પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ જોસેફ આર. બાઇડેન વચ્ચે ટેલિફોનિક વાર્તાલાપ થયો

Posted On: 08 FEB 2021 11:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અમેરિકાના રાષ્ટ્રપતિ મહામહિમ જોસેફ આર. બાઇડેન સાથે ટેલિફોન પર વાર્તાલાપ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ બાઇડેનને ઉષ્માભેર અભિનંદન આપ્યા હતા અને તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ ભારત અને અમેરિકા વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં વધુ ઘનિષ્ઠતા લાવવા માટે તેમની સાથે નીકટતાપૂર્વક કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બંને મહાનુભાવોએ બંને દેશોના પ્રાદેશિક વિકાસ અને વ્યાપક ભૂ-રાજકીય સંદર્ભમાં પણ ચર્ચા કરી હતી. તેમણે નોંધ્યું હતું કે, ભારત-અમેરિકા ભાગીદારી લોકશાહીના મૂલ્યોની સહિયારી કટિબદ્ધતા અને સમાન વ્યૂહાત્મક હિતોમાં મજબૂત રીતે જકડાયેલી છે. તેમણે નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને એક મુક્ત, ખુલ્લા તેમજ સહિયારા ઇન્ડો-પ્રશાંત પ્રદેશ માટે સમાન વિચારધારા ધરાવતા દેશોની સાથે મળીને કામ કરવાની મહત્તાનો પુનરુચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ બાઇડેને વૈશ્વિક આબોહવા પરિવર્તનના પડકારનો સામનો કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પેરિસ કરાર પર ફરી કટિબદ્ધ થવાના રાષ્ટ્રપતિ બાઇડેનના નિર્ણયને આવકાર્યો હતો અને ભારતે અક્ષય ઉર્જાના ક્ષેત્રમાં પોતાની રીતે નિર્ધારિત કરેલા મહત્વાકાંક્ષી લક્ષ્યો પર પ્રકાશ પાડ્યો હતો. આ વર્ષે એપ્રિલ મહિનામાં આબોહવા અગ્રણી શિખર મંત્રણાનું આયોજન કરવા માટે રાષ્ટ્રપતિ બાઇડેને હાથ ધરેલી પહેલને પ્રધાનમંત્રીએ આવકારી હતી અને તેમાં ભાગ લેવા માટે તત્પરતા દર્શાવતી હતી.

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ બાઇડેન અને ડૉ. જીલ બાઇડેનને વહેલામાં વહેલી તકે તેમની અનુકૂળતાએ ભારતની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું.

 

SD/GP/BT


(Release ID: 1696394) Visitor Counter : 199