પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વારાણસીના તબીબો અને અધિકારીઓ સાથે વાતચીત કરી


આરોગ્ય કાર્યકરોને આત્મસંતુષ્ટિ સામે ચેતવણી આપી અને એમને બનારસ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરવા અનુરોધ કર્યો

‘ માઇક્રો-કન્ટેનમેન્ટ ઝોન્સ’ અને ‘ દવાઓની હૉમ ડિલિવરી’ ની પહેલની પ્રશંસા કરી

કોવિડ વ્યવસ્થાપનમાં નવો મંત્ર પૂરો પાડ્યો: ‘ જ્યાં બીમાર, ત્યાં ઉપચાર’

Posted On: 21 MAY 2021 2:16PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના તબીબો અને અધિકારીઓ સાથે આજે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરી હતી. આ સંવાદ દરમ્યાન વારાણસીના તબીબો અને અધિકારીઓએ પ્રધાનમંત્રીનો એમના સતત અને પ્રોએક્ટિવ નેતૃત્વ માટે આભાર માન્યો હતો જેનાથી આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવામાં મદદ મળી અને વેન્ટિલેટર્સ તેમજ ઑક્સિજન કૉન્સન્ટ્રેટર્સ જેવા અગત્યના સાધનો અને આવશ્યક દવાઓનો પુરવઠો સુનિશ્ચિત થયો. કોવિડનો ફેલાવો કાબૂમાં લેવા, રસીકરણની સ્થિતિ અને જિલ્લાને ભાવિ પડકારો માટે સજ્જ કરવા ચાલી રહેલાં પગલાં તેમજ યોજનાઓ અંગે છેલ્લા એક માસમાં હાથ ધરાયેલાં પગલાં અંગે પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી. તબીબોએ પ્રધાનમંત્રીને એવી માહિતી પણ આપી હતી કે તેઓ મ્યુકોર્માઇકોસિસના જોખમ વિશે સચેત છે અને આ રોગના વ્યવસ્થાપન માટે પહેલેથી પગલાં લીધાં છે અને સુવિધાઓ ઊભી કરી દીધી છે.

પ્રધાનમંત્રીએ કોવિડ સામે લડતા માનવબળની સતત તાલીમની અગત્યતા પર ભાર મૂક્યો હતો અને અધિકારીઓ તેમજ તબીબોને તાલીમ સત્રો અને વૅબિનાર્સ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સેવા આપતા પેરામેડિકલ સ્ટાફ અને તબીબો માટે યોજવા સલાહ આપી હતી. તેમણે અધિકારીઓને જિલ્લામાં રસીનો બગાડ ઘટાડવા તરફ કાર્ય કરવા માટે પણ જણાવ્યું હતું. તબીબો, નર્સીસ, ટેકનિશિયન્સ, વૉર્ડ બૉયઝ, એમ્બ્યુલન્સના ચાલકો અને કાશીના અન્ય અગ્રહરોળના આરોગ્ય કાર્યકરો દ્વારા કરાયેલી કામગીરીની તેમણે પ્રશંસા કરી હતી. જેમણે પોતાનાં આપ્તજનો ગુમાવ્યાં છે એમને તેમણે શ્રદ્ધાંજલિ અર્પી હતી. બનારસમાં આટલા ટૂંકા સમયગાળામાં ઑક્સિજન અને આઇસીયુ બૅડ્સની સંખ્યા જે ઝડપે વધારવામાં આવી અને જે રીતે અત્યંત ટૂંકા ગાળામાં પંડિત રાજન મિશ્રા કોવિડ હૉસ્પિટલ કાર્યરત કરવામાં આવી એની તેમણે પ્રશંસા કરી હતી. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે વારાણસીમાં સંકલિત કોવિડ કમાન્ડ સિસ્ટમે સારું કામ કર્યું અને કહ્યું હતું કે વારાણસીનું ઉદાહરણ વિશ્વને પ્રેરિત કરે છે.

