પ્રધાનમંત્રીનું કાર્યાલય

નીતિ આયોગની વહીવટી પરિષદની છઠ્ઠી બેઠકમાં પ્રધાનમંત્રીનું પ્રારંભિક નિવેદન


કેન્દ્ર, રાજ્ય સરકારો વચ્ચે સાથસહકાર અતિ મહત્ત્વપૂર્ણ છેઃ પ્રધાનમંત્રી

તેમણે રાજ્યોને પીએલઆઇ યોજનાનો સંપૂર્ણ લાભ લેવા અને મહત્તમ રોકાણ મેળવવા અપીલ કરી

Posted On: 20 FEB 2021 11:57AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આજે નીતિ આયોગની વહીવટી પરિષદની છઠ્ઠી બેઠકમાં પ્રારંભિક નિવેદન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ આ બેઠકનો સંબોધન કરતાં જણાવ્યું હતું કે, દેશની પ્રગતિનો આધાર સહકારી સંઘવાદ છે તથા આજની બેઠકમાં એને વધારે અર્થસભર બનાવવા અને સ્પર્ધાત્મક સહકારી સંઘવાદ તરફ અગ્રેસર થવા ચર્ચાવિચારણા થશે. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોરોના રોગચાળા દરમિયાન રાજ્યો અને કેન્દ્ર સરકારે ખભેખભો મિલાવીને કામ કર્યું હતું, ત્યારે સંપૂર્ણ દેશને સફળતા મળી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજની બેઠકની કાર્યસૂચિના મુદ્દાની પસંદગી દેશ માટે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખીને થઈ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અત્યારે સમગ્ર દેશમાં ગરીબોને પાકું મકાન પૂરું પાડવા માટે એક અભિયાન યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. દેશમાં વર્ષ 2014 પછી વિવિધ શહેરો અને ગામડાઓમાં અત્યાર સુધી 2 કરોડ 40 લાખથી વધારે મકાનોનું નિર્માણ પૂર્ણ થયું છે. તેમણે કહ્યું હતું કે, જલ જીવન અભિયાન શરૂ થયાના 18 મહિનાના સમયગાળામાં 3.5 લાખથી વધારે ગ્રામીણ ઘરોને પાઇપ દ્વારા પીવાનું પાણી મળે એવી સુવિધા પૂરી પાડવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, ગામડાઓમાં ઇન્ટરનેટ જોડાણ માટે ભારત નેટ યોજના મોટા પરિવર્તન માટે એક માધ્યમરૂપ બની ગઈ છે. જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારો આ પ્રકારની તમામ યોજનાઓમાં સંયુક્તપણે કામ કરે છે, ત્યારે કામગીરીની ઝડપ વધશે અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓના લાભ પહોંચશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ચાલુ વર્ષના બજેટને તમામ વર્ગોનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે, જે દેશના મૂડને વ્યક્ત કરે છે. દેશવાસીઓએ પ્રગતિ કરવાનો નિર્ધાર કરી લીધો છે, તેઓ ઝડપથી વિકાસના માર્ગે અગ્રેસર થવા ઇચ્છે છે અને સમયનો વ્યય કરવા માંગતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, દેશના વિકાસની આ સફરમાં સહભાગી થવા માટે ખાનગી ક્ષેત્ર વધારે ઉત્સાહભેર આગળ આવ્યું છે. એક સરકાર તરીકે અમે આ ઉત્સાહને આવકારીએ છીએ, ખાનગી ક્ષેત્રની ક્ષમતાને સમજીએ છીએ અને આત્મનિર્ભર ભારત અભિયાનમાં ખાનગી ક્ષેત્રને વધારે તકો પ્રદાન કરીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અભિયાન ભારતના વિકાસની એક રીત છે, જે આપણી રાષ્ટ્રીય જરૂરિયાતો પૂર્ણ કરવાની સાથે દુનિયાની જરૂરિયાતો પૂર્ણ કરશે અને આ ઉત્પાદનો દુનિયાની કસોટી પર ખરાં પણ ઉતરશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારત જેવા યુવા દેશની આકાંક્ષાઓને ધ્યાનમાં રાખીને આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવી પડશે. ઇનોવેશન કે નવાચારને પ્રોત્સાહન આપવું પડશે તથા શિક્ષણ અને કૌશલ્ય નિર્માણ-સંવર્ધન માટે શ્રેષ્ઠ તકો પૂરી પાડવા ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો પડશે. તેમણે આપણા વ્યવસાયો, એમએસએમઈ (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિકો) અને સ્ટાર્ટ-અપ્સની ક્ષમતા વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, દેશના સેંકડો જિલ્લાઓના ઉત્પાદનોની પસંદગી એની વિશેષતાઓને આધારે કરવાથી એને પ્રોત્સાહન મળ્યું છે. વળી એના પગલે રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધા ઊભી થઈ છે. તેમણે આ અભિગમને તાલુકા સ્તરે લાગુ કરવા, રાજ્યોના સંસાધનોનો સંપૂર્ણ ઉપયોગ કરવા અને રાજ્યોમાંથી નિકાસને વધારવા માટે પણ વિનંતી કરી હતી. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે શ્રેષ્ઠ સંકલન સ્થાપિત કરવા અને નીતિગત માળખાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદન ક્ષેત્રને વેગ આપવા વિવિધ ક્ષેત્રોને ઉત્કૃષ્ટ તકો પ્રદાન કરવા પીએલઆઈ (ઉત્પાદન સાથે જોડાયેલી પ્રોત્સાહન) યોજનાઓ પ્રસ્તુત કરી છે. તેમણે રાજ્યોને આ યોજનાનો સંપૂર્ણ લાભ લેવા અને મહત્તમ રોકાણને આકર્ષવા અપીલ કરી હતી તેમજ કોર્પોરેટ કરવેરાના દરોમાં ઘટાડાનો લાભ લેવા પણ જણાવ્યું હતું.

