પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તબીબી હેતુઓ માટે વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરી


વાયુરૂપી ઓક્સિજનનો તબીબી હેતુ માટે ઉપયોગ થઈ શકશે

વાયુરૂપી ઓક્સિજનની ઉપલબ્ધતા હોય એવા પ્લાન્ટ્સની આસપાસ હંગામી હોસ્પિટલો સ્થપાશે

આ કદમ દ્વારા લગભગ 10,000 ઓક્સિજનની વ્યવસ્થા સાથેના બેડ ઉપલબ્ધ થઈ શકશે

રાજ્ય સરકારોને આવી વધુ સુવિધાઓ સ્થાપિત કરવા માટે પ્રોત્સાહિત કરાશે

ઓક્સિજન ઉત્પાદન કરતા 1500 પ્લાન્ટ્સ સ્થાપિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે

Posted On: 02 MAY 2021 3:24PM by PIB Ahmedabad

ઑક્સિજનના પુરવઠા અને ઉપલબ્ધતાને વધારવા માટે નવીન ઉપાયો શોધવાના પોતાના નિર્દેશને અનુરૂપ પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજે વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરવા એક મીટિંગની અધ્યક્ષતા કરી હતી.

સ્ટીલ પ્લાન્ટ્સ, પેટ્રોકેમિકલ યુનિટ્સ સાથેની રિફાઇનરીઓ, ભારે દહનક્રિયા પ્રક્રિયા સાથેના ઉદ્યોગો, પાવર પ્લાન્ટ્સ ઇત્યાદિ ઘણા ઉદ્યોગો પાસે ઑક્સિજન પ્લાન્ટ્સ છે જે વાયુરૂપી ઑક્સિજન ઉત્પન્ન કરે છે જે પ્રક્રિયામાં વપરાય છે. આ ઑક્સિજનને તબીબી ઉપયોગ માટે  લઈ શકાય.

જે વ્યૂહરચના કામમાં લેવાઇ રહી છે એમાં આવશ્યક શુદ્ધતાનો વાયુરૂપી ઑક્સિજન ઉત્પન્ન કરતા ઔદ્યોગિક એકમોને ઓળખી કાઢીને એને જે શહેરો/ ગીચ વિસ્તારો/ માગ ધરાવતા કેન્દ્રોની નજીક હોય એ રીતે શૉર્ટ લિસ્ટ કરવા અને એ સ્ત્રોત નજીક ઑક્સિજન બૅડ્સ સહિત હંગામી કોવિડ કૅર સેન્ટર્સ સ્થાપવામાં આવે છે.

આવી 5 સુવિધાઓ માટે એક પાઇલટની પહેલ પણ શરૂ કરી દેવાઇ છે અને એમાં સારી પ્રગતિ થઈ છે. પ્લાન્ટ ચલાવતા જાહેર ક્ષેત્રના એકમો કે ખાનગી ઉદ્યોગો મારફત આ કામ કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંકલન સાથે પરિપૂર્ણ થઈ રહ્યું છે.

એમ અપેક્ષિત છે કે આવા પ્લાન્ટ્સ નજીક કામચલાઉ હૉસ્પિટલો બનાવીને ટૂંકા ગાળામાં આશરે 10,000 ઑક્સિજનેટેડ બૅડ્સ ઉપલબ્ધ કરી શકાય છે.

મહામારીને પહોંચી વળવા માટે રાજ્ય સરકારોને ઑક્સિજન સુવિધાયુક્ત બૅડ્સ સાથેની આવી સુવિધાઓ સ્થાપવા માટે રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરાઇ રહી છે.

પ્રધાનમંત્રીએ પીએસએ પ્લાન્ટ્સની સ્થાપના અંગેની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી. તેમને માહિતી આપવામાં આવી કે પીએમ કૅર્સ, જાહેર ક્ષેત્રના એકમો અને અન્યોના યોગદાન મારફત આશરે 1500 જેટલા પીએસએ પ્લાન્ટ્સ સ્થાપનાની પ્રક્રિયામાં છે. તેમણે અધિકારીઓને આ પ્લાન્ટ્સ ઝડપથી પરિપૂર્ણ થાય એ સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો.

પ્રધાનમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી, કૅબિનેટ સચિવ, ગૃહ સચિવ, માર્ગ પરિવહન અને હાઇ વેઝ સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ મીટિંગમાં ભાગ લીધો હતો.

SD/GP/JD

 (Release ID: 1715522) Visitor Counter : 14