સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ડેલ્ટા વેરિયન્ટ તરીકે જાણીતો બી.1.617.2 આલ્ફા વેરિયન્ટ કરતા આશરે 40-60 ટકા વધારે ચેપી છે: આઇએનએસએસીઓજીના સહ-અધ્યક્ષ ડૉ. એન. કે. અરોરા
‘આ મુદ્દે આઇસીએમઆર દ્વારા હાથ ધરાયેલા અભ્યાસો મુજબ ડેલ્ટા વેરિયન્ટ સામે હાલની રસીઓ અસરકારક છે’
‘જો વધુ લોકો રસી મેળવે અને અસરકારક રીતે કોવિડ-અનુરૂપ વર્તણૂકનું અનુસરણ કરે તો કોઇ પણ ભાવિ લહેર કાબૂમાં આવશે અને વિલંબિત થશે’
ડેલ્ટા વેરિયન્ટના કારણે થતો રોગ વધારે ગંભીર છે એમ કહેવું મુશ્કેલ છે- ડૉ. એન કે અરોરા
Posted On:
19 JUL 2021 11:09AM by PIB Ahmedabad
ઇન્ડિયન સાર્સ કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિઅમ (આઇએનએસએસીઓજી)ના સહઅધ્યક્ષ ડૉ. એન કે અરોરાએ એક તાજેતરની મુલાકાતમાં વેરિયન્ટ્સ ઉપર ટેસ્ટિંગ અને આનુષંગિક પગલાં માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી), ડેલ્ટા વેરિયન્ટ આટલો ચેપી કઈ રીતે છે, જિનોમિક જાપ્તાથી એનો પ્રસાર કાબૂમાં લેવામાં કઈ રીતે મદદ મળે એ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી અને કોવિડ અનુરૂપ વર્તણૂકની અગત્યતા પર ફરી ભાર મૂક્યો હતો.
આઇએનએસએસીઓજી એ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, બાયોટેકનોલોજી વિભાગ, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) અને કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ (સીએસઆઇઆર)ની 28 લૅબોરેટરીઝનો કોવિડ-19 મહામારીના સંદર્ભમાં સમગ્ર જિનોમ સિક્વન્સિંગ માટેનો સમૂહ છે. આઇએનએસએસીઓજીની સ્થાપના ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા 25/12/2020ના રોજ કરવામાં આવી હતી.
તાજેતરમાં આઇએનએસએસીઓજીએ એની પહોંચ વિસ્તારી છે. આ વિસ્તરણ પાછળનો વિચાર શું છે?
વેરિયન્ટ ઑફ કન્સર્ન અને એના રોગચાળાના ઉદભવ અંગે કડક નજર રાખવાની જરૂર છે જેથી એ કોઇ મોટા પ્રદેશમાં ફેલાય એ પહેલાં જ એને કાબૂમાં લઈ શકાય. ડિસેમ્બર 2020માં સ્થપાયેલ ઇન્ડિયન સાર્સ-કોવ-2 જિનોમિક્સ કન્સોર્ટિઅમ (આઇએનએસએસીઓજી) 10 લૅબોરેટરીઝનો સમૂહ હતો. તાજેતરમાં 18 વધુ લૅબોરેટરીઝ એનો હિસ્સો બની છે.
સાર્સ-કોવ-2ના જિનોમિક સર્વેલન્સને કરવા અને હૉલ જિનોમિક્સ સિક્વન્સિંગ (ડબલ્યુજીએસ) ડેટાને એ વેરિયન્ટ વધારે ચેપી છે કે કેમ, વધારે ગંભીર રોગનું કારણ બને છે કે કેમ, ઇમ્યુનિટીને થાપ આપી શકે છે, રસીના અવરોધને છેદીને ચેપ લગાડી શકે છે (બ્રેક થ્રુ ઇન્ફેક્શન) કે કેમ, રસીની અસરકારકતાને અને હાલના નિદાન પરીક્ષણો દ્વારા નિદાનને અસર કરે છે કે કેમ એ જોવા માટે ક્લિનિકલ અને રોગચાળાના ડેટા સાથે સહસંબંધ સ્થાપવા લૅબોરેટરીઝનું એક મજબૂત નેટવર્ક હોવું જોઇએ એવો વિચાર છે.
