પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત-ફિનલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલન

Posted On: 16 MAR 2021 7:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક ફિનલેન્ડના પ્રધાનમંત્રી મહામહિમ શ્રીમતી સાના મેરિને આજે વર્ચ્યુઅલ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું. તેમાં બંને નેતાઓ બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાંઓ પર તેમજ પારસ્પરિક હિત સાથે સંબંધિત અન્ય પ્રાદેશિક અને બહુરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

બંને નેતાઓએ ભારત અને ફિનલેન્ડ વચ્ચે ગાઢ સંબંધો લોકશાહી, કાયદાના શાસન, સમાનતા, અભિવ્યક્તિની આઝાદી તથા માનવાધિકારો માટે સન્માનના સહિયારા મૂલ્યો પર આધારિત હોવાની પ્રશંસા કરી હતી. તેમણે દુનિયામાં બહુપક્ષીય વ્યવસ્થા, નિયમ-આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, પર્યાવરણને અનુકૂળ વિકાસ અને આબોહવામાં પરિવર્તનનો સામનો કરવા માટે ખભેખભો મિલાવીને કામ કરવા માટે તેમની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.

બંને નેતાઓએ બંને દેશો વચ્ચે ચાલુ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી તથા વેપાર અને રોકાણ, ઇનોવેશન, શિક્ષણ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, 5જી/6જી અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગ સહિત વિકસતી ટેકનોલોજીઓ જેવા તમામ ક્ષેત્રોમાં સંબંધોને વધારીને એમાં વિવિધતા લાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ ટેકનોલોજીઓમાં ફિનલેન્ડની પ્રશંસા કરી હતી તથા પર્યાવરણને અનુકૂળ વિકાસ તરફ ભારતની આગેકૂચમાં સહભાગી થવા ફિનલેન્ડની કંપનીઓ માટેની સંભવિતતા વિશે જાણકારી આપી હતી. આ સંદર્ભમાં તેમણે પુનઃપ્રાપ્ય ઊર્જા અને જૈવ-ઊર્જા, પર્યાવરણને અનુકૂળ ટકાઉ વિકાસ, એજ્યુ-ટેક, ફાર્મા અને ડિજિટાઇઝેશન જેવા ક્ષેત્રોમાં સાથસહકાર વધારવાનું સૂચન કર્યું હતું.

બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સમીક્ષા કરીને અભિપ્રાયોનું આદાનપ્રદાન કર્યું હતું, જેમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેની ભાગીદારી, આર્કટિક વિસ્તારમાં સાથસહકાર, ડબલ્યુટીઓ અને યુએનમાં સુધારા જેવા મુદ્દા સામેલ હતા. બંને પક્ષોએ ભારત અને ફિનલેન્ડ માટે આફ્રિકામાં વિકાસલક્ષી કામગીરીઓ હાથ ધરવા સાથસહકાર માટેની સંભવિતતા પણ વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રી મોદીએ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન (આઇએસએ) અને આપત્તિમાં ટકી શકે એવા મજબૂત માળખાના સર્જન માટે જોડાણ (સીડીઆરઆઈ)માં જોડાવા ફિનલેન્ડને આમંત્રણ આપ્યું હતું.

બંને નેતાઓએ કોવિડ-19 રોગચાળાને પગલે ઊભી થયેલી સ્થિતિની પણ ચર્ચા કરી હતી, જેમાં બંને દેશોના રસીકરણ અભિયાન અંગેનો મુદ્દો સામેલ હતો. બંને નેતાઓએ તમામ દેશોને રસી તાત્કાલિક અને વાજબી દરે ઉપલબ્ધ થાય એ માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

બંને નેતાઓએ પોર્ટોમાં ભારત-યુરોપિયન યુનિયન લીડર્સની બેઠક અને ઇન્ડિયા-નોર્ડિક શિખર સંમેલન દરમિયાન તેમની આગામી બેઠકો માટે આતુરતા વ્યક્ત કરી હતી.

 

***

SD/GP/DK


(Release ID: 1705273) Visitor Counter : 271