પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડના વિતરણની શરૂઆત કરી

વિવિધ મિલકતના 4.09 લાખ માલિકોને તેમના ઇ-પ્રોપર્ટી કાર્ડ આપ્યાં

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયત પુરસ્કારો 2021 પણ એનાયત કર્યા

કોરોનાના નિયંત્રણમાં પંચાયતોની ભૂમિકાને બિરદાવી

હાલના મુશ્કેલ સ્થિતિસંજોગોમાં કોઈ પરિવાર ભૂખ્યો ન રહે એ આપણી જવાબદારી છેઃ પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2 મહિના 80 કરોડ લાભાર્થીઓને નિઃશુલ્ક અનાજ પ્રદાન કરશે, કેન્દ્ર સરકારે યોજના પર રૂ. 26,000 કરોડથી વધારેનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશેઃ પ્રધાનમંત્રી

કેન્દ્ર સરકાર એની તમામ નીતિઓ અને પહેલોના કેન્દ્રમાં ગામડાઓને રાખે છેઃ પ્રધાનમંત્રી

ભારત સરકારે પંચાયતોને અભૂતપૂર્વ રૂ. 2.25 લાખ કરોડની ફાળવણી કરી. આ પારદર્શકતાની ઊંચી અપેક્ષા તરફ પણ દોરી જશેઃ પ્રધાનમંત્રી

Posted On: 24 APR 2021 1:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય પંચાયત રાજ દિવસ પર વીડિયો કોન્ફરન્સ મારફતે સ્વામિત્વ યોજના અંતર્ગત ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ શરૂ કર્યું હતું. આ પ્રસંગે જુદી જુદી સંપત્તિઓના 4.09 લાખ માલિકોને ઇ-પ્રોપર્ટી કાર્ડનું વિતરણ થયું હતું, જેના પગલે સમગ્ર દેશમાં અમલીકરણ માટે સ્વામિત્વ યોજના શરૂ પણ થઈ હતી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમર ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત આ કાર્યક્રમમાં સંબંધિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પંચાયતરાજ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પંચાયતીરાજ દિવસ ગ્રામીણ ભારતના નવનિર્માણના સંકલ્પોની કટિબદ્ધતા પ્રત્યે આપણી જાતને પુનઃસમર્પિત કરવાનો પ્રસંગ છે. તેમણે કહ્યું હતું કે, આ દિવસ આપણી ગ્રામપંચાયતોના યોગદાન અને તેમના અસાધારણ કાર્યને બિરદાવવાનો પણ દિવસ છે.

પ્રધાનમંત્રીએ કોરોના રોગચાળાને નિયંત્રણમાં રાખવા અને ગામડાઓમાં કોરોનાને અટકાવવા સ્થાનિક નેતૃત્વ પ્રદાન કરવા તેમજ જાગૃતિ લાવવામાં પંચાયતોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. તેમણે રોગચાળાને ગ્રામીણ ભારતની બહાર જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ પંચાયતોને નિયમિત સમયાંતરે જાહેર થતી માર્ગદર્શિકાઓના સંપૂર્ણ અમલીકરણની સુનિશ્ચિતતા કરવા જણાવ્યું હતું. તેમણે યાદ અપાવ્યું હતું કે, અત્યારે આપણી પાસે રસીનું કવચ છે. તેમણે ઉમેર્યું હતું કે, આપણે સુનિશ્ચિત કરવું પડશે કે ગામમાં દરેક વ્યક્તિનું રસીકરણ થાય અને દરેક સાવચેતી લેવામાં આવે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, હાલ મુશ્કેલ સ્થિતિસંજોગોમાં આપણે કોઈ પરિવાર ભૂખ્યો ન રહે એ આપણી જવાબદારી છે. તેમણે જાણકારી આપી હતી કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત દરેક ગરીબ વ્યક્તિને મે અને જૂન મહિનામાં નિઃશુલ્ક અનાજ મળશે. આ યોજનાથી 80 કરોડ લાભાર્થીઓને લાભ લેશે અને કેન્દ્ર સરકારે આ યોજના પર રૂ. 26,000 કરોડથી વધારેનો ખર્ચ કરશે.

 

