નાણા મંત્રાલય

ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા પર સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિક સર્વેમાં ભારતની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો

Posted On: 23 JUL 2021 8:49AM by PIB Ahmedabad

ભારતે એશિયા પેસિફિક માટે સંયુક્ત રાષ્ટ્રના આર્થિક અને સામાજિક આયોગ (યુએનએસસીએપી) ના ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા અંગેના તાજેતરના વૈશ્વિક સર્વેમાં 90.32 ટકા હાંસલ કર્યા છે. સર્વેએ આને 2019ના 78.49 ટકા તુલનામાં નોંધપાત્ર ઉછાળો ગણાવ્યો હતો. સર્વેક્ષણના પરિણામો (https://www.untfsurvey.org/economy?id=IND) પર એક્સેસ કરી શકાય છે.

વિશ્વભરની 143 અર્થવ્યવસ્થાઓનું મૂલ્યાંકન કર્યા પછી, 2021 સર્વે નીચેના 5 મુખ્ય સૂચકાંકો પર ભારતના સ્કોરમાં નોંધપાત્ર સુધારાને પ્રકાશિત કરવામાં આવ્યા છે:

  1. પારદર્શિતા: 2021માં 100% (2019માં 93.33%)
  2. ઔપચારિકતાઓ: 2021માં 95.83% (2019માં 87.5%)
  3. સંસ્થાકીય ગોઠવણી અને સહયોગ: 2021માં 88.89% (2019માં 66.67%)
  4. કાગળ રહિત વેપાર: 2021માં 96.3% (2019માં 81.48%)
  5. ક્રોસ બોર્ડર કાગળ રહિત વેપાર: 2021માં 66.67% (2019માં 55.56%)

સર્વેમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમ એશિયા ક્ષેત્ર (63.12 ટકા) અને એશિયા પેસિફિક ક્ષેત્ર (65.85 ટકા) ની તુલનામાં ભારત શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દેશ છે. ભારતનો એકંદર સ્કોર ઘણા ઓઇસીડી દેશો જેવા કે ફ્રાંસ, યુકે, કેનેડા, નોર્વે, ફિનલેન્ડ વગેરે કરતા વધારે હોવાનું જણાય છે અને તેનો એકંદર સ્કોર યુરોપીય સંઘના સરેરાશ સ્કોર કરતા વધારે છે. પારદર્શિતા સૂચકાંક માટે ભારતે 100 ટકા અને વ્યવસાયમાં મહિલાઓની ભાગીદારીના ભાગમાં 66 ટકા સ્કોર હાંસલ કર્યો છે.

સીબીઆઈસી સુધારાની શ્રેણી દ્વારા વ્યકિતહીન, કાગળ રહિત અને સંપર્કવિહીન કસ્ટમ્સ ડ્યુટી રજૂ કરવા માટે 'ઇન્સ્ટન્ટ' કસ્ટમ્સની છત્ર હેઠળ નોંધપાત્ર સુધારા લાવવામાં અગ્રેસર રહી છે. ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા પર UNESCAP રેન્કિંગમાં સુધારો લાવવાના સંદર્ભમાં આની સીધી અસર છે.

આ ઉપરાંત, કોવિડ-19 વૈશ્વિક રોગચાળા દરમિયાન કસ્ટમ ફ્રેમવર્ક હેઠળ ઓક્સિજન સંબંધિત ઉપકરણો, જીવન બચાવવાની દવાઓ, રસીઓ વગેરે જેવી કોવિડને લગતી આયાતને ઝડપી બનાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. એક્ઝિમ ટ્રેડ માટે સીબીઆઇસીની વેબસાઇટ પર એક સમર્પિત સિંગલ વિંડો કોવિડ-19 24X7 હેલ્પડેસ્ક બનાવવામાં આવી હતી જેથી આયાતકારોની સમસ્યાઓનો ઝડપથી નિરાકરણ લાવવામાં આવે.

સર્વે વિશે:

UNESCAP દ્વારા દર બે વર્ષે ડિજિટલ અને ટકાઉ વેપાર સુવિધા પર વૈશ્વિક સર્વે કરવામાં આવે છે. વર્ષ 2021ના ​​સર્વેમાં વિશ્વ વ્યાપાર સંઘના વેપાર સવલત કરારમાં સમાવિષ્ટ 58 વેપાર સવલતોનાં પગલાંનું મૂલ્યાંકન સામેલ છે. વૈશ્વિક સ્તરે આ સર્વેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, કેમ કે તે એક પુરાવા છે કે વેપાર સુવિધાના પગલાંની ઇચ્છિત અસર છે કે નહીં અને જુદા જુદા દેશો વચ્ચે તુલના કરવામાં મદદ કરે છે. કોઈ દેશનો ઉચ્ચ સ્કોર વ્યવસાયોને રોકાણના નિર્ણય લેવામાં મદદ કરે છે.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1738037) Visitor Counter : 287