ચાલુ વર્ષના યુનિયન બજેટમાં માળખાગત સુવિધાના ક્ષેત્ર માટે સરકારે કરેલી ફાળવણી પર પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એનાથી દેશના અર્થતંત્રને ઘણા સ્તરે પ્રગતિ કરવામાં મદદ મળશે. તેમણે રાજ્યોને આત્મનિર્ભર બનવાના મહત્વ પર અને તેમના બજેટમાં વિકાસને વેગ આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે, 15મા નાણાં પંચમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના આર્થિક સંસાધનોમાં મોટો વધારો કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ટેકનોલોજીના ઉપયોગ સાથે સ્થાનિક વહીવટી સુધારામાં જાહેર જનતાની ભાગીદારી પણ અતિ મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ખાદ્ય તેલોની આયાત પર આશરે રૂ. 65,000 કરોડનો ખર્ચ થાય છે, જે આપણા ખેડૂતોને મળવો જોઈએ. એ જ રીતે ઘણા કૃષિ ઉત્પાદનો છે, જેનું ઉત્પાદન આપણા દેશમાં થવાની સાથે દુનિયામાં એની નિકાસ પણ થઈ શકશે. આ માટે એ જરૂરી છે કે, તમામ રાજ્યોએ તેમની એગ્રો-ક્લાઇમેટિક રિજનલ પ્લાનિંગ સ્ટ્રેટેજી (રાજ્ય કેન્દ્રિત આબોહવા પર આધારિત કૃષિના આયોજનની વ્યૂહરચના) બનાવે. તેમણે કહ્યું હતું કે, કૃષિ ક્ષેત્રથી લઈને પશુ સંવર્ધન અને મત્સ્યપાલનમાં વર્ષોથી સર્વાંગી અભિગમ અપનાવવામાં આવ્યો છે. પરિણામ સ્વરૂપે કોરોનાના સમયગાળા દરમિયાન પણ દેશની કૃષિલક્ષી નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.

પ્રધાનમંત્રીએ દેશમાં કૃષિલક્ષી બગાડ ઘટાડવા કૃષિ ઉત્પાદનોના સંગ્રહ અને પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી. તેમણે નફો વધારવા કાચા ખાદ્ય પદાર્થોને બદલે પ્રોસેસ કરેલા ખાદ્ય પદાર્થોની નિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આપણા ખેડૂતોને જરૂરી આર્થિક સંસાધનો મળે, શ્રેષ્ઠ માળખાગત સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજી પ્રાપ્ત થાય એ માટે સુધારા અતિ મહત્ત્વપૂર્ણ છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં ઓએસપી (અન્ય સેવા પ્રદાતાઓ) નિયમનો પર સુધારા કરવામાં આવ્યાં હતાં, જે યુવા પેઢીને કોઈ પણ જગ્યાએથી કામ કરવાની સુવિધા આપે છે અને આપણા ટેકનોલોજી ક્ષેત્રને એમાંથી ઘણો લાભ થયો છે. ઘણા નિયંત્રણો દૂર કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં જીયોસ્પેતિયલ ડેટાનું ઉદારીકરણ થયું છે. આ આપણા સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી ક્ષેત્રને મદદરૂપ થશે તથા સામાન્ય નાગરિક માટે જીવનની સરળતામાં પણ વધારો કરશે.

 

SD/GP/BT



(Release ID: 1699612) Visitor Counter : 253