પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અંદાજપત્રમાં કરવામાં આવેલી કૃષિ અને ખેડૂત કલ્યાણ સંબંધિત જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશે યોજાયેલા વેબિનારમાં સંબોધન કર્યું
કૃષિ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસની દિશામાં ખાનગી ક્ષેત્રના વધુ યોગદાનની જરૂરિયાત પર ભાર મૂક્યો
નાના ખેડૂતોનું સશક્તિકરણ સરકારની દૂરંદેશીમાં કેન્દ્ર સ્થાને છે: પ્રધાનમંત્રી
આપણે દેશના કૃષિ ક્ષેત્રનું પ્રસંસ્કરણ કરેલી ખાદ્યચીજોના વૈશ્વિક બજારમાં વિસ્તરણ કરવાનું છે: પ્રધાનમંત્રી
Posted On:
01 MAR 2021 12:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અંદાજપત્રમાં કરવામાં આવેલી કૃષિ અને ખેડૂત કલ્યાણ સંબંધિત જોગવાઇઓના અસરકારક અમલીકરણ વિશે આજે યોજાયેલા વેબિનારમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કર્યું હતું. આ વેબિનારમાં કૃષિ, ડેરી, મત્સ્યપાલનના નિષ્ણાતો, જાહેર, ખાનગી તેમજ કોર્પોરેટ ક્ષેત્રના હિતધારકો અને ગ્રામીણ અર્થતંત્રને ભંડોળ પૂરું પાડતી બેંકોના પ્રતિનિધિઓ તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે સંબોધન આપતી વખતે પ્રધાનમંત્રીએ નાના ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખતી સરકારની દૂરંદેશીને રેખાંકિત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આ નાના ખેડૂતોનું સશક્તિકરણ કરવાથી ભારતીય કૃષિ ક્ષેત્રને સંખ્યાબંધ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવામાં મદદ મળી રહેશે. તેમણે કેન્દ્રીય અંદાજપત્રમાં પશુ સંવર્ધન, ડેરી અને મત્સ્યપાલન ક્ષેત્રને પ્રાથમિકતા સાથે રૂપિયા 16,50,000 કરોડના કૃષિ ધિરાણના લક્ષ્યમાં વૃદ્ધિ કરવી, ગ્રામીણ માળખાકીય સુવિધા ભંડોળને વધારીને રૂપિયા 40,000 કરોડ કરવું, સુક્ષ્મ સિંચાઇ માટે ફાળવણી બમણી કરવી, ઓપરેશન ગ્રીન યોજનાનો અવકાશ વધારીને ઝડપથી બગડી શકે તેવા 22 ઉત્પાદનો સુધી તેનું વિસ્તરણ કરવું અને 1000થી વધારે મંડીને e-NAM સાથે જોડવી વગેરે અંદાજપત્રમાં કરવામાં આવેલી જોગવાઇઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે સતત વધી રહેલા કૃષિ ઉત્પાદનોની સ્થિતિ વચ્ચે, લણણી પછીની ક્રાંતિ અથવા ખાદ્ય પ્રસંસ્કરણ ક્રાંતિ અને 21મી સદીમાં મૂલ્યવર્ધનની ભારતમાં રહેલી જરૂરિયાતો પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે ટિપ્પણી કરી હતી કે, જો આ કામ બેથી ત્રણ દાયકા પહેલાં કરી દેવામાં આવ્યું હોત તો દેશ માટે ખૂબ જ સારું રહ્યું હોત.