ત્યારબાદ નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ (એનસીડીસી) આ ડેટાનું વિશ્લેષણ કરે છે. સમગ્ર દેશને ભૌગોલિક પ્રદેશોમાં વહેંચી દેવાયો છે અને દરેક લૅબને એક ખાસ પ્રદેશની જવાબદારી આપવામાં આવી છે. દરેક ઝૂમખા (ક્લસ્ટર)માં અમે આશરે ચાર જિલ્લાઓ સાથે 180-190 ક્લસ્ટર્સની રચના કરી છે. નિયમિત રેન્ડમ સ્વૉબ સેમ્પલ્સ અને ગંભીર માંદગી થઈ હોય એવા દર્દીઓના સેમ્પલ્સ, રસી લીધી હોવા છતાં લાગેલા ચેપ (બ્રેક થ્રુ ઇન્ફેક્શન)ના સેમ્પલ્સ અને અન્ય ચોક્કસ ક્લિનિકલ લક્ષણોના સેમ્પલ્સ એકત્ર કરવામાં આવે છે અને સિક્વન્સિંગ માટે પ્રાદેશિક લૅબોરેટરીઝને મોકલવામાં આવે છે. દેશની હાલની ક્ષમતા દર મહિને 50,000થી વધારે સેમ્પલ્સ-નમૂનાનું સિક્વન્સ કરવાની છે; અગાઉ આ ક્ષમતા 30,000 જેટલા નમૂનાની હતી.
વેરિયન્ટ્સના પરીક્ષણ અને આનુષંગિક પગલાં માટે દેશ પાસે કયા પ્રકારની યંત્રણા છે?
સંકલિત રોગ દેખરેખ (ઇન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ)ની સુસ્થાપિત યંત્રણા ભારત પાસે છે. આઇડીએસપી નમૂનાનું એકત્રીકરણ અને જિલ્લા/ જાપ્તાના સ્થળોએથી એના રિજિયોનલ જિનોમ સિક્વન્સિંગ લૅબોરેટરીઝ (આરજીએસએલ) સુધી પરિવહનનું સંકલન કરે છે. આરજીએસએલ જિનોમ સિક્વન્સિંગ અને વેરિયન્ટ ઑફ કન્સર્ન (વીઓસી)/ વેરિયન્ટ ઑફ ઈન્ટરેસ્ટ (વીઓઆઇ)ને ઓળખી કાઢવા, સંભવિત વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ અને અન્ય મ્યુટેશન/ફેરફારોને ઓળખી કાઢવા માટે જવાબદાર છે. વીઓસી/વીઓઆઇ અંગેની માહિતી રાજ્ય સર્વેલન્સ અધિકારીઓ સાથે સંકલનમાં રહીને સીધી સેન્ટ્રલ સર્વેલન્સ યુનિટને ક્લિનિકલ-રોગચાળાની માહિતી સાથે સહ-સંબંધ માટે રજૂ કરવામાં આવે છે અને પછી નિયુક્ત બાયો બૅન્ક્સને મોકલાય છે.
જાહેર આરોગ્યને પ્રસ્તુત થઈ શકે એવા જિનોમેટિક મ્યુટેશને ઓળખ્યા બાદ, આરજીએસએલ, એને સાયન્ટિફિક એન્ડ ક્લિનિકલ એડવાઇઝરી ગ્રૂપ (એસસીએજી)ને સુપરત કરે છે. એસસીએજી ત્યારબાદ, સંભવિત વેરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ અને અન્ય ફેરફારો/મ્યુટેશન્સની નિષ્ણાતો સાથે ચર્ચા કરે છે અને જરૂર જણાય તો વધુ તપાસ માટે સેન્ટ્રલ સર્વેલન્સ યુનિટને ભલામણ કરે છે.