મહામારીને ઘણી હદ સુધી કાબૂમાં લેવામાં મેડિકલ ટીમના પ્રયાસોને પ્રધાનમંત્રીએ  બિરદાવ્યા હતા. તેમણે આત્મસંતુષ્ટિ સામે ચેતવણી પણ આપી હતી અને એમને બનારસ અને પૂર્વાંચલના ગ્રામીણ વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને અત્યારથી જ લાંબી લડાઇ લડવામાં રોકાઇ જવાનો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આપણા દેશમાં જે યોજનાઓ બનાવાઇ હતી અને અભિયાનો ચલાવવામાં આવ્યા હતા એનાથી કોરોના સામે લડવામાં ઘણી મદદ મળી છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બનાવાયેલા શૌચાલયો, આયુષ્યમાન ભારત યોજના હેઠળ મફત સારવાર સુવિધા, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર્સ, જન ધન બૅન્ક ખાતાઓ કે ફિટ ઇન્ડિયા અભિયાન, યોગ અને આયુષ અંગેની જાગૃતિ જેવી પહેલથી કોરોના સામેની લડાઇમાં લોકોની તાકાત વધી છે.

પ્રધાનમંત્રીએ કોવિડ વ્યવસ્થાપનમાં નવો મંત્ર પૂરો પાડ્યો હતો: ‘ જ્યાં બીમાર, ત્યાં જ ઉપચાર’. તેમણે અવલોકન કર્યું કે દર્દીના દરવાજે સારવારને લાવવાથી આરોગ્ય પ્રણાલિ પરનો બોજ ઘટશે. પ્રધાનમંત્રીએ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન્સની પહેલની પણ પ્રશંસા કરી હતી અને દવાઓ ઘર બેઠાં પહોંચાડવાની પ્રણાલિને બિરદાવી હતી. તેમણે આરોગ્ય કામદારોને ગ્રામીણ વિસ્તારોમાં એમનું અભિયાન શક્ય એટલું વધારે સર્વગ્રાહી બનાવવાની વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તબીબો, લેબ્સ અને ઇ-માર્કેટિંગ કંપનીઓને ભેગા લાવીને ‘કાશી કવચ’ નામે ટેલિ-મેડિસીન સુવિધા પૂરી પાડવી એ પણ બહુ નવીન પહેલ છે.

ગામોમાં કોવિડ-19 સામેની ચાલી રહેલી લડાઇમાં આશા અને એએનએમ બહેનો દ્વારા ભજવાયેલી અગત્યની ભૂમિકા પર પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો અને આરોગ્ય અધિકારીઓને એમની સંભાવનાઓ અને અનુભવનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે આ બીજી લહેર દરમ્યાન, અગ્ર હરોળના કર્મચારીઓ સલામત રીતે લોકોની સેવા કરવા સક્ષમ બન્યા હતા કારણ કે તેમનું પહેલેથી રસીકરણ થઈ ચૂક્યું હતું. તેમણે દરેકને એમનો વારો આવે ત્યારે રસી મૂકાવી દેવાનો અનુરોધ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ યુપી સરકારના સક્રિય પ્રયાસોને કારણે પૂર્વાંચલમાં બાળકોમાં ‘એન્સેફેલાઇટિસ’ના કેસોના ધરખમ અંકુશનો દાખલો આપ્યો હતો અને અધિકારીઓ તેમજ તબીબોને અનુરોધ કર્યો હતો કે તેઓ એ જ સંવેદનશીલતા અને સતર્કતા સાથે કામ કરે. મહામારી સામેની લડાઇમાં કાળી ફૂગ દ્વારા ઉદભવેલા નવા પડકાર સામે તેમણે સાવધાન કર્યા હતા. તેમણે ઉમેર્યું કે એની સામે પનારો પાડવા આવશ્યક તકેદારીઓ અને વ્યવસ્થાઓ તરફ ધ્યાન આપવાનું અગત્યનું છે.

કોવિડ સામેની લડાઇમાં વારાણસીના જન પ્રતિનિધિઓએ પૂરું પાડેલ નેતૃત્વને પ્રધાનમંત્રીએ બિરદાવ્યું હતું. તેમણે જન પ્રતિનિધિઓને અનુરોધ કર્યો હતો કે તેઓ લોકો સાથે સતત જોડાયેલા રહે અને ટીકાઓ છતાં એમની ચિંતાઓ તરફ સંપૂર્ણ સંવેદનશીલતા દર્શાવવાની સલાહ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે જો કોઇ પણ નાગરિકને કોઇ પણ ફરિયાદ હોય તો એના વિશે ચિંતિત થવાની જન પ્રતિનિધિઓની જવાબદારી છે. શહેરને સ્વચ્છ રાખવાનું વચન નિભાવવા બદલ તેમણે વારાણસીના લોકોના પણ વખાણ કર્યા હતા.

SD/GP/JD



(Release ID: 1720594) Visitor Counter : 309