પ્રધાનમંત્રીનું કાર્યાલય

અમદાવાદ મેટ્રો પ્રોજેકટ ફેઝ-2 અને અને સુરત મેટ્રો પ્રોજેકટના ભૂમિ પૂજન પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 18 JAN 2021 2:29PM by PIB Ahmedabad

નમસ્તે,

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, કેન્દ્રિય મંત્રી મંડળના મારા સહયોગી અમિત શાહજી, હરદીપ સિંહ પુરીજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીજી, ગુજરાત સરકારના આમંત્રિત મંત્રીગણ, સાંસદો અને ધારાસભ્યો તથા અમદાવાદ અને સુરતના મારા વ્હાલા ભાઈઓ અને બહેનો.

ઉત્તરાયણની શરૂઆતમાં આજે અમદાવાદ અને સુરતને ખૂબ જ મહત્વની ભેટ મળી રહી છે. દેશના બે મોટા વ્યાપારી કેન્દ્રો અમદાવાદ અને સુરત શહેરમાં મેટ્રો કનેક્ટિવિટી વધુ મજબૂત કરવાનું કામ કરશે. ગઈકાલે જ કેવડિયા માટે નવા રેલવે માર્ગ અને નવી ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. આધુનિક જન શતાબ્દી એક્સપ્રેસ હવે અમદાવાદથી કેવડિયા સુધી જશે. આ શુભારંભ માટે હું ગુજરાતના લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છું.

ભાઈઓ અને બહેનો,

આજે રૂ.17 હજાર કરોડ કરતાં વધુ ખર્ચે માળખાગત સુવિધાઓનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે, રૂ.17 હજાર કરોડ, આ બાબત દર્શાવે છે કે કોરોનાના આ સમયમાં પણ નવી માળખાગત સુવિધાઓના નિર્માણ માટેના દેશના પ્રયાસ સતત વધી રહ્યા છે. વિતેલા થોડા દિવસોમાં સમગ્ર દેશમાં હજારો કરોડ રૂપિયાનાં માળખાગત સુવિધાઓનુ કામ કાં તો શરૂ કરવામાં આવ્યાં છે, અથવા તો નવા પ્રોજેકટસની શરૂઆત કરવામાં આવી છે.

સાથીઓ,

અમદાવાદ અને સુરત બંને ગુજરાતની અને ભારતની આત્મનિર્ભરતાને સશક્ત કરનારાં શહેર છે. મને એ યાદ છે કે અમદાવાદમાં મેટ્રોની શરૂઆત થઈ હતી તે કેવી અદભૂત પળો હતી, લોકો છત ઉપર ઉભા હતા. તેમના દિલમાં એ ખુશી હતી જે કદાચ ભાગ્યે જ કોઈ ભૂલી શકે. હું એ પણ જોઈ રહ્યો છું કે અમદાવાદનાં સપનાંએ, અમદાવાદની ઓળખે કેવી રીતે મેટ્રો સાથે પોતાને જોડી દીધી છે. મેટ્રોના બીજા ચરણનુ કામ શરૂ થઈ રહ્યું છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટમાં હવે મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી એક કોરિડોર બનશે અને બીજા કોરિડોરમાં જીએનએલયુ અને ગિફટ સીટી એકબીજા સાથે જોડાશે. એનો લાભ શહેરના લાખો લોકોને મળવાનો છે.

સાથીઓ,

અમદાવાદ પછી સુરત બીજુ મોટુ શહેર છે, જે મેટ્રો જેવી આધુનિક પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા સાથે જોડાશે. સુરતમાં મેટ્રો નેટવર્ક એક રીતે કહીએ તો તે સમગ્ર શહેરનાં મહત્વના વ્યાપારી કેન્દ્રોને એકબીજા સાથે જોડશે. એક કોરિડોર સરથાણાને ડ્રીમ સીટી સાથે અને બીજો કોરિડોર ભેંસાણને સરોલી લાઈનથી જોડશે. મેટ્રોના આ પ્રોજેકટસની સૌથી મોટી ખાસીયત એ છે કે તે આવનારાં વર્ષોની જરૂરિયાતોનો અંદાજ બાંધીને જ બનાવવામાં આવી રહ્યા છે. એનો અર્થ એ કે જે મૂડી રોકાણ આજે થઈ રહ્યું છે તે તેના કારણે આપણાં શહેરોમાં આવનાર અનેક વર્ષો સુધી બહેતર સુવિધાઓ મળતી રહેશે.

ભાઈઓ અને બહેનો,

અગાઉની સરકારોનો કેવો અભિગમ હતો અને અમારી સરકાર કેવી રીતે કામ કરી રહી છે તેનું આ સુંદર ઉદાહરણ છે. કેવો તફાવત હતો તે દેશ સારી રીતે મેટ્રો નેટવર્કના વિસ્તારને આધારે સમજી શકે છે. 2014 અગાઉના 10 થી 12 વર્ષમાં માત્ર સવા બસો કિલોમીટરની મેટ્રો લાઈન કાર્યરત થઈ હતી, તો વિતેલાં 6 વર્ષમાં સાડા ચારસોથી વધુ કિલોમીટરનું મેટ્રો રેલવેનું નેટવર્ક ચાલુ થઈ ચૂક્યુ છે. વર્તમાન સમયમાં 27 શહેરોમાં 1,000 કિલોમીટરથી વધુ મેટ્રો રેલવે નેટવર્ક માટેનું કામ ચાલી રહ્યું છે.

સાથીઓ,

એક એવો સમય હતો કે જયારે દેશમાં મેટ્રો નિર્માણ માટેની કોઈ આધુનિક વિચારધારા ન હતી. દેશની કોઈ મેટ્રો પોલિસી પણ ન હતી. એનું પરિણામ એ આવ્યું કે અલગ અલગ શહેરોમાં અલગ અલગ પ્રકારની મેટ્રો, અલગ અલગ ટેકનિક અને વ્યવસ્થા ધરાવતી મેટ્રો બનવા માંડી હતી. બીજી તકલીફ એ હતી કે શહેરની બાકીની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાથે મેટ્રોનો કોઈ તાલમેલ જ ન હતો. આજે આપણે શહેરોની પરિવહન વ્યવસ્થાને એક સુસંકલિત પધ્ધતિ તરીકે વિકસીત કરી રહ્યા છીએ. એનો અર્થ એ કે બસ, મેટ્રો, રેલવે બધાં પોત પોતાના હિસાબથી દોડે નહીં, પણ એક સામૂહિક વ્યવસ્થા તરીકે કામ કરે, એક બીજાને પૂરક બનીને કામ કરતા રહે. હું જ્યારે અહીં આવ્યો ત્યારે અમદાવાદ મેટ્રોમાં પણ જે નેશનલ કોમન મોબિલીટી કાર્ડ શરૂ કરવામાં આવ્યુ હતું. તે ભવિષ્યમાં આ સંકલનને વધુ મદદ કરનાર બની રહેશે.

સાથીઓ,

આપણાં દેશને આજે શું જરૂરી છે અને આગામી 10 થી 20 વર્ષમાં કેવી કેવી જરૂરિયાતો ઉભી થશે, એ વિઝનને લઈને કામ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. હવે જે રીતે સુરત અને ગાંધીનગરની જ વાત કરીએ તો બે દાયકા પહેલાં સુરતની ચર્ચા તેના વિકાસ કરતાં વધુ તો પ્લેગ જેવી મહામારીને કારણે થઈ રહી હતી, પણ સુરતવાસીઓમાં તમામ લોકોને ગળે લગાડવાનો જે ગુણ છે તેણે સ્થિતિઓ બદલવાનું શરૂ કરી દીધુ. આપણે દરેક ઉદ્યોગને આવકારનાર સુરતની ભાવના ઉપર ભાર મૂક્યો અને આજે સુરત વસતિની દ્રષ્ટીએ દેશનું આઠમા નંબરનું મોટુ શહેર છે, પણ સાથે સાથે તે દુનિયાનું ચોથુ અને સૌથી વધુ ઝડપથી વિકસતુ શહેર પણ છે. સુરતના દર 10માંથી 9 હીરા સુરતમાં આકાર પામી રહ્યા છે. આજે દેશની માનવસર્જીત કાપડની કુલ જરૂરિયાતના 40 ટકા અને માનવસર્જીત ફાઈબરનું આશરે 30 ટકા ઉત્પાદન સુરતમાં થઈ રહ્યું છે. આજે સુરત દેશનું બીજા નંબરનુ સૌથી સ્વચ્છ શહેર છે.

