સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19ની હવે પછીની લહેરોમાં બાળકો ગંભીર રીતે ચેપગ્રસ્ત થશે એવું દર્શાવતા કોઇ ડેટા નથી
ભવિષ્યની લહેરો ટાળવા માટે કોવિડ અનુરૂપ વર્તણૂકનું આક્રમક રીતે પાલન કરો: ડૉ. ગુલેરિયા
Posted On:
08 JUN 2021 5:52PM by PIB Ahmedabad
‘કોવિડ-19 મહામારીની હવે પછીની લહેરોમાં બાળકોમાં ગંભીર બીમારી થશે એ ગેરમાહિતી છે. એવો કોઇ ડેટા જ નથી- ન તો ભારતમાં કે ન વૈશ્વિક- જે બતાવે કે હવે પછીની લહેરોમાં બાળકો ગંભીર રીતે ચેપગ્રસ્ત થશે.’ આ માહિતી ઑલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝ (એઇમ્સ), દિલ્હીના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ આજે પીઆઇબી, દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત કોવિડ-19 અંગેના મીડિયા બ્રીફિંગ દરમ્યાન આપી હતી.
ડૉ. ગુલેરિયાએ ટાંક્યું હતું કે ભારતમાં બીજી લહેર દરમ્યાન ચેપ લાગ્યો હોય અને હૉસ્પિટલોમાં દાખલ કરાયા હોય એવા 70% બાળકોને ક્યાં તો અન્ય સહબીમારી હતી અથવા એમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી. તંદુરસ્ત બાળકો હૉસ્પિટલ ગયા વિના હળવી બીમારી સાથે જ સાજા થઈ ગયા હતા.
ભવિષ્યની લહેરો ટાળવા માટે કોવિડ અનુરૂપ વર્તણૂક મહત્વપૂર્ણ
એઇમ્સના ડિરેક્ટરે સમજાવ્યું હતું કે કોઇ પણ મહામારીમાં લહેરો કેમ આવતી હોય છે. સામાન્ય રીતે શ્વસનતંત્રના વાયરસોને લીધે મહામારીમાં લહેર આવતી હોય છે. 1918નો સ્પેનિશ ફ્લુ, એચવનએનવન (સ્વાઇન) ફ્લુ એના ઉદાહરણો છે. ડૉ. ગુલેરિયાએ જણાવ્યું કે ‘1918ના સ્પેનિશ ફ્લુની બીજી લહેર સૌથી મોટી હતી. ત્યારબાદ ત્રીજી નાની લહેર આવી હતી.’
અને આપણે જાણીએ છીએ કે સાર્સ કોવ-2 એ શ્વસનતંત્રનો વાયરસ છે
ઝટ અસર થાય એવી- ગ્રહણસમ વસ્તી હોય ત્યારે ઘણી બધી લહેર સર્જાતી હોય છે. ચેપ સામે જ્યારે વસ્તીનો મોટો ભાગ રોગપ્રતિકારક શક્તિ મેળવી લે ત્યારે વાયરસ સ્થાનિક રોગચાળો બની જાય છે, અને ચેપ સિઝનલ બની જાય છે- જેમ કે એચવનએનવન સામાન્ય રીતે ચોમાસા કે શિયાળામાં ફેલાય છે.
વાયરસમાં પરિવર્તન (જેમ કે નવા વેરિયન્ટ્સ)ને કારણે લહેર આવે છે
નવા ગુણવિકારો-મ્યુટેશન વધારે ચેપી બને છે એટલે વાયરસ માટે ફેલાવાની વધારે તકો મળે છે.
લહેર પાછળનું એક કારણ માનવ વર્તણૂક છે
ડૉ. ગુલેરિયાએ ચેતવણી આપી: ‘જ્યારે પણ કેસો વધે છે, લોકોમાં ત્યારે ભય હોય છે અને માનવ વર્તણૂક બદલાય છે. લોકો ચુસ્તપણે કોવિડ યોગ્ય વર્તણૂકને અનુસરે છે અને બિન-ફાર્માસ્યુટિકલ્સ દરમ્યાનગીરી પ્રસારની કડી તોડવામાં મદદ કરે છે. પણ જ્યારે અનલૉક ફરી કરવામાં આવે છે, ત્યારે લોકો એમ માનવા લાગે છે કે હવે બહુ ચેપ નહીં લાગે અને એટલે કોવિડ અનુરૂપ વર્તણૂકને અનુસરતા નથી. આને લીધે, વાયરસ ફરી સમુદાયમાં ફેલાવા લાગે છે અને વધુ એક લહેરની સંભાવના તરફ દોરી જાય છે.’
ડિરેક્ટરે જણાવ્યું કે જો આપણે હવે પછીની લહેરો અટકાવવી હશે તો આપણે કોવિડ યોગ્ય વર્તણૂકને આક્રમક રીતે ત્યાં સુધી અનુસરવાની જરૂર છે, જ્યાં આપણે કહી શકીએ કે આપણી વસ્તીની નોંધપાત્ર સંખ્યામાં વસ્તીએ ક્યાં તો રસી મેળવી લીધી છે અથવા કુદરતી રોગપ્રતિકાર શક્તિ મેળવી લીધી છે. ‘જ્યારે પૂરતા લોકોનું રસીકરણ થઈ જાય અથવા તો ચેપ સામેની કુદરતી ઇમ્યુનિટિ મેળવી લે, ત્યારે આ લહેરો અટકી જશે. એક માત્ર માર્ગ કોવિડ અનુરૂપ વર્તણૂકને ચુસ્તપણે અનુસરવાનો છે’
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1725422)
Visitor Counter : 398