સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મ્યૂકોર્માઇકોસીસને ફુગના રંગના બદલે તેના નામથી ઓળખવામાં આવે તે વધુ બહેતર છે: એઇમ્સના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયા


કોવિડ-19ના દર્દીઓમાં મળી આવતા ફુગના ચેપ મોટાભાગે મ્યૂકોર્માઇકોસીસ છે

“આ ચેપી/ચેપજન્ય નથી”

“ઓક્સિજન થેરાપી અને ચેપ લાગવા વચ્ચે કોઇ ચોક્કસ સંબંધ નથી”

“મ્યૂકોર્માઇકોસીસના 90% - 95% દર્દી ડાયાબિટીસના દર્દી અને/અથવા સ્ટિરોઇડ્સ લેનારા છે”

Posted On: 24 MAY 2021 5:39PM by PIB Ahmedabad

નવી દિલ્હી/ મુંબઇ, 24 મે, 2021

 

મ્યૂકોર્માઇકોસીસ એક સામાન્ય ફુગથી થતો ચેપ છે અને કોવિડ-19માંથી સાજા થયેલા અથવા સાજા થઇ રહેલા દર્દીઓમાં જોવા મળી રહ્યો છે. તેના કેસો નોંધાવાની સંખ્યામાં વૃદ્ધિ થઇ રહી છે, પરંતુ તે ચેપી બીમારી નથી મતલબ કે તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં કોવિડ-19ની જેમ ફેલાતી બીમારી નથી. નવી દિલ્હી સ્થિત એઇમ્સના નિદેશક ડૉ. રણદીપ ગુલેરિયાએ આજે નવી દિલ્હીમાં PIBના રાષ્ટ્રીય મીડિયા કેન્દ્ર ખાતે મીડિયા સમક્ષ વાત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

તેને કાળી ફુગનો ચેપ નહીં પરંતુ મ્યૂકોર્માઇકોસીસ કહો

ડૉ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, જ્યારે મ્યૂકોર્માઇકોસીસની વાત કરી રહ્યાં હોઇએ ત્યારે તેના માટે કાળી ફુગ શબ્દ પ્રયોગ કરવો બહેતર નથી કારણ કે, તેનાથી લોકોમાં ટાળી ના શકાય તેવી ખૂબ જ ગુંચવણ ફેલાય છે. તેમણે કહ્યું હતું કે, કાળી ફુગ અન્ય પરિવારમાંથી આવે છે; આ શબ્દ શ્વેત ફુગ સમુદાયના સંવર્ધન વખતે તેમાં જોવા મળતા કાળા ટપકાંની ઉપસ્થિતિના કારણે મ્યૂકોર્માઇકોસીસ સાથે સંકળાઇ ગયો છે. સામાન્યપણે, ફુગના કારણે વિવિધ પ્રકારના ચેપ થતા હોય છે જેમાં કેન્ડિડીઆ, એસ્પર્ગીલોસીસ, ક્રિપ્ટોકોકુસ, હિસ્ટોપ્લાઝ્મોસીસ અને કોસ્સીડિઓઇડોમાઇકોસીસ સામેલ છે. ખાસ કરીને ઓછી રોગ પ્રતિકારકતા ધરાવતા લોકોમાં મ્યૂકોર્માઇકોસીસ, કેન્ડિડીઆ અને એસ્પર્ગીલોસીસ વધારે જોવા મળે છે.

 

ફુગની પ્રકૃતિ, લક્ષણો અને સારવાર

આ ચેપની વ્યાપકતા વિશે વાત કરતા ડૉ. ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કેન્ડિડીઆ ફુગના ચેપના લક્ષણોમાં મોંમાં, મોંની અંદરના ભાગે અને જીભ પર સફેદ ચાંદા જોવા મળે છે; તે ગુપ્ત ભાગોમાં ચેપ ફેલાવી શકે છે અને લોહીમાં પણ મળી શકે છે (આવી સ્થિતિમાં તે ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે). એસ્પર્ગીલોસીસ, બહુ સામાન્ય રીતે જોવા મળતી નથી અને તે ફેફસામાં નાના છીદ્રો (ગુહા) બનાવીને તેને ચેપગ્રસ્ત કરે છે અને ફેફસામાં પ્રવેશે છે. કોવિડ-19ના દર્દીઓમાં મોટાભાગે મ્યૂકોર્માઇકોસીસ જોવા મળે છે; એસ્પર્ગીલોસીસ ક્યારેક જોવા મળે છે અને કેન્ડિડીઆ અમુક લોકોમાં જ જોવા મળે છે.

મ્યૂકોર્માઇકોસીસનો ચેપ લાગવાનું ખૂબ વધારે જોખમ હોય તેવા લોકોની શ્રેણી વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે, મ્યૂકોર્માઇકોસીસનો ચેપ લાગ્યો હોય તેવા 90% - 95% દર્દીઓ કાં તો ડાયાબિટીસના દર્દી હોય અને/અથવા સ્ટિરોઇડ લેતા હોય તેવું ધ્યાનમાં આવ્યું છે. આ ચેપ જેઓ ક્યારેય ડાયાબિટીસના દર્દી ન હોય અથવા જેમણે સ્ટિરોઇડ ના લીધા હોય તેમનામાં ભાગ્યે જ જોવા મળે છે.