ભાઈઓ અને બહેનો,

આ બધુ એક બહેતર આયોજન અને સંપૂર્ણતાની વિચારધારા સાથે શક્ય બની શક્યુ છે. અગાઉ સુરતમાં આશરે 20 ટકા વસતિ ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી, હવે ગરીબોને પાકા ઘર મળવાના કારણે તે ઘટીને 6 ટકા બાકી રહી છે. શહેરને ભીડ મુક્ત કરવા માટે બહેતર ટ્રાફિક સંચાલનથી માંડીને બીજા અનેક પગલાં લેવામાં આવ્યા છે. આજે સુરતમાં 100 થી વધુ પૂલ છે તેમાંથી 80 કરતા વધુ પૂલ વિતેલા 20 વર્ષમાં તૈયાર કરવામાં આવ્યા છે અને 8 પૂલનું નિર્માણ કામ ચાલુ છે. સમાન પ્રકારે જ સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, તેની પણ ક્ષમતા વધારવામાં આવી છે. આજે સુરતમાં આશરે 1 ડઝન સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. સીવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી જ સુરતને આજે લગભગ રૂ.100 કરોડની આવક પ્રાપ્ત થઈ રહી છે. વિતેલા વર્ષોમાં સુરતમાં બહેતર આધુનિક હોસ્પિટલોના નિર્માણની કામગીરી કરવામાં આવી છે. આ તમામ પ્રયાસોના કારણે સુરતમાં જીવન જીવવાની સગવડ બહેતર થઈ છે. આજે આપણે જોઈ શકીએ છીએ કે સુરત એક ભારત, શ્રેષ્ઠ ભારતનું એવું બહેતર ઉદાહરણ છે કે - આપણને પૂર્વાંચલ, ઓડીશા, ઝારખંડ. પશ્ચિમ બંગાળ, ઉત્તર પૂર્વ સહિત દેશના ખૂણે ખૂણેથી પોતાનું ભાગ્ય ચમકાવવા માટે આવેલા લોકો, આપણાં ઉદ્યમી લોકો શિસ્ત અને સમર્પણ સાથે કામે લાગેલા છે. એક પ્રકારે કહીએ તો જીવતા જાગતા સપનાંથી ભરેલું લઘુ ભારત સુરતની ધરતી ઉપર આકાર પામી રહ્યું છે. આ તમામ સાથીઓ મળીને સુરતના વિકાસને એક નવી બુલંદી આપવાનું કામ કરી રહ્યા છે.

