પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત- ફિનલેન્ડ વર્ચ્યુઅલ શિખર મંત્રણાના પ્રારંભમાં પ્રધાનમંત્રીની ટિપ્પણીનો મૂળપાઠ

Posted On: 16 MAR 2021 7:09PM by PIB Ahmedabad

મહામહિમ,

નમસ્કાર!

આપની ટિપ્પણી બદલ ખૂબ ખૂબ આભાર.


મહામહિમ,
કોવિડ-19ના કારણે ફિનલેન્ડમાં થયેલી જાનહાનિ બદલ સમગ્ર ભારત વતી હું ઘેરા દુઃખની લાગણી વ્યક્ત કરું છું. આપના નેતૃત્ત્વમાં ફિનલેન્ડે મહામારીને કૌશલ્યપૂર્વક નિયંત્રણમાં લીધી છે. તે બદલ આપને અભિનંદન પાઠવું છું.


મહામહિમ,
મહામારી દરમિયાન ભારતે પોતાના સ્થાનિક સંઘર્ષની સાથે સાતે વિશ્વની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખ્યું છે. છેલ્લા એક વર્ષમાં અમે 150થી વધારે દેશોમાં દવાઓ અને અન્ય આવશ્યક સામગ્રીઓનો જથ્થો મોકલ્યો છે. અને તાજેતરમાં અમે લગભગ 70 દેશોમાં ભારતમાં બનેલી રસીના 58 મિલિયનથી પણ વધારે ડોઝ પહોંચાડ્યા છે. હું આપને આશ્વાસન આપવા માગું છુ કે, અમે અમારી ક્ષમતા અનુસાર સંપૂર્ણ માનવજાતને ભવિષ્યમાં પણ સહકાર આપતા રહીશું.


મહામહિમ,
ફિનલેન્ડ અને ભારત બંને એક નિયમ આધારિત, પારદર્શક, માનવતાવાદી અને લોકશાહી વૈશ્વિક વ્યવસ્થામાં વિશ્વાસ રાખે છે. ટેકનોલોજી, આવિષ્કાર, સ્વચ્છ ઉર્જા, પર્યાવરણ, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં આપણી વચ્ચે મજબૂત સહયોગ છે. કોવિડ પછીના સમયમાં વૈશ્વિક આર્થિક રીકવરી માટે પણ તમામ ક્ષેત્રો ખૂબ મહત્વપૂર્ણ છે. સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં ફિનલેન્ડ વૈશ્વિક અગ્રણી છે અને ભારતનું એક મહત્વનું ભાગીદાર પણ છે. તેમજ તમે હવે આબોહવા પરિવર્તનની ચિંતા કરી છે, તો હું ક્યારેક ક્યારેક મારા મિત્રોને મજાકમાં કહેતો હોઉં છું કે, આપણે પ્રકૃતિ સાથે એટલો અન્યાય કર્યો છે અને પ્રકૃતિ ગુસ્સામાં છે કે, આજે આપણે આખી માનવજાતે, આપણને મોં બતાવવા જેવા રાખ્યા નથી અને આથી આપણે સૌએ આપણા મોં પર માસ્ક બાંધીને, આપણા મોં છુપાવીને ફરવું પડે છે કારણ કે આપણે પ્રકૃતિ સાથે એટલો અન્યાય કર્યો છે કે, હું મારા સાથીઓ વચ્ચે મજાકમાં ક્યારેક ક્યારેક કહું છું, ભારતે આબોહવા સંબંધિત ઉદ્દેશોની પ્રાપ્તિ માટે, મહત્વાકાંક્ષી લક્ષ્યો નિર્ધારિત કર્યા છે. અક્ષય ઉર્જામાં અમે 2030 સુધીમાં 450 ગીગાવોટ ઇન્સ્ટોલ કરેલી ક્ષમતાનું લક્ષ્ય રાખ્યું છે. આંતરરાષ્ટ્રીય સહયોગ વધારવા માટે અમે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન અને આપત્તિ પ્રતિરોધક માળખાગત સુવિધા ગઠબંધન જેવી પહેલ પણ કરી છે. હું ફિનલેન્ડને ISA અને CDRIમાં જોડાવા માટે આગ્રહ કરું છું. ફિનલેન્ડની ક્ષમતા અને તજજ્ઞતાના કારણે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આપના મહારતનો લાભ થશે.

મહામહિમ,
ફિનલેન્ડ નવી અને ઉભરતી ટેકનોલોજી, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં પણ અગ્રણી સ્થાન ધરાવે છે. તમામ ક્ષેત્રમાં આપણા સહયોગની સંભાવના છે. મને ઘણી ખુશી થઇ રહી છે કે, આજે આપણે ICT, મોબાઇલ ટેકનોલોજી અને ડિજિટલ શિક્ષણના ક્ષેત્રમાં એક નવી ભાગીદારીની જાહેરાત કરી રહ્યાં છીએ. અમારું શિક્ષણ મંત્રાલય પણ એક ઉચ્ચ સ્તરીય સંવાદ શરૂ કરી રહ્યું છે. મને આશા છે કે, આજે આપણી શિખર મંત્રણાથી ભારત અને ફિનલેન્ડના સંબંધોમાં વિકાસમાં વધુ ગતિ આવશે.


મહામહિમ,
આજે આપણી પહેલી મુલાકાત છે. જો આપણે રૂબરૂ મળવાનું થશે તો ઘણું સારું થશે. પરંતુ ગયા વર્ષમાં આપણને સૌને ટેકનોલોજીની મુલાકાત કરવાની આદત થઇ ગઇ છે. પરંતુ મને ખુશી છે કે ટૂંક સમયમાં પોર્ટુગલમાં ભારત- EU શિખર સંમેલન અને ડેનમાર્કમાં ભારત- નોર્ડિક શિખર સંમેલન દરમિયાન મુલાકાતનો અવસર પ્રાપ્ત થશે. હું આપને ભારત પ્રવાસે આવવા માટે આમંત્રણ પાઠવું છું. આપને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે આપ અવશ્ય ભારત આવો. હું પ્રારંભિકને અહીં સમાપ્ત કરું છું. હવે પછીના સત્રમાં આપણે આગળની વાત કરીશું.

ખૂબ ખૂબ આભાર.

*****

SD/GP/DK



(Release ID: 1705272) Visitor Counter : 172