પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર- રૂદ્રાક્ષનું ઉદઘાટન કર્યું

કોવિડ છતાં કાશીમાં વિકાસની ગતિ જળવાઇ રહી છે: પ્રધાનમંત્રી

આ કન્વેન્શન સેન્ટર ભારત અને જાપાન વચ્ચે મજબૂત જોડાણને દર્શાવે છે: પ્રધાનમંત્રી

આ સંમેલન કેન્દ્ર સાંસ્કૃતિક હબ અને વિવિધ લોકોને એક કરવાનું માધ્યમ બની રહેશે: પ્રધાનમંત્રી

છેલ્લાં 7 વર્ષોમાં કાશીને એટલી બધી વિકાસ પરિયોજનાઓથી સુશોભિત કરાયું છે અને રૂદ્રાક્ષ વિના આ શૃંગાર અધૂરો રહેતે: પ્રધાનમંત્રી

Posted On: 15 JUL 2021 3:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર- રૂદ્રાક્ષનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કન્વેન્શન સેન્ટરને જાપાનની સહાયથી બાંધવામાં આવ્યું છે. ત્યારબાદ તેમણે બીએચયુના માતૃ અને શિશુ સ્વાસ્થ્ય પાંખનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ કોવિડની તૈયારીઓની સમીક્ષા કરવા અધિકારીઓ અને તબીબી વ્યવસાયિકોને પણ મળ્યા હતા.

સંમેલનને સંબોધતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કોવિડ છતાં પણ કાશીમાં વિકાસની ગતિ અકબંધ રહી છે. તેમણે ઉમેર્યું હતું કે ઇન્ટરનેશનલ કૉ-ઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર- રૂદ્રાક્ષઆ સર્જનાત્મક્તા અને ગતિશીલતાનું પરિણામ છે. તેમણે કહ્યું કે આ સેન્ટર ભારત અને જાપાન વચ્ચે મજબૂત જોડાણએ પ્રદર્શિત કરે છે. આ કન્વેન્શન સેન્ટરના નિર્માણમાં મદદ કરવાના જાપાનના પ્રયાસની તેમણે પ્રશંસા કરી હતી.

શ્રી મોદીએ યાદ અપાવ્યું હતું કે એ વખતે જાપાનના પ્રધાનમંત્રી શ્રી સુગા યોશિહિદે મુખ્ય કૅબિનેટ સચિવ હતા. ત્યારથી લઈને તેઓ જાપાનના પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી તેઓ આ પ્રોજેક્ટમાં અંગત રીતે સંકળાયેલા રહ્યા છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે ભારત પ્રતિ એમના સ્નેહાકર્ષણ માટે દરેક ભારતીય એમનો આભારી છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબેને પણ યાદ કર્યા હતા જેઓ આજના કાર્યક્રમ સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમણે એ ઘડીની યાદ અપાવી હતી જ્યારે તેમણે જાપાનના તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી શિન્ઝો આબે સાથે તેઓ કાશી આવ્યા હતા ત્યારે રૂદ્રાક્ષના વિચાર અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ ઇમારત આધુનિકતાનું તેજ અને સાંસ્કૃતિક પ્રકાશ બેઉ ધરાવે છે, તેને ભારત જાપાન સંબંધોનું જોડાણ છે અને સાથે ભાવિ સહકારનો અવકાશ પણ છે, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. શ્રી મોદીએ કહ્યું હતું કે તેમની જાપાનની મુલાકાતથી આ પ્રકારના લોકોથી લોકોના સંબંધોની કલ્પના કરવામાં આવી અને રૂદ્રાક્ષ અને અમદાવાદમાં ઝેન ગાર્ડન જેવી પરિયોજનાઓ આ સંબંધોનાં પ્રતીક છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વ્યૂહાત્મક અને આર્થિક એમ બેઉ ક્ષેત્રે ભારતના સૌથી વિશ્વાસુ મિત્રોમાંના એક રહેવા બદલ જાપાનની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે જાપાન સાથે ભારતની મૈત્રી સમગ્ર પ્રદેશમાં સૌથી સ્વાભાવિક ભાગીદારીઓમાંની એક ગણવામાં આવે છે. ભારત અને જાપાન એવા મતના છે કે આપણો વિકાસ આપણા આનંદ સાથે જોડાયેલો હોવો જોઇએ. આ વિકાસ ચોતરફી હોવો જોઇએ, તમામ માટે હોવો જોઇએ અને સર્વસમાવિષ્ટ હોવો જોઇએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે બનારસની રગરગમાં ગીત, સંગીત અને કલા વહે છે. અહીંના ગંગાના ઘાટો પર એટલી બધી કલાઓ વિક્સી છે, જ્ઞાન શિખર સુધી પહોંચ્યું છે અને માનવતા સાથે જોડાયેલાં ઘણાં ગંભીર ચિંતનો થયાં છે. અને એટલે બનારસ ગીત-સંગીત, ધર્મ-આધ્યાત્મ, જ્ઞાન-વિજ્ઞાનનું એક બહુ મોટું વૈશ્વિક કેન્દ્ર બની શકે છે. તેમણે ઉમેર્યું હતું કે આ કેન્દ્ર સાંસ્કૃતિક હબ બની રહેશે અને વિવિધ લોકોને એક કરનારું માધ્યમ બની રહેશે. તેમણે કાશીના લોકોને આ સેન્ટરને જાળવવાની વિનંતી કરી હતી.

છેલ્લા 7 વર્ષોમાં કાશીને વિકાસની એટલી બધી પરિયોજનાઓથી અલંકૃત કરવામાં આવ્યું છે ત્યારે આ શૃંગાર રૂદ્રાક્ષ વિના કેમ કરીને પૂર્ણ થાત? એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું. હવે કાશી જે ખરેખર શિવ છે, તેણે રૂદ્રાક્ષ ધારણ કર્યું છે ત્યારે કાશીનો વિકાસ વધુ ઝળકશે અને કાશીની સુંદરતા ઓર વધશે.

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964@gmail.com(Release ID: 1735892) Visitor Counter : 71