સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેરળ, મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાતમાં કોવિડના નવા કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે
શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકોમાં કેન્દ્રએ રાજ્યોને ચુસ્ત દેખરેખ રાખવાની અને સહેજ પણ કચાશ ના રાખવાની સલાહ આપી
કોવિડના અસરકારક નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે સતર્ક રહેવા અને ચુસ્ત પગલાં ભરવા કહેવાયું
જ્યાં કેસોમાં વધારો થઇ રહ્યો છે જેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં બહુ-શાખીય ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો પહોંચી
Posted On:
28 FEB 2021 11:18AM by PIB Ahmedabad
ભારતમાં આજે કોવિડના કુલ સક્રિય કેસોની સંખ્યા 1,64,511 નોંધાઇ છે. ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોના ભારણની ટકાવારી આજે 1.48% નોંધાઇ છે.
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, તમિલનાડુ અને ગુજરાત આ છ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે. નવા નોંધાયેલા 86.37% કેસો આ છ રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 16,752 નવા કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસો નોંધાવાનું સતત ચાલુ છે જ્યાં નવા 8,623 કેસ પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં છેલ્લા 24 કલાકમાં વધુ 3,792 અને પંજાબમાં નવા 593 દર્દીઓ સંક્રમિત થયા છે.
આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોમાં વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે.
જ્યાં સક્રિય કેસોની સંખ્યા વધારે છે અને જ્યાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો નોંધાઇ રહ્યો છે તેવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે કેન્દ્ર સતત સંપર્કમાં છે. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં ગઇકાલે કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે એવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેલંગાણા, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ગુજરાત, પંજાબ, જમ્મુ અને કાશ્મીર તેમજ પશ્ચિમ બંગાળ સામેલ છે.
કેબિનેટ સચિવે પુનરુચ્ચાર કર્યો હતો કે, રાજ્યોએ સંક્રમણને નિયંત્રિત કરવાના સંદર્ભમાં સઘન દેખરેખ રાખવાનું ચાલુ જ રાખવાની જરૂર છે અને ગયા વર્ષે સહિયારા સખત પરિશ્રમના કારણે થયેલો સુધારો વ્યર્થ જવો જોઇએ નહીં. રાજ્યોને તેમની સલામતીના પગલાં સહેજ પણ ઓછા ના કરવાની, કોવિડ માટે યોગ્ય વર્તણૂકનું ચુસ્ત પાલન કરવાની અને ઉલ્લંઘનોના કિસ્સાઓનો દૃઢતાપૂર્વક સામનો કરવાની સલાહ આપવામાં આવી છે. સંભવિત સુપર સ્પ્રેડિંગની ઘટનાઓના અનુસંધાનમાં અસરકારક દેખરેખ વ્યૂહનીતિનું ચુસ્ત પાલન કરવાની જરૂર હોવાનું પણ આ બેઠકમાં રેખાંકિત કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર દ્વારા કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાત તેમજ જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ)માં વધી રહેલા કેસોનું કારણ જાણવા માટે તેમજ રાજ્ય આરોગ્ય વિભાગો સાથે કોવિડ-19ના નિયંત્રણ અને કન્ટેઇન્મેન્ટના પગલાંમાં સંકલન સાધવા માટે ઉચ્ચ સ્તરીય બહુ-શાખીય ટીમો પણ નિયુક્ત કરવામાં આવી છે.
જો કોવિડ-19 વિરોધી રસીકરણની વાત કરીએ તો, આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં કુલ 2,92,312 સત્રોનું આયોજન કરીને કુલ 1,43,01,266 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 66,69,985 HCW (1લો ડોઝ), 24,56,191 HCW (2જો ડોઝ) અને 51,75,090 FLW (1લો ડોઝ) સામેલ છે..
60 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના તેમજ સહ-બીમારી ધરાવતા હોય તેવા 45 વર્ષ અથવા તેથી વધુ ઉંમરના લોકો માટે 1 માર્ચ 2021થી કોવિડ-19 વિરોધી રસીકરણના બીજા તબક્કાનો પ્રારંભ કરવા માટે ભારતે તમામ તૈયારીઓ કરી લીધી છે. કોવિડ-19 રસીકરણની ક્ષમતામાં વધારો કરવા માટે આયુષમાન ભારત PMJAY અંતર્ગત અંદાજે 10,000 ખાનગી હોસ્પિટલો અને કેન્દ્ર સરકારની આરોગ્ય વીમા યોજના અંતર્ગત 600થી વધારે ખાનગી હોસ્પિટલોનો કોવિડ રસીકરણ કેન્દ્રો તરીકે ઉપયોગ કરવામાં આવશે. રાજ્ય સરકાર આરોગ્ય વીમા યોજના હેઠળ પેનલમા સમાવિષ્ટ અને ખાનગી હોસ્પિટલો પણ કોવિડ-19 રસીકરણ કેન્દ્રો (CVC) તરીકે સહભાગી થઇ શકે.
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા કોવિડ-19 રસીકરણ કેન્દ્રો તરીકે ઉપયોગ કરવાનો હોય તેવી CGHS પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલોની યાદી અહીંથી પ્રાપ્ત કરી શકાય છે:
https://www.mohfw.gov.in/pdf/CGHSEmphospitals.xlsx
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા કોવિડ-19 રસીકરણ કેન્દ્રો તરીકે ઉપયોગ કરવાનો હોય તેવી આયુષમાન ભારત PM-JAY પેનલમાં સમાવિષ્ટ હોસ્પિટલોની યાદી અહીંથી પ્રાપ્ત કરી શકાય છે:
https://www.mohfw.gov.in/pdf/PMJAYPRIVATEHOSPITALSCONSOLIDATED.xlsx
દેશમાં આજદિન સુધીમાં કુલ 1.07 કરોડ (1,07,75,169) લોકો સાજા થઇ ગયા છે. છેલ્લા 24 કલાકમાં 11,718 દર્દીઓ સાજા થઇ જવાથી તેમને રજા આપવામાં આવી છે.
નવા સાજા થયેલા 84.19% દર્દીઓ 6 રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
સમગ્ર દેશમાં કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 4,650 દર્દીઓ સાજા થયા છે. તે પછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 3,648 દર્દી જ્યારે તમિલનાડુમાં વધુ 491 દર્દી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 113 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યમાંથી 84.96% દર્દીઓ છ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (51) નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં દૈનિક ધોરણે વધુ 18 જ્યારે પંજાબમાં વધુ 11 દર્દી મૃત્યુ પામ્યા છે.
ઓગણીસ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ એવા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઓડિશા, ગોવા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, આસામ, લક્ષદ્વીપ, મણીપુર, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1701523)
Visitor Counter : 303
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu