પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 31 જાન્યુઆરીએ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે

Posted On: 29 JAN 2021 2:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 31 જાન્યુઆરી 2021ના રોજ અંદાજે બપોરે 3.15 કલાકે રામક્રિશ્ના વિન્યાસની માસિક જર્નલ 'પ્રબુદ્ધ ભારત'ની 125મી વર્ષગાંઠ નિમિત્તે સંબોધન આપશે. 1896માં સ્વામી વિવેકાનંદ દ્વારા તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા કરવામાં આવી રહ્યું છે.

'પ્રબુદ્ધ ભારત' વિશે

ભારતના પ્રાચીન આધ્યાત્મિક જ્ઞાનનો પ્રસાર કરવા માટે 'પ્રબુદ્ધ ભારત' જર્નલ એક મહત્વપૂર્ણ માધ્યમ છે. તેનું પ્રકાશન ચેન્નઇ (અગાઉ મદ્રાસ તરીકે ઓળખાતું) ખાતેથી કરવામાં આવ્યું હતું જ્યાં સળંગ બે વર્ષ સુધી તેનું પ્રકાશન થયું અને તે પછી અલમોરા ખાતેથી તેનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં, એપ્રિલ 1899માં આ જર્નલનું પ્રકાશન સ્થળ બદલીને અદ્વૈત આશ્રમ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું અને ત્યારથી આજદિન સુધી ત્યાંથી જ તેનું પ્રકાશન થઇ રહ્યું છે.

કેટલીક મહાન હસ્તીઓએ ભારતીય સંસ્કૃતિ, તત્વચિંતન, ઇતિહાસ, મનોવિજ્ઞાન, કળા અને અન્ય સામાજિક મુદ્દાઓ પર લખીને 'પ્રબુદ્ધ ભારત'ના પાનાઓમાં પોતાની છાપ છોડી છે. નેતાજી સુભાષચંદ્ર બોઝ, બાળ ગંગાધર તિળક, સિસ્ટર નિવેદિતા, શ્રી ઓરોબિંદો, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાક્રિશ્નન સહિત અન્ય પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા લોકોએ વર્ષોના સમયગાળામાં આ જર્નલમાં યોગદાન આપ્યું છે.  

અદ્વૈત આશ્રમ, સમગ્ર 'પ્રબુદ્ધ ભારત'નો સંગ્રહ પોતાની વેબસાઇટ પર ઑનલાઇન મુકવા માટે કામ કરી રહ્યો છે.

 

SD/GP

 

 


(Release ID: 1693193)