પ્રધાનમંત્રીએ 6 રાજ્યોમાં સ્વામિત્વ યોજનાની અસર વિશે પણ જણાવ્યું હતું, જ્યાં એક વર્ષની અંદર આ યોજના શરૂ થઈ હતી. આ યોજના અંતર્ગત ગામની તમામ મિલકતોનો ડ્રોન દ્વારા સર્વે થાય છે અને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ માલિકોને કરવામાં આવે છે. આજે 5 હજારથી વધારે ગામડાઓમાં 4.09 લાખ લોકોને આ પ્રકારના ઇ-પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવ્યાં હતાં. આ યોજનાથી ગામડાઓમાં નવો આત્મવિશ્વાસ જાગ્યો છે, કારણ કે મિલકતના દસ્તાવેજો અનિશ્ચિતતા દૂર કરે છે અને મિલકત સંબંધિત વિવાદો ઊભી થવાની શક્યતા ઘટાડે છે તેમજ સાથે સાથે શોષણ અને ભ્રષ્ટાચારથી ગરીબોનું રક્ષણ કરે છે. આ ધિરાણની મેળવવાની શક્યતા પણ વધારે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ રીતે આ યોજના ગરીબ વર્ગની સુરક્ષા તથા ગામડાઓ અને તેમના અર્થતંત્રના આયોજિત વિકાસને સુનિશ્ચિત કરશે. તેમણે રાજ્યોને સર્વે ઓફ ઇન્ડિયા સાથે એમઓયુ (સમજૂતીકરાર) કરવાની તથા જ્યાં જરૂર પડે ત્યાં રાજ્યના કાયદાઓ બદલવાની વિનંતી કરી હતી. તેમણે બેંકોને લોનની ઔપચારિકતાઓ માટે સરળતાપૂર્વક સ્વીકાર્ય પ્રોપર્ટી કાર્ડની ફોર્મેટ તૈયાર કરીને સરળ ધિરાણ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આપણા દેશની પ્રગતિ અને સંસ્કૃતિનું નેતૃત્વ હંમેશા આપણા ગામડાંએ કર્યું છે. ગામડાઓમાંથી આપણને હંમેશા પ્રગતિશીલ અને સાંસ્કૃતિક નેતૃત્વ મળ્યું છે. આ કારણસર કેન્દ્ર સરકાર એની તમામ નીતિઓ અને પહેલોના કેન્દ્રમાં ગામડાઓને રાખે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમારો પ્રયાસ છે કે, આધુનિક ભારતના ગામ સમર્થ હોય અને આત્મનિર્ભર હોય.

 

પ્રધાનમંત્રીએ પંચાયતની ભૂમિકા વધારવા માટે વિવિધ પગલાં વિશે જણાવ્યું હતું. પંચાયતોને નવા અધિકારો મળી રહ્યાં છે, તેઓ ફાઇબરનેટથી જોડાઈ રહી છે. જલજીવન અભિયાનમાં દરેક ઘરને નળ દ્વાર પીવાનું પાણી તેમની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે. એ જ રીતે દરેક ગરીબ વ્યક્તિને પાકું ઘર પ્રદાન કરવાનું અભિયાન હોય કે ગ્રામીણ રોજગારીની યોજના હોય, આ તમામ પંચાયતો દ્વારા સંચાલિત છે. પ્રધાનમંત્રીએ પંચાયતોની નાણાકીય સ્વાયતત્તા વધારવા વિશે પણ વાત કરી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે, ભારત સરકારે પંચાયતોને રૂ. 2.25 લાખ કરોડની અભૂતપૂર્વ ફાળવણી કરી છે. આ નાણાકીય ખાતાઓમાં પારદર્શકતાની ઊંચી અપેક્ષા તરફ દોરી જશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પંચાયતીરાજ મંત્રાલયે ઇ-ગ્રામ સ્વરાજ દ્વારા ઓનલાઇન ચુકવણીની વ્યવસ્થા કરી છે. હવે તમામ ચુકવણી જાહેર નાણાકીય વ્યવસ્થાપન વ્યવસ્થા (પીએફએમએસ) દ્વારા થશે. એ જ રીતે ઓનલાઇન ઓડિટ પારદર્શકતા સુનિશ્ચિત થશે. તેમણે કહ્યું હતું કે, પંચાયતો પીએફએમએસ સાથે જોડાઈ છે અને અન્યોને પણ ઝડપથી જોડાવા પ્રેરિત કર્યા છે.

આઝાદીના 75મા વર્ષની ઉજવણીની આગામી શરૂઆતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ પંચાયતોને પડકારો સામે વિકાસનું ચક્ર ફરતું રાખવા કહ્યું હતું. તેમણે નિર્ધારિત સમયગાળામાં તેમના ગામની વિકાસ લક્ષ્યાંકો નિર્ધારિત કરવા અને તેમને સાકાર કરવા જણાવ્યું હતું.

 

સ્વામિત્વ યોજના વિશે

સ્વામિત્વ (ગામડાનો સર્વે અને ગ્રામીણ વિસ્તારોમાં અદ્યતન ટેકનોલોજી સાથે મેપિંગ)ને પ્રધાનમંત્રીએ 24 એપ્રિલ, 2020ના રોજ કેન્દ્ર સરકારની યોજના તરીકે શરૂ કરી હતી, જેનો આશય સામાજિક-આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર ગ્રામીણ ભારતને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના મેપિંગ અને સર્વેના અદ્યતન ટેકનિકલ ટૂલ્સનો ઉપયોગ કરીને ગ્રામીણ ભારતનું નવનિર્માણ કરવાની સંભવિતતા ધરાવે છે. વળી આ યોજનાએ લોન લેવા અને અન્ય નાણાકીય લાભો મેળવવા નાણાકીય સંપત્તિ તરીકે મિલકતનો ઉપયોગ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. એમાં વર્ષ 2021થી વર્ષ 2025 દરમિયાન સંપૂર્ણ દેશના આશરે 6.62 લાખ ગામડાઓને આવરી લેવામાં આવશે.

આ યોજનાના પ્રાયોગિક તબક્કાનો અમલ વર્ષ 2020-21 દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક, હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ તથા પંજાબ અને રાજસ્થાનના પસંદગીના ગામડાઓમાં થયો હતો.

 

SD/GP/JD

 (Release ID: 1713772) Visitor Counter : 155