સાથીઓ, આ રીતે જ ગાંધીનગરની વાત કરીએ તો તેની ઓળખ કેવી હતી. આ શહેર સરકારી નોકરી કરનારા અને નિવૃત્ત લોકોનું, એક રીતે કહીએ તો ઢીલો અને સુસ્ત વિસ્તાર બની ગયો હતો. તેને શહેર કહી શકીએ તેમ પણ ન હતા, પરંતુ વિતેલા થોડાંક વર્ષોમાં આપણે ગાંધીનગરની ઝડપથી બદલાતી જતી છબી જોઈ છે. આજે અહિંયા કોઈપણ જગાએ જઈએ તો ગાંધીનગર આપણને યુવાન દેખાશે, સપનાંનો અંબાર જોવા મળશે. આજે ગાંધીનગરની ઓળખ છે- આઈઆઈટી ગાંધીનગર, ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી, રક્ષા શક્તિ યુનિવર્સિટી, નિફ્ટ જેવા આજે ગાંધીનગરની ઓળખ છે. પંડિત દિનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન, ધીરૂભાઈ અંબાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાઈન (એનઆઈડી), બાઈસેગ જેવા અગણિત કહી શકાય તેવા સ્થળો છે. હું કહી શકું છું કે આટલા ઓછા સમયમાં ભારતનું ભાગ્ય ઘડનારા લોકોનું નિર્માણ કાર્ય ગાંધીનગરની ધરતી પર થઈ રહ્યું છે. આ સંસ્થાઓના કારણે માત્ર શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન આવ્યું છે તેવું નથી, પણ આ સંસ્થાઓની સાથે સાથે કંપનીઓના કેમ્પસ પણ અહીં આવવાના શરૂ થઈ ગયા છે. ગાંધીનગરમાં યુવાનોને રોજગારીની તકો વધે તેવી રીતે ગાંધીનગરમાં મહાત્મા મંદિર અને કોન્ફરન્સ ટુરિઝમને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હવે પ્રોફેશનલ્સ, ડિપ્લોમેટસ, વિચારકો અને નેતાઓ અહીં આવે છે, કોન્ફરન્સ કરે છે જેના કારણે શહેરને એક નવી ઓળખ પણ મળી છે અને એક નવી દિશા પણ મળી છે. આજે ગાંધીનગરની શિક્ષણ સંસ્થાઓ, આધુનિક રેલવે સ્ટેશન, ગિફ્ટ સીટી જેવી યોજનાઓ ઉપરાંત માળખાગત સુવિધાઓના અનેક આધુનિક પ્રોજેક્ટસને કારણે ગાંધીનગર જીવંત બની ગયું છે. એક રીતે કહીએ તો સ્વપ્નીલ શહેર બની ગયું છે.

સાથીઓ, ગાંધીનગરની સાથે સાથે અમદાવાદમાં પણ એવી અનેક પરિયોજનાઓ છે, જે આજે શહેરની ઓળખ બની ચૂકી છે. સાબરમતી રિવરફ્રન્ટ હોય કે કાંકરિયા લેક ફ્રન્ટ હોય, વોટર એરોડ્રામ હોય કે બસ રેપીડ ટ્રાન્ઝીટ સિસ્ટમ હોય કે પછી મોટેરામાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ હોય, સરખેજનો 6 લેનનો ગાંધીનગર હાઈવે હોય, આવા અનેક પ્રોજેક્ટસ વિતેલા વર્ષોમાં આકાર પામ્યા છે. એક પ્રકારે કહીએ તો અમદાવાદની પૌરાણિકતાને જાળવી રાખીને, શહેરને આધુનિકતાનું આવરણ પહેરાવવામાં આવ્યું છે. અમદાવાદને ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેડ સીટી જાહેર કરવામાં આવ્યું છે હવે અમદાવાદની નજીક ધોલેરામાં પણ નવું એરપોર્ટ બનવાનું છે. આ એરપોર્ટને અમદાવાદ સાથે કનેક્ટ કરવામાં માટે અમદાવાદ- ધોલેરા મોનોરેઈલને તાજેતરમાં સ્વિકૃતિ આપવામાં આવી છે. આવી જ રીતે અમદાવાદ અને સુરત જેવા શહેરોને દેશની આર્થિક રાજધાની મુંબઈ સાથે જોડવા માટે બુલેટ ટ્રેનનું કામ પણ પ્રગતિમાં છે.

સાથીઓ,

ગુજરાતના શહેરોની સાથે સાથે ગ્રામ વિકાસ બાબતે પણ વિતેલા વર્ષોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. ખાસ કરીને ગામડાંઓમાં સડક, વિજળી, પાણીની સ્થિતિમાં છેલ્લા બે દાયકાઓમાં સુધારો થયો છે. તે ગુજરાતની વિકાસ યાત્રાનો એક મહત્વનો અધ્યાય છે. આજે ગુજરાતના દરેક ગામમાં બારમાસી કનેક્ટીવિટી છે, આદિવાસી વિસ્તારોના ગામોમાં પણ બહેતર સડકો છે.

સાથીઓ, આપણામાંથી મોટાભાગના લોકોએ એ સમય જોયો હશે કે જ્યારે ગુજરાતના ગામડાં સુધી ટ્રેન અને ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવી રહ્યું હતું. આજે ગુજરાતના દરેક ગામમાં પાણી પહોંચી ચૂક્યુ છે. અને એટલું જ નહીં, આશરે 80 ટકા ઘરમાં નળથી જળ પહોંડાચવામાં આવી રહ્યું છે. જલ જીવન મિશન હેઠળ રાજ્યમાં 10 લાખ પાણીના નવા જોડાણો આપવામાં આવ્યા છે. ખૂબ જલ્દી ગુજરાતના દરેક ઘર સુધી નળથી જળ પહોંચવાનું છે.

સાથીઓ, માત્ર પીવાનું પાણી જ નહીં, સિંચાઈ માટે પણ આજે ગુજરાતના એ ક્ષેત્રોમાં પાણી પહોંચી રહ્યું છે કે જ્યાં સિંચાઈની સુવિધા અશક્ય માનવામાં આવતી હતી, સપનામાં પણ એનો ક્યારેય વિચાર કર્યો ન હતો. સરદાર સરોવર ડેમ હોય, સૌની યોજના હોય, વોટર ગ્રીડનું નેટવર્ક હોય કે ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોને લીલાછમ કરવા માટે ઘણું વ્યાપક કામ કરવામાં આવી રહ્યું છે. મા નર્મદાનું પાણી હવે સેંકડો કીલોમીટર દૂર કચ્છ સુધી પહોંચી રહ્યું છે. માઈક્રો-ઈરિગેશન બાબતે પણ ગુજરાતનો સમાવેશ દેશના અગ્રણી રાજ્યોમાં થાય છે.

ભાઈઓ અને બહેનો, ગુજરાતમાં ક્યારેક વિજળીની મોટી સમસ્યા રહેતી હતી. ગામડામાં તો આ સંકટ ખૂબ જ ભિષણ પ્રકારનું હતું. આજે ગુજરાતમાં પૂરતી વિજળી પણ છે અને સૌર ઉર્જાના નિર્માણમાં તે દેશનું અગ્રણી રાજ્ય પણ છે. હજુ થોડાક દિવસ પહેલાં જ કચ્છમાં દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટનું કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સોલર પણ છે, વિન્ડ પણ છે. આજે ખેડૂતો સુધી સર્વોદય યોજના હેઠળ સિંચાઈ માટે અલગ વિજળી આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બની રહ્યું છે. આરોગ્યના ક્ષેત્રે ગુજરાતે ગામે ગામ આરોગ્ય સેવાઓને સતત સશક્ત બનાવી છે. વિતેલા 6 વર્ષમાં દેશમાં આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલી યોજનાઓ શરૂ કરવામાં આવી છે, તેનો લાભ પણ ગુજરાતને ખૂબ જ વ્યાપક સ્વરૂપે મળી રહ્યો છે. આયુષમાન ભારત યોજના હેઠળ ગુજરાતના 21 લાખ લોકોને મફત સારવારનો લાભ મળ્યો છે. સસ્તી દવા મળે તેવા સવા પાંચસો કરતાં વધુ જનઔષધિ કેન્દ્રો આજે ગુજરાતમાં કાર્યરત છે. તેમાંથી આશરે રૂ.100 કરોડની બચત ગુજરાતના સામાન્ય પરિવારો અને ખાસ કરીને મધ્યમ વર્ગ, નિમ્ન વર્ગના પરિવારોને મળ્યો છે. જો તેમના ઘરમાં બિમારી હોય તો આવી યોજનાઓના કારણે રૂ.100 કરોડ જેટલી રકમ તેમના ખિસ્સામાં બચી શકી છે. ગ્રામીણ ગરીબોને સસ્તા ઘર અપાવવામાં ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ હેઠળ ગુજરાતના ગામોમાં અઢી લાખ કરતાં વધુ ઘર બનાવવામાં આવ્યા છે. આવી જ રીતે સ્વચ્છ ભારત મિશન હેઠળ ગુજરાતના ગામોમાં 35 લાખ કરતાં વધુ શૌચાલયોનું નિર્માણ થયું છે. ગુજરાતના ગામોના વિકાસ માટે કેટલી ઝડપથી કામ થઈ રહ્યું છે તેનું એક વધુ ઉદાહરણ છે- ડીજીટલ સેવા સેતુ. આ યોજના મારફતે રેશનકાર્ડ, જમીન સાથે જોડાયેલા કાગળો, પેન્શન યોજના જેવા અન્ય પ્રકારના સર્ટિફિકેટ મેળવવાની અનેક સેવાઓ ગામના લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે. આ સેતુ ગયા વર્ષે ઓક્ટોબર માસમાં જ શરૂ કરવામાં આવ્યો હતો. આનો અર્થ એ કે ચાર પાંચ મહિના પહેલાં કામ શરૂ કરવામાં આવ્યું હતું. મને જણાવવામાં આવ્યું છે કે ખૂબ ઝડપથી આ ડીજીટલ સેતુ 8000 ગામ સુધી પહોંચી જવાનો છે અને તેની મારફતે 50 કરતાં વધુ સરકારી સેવાઓ ગામના લોકો સુધી સીધી પહોંચશે. આ કામગીરી માટે હું સરકારની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.