તેમણે એમ પણ જણાવ્યું હતું કે, જે દર્દીઓ અતિ જોખમની શ્રેણીમાં આવતા હોય એટલે કે, જેમને અનિયંત્રિત ડાયાબિટીસ હોય અને સ્ટિરોઇડ્સનો ઉપયોગ કરી રહ્યાં હોય અને નીચે ઉલ્લેખ કરેલા લક્ષણો સાથે કોવિડ પોઝિટીવ હોય તેમણે તાત્કાલિક તેમના ડૉક્ટરને આ વિશે જાણ કરવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, ઉચ્ચ જોખમ ધરાવતી શ્રેણીના દર્દીઓમાં અથવા જેઓ સ્ટિરોઇડ્સ લઇ રહ્યાં હોય તેમનામાં મ્યૂકોર્માઇકોસીસના કેટલાક ચેતવણીજનક સંકેતો જેમકે, માથામાં દુખાવો, નાકમાંથી લાલાશ પડતું પ્રવાહી અથવા લોહી નીકળવું, આંખોની નીચે સોજો આવવો, ચહેરાની સંવેદનાઓ ઘટી જવી વગેરે જોવા મળે તો, તેમણે ડૉક્ટરને જાણ કરવી જરૂરી છે જેથી વહેલું નિદાન થાય અને સારવાર પણ આપી શકાય.

 

મ્યૂકોર્માઇકોસીસના પ્રકાર

મ્યૂકોર્માઇકોસીસને માણસના શરીરના કયા અંગમાં તેનો હુમલો થયો છે તેના આધારે વર્ગીકૃત કરી શકાય છે. ચેપના સંકેતો અને લક્ષણો પણ શરીરના અલગ અલગ ભાગોમાં ચેપ અનુસાર બદલાય છે.

રિહ્નો ઓર્બિટલ સેરેબરલ મ્યૂકોર્માઇકોસીસ: તેનો ચેપ નાક, આંખોની આસપાસની કક્ષા/ આંખોનો ખાંચો, મોંની કેવિટી (ગુહા)માં લાગે છે અને તે ફેલાઇને મગજ સુધી પહોંચી શકે છે. તેના લક્ષણોમાં માથામાં દુખાવો, નાસિકા ભરાઇ જવી, નાસિકામાં પ્રવાહી (લીલા રંગનું) નીકળવું, સાઇનસમાં દુખાવો, નાકમાંથી લોહી નીકળવું, ચહેરા પર સોજો, ચહેરાની સંવેદનાઓ ઘટી જવી અને ત્વચાનો રંગ ફિક્કો પડી જવો વગેરે છે.

પલ્મનરી મ્યૂકોર્માઇકોસીસ: આ ફુગનો ચેપ ફેફસાને અસર કરે છે. તેના કારણે તાવ, છાતીમાં દુખાવો, ઉધરસ અને ઉધરસમાં લોહી પડવું વગેરે લક્ષણો જોવા મળે છે.

આ ફુગના કારણે જઠરાંત્રીય માર્ગને ચેપ લાગી શકે છે.

 

ઓક્સિજન થેરાપી સાથે કોઇ ચોક્કસ સંબંધ નથી

ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું હતું કે, ઘણા દર્દીઓ ઘરે સારવાર લેતા હોય છે, આવા દર્દીઓને ઓક્સિજન થેરાપીની જરૂર પડતી નથી, તેમને પણ મ્યૂકોર્માઇકોસીસનો ચેપ લાગ્યો હોવાના કિસ્સા નોંધાયા છે. આથી, ઓક્સિજન થેરાપી અને આ રોગનો ચેપ લાગવા વચ્ચે કોઇ ચોક્કસ સંબંધ નથી.

 

સારવારના પડકારો

ઘણા અઠવાડિયા સુધી ફુગ વિરોધી સારવાર ચાલે છે જેથી હોસ્પિટલો માટે આ પડકારજનક બાબત છે કારણ કે, જેમને મ્યૂકોર્માઇકોસીસ થાય તેવા કોવિડના પોઝિટીવ દર્દીઓ અને કોવિડના નેગેટિવ દર્દીઓને હોસ્પિટલમાં અલગ વૉર્ડમાં રાખવાની જરૂર પડે છે. સર્જરી પણ ઉચિત રીતે કરવી પડે છે કારણ કે મ્યૂકોર્માઇકોસીસ માટે સઘન સર્જરી કરવાથી કોવિડના દર્દીઓમાં વિપરિત પરિણામો જોવા મળી શકે છે.

ડાયાબિટીસના દર્દીઓએ યોગ્ય સ્વચ્છતા રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે, આવા દર્દીઓમાં તેનો ચેપ લાગવાની સંભાવનાઓ ઘણી વધારે હોય છે. જેઓ ઓક્સિજન કોન્સન્ટ્રેટરનો ઉપયોગ કરી રહ્યાં હોય તેમણે અવશ્યપણે નિયમિત હ્યૂમિડિફાયર સાફ કરવા જોઇએ.

તમે આ લિંક પર પણ વાંચી શકો છો.

  1. મ્યૂકોર્માઇકોસીસ સામે સલામત રહો કોવિડ-19ના દર્દીઓમાં જોવા મળતો એક ફુગનો ચેપ

હંમેશા લોહીમાં સુગરના સ્તર પર દેખરેખ રાખો અને તેને નિયંત્રણમાં રાખો: ડાયાબિટીસના દર્દીઓ માટે સલાહ


(Release ID: 1721407) Visitor Counter : 935