આઇડીએસપી એ એનસીડીસીનું જ એક એકમ છે અને તેના દ્વારા આરોગ્ય મંત્રાલય, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ, બાયોટેકનોલોજી વિભાગ, કાઉન્સિલ ફોર સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિઅલ રિસર્ચ અને રાજ્ય સત્તાવાળાઓ સાથે માહિતી અને ક્લિનિકલ-રોગચાળાને લગતા સહસંબંધની આપ લે કરવામાં આવે છે.
આખરે નવા મ્યુટેશન/વેરિયન્ટ્સ ઑફ કન્સર્નને કલ્ચર્ડ કરવામાં આવે છે અને ચેપીપણા, પ્રાણઘાતકતા, રસીની અસરકારકતા અને રોગપ્રતિકાર શક્તિ (ઇમ્યુન)માંથી છટકી જવાના ગુણો પર એની અસર અંગે વૈજ્ઞાનિક અભ્યાસો હાથ ધરવામાં આવે છે.
ડેલ્ટા વેરિયન્ટ વૈશ્વિક ચિંતા તરીકે કેન્દ્રમાં છે. શેનાથી આ વેરિયન્ટ આટલો પ્રાણઘાતક-ડંખીલો બન્યો છે?
બી.1.617.2, કોવિડ-19નો વેરિયન્ટ ડેલ્ટા વેરિયન્ટ તરીકે જાણીતો છે. ભારતમાં તે પહેલાં ઑક્ટોબર 2020માં ઓળખી કઢાયો હતો અને દેશમાં તે બીજી લહેર માટે પ્રાથમિક રીતે જવાબદાર હતો, નવા કોવિડ-19ના 80 ટકાથી વધુ કેસ આ વેરિયન્ટના કારણે આજે છે. તે મહારાષ્ટ્રમાં ઉદભવ્યો અને દેશના પશ્ચિમ રાજ્યોની સાથે ઉત્તર તરફ જઈને પછી મધ્ય અને પૂર્વી રાજ્યોમાં પ્રવેશ્યો હતો.
એના સ્પાઇક પ્રોટિનમાં ગુણવિકાર/મ્યુટેશન થયાં છે, જે માનવકોષ (સેલ)ની સપાટી પર હાજર એસ 2 રિસેપ્ટર્સને વધારે મજબૂતાઇથી ચોંટી જવામાં મદદ કરે છે અને તે એને વધારે ચેપી બનાવે છે અને શરીરની રોગપ્રતિકારક ક્ષમતાને થાપ આપવા સક્ષમ બનાવે છે. તે તેના પુરોગામી (આલ્ફા વેરિયન્ટ) કરતા આશરે 40-60 ટકા વધારે ચેપી છે અને યુકે, યુએસએ, સિંગાપોર અને એવા 80થી વધુ દેશોમાં ફેલાઇ ચૂક્યો છે.
અન્ય વેરિયન્ટ્સની સરખામણીએ તે વધારે ગંભીર રોગનું કારણ બને છે?
એવા અભ્યાસો થયા છે જે બતાવે છે કે આ વેરિયન્ટ્સમાં અમુક ફેરફારો સિન્સિટિયમ રચનાને (એક કોષ ચેપગ્રસ્ત થયો હોય એના સંયોજનથી પડોશના કોષમાં પણ ચેપ લાગે એ ઘટના) ઉત્તેજન આપે છે. માનવ કોષ પર આક્રમણ કરવા ઉપરાંત એ એની પ્રતિકૃતિઓ પણ માનવશરીરમાં વધારે ઝડપથી બનાવવા લાગે છે. ફેંફસા જેવા અવયવોમાં તે મજબૂત સોજો ચડાવનારી પ્રતિક્રિયા (ઇન્ફ્લેમેટરી રિસ્પોન્સ) તરફ દોરી જાય છે. તેમ છતાં, ડેલ્ટા વેરિયન્ટના કારણે રોગ વધારે તીવ્ર કે ગંભીર બને છે એ કહેવું મુશ્કેલ છે. ભારતમાં બીજી લહેર દરમિયાન વયજૂથ અને મોતનું પ્રમાણ પહેલી લહેર દરમિયાન જોવા મળ્યું એવું જ હતું.