પ્રધાનમંત્રીએ ખૂબ જ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ખાદ્યાન્ન, શાકભાજી, ફળો, માછલી વગેરે કૃષિ સંબંધિત તમામ ક્ષેત્રોમાં પ્રસંસ્કરણનો વિકાસ કરવાની જરૂરિયાત છે. તેમણે કહ્યું હતું કે, આના માટે, ખેડૂતોને તેમના ગામડાંઓની નજીકમાં જ ક્યાંક સંગ્રહની સુવિધા ઉપલબ્ધ થાય તે ખૂબ જ આવશ્યક છે. તેમણે ઉપજને ખેતરમાંથી પ્રસંસ્કરણ એકમો સુધી લઇ જવા માટેની પ્રણાલીમાં સુધારો કરવાનું આહ્વાન કર્યું હતું અને ભારપૂર્વક કહ્યું હતું કે, આવા એકમોના સંચાલનમાં ખેડૂત ઉત્પાદક સંઘો (FPO)નું માર્ગદર્શન રહેશે. તેમણે દેશના ખેડૂતોને પોતાની ઉપજ વેચવા માટે વધુ વિકલ્પો મળે તે પ્રકારના વિસ્તરણ પર વિશેષ ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “આપણે આપણા કૃષિ ક્ષેત્રનું પ્રસંસ્કરણ કરેલી ખાદ્યચીજો માટેના વૈશ્વિક બજારોમાં વિસ્તરણ કરવાનું છે. આપણે અવશ્યપણે ગામડાંઓની નજીકમાં કૃષિ-ઉદ્યોગ ક્લસ્ટર્સની સંખ્યામાં વધારો કરવો જોઇએ જેથી ગામડાંના લોકોને ગામડાંમાં જ કૃષિ સંબંધિત રોજગારીની તકો ઉપલબ્ધ થઇ શકે.” તેમણે ઉમેર્યું હતું કે, ઓર્ગેનિક ક્લસ્ટર્સ અને નિકાસ ક્લસ્ટર્સ આ બાબતે મહત્વની ભૂમિકા નિભાવશે. તેમણે એવી પણ પરિકલ્પના રજૂ કરી હતી કે, આપણે એવા પરિદૃશ્ય તરફ ખસવાનું છે જ્યાં કૃષિ આધારિત ઉપજો ગામડાંઓમાંથી શહેરોમાં પહોંચી શકે અને ઔદ્યોગિક ઉત્પાદનો શહેરોમાંથી ગામડાંઓ સુધી પહોંચી શકે. તેમણે ભારપૂર્વક એમ પણ કહ્યું હતું કે, આપણા ઉત્પાદનોને વૈશ્વિક બજારો સુધી લઇ જવા માટે એક જિલ્લો, એક ઉત્પાદન યોજનાનો લાભ મેળવવાની સંભાવનાઓ શોધવાની પણ જરૂર છે.
પ્રધાનમંત્રીએ અફસોસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભારતની ગણના દુનિયાના સૌથી મોટા મત્સ્ય ઉત્પાદકો અને નિકાસકારોમાં થતી હોવા છતાં, આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રસંસ્કરણ કરેલી માછલીઓની બાબતે આપણી ઉપસ્થિતિ ખૂબ જ મર્યાદિત છે. તેમણે કહ્યું હતું કે, આ પરિસ્થિતિમાં પરિવર્તન લાવવા માટે ખાવા માટે તૈયાર, રાંધવા માટે તૈયાર, પ્રસંસ્કરણ કરેલા ફળો અને શાકભાજી, પ્રસંસ્કરણ કરેલા સી-ફુડ અને મોઝેરેલા ચીઝ જેવા ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે અંદાજે રૂપિયા 11,000 કરોડના ઉત્પાદન સાથે સંકળાયેલ પ્રોત્સાહનની સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાત ઉપરાંત કેટલાક સુધારાઓની પણ જરૂરિયાત છે. તેમણે ઓપરેશન ગ્રીન્સ વિશે પણ વાત કરી હતી જે અંતર્ગત, તમામ ફળો અને શાકભાજીઓના પરિવહન માટે સરકાર દ્વારા 50 ટકા સબસિડી આપવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લા 6 મહિનામાં અંદાજે 350 કિસાન રેલનું પરિચાલન કરીને લગભગ 1,00,000 મેટ્રિક ટન ફળો અને શાકભાજીઓનું આ ટ્રેનો દ્વારા પરિવહન કરવામાં આવ્યું છે. આ કિસાન રેલ સમગ્ર દેશ માટે કોલ્ડ સ્ટોરેજનું એક મજબૂત માધ્યમ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ, દેશના તમામ જિલ્લાઓમાં ફળો અને શાકભાજીના પ્રસંસ્કરણના ક્લસ્ટર્સનું નિર્માણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી સુક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ અપગ્રેડેશન યોજના અંતર્ગત, લાખો સુક્ષ્મ ખાદ્ય પ્રસંસ્કરણ એકમોને મદદ કરવામાં આવી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કલાક અનુસાર ટ્રેક્ટર, સ્ટ્રો મશીન અથવા કૃષિ સંબંધિત અન્ય મશીનરી ભાડે આપવા માટે સસ્તા અને અસરકારક વિકલ્પોની મદદથી નાના ખેડૂતોને સહાય કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો એ વર્તમાન સમયની જરૂરિયાત છે. ખેતરમાંથી ઉપજોને બજાર સુધી પહોંચાડવા માટે ટ્રક એગ્રીગેટર્સનો ઉપયોગ કરીને સસ્તા અને કાર્યદક્ષ માધ્યમો પૂરાં પાડી શકાય છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, દેશમાં જમીન આરોગ્ય કાર્ડની સુવિધાનું વિસ્તરણ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ખેડૂતોમાં તેમની જમીનના આરોગ્ય વિશે જાગૃતિમાં જેટલો વધારો થશે એટલો પાકની ઉપજમાં પણ સુધારો આવશે.