સાથીઓ, આજે ભારત આત્મવિશ્વાસ સાથે નિર્ણયો લઈ રહ્યું છે અને તે બાબતો અંગે ઝડપથી અમલ પણ થઈ રહ્યો છે. આજે ભારત માત્ર મોટું કામ કરી રહ્યું છે એટલું જ નહીં, બહેતર કામ પણ કરી રહ્યું છે. આજે દુનિયાની સૌથી મોટી પ્રતિમા ભારતમાં છે. આજે દુનિયાનો સૌથી મોટો પોસાય તેવા આવાસોનો કાર્યક્રમ ભારતમાં ચાલી રહ્યો છે. આજે દુનિયામાં સૌથી મોટો હેલ્થ એસ્યોરન્સ પ્રોગ્રામ પણ ભારતમાં જ ચાલી રહ્યો છે. 6 લાખ ગામડાંને ઝડપી ઈન્ટરનેટ સર્વિસ સાથે જોડવાનું વિરાટ કામ પણ ભારતમાં થઈ રહ્યું છે અને પરમ દિવસે જ કોરોના સંક્રમણ વિરૂધ્ધ દુનિયાનું સૌથી મોટું રસીકરણ અભિયાન પણ ભારતમાં જ શરૂ થઈ ગયું છે.

અહીંયા ગુજરાતમાં વિતેલા દિવસોમાં એવા કામ પૂરા થયા છે જેનો વિશેષ ઉલ્લેખ કરવાનું હું પસંદ કરીશ. આ એ ઉદાહરણ છે કે કેટલી ઝડપથી યોજનાઓ પૂરી થઈ રહી છે અને અહીંયાના લોકોનું જીવન બદલી રહી છે. તેનું એક ઉદાહરણ ઘોઘા અને હજીરા વચ્ચે રો-પેક્સ સેવા અને બીજુ, ગિરનારનો રોપવે છે.

સાથીઓ, ગયા વર્ષે નવેમ્બર એટલે કે ચાર માસ પહેલાં જ ઘોઘા અને હજીરા વચ્ચે રો-પેક્સ સેવા શરૂ કરવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત એમ બંને વિસ્તારના લોકોનો વર્ષોનો ઈન્તજાર પૂરો થયો છે અને ત્યાંના લોકોને તેનો ઘણો લાભ પણ મળી રહ્યો છે. આ સેવાના કારણે ઘોઘા અને હજીરા વચ્ચે સડક મારફતે અંતર પોણા ચારસો કી.મી.નું છે. તે સમુદ્રના રસ્તે માત્ર 90 કી.મી. જ થઈ ગયું છે. આનો અર્થ એ કે જે અંતર પાર કરવામાં અગાઉ 10 થી 12 કલાકનો સમય લાગતો હતો તે હવે 4 થી 5 કલાકમાં જ પૂરૂ થઈ શકે છે. આનો અર્થ એ થયો કે હજારો લોકોનો સમય બચી રહ્યો છે, પેટ્રોલ અને ડિઝલ માટે થતો ખર્ચ પણ બચી રહ્યો છે. સડક પર ચાલનારી ગાડીઓ ઓછી થવાના કારણે પ્રદુષણ ઓછુ કરવામાં પણ સહાય મળી છે. મને કહેવામાં આવ્યું છે કે માત્ર બે મહિનામાં જ 50,000 કરતાં વધુ લોકોએ