માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે ડિજિટલ ન્યૂઝ પ્રકાશકોના પ્રતિનિધિઓ સાથે વાર્તાલાપ કર્યો
प्रविष्टि तिथि:
11 MAR 2021 6:15PM by PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે IT (મધ્યસ્થી માર્ગદર્શિકાઓ અને ડિજિટલ મીડિયા નૈતિકતા સંહિતા) નિયમો, 2021ના પગલે ડિજિટલ ન્યૂઝ પ્રકાશકોના પ્રતિનિધિઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કર્યો હતો. આ વાર્તાલાપમાં ઇન્ડિયા ટુડે, દૈનિક ભાસ્કર, હિન્દુસ્તાન ટાઇમ્સ, ઇન્ડિયન એક્સપ્રેસ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ABP, ઇનાડુ, દૈનિક જાગરણ, લોકમત વગેરેના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.
સહભાગીઓને સંબોધતા શ્રી જાવડેકરે માહિતી આપી હતી કે, નવા કાયદામાં ડિજિટલ ન્યૂઝ પ્રકાશકો પર કેટલીક જવાબદારીઓ મૂકવામાં આવી છે. તેમાં ભારતીય પ્રેસ કાઉન્સિલ અને કેબલ ટેલિવિઝન નેટવર્ક અધિનિયમ અંતર્ગત કાર્યક્રમ સંહિતા દ્વારા ઘડવામાં આવેલી પત્રકારત્વ સંહિતાના માપદંડો જેવી નૈતિકતાની સંહિતાનું પાલન કરવાનો સમાવેશ થાય છે. વધુમાં, નાગરિકોની ફરિયાદોના નિકાલ માટે આ નિયમોમાં ત્રિ-સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થાની જોગવાઇ કરવામાં આવી છે જેમાંથી પ્રથમ અને બીજું સ્તર ડિજિટલ ન્યૂઝ પ્રકાશકોનું રહેશે અને તેમના દ્વારા સ્વ-નિયમનકારી સંગઠનોની રચના કરવામાં આવશે. ડિજિટલ ન્યૂઝ પ્રકાશકોએ મંત્રાલયને સરળ સ્વરૂપમાં કેટલીક પાયાની માહિતી પણ પૂરી પાડવાની રહેશે જેનું અંતિમ પ્રારૂપ તૈયાર કરવામાં આવી રહ્યું છે તેમજ તબક્કાવાર તેમણે પોતાના દ્વારા હાથ ધરવામાં આવેલી ફરિયાદ નિવારણની કામગીરીઓની માહિતી સાર્વજનિક ડોમેન પર જાહેર કરવાની રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, પ્રિન્ટ મીડિયા અને ટીવી ચેનલો ડિજિટલ સંસ્કરણો ધરાવે છે તેમની સામગ્રી પરંપરાગત પ્લેટફોર્મ પર લગભગ એકસમાન હોય છે. આ ઉપરાંત, એવી કેટલીક સંસ્થાઓ છે જે માત્ર ડિજિટલ પ્લેટફોર્મ ધરાવે છે. તદઅનુસાર, નિયમોમાં ડિજિટલ મીડિયા પર સમાચારને આવરી લેવામાં આવ્યા છે જેથી તેમને પરંપરાગત મીડિયાની હરોળમાં લાવી શકાય.
સહભાગીઓએ નવા નિયમોને આવકારતી વખતે જણાવ્યું હતું કે, TV અને સમાચાર પ્રિન્ટ મીડિયા દ્વારા કેબલ ટેલિવિઝન નેટવર્ક અધિનિયમ અને પ્રેસ કાઉન્સિલ અધિનિયમનું ખૂબ જ લાંબા સમયથી પાલન કરવામાં આવે છે. વધુમાં, ડિજિટલ સંસ્કરણોના પ્રકાશન માટે પ્રકાશકો પરંપરાગત પ્લેટફોર્મના જ ધોરણોનું પાલન કરે છે. તેમને લાગ્યું કે, તેમની સાથે ફક્ત ડિજિટલ પ્લેટફોર્મ પર હોય તેવા સમાચાર પ્રકાશકો કરતાં અલગ રીતે વર્તન થવું જોઇએ.
શ્રી જાવડેકરે તમામ સહભાગીઓએ પોતાના અભિપ્રાયો આપ્યા તે બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, સરકાર આ બાબતે નોંધ લેશે અને મીડિયા ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે આ પરામર્શકારી પ્રક્રિયા સાથે આગળ વધશે.
(रिलीज़ आईडी: 1704219)
आगंतुक पटल : 421