પ્રધાનમંત્રીએ દેશમાં કૃષિ ક્ષેત્રમાં વધુ સંશોધન અને વિકાસ માટે ખાનગી ક્ષેત્રના વધારે યોગદાનની જરૂરિયાત પર પણ ખાસ ભાર મૂક્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, હવે આપણે ખેડૂતોને એવા વિકલ્પો પૂરાં પાડવાના છે જેમાં તેઓ માત્ર ઘઉં અને ચોખાનો ઉછેર કરવા માટે સીમિત ના હોય. આપણે સલાડ સંબંધિત શાકભાજીઓ માટે ઓર્ગેનિક ખાદ્યચીજો ઉછેરવાનો પ્રયાસ કરી શકીએ છીએ. એવા ઘણા અન્ય પાકો હોવાનું પણ તેમણે નોંધ્યું હતું. પ્રધાનમંત્રીએ એ બાબતે ખાસ ભાર મૂક્યો હતો કે, સી-વીડ અને બી-વેક્સના બજારમાં પણ વધુ ઉંડા ઉતરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, સી-વીડ ખેતી અને બી-વેક્સથી આપણા માછીમારો અને મધમાખી ઉછેર કરતા ખેડૂતો માટે વધારાની આવકનો પ્રવાહ ઉભો થશે. તેમણે ઉમેર્યું હતું કે, ખાનગી ક્ષેત્રની સહભાગીતાથી ખેડૂતોમાં પણ વિશ્વાસ વધશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારતમાં એક અથવા બીજા સ્વરૂપોમાં કરાર આધારિત ખેતીવાડી ઘણા લાંબા સમયથી અસ્તિત્વમાં છે જ. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કરાર આધારિત ખેતીવાડી માત્ર વ્યવસાયની પરિકલ્પના ન રહે પરંતુ આપણે તેનાથી ધરતી પ્રત્યેની આપણી જવાબદારી પણ પરિપૂર્ણ કરી શકીએ છીએ તે સુનિશ્ચિત કરવાની જરૂર છે.
પ્રધાનમંત્રીએ દેશમાં ખેતીવાડીની દિશામાં નક્કર પ્રયાસો કરવા માટે આહ્વાન કર્યું હતું જેથી સિંચાઇથી માંડીને રોપણી અને લણણી તેમજ કમાણી સુધીના વ્યાપક ટેકનોલોજીકલ ઉકેલો શોધી શકાય. તેમણે કહ્યું હતું કે, કૃષિ સાથે સંકળાયેલા સ્ટાર્ટઅપ્સને તેમજ આપણા યુવાનોને આ દિશામાં આગળ વધવા માટે આપણે પ્રોત્સાહન આપવાનું છે. તેમણે કહ્યું હતું કે, વર્ષોના સમયમાં, કિસાન ક્રેડિટ કાર્ડ ધીમે ધીમે ખેડૂતો, પશુ પાલકો, માછીમારો સુધી વિસ્તારવામાં આવ્યું છે અને એક વર્ષમાં 1.80 કરોડથી વધારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ્સ આપવામાં આવ્યા છે. 6-7 વર્ષની સરખામણીએ ધિરાણની જોગવાઇ બમણીથી વધારે કરવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, દેશમાં બાંધવામાં આવી રહેલા 10,000 FPOની મદદથી સહકારી સંઘોને વધુ મજબૂત કરવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
SD/GP/BT
(Release ID: 1701671)
Visitor Counter : 336
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam