પ્રધાનમંત્રીનું કાર્યાલય

શિક્ષણ મંત્રાલયના ઉપક્રમે યોજાયેલા વર્ચ્યુઅલ સત્રમાં પ્રધાનમંત્રીએ ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે જોડાઇને સૌને અચંબામાં મૂકી દીધા


ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરવાના નિર્ણય બદલ વિદ્યાર્થીઓ અને માતા-પિતાઓએ આ ઓચિંતા યોજાયેલા સત્ર દરમિયાન પ્રધાનમંત્રીનો આભાર માન્યો

Posted On: 03 JUN 2021 9:41PM by PIB Ahmedabad

શિક્ષણ મંત્રાલય દ્વારા યોજવામાં આવેલા વર્ચ્યુઅલ સત્રમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાએ ભાગ લીધો હતો. કોઇપણ પ્રકારની પૂર્વતૈયારી વગર ઓચિંતા યોજવામાં આવેલા આ સત્રમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપીને સૌને અચંબામાં મૂકી દીધા હતા. CBSE ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે આ સત્રનું આયોજન કર્યું હતું. સૌના આશ્ચર્ય વચ્ચે ઉપસ્થિત થયેલા પ્રધાનમંત્રીએ પ્રારંભમાં જ કહ્યું હતું કે, આશા છે કે હું તમારી આ ઑનલાઇન બેઠકમાં તમને ખલેલ નહીં પાડું. તેમના આ નિવેદન સાથે જ વિદ્યાર્થીઓના ચહેરાઓ પર સ્મિત આવી ગયું હતું. આ ક્ષણ સાથે સંકળાયેલી ભાવનાઓ સાથે આગળ વધતા શ્રી મોદીએ પરીક્ષાનું દબાણ દૂર થયું હોવાની નોંધ લીધી હતી અને રાહતનો શ્વાસ લઇ રહેલા વિદ્યાર્થીઓ સાથે કેટલીક હળવી પળો શેર કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને પોતાના કેટલાક અંગત રમૂજી પ્રસંગો કહીને તેમને હળવા મૂડમાં લાવી દીધા હતા. પંચકુલાના એક વિદ્યાર્થીએ જ્યારે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા પરીક્ષાના તણાવ વિશે વાત કરી તો, પ્રધાનમંત્રીએ તે જ્યાં રહે છે તે ક્ષેત્ર વિશે પૂછ્યું હતું અને માહિતી આપી હતી કે, તેઓ પણ તે વિસ્તારમાં લાંબા સમય સુધી રહ્યાં હતાં.

વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી સાથે મુક્ત મને ચર્ચામાં જોડાયા હતા અને પોતાની ચિંતાઓ તેમજ અભિપ્રાયો વિના સંકોચે વ્યક્ત કર્યા હતા. હિમાચલ પ્રદેશના સોલનના એક વિદ્યાર્થીએ મહામારીના કપરા સમય વચ્ચે પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો અને આને ખૂબ જ સારો નિર્ણય ગણાવ્યો હતો. એક વિદ્યાર્થિનીએ નારાજગી સાથે કહ્યું હતું કે, કેટલાક લોકો માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું વગેરે કોવિડના પ્રોટોકોલનું પાલન નથી કરી રહ્યાં. તેણીએ પોતાના વિસ્તારમાં લોકજાગૃતિ માટે યોજવામાં આવેલી પ્રવૃત્તિઓ વિશે પણ વર્ણન કર્યું હતું. વિદ્યાર્થીઓને મહામારીના જોખમની ખૂબ જ ચિંતા હતી માટે હવે તેમના ચહેરાઓ પર સ્પષ્ટપણે રાહત જોવા મળી રહી હતી અને પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવા બદલ મોટાભાગના વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. માતા-પિતાઓએ પણ આ નિર્ણયને ખૂબ જ સકારાત્મક ગણાવીને આવકાર્યો હતો. પ્રધાનમંત્રીએ ઓચિંતી હાજરી આપીને મુક્ત અને ફળદાયી ચર્ચાની ભાવના સાથે, તમામ માતા-પિતાઓને આ સંવાદમાં જોડવા માટે આહ્વાન કર્યું હતું.

પરીક્ષાઓ રદ થયા પછી અચાનક મળેલા અવકાશ અંગે પ્રધાનમંત્રીએ પૂછતા એક વિદ્યાર્થિનીએ જવાબ આપ્યો હતો કે, સાહેબ, તમે જ કહ્યું હતું કે, પરીક્ષાઓને તહેવારોની જેમ ઉજવવી જોઇએ. તેથી, અમારા મનમાં પરીક્ષાઓ અંગે કોઇ જ ડર નહોતો. ગુવાહાટીની આ વિદ્યાર્થિનીએ પ્રધાનમંત્રીના પુસ્તક પરીક્ષાના યોદ્ધાઓને શ્રેય આપતા કહ્યું હતું કે, તે ધોરણ-10માં હતી ત્યારથી આ પુસ્તક વાંચે છે. અનિશ્ચિતતાના સમયનો સામનો કરવામાં યોગથી ખૂબ જ મોટી મદદ મળતી હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

આ સંવાદ એટલો આત્મસહજ હતો કે પ્રધાનમંત્રીએ તેને સુયોજિત કરવાની રીત શોધી કાઢવી પડી હતી. તેમણે તમામ વિદ્યાર્થીઓને કાગળના એક ટુકડા પર તેમના ઓળખ નંબર લખવા કહ્યું હતું જેથી તેઓ કૉલ કરી શકે અને સંવાદમાં સંકલન કરી શકે. ઉત્સાહિત વિદ્યાર્થીઓ ખુશીથી આ સિસ્ટમનું પાલન કર્યું હતું. આ ચર્ચામાં વિષયોના વ્યાપ વધારવા માટે પ્રધાનમંત્રીએ આ ચર્ચાને ફક્ત પરીક્ષાઓ રદ કરવાની વાતોથી અન્ય દિશામાં દોરી જવી પડી હતી. વિદ્યાર્થીઓ અને માતાપિતાઓએ નૃત્ય, યુટ્યૂબ મ્યુઝિક ચેનલો, કસરત અને રાજનીતિ સહિત સંખ્યાબંધ મુદ્દાઓ પર પ્રતિભાવો આપ્યા હતા. પ્રધાનમંત્રીએ તેમને ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પર સંશોધન અને નિબંધ લખવાનું કહ્યું હતું જેમાં ખાસ કરીને તેમના વિસ્તારના સંદર્ભ સાથે લખવાનો આગ્રહ કર્યો હતો.

આ બેઠક દરમિયાન, કોવિડ-19ના બીજા ચરણમાં વિદ્યાર્થીઓ દ્વારા જાહેર સહભાગીતા અને ટીમવર્કમાં જોવા મળેલી તેમની ટીમ ભાવનાની પ્રધાનમંત્રીએ પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને સવાલ કર્યો હતો કે, તેઓ IPL, ચેમ્પિયન્સ લીગ જોશે કે પછી ઓલિમ્પિક્સ અથવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પ્રતિક્ષા કરશે ત્યારે એક વિદ્યાર્થિનીએ જવાબ આપ્યો હતો કે તેણી પાસે હવે કોલેજમાં પ્રવેશ માટે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવાનો પૂરતો સમય છે. તેમણે વિદ્યાર્થીઓને પરીક્ષા રદ થયા પછીના સમયનો ફળદાયી ઉપયોગ કરવા માટે કહ્યું હતું.

SD/GP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1724317) Visitor Counter : 258