ગૃહ મંત્રાલય
કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં મળેલી રાષ્ટ્રીય આપદા પ્રબંધન સમિતિ (NCMC)એ તૌક્તે વાવાઝોડા બાદ રાહત અને પુનર્વસન માટેના કાર્યોની સમીક્ષા કરી
Posted On:
20 MAY 2021 4:22PM by PIB Ahmedabad
કેન્દ્રિય કેબિનેટ સચિવ શ્રી રાજીવ ગૌબાના અધ્યક્ષ સ્થાને મળેલી રાષ્ટ્રીય આપદા પ્રબંધન સમિતિ (એનસીએમસી)એ તૌક્તે વાવાઝોડા બાદની પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્રિય મંત્રાલયો, વિવિધ, સરકારી સંસ્થાઓ, વિવિધ રાજ્ય સરકારો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રએ રાહત અને પુનર્વસન માટે હાથ ધરેલા પ્રયાસો અને કાર્યોની સમીક્ષા કરી હતી.
રાજ્યોના મુખ્ય સચિવો તથા કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્રના સલાહકારોએ તેમના રાજ્યોમાં માળખાગત સુવિધાને પહોંચેલા નુકસાન, ખેત પેદાશમાં નુકસાન ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલી જાનહાનિ અંગેની માહિતી ઉપરાંત ટેલિકોમ, વિજળી, માર્ગ પરિવહન અને પાણી પુરવઠા સહિતની અન્ય સવલતોને પુનઃસ્થાપિત કરવા માટે તેમના દ્વારા હાથ ધરાયેલા પ્રયાસો અંગે એનસીએમસીને માહિતગાર કરી હતી. એમ નોંધવામાં આવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) દ્વારા સમયસર અને સચોટ આગાહીને કારણે તથા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટીતંત્રના યોગ્ય સંયોજનને કારણે આવડી મોટી હોનારત સામે નુકસાન અને જાનહાનિની સંખ્યા ઘટાડી શકાઈ હતી. વિવિધ રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશના વહીવટીતંત્ર દ્વારા વહેલા તથા સમયસર પગલાં લેવાયા હોવાને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં હોસ્પિટલો તથા કોવીડ19 કેન્દ્રોની કામગીરી પર કોઈ અસર પડી ન હતી.
ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ ઉપરાંત અન્ય સંસ્થાઓએ લોકોને બચાવવા માટે ત્રણ હોડીઓ તથા ઓએનજીસીની ડ્રિલિંગ વેસલથી જે મદદ કરી હતી તેની પણ આ બેઠકમાં નોંધ લેવાઈ હતી.
રાહત અને પુનર્વસન કાર્યોની સમીક્ષા કરતાં શ્રી રાજીવ ગૌબાએ એ વાત પર ભાર મૂક્યો હતો કે રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ટેલિકોમ, વિજળી, માર્ગો અને પાણી પુરવઠો તથા અન્ય માળખાગત સવલતો માટેના કાર્યો જારી રહે અને ઝડપથી પૂર્ણ થવા જોઇએ. આ માટે કેન્દ્રીય મંત્રાલય તથા સરાકારી એજન્સીઓ તમામ રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે સંકલન સાધીને તેમને જરૂરી એવી તમામ પ્રકારની સહાય પૂરી પાડશે.
આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, કેરળ, તામિલનાડુ રાજ્યના મુખ્ય સચિવો તથા અધિકારીઓ ઉપરાંત લક્ષદ્વિપ, દાદરા અને નગર હવેલી, દમણ અને દિવ વહીવટીતંત્રના સલાહકારો, ગૃહ મંત્રાલય, શિપિંગ, ટેલિકમ્યુનિકેશન, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ઉર્જા, આરોગ્ય, ખાદ્ય અને જાહેર વિતરણ, પીવા લાયક પાણી અને સેનિટેશન મંત્રાલયના સચિવો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત એનડીએમએના સદસ્ય સચિવ, એનડીઆરએફ, આઇએમડી, કોસ્ટ ગાર્ડના ડાયરેક્ટર જનરલ અને આઇડીએસના ડેપ્યુટી વડાએ પણ બેઠકમાં હાજરી આપી હતી.
SD/GP/JD
(Release ID: 1720295)
Visitor Counter : 280