવસની ઉજવણી થઈ હતી. આ ઉજવણીના ભાગરૂપે ફિલ્ડ ઓફિસોમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન થયું હતું. આવકવેરા વિભાગના સામંજસ્ય, ક્ષમતા, સાથસહકાર અને રચનાત્મક જોડાણની ભાવનાને વ્યક્ત કરતી આ પ્રવૃત્તિઓમાં આઇસીએઆઈના પ્રાદેશિક ચેપ્ટર્સ, વેપારી સંગઠનો વગેરે સહિત બાહ્ય હિતધારકો સાથે વેબિનારો, વૃક્ષારોપાણ અભિયાનો, રસીકરણ કેમ્પ, કોવિડ-19માં રાહત માટે કામ કરનાર તથા કોવિડ-19માં ફરજ બજાવવામાં પોતાનો જીવ ગુમાવનાર અધિકારીઓના પરિવારો સાથે જોડાયેલા અધિકારીઓને પ્રશંસાપત્ર પાઠવવા જેવી બાબતો સામેલ હતી.  

આવકવેરા વિભાગને પાઠવેલા સંદેશમાં કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સરકારે વર્ષ 2014થી હાથ ધરલા વિવિધ સુધારાઓનો ઉત્સાહભેર અને સફળતાપૂર્વક અમલ કરવા બદલ વિભાગની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યુ હતું કે, કરવેરાની સમયસર ચુકવણી કરીને દેશની પ્રગતિમાં પ્રદાન કરવા બદલ પ્રામાણિક કરદાતાઓનું પણ સન્માન થવું જોઈએ. તેમણે આવકવેરાની પ્રક્રિયાઓ અને કામગીરીને સરળ બનાવવા માટે સતત કામ કરવા બદલ તેમજ વિભાગની કામગીરીને સરળ, તટસ્થ અને પારદર્શક બનાવવા બદલ પણ વિભાગની પ્રશંસા કરી હતી. તેમણે મહામારીને કારણે પેદા થયેલા મુશ્કેલ સ્થિતિસંજોગો વચ્ચે પણ પોતાની કરવેરો અદા કરવાની જવાબદારી પૂર્ણ કરવા બદલ કરદાતાઓની પ્રશંસા પણ કરી હતી. મહામારીને કારણે ફરજ નિભાવવામાં પોતાનો જીવ ગુમાવનાર અધિકારીઓને યાદ કરીને તેમણે જણાવ્યું હતું કે, દેશ તેમના પ્રદાનને હંમેશા યાદ રાખશે.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી શ્રી પંકજ ચૌધરીએ તેમના સંદેશમાં આવકવેરા વસૂલાતની તથા તટસ્થ અને પારદર્શક રીતે કરવેરા નીતિઓનો અમલ કરવા બદલ વિભાગની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગની પ્રક્રિયાઓ અને નીતિનિયમોના પાલનની જરૂરિયાતો પૂર્ણ કરવાની સુવિધાઓ ઓનલાઇન ઉપલબ્ધ થઈ છે અને કરદાતાઓને આવકવેરા કાર્યાલયોની રુબરુ મુલાકાતો લેવાની જરૂર રહી નથી અથવા એમાં બહુ મોટો ઘટાડો થયો છે. તેમણે એ હકીકત પર પણ પ્રકાશ ફેંક્યો હતો કે, કરદાતાઓ સાથે સંવાદમાં હવે વિશ્વાસ અને સન્માનની ભાવના જોવા મળે છે તેમજ વધુને વધુ કરદાતાઓ સ્વૈચ્છિક રીતે નીતિનિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત થયા છે.

રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં મંત્રી ડો. ભાગવત કિશનરાવ કરાડે તેમના સંદેશમાં પ્રત્યક્ષ કરવેરાનો વહીવટ કરતી સંસ્થા તરીકે આવકવેરા વિભાગની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવકવેરા વિભાગ દેશની નિષ્ઠા સાથે અમૂલ્ય સેવા કરી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, કરવેરા સરકાર માટે આવકનો સ્ત્રોત હોવાની સાથે કેટલાંક ચોક્કસ સામાજિક-આર્થિક ઉદ્દેશો હાંસલ કરવા માટે અસરકારક માધ્યમ પણ છે. તેમણે કહ્યું હતું કે, વિભાગે સમયની જરૂરિયાત સાથે નોંધપાત્ર પરિવર્તન કર્યું છે અને બદલાતી જરૂરિયાતો સાથે તાલમેળ જાળવ્યો છે, જે માટે વિભાગ પ્રશંસાનો હકદાર છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વિભાગ તટસ્થતા અને પારદર્શકતાના સિદ્ધાંતો દ્વારા સંચાલિત વ્યવસાયિક સંસ્થા તરીકે એની પ્રતિષ્ઠાને જાળવી રાખશે.

મહેસૂલ સચિવ શ્રી તરુણ બજાજે તેમના સંદેશમાં વિભાગને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આપણા અર્થતંત્રમાં થઈ રહેલા પરિવર્તન સાથે તાલમેળ જાળવવા અને કરવેરાની આવકમાં ઊંચી વૃદ્ધિ હાંસલ કરવા બદલ વિભાગની પ્રશંસા કરી હતી. તેમણે આવકના કલેક્શન માટે એના અભિગમને બદલવા, એની કામગીરીને વિશ્વાસ-આધારિત અને કરદાતા-કેન્દ્રિત બનાવવા બદલ વિભાગે હાથ ધરેલી વિવિધ પહેલોની પ્રશંસા પણ કરી હતી. તેમણે કોવિડ-19 મહામારી દ્વારા પીડિત લોકો માટે રાહતકાર્યોનુ આયોજન કરવા બદલ તથા એના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવા માટે ફિલ્ડ યુનિટ દ્વારા હાથ ધરવામાં આવેલી વિવિધ કામગીરીની પ્રશંસા કરી હતી.

સીબીડીટીના ચેરમેન શ્રી જે બી મોહપાત્રાએ આયકર પરિવારના સભ્યો અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી, દેશમાં મહેસૂલી આવક ઉઘરાવવી અને કરદાતાઓને સેવા આપવી એમ બંને પ્રકારની કામગીરી કરવા તેમના સહિયારા પ્રયાસોની પ્રશંસા કરી હતી. ‘પ્રામાણિક કરદાતાઓનું સન્માન કરવું’, ફેસલેસ વ્યવસ્થા અને ટેક્સપેયર્સ ચાર્ટર્સનો સ્વીકાર જેવી મોટી અને લાંબા ગાળે અસર કરતા નીતિગત પગલાંનો સંદર્ભ ટાંકીને તેમણે કહ્યું હતું કે, આ પ્રકારની પહેલોએ વિભાગની કામગીરીને વધારે પારદર્શક, ઉદ્દેશલક્ષી અને કરદાતાઓને અનુકૂળ બનાવી છે. તેમણે મહામારી દરમિયાન ફરજ બજાવતામાં પોતાનો જીવ ગુમાવનાર અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારોને સાંત્વના પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે, ફરજ માટે તેમની નિષ્ઠા વિભાગને વધારે કટિબદ્ધ, વધારે માનવીય, વધારે વ્યવસાયિક અને વધારે કાર્યદક્ષ બનાવવા આપણને બધાને પ્રેરિત કરશે.

 

SD/GP/BT

 



(Release ID: 1738591) Visitor Counter : 299