સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિશિલ્ડ રસીના બે ડોઝનો અંતરાલ 12-16 અઠવાડિયાનો દર્શાવવા માટે CoWIN ડિજિટલ પોર્ટલ રીકન્ફિગર કરવામાં આવ્યું


કોવિશિલ્ડના બીજા ડોઝ માટે પહેલાંથી ઑનલાઇન બુકિંગ થયેલી એપોઇન્ટમેન્ટ્સ માન્ય રહેશે; CoWIN દ્વારા રદ કરવામાં આવી રહી નથી

લાભાર્થીઓને બંને ડોઝ વચ્ચે વધારવામાં આવેલા સમયગાળાને અનુરૂપ કોવિશિલ્ડના બીજા ડોઝની એપાઇન્ટમેન્ટ ફરી નિર્ધારિત કરવાની સલાહ

Posted On: 16 MAY 2021 6:11PM by PIB Ahmedabad

ડૉ. એન.કે. અરોરાની અધ્યક્ષતા હેઠળના કોવિડ કાર્યકારી સમૂહે કોવિશિલ્ડ રસીના પ્રથમ ડોઝ અને બીજા ડોઝ વચ્ચે 12-16 અઠવાડિયાનો અંતરાલ રાખવાની સલાહ આપી છે. ભારત સરકાર દ્વારા 13 મે 2021ના રોજ આ ભલામણ સ્વીકારવામાં આવી છે.

ભારત સરકારે આ ફેરફાર અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જાણ કરી દીધી છે. કોવિશિલ્ડ રસીના બે ડોઝ વચ્ચેનો અંતરાલ 12-16 અઠવાડિયાનો દેખાય તે માટે CoWIN ડિજિટલ પોર્ટલને રીકન્ફિગર કરવામાં આવ્યું છે.

જોકે, મીડિયાના એક વર્ગમાં ફરતા થયેલા અહેવાલોમાં એવું જણાવવામાં આવે છે કે, જેમણે CoWIN પર તેમના બીજા ડોઝ માટે 84 દિવસ કરતાં ઓછા સમયમાં અગાઉથી જ એપોઇન્ટમેન્ટનું બુકિંગ કરાવી દીધું છે તેમને રસીકરણ કેન્દ્ર પર કોવિશિલ્ડની રસીનો બીજો ડોઝ લીધા વગર જ પાછા ફરવું પડે છે.

આથી, સ્પષ્ટતા કરવામાં આવે છે કે હવે CoWIN ડિજિટલ પોર્ટલ પર જરૂરી ફેરફારો કરી દેવામાં આવ્યા છે. પરિણામે, લાભાર્થીએ પહેલો ડોઝ લીધા પછી 84 દિવસ કરતાં ઓછા સમયમાં હવે પછી ઑનલાઇન અથવા સ્થળ પર થતી એપોઇન્ટમેન્ટ્સનું બુકિંગ થઇ શકશે નહીં.

વધુમાં, જેમણે પહેલાંથી જ કોવિશિલ્ડના બીજા ડોઝ માટે ઑનલાઇન એપોઇન્ટમેન્ટ્સનું બુકિંગ કરાવી દીધું છે તેમને માન્ય ગણવામાં આવશે અને CoWIN દ્વારા તેને રદ કરવામાં આવી રહ્યાં નથી. વધુમાં, લાભાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધાના 84 દિવસ પછી તેમના બીજા ડોઝ માટે એપોઇન્ટમેન્ટનું બુકિંગ કરાવે.

કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પુનરુચ્ચાર કર્યો છે કે, કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેના અંતરાલમાં ફેરફાર કરવામાં આવ્યો તે પહેલાં કોવિશિલ્ડના બીજા ડોઝ માટે ઑનલાઇન બુક કરવામાં આવેલી એપોઇન્ટમેન્ટ્સને અવશ્ય માન આપે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી છે કે, ફિલ્ડ પર ઉપસ્થિત સ્ટાફને સૂચના આપવામાં આવે કે, જો આવા લાભાર્થીઓ રસીકરણ માટે આવે તો, કોવિશિલ્ડનો બીજો ડોઝ તેમને અવશ્ય આપવો અને તેમને રસી આપ્યા વગર પાછા મોકલવા નહીં. તેમને એવી પણ સલાહ આપવામાં આવી છે કે, આ ફેરફાર અંગે લાભાર્થીઓને જાણ થાય તે માટે જાગૃતિ પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે.

SD/GPJD



(Release ID: 1719207) Visitor Counter : 200