ડેલ્ટા વેરિયન્ટ કરતા ડેલ્ટા પ્લ્સ વેરિયન્ટ વધારે આક્રમક છે?
ડેલ્ટા પ્લસ વેરિયન્ટ-એવાય.1 અને એવાય.2 મહારાષ્ટ્ર, તમિલનાડુ અને મધ્ય પ્રદેશ સહિત 11 રાજ્યોના 55-60 કેસમાં અત્યાર સુધીમાં શોધી કઢાયા છે. એવાય.1 નેપાળ, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લેન્ડ, પોલેન્ડ, જાપાન જેવા દેશોમાં પણ મળ્યો છે પણ એવાય.2 ઓછો પ્રચલિત છે. આ વેરિયન્ટનો એના ચેપીપણા, તીવ્રતા-પ્રાણઘાતકતા અને રસીમાંથી છટકી જવાની લાક્ષણિકતાઓ માટે હજી અભ્યાસ થઈ રહ્યો છે.
ડેલ્ટા વેરિયન્ટ સામે રસીઓ અસરકારક છે?
હા, આ મુદ્દે આઇસીએમઆર દ્વારા હાથ ધરાયેલા અભ્યાસો મુજબ ડેલ્ટા વેરિયન્ટ સામે હાલની રસીઓ અસરકારક છે.
દેશના કેટલાંક ભાગોમાં હજી કેસની સંખ્યામાં ઉછાળો જોવા મળે છે. આવું કેમ?
દેશના મોટા ભાગના ભાગોમાં કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે છતાં અમુક પ્રદેશોમાં હાઇ ટેસ્ટ પૉઝિટિવિટી રેટ (ટીપીઆર), ખાસ કરીને દેશના ઉતર-પૂર્વી ભાગોમાં અને દક્ષિણી રાજ્યોના કેટલાંક જિલ્લાઓમાં જોવાઇ રહ્યો છે, આમાંના મોટા ભાગના કેસો ડેલ્ટા વેરિયન્ટના કારણે હોઇ શકે છે.
શું ભવિષ્યની લહેરોને અટકાવી શકાય છે?
એક વાયરસ વસ્તીના એવા ભાગને ચેપ લગાડવાનું શરૂ કરે છે જે સૌથી વધારે ગ્રહણક્ષમ હોય અને ચેપ લાગ્યો હોય. વસ્તીના મોટા ભાગને સફળતાપૂર્વક ચેપ લગાડ્યા બાદ તે ઘટવા લાગે છે અને કુદરતી ચેપ પછી વિક્સેલી રોગ પ્રતિકારકતા લોકોમાં ઘટવા લાગે એટલે ફરી ઉથલો મારે છે. જો નવા, વધારે ચેપી વેરિયન્ટ્સ આવે તો કેસો વધે. બીજા શબ્દોમાં કહીએ તો, આગામી લહેર વાયરસ વેરિયન્ટથી સંચાલિત હશે જેના માટે વસ્તીનો નોંધપાત્ર હિસ્સો ગ્રહણક્ષમ-સંવેદનશીલ છે.
બીજી લહેર હજી ચાલી રહી છે. જો વધુ ને વધુ લોકો રસી મૂકાવે અને સૌથી અગત્યનું, લોકો કોવિડ-અનુરૂપ વર્તણૂકનું અસરકારક રીતે પાલન કરે, ખાસ કરીને જ્યાં સુધી આપણી વસ્તીના નોંધપાત્ર હિસ્સાનું રસીકરણ ન થાય ત્યાં સુધી, તો કોઇ પણ ભાવિ લહેર નિયંત્રિત થશે ને વિલંબિત થશે.
લોકોએ રસીકરણ પર અને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે કોવિડ અનુરૂપ વર્તણૂકને વળગી રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1736719)
Visitor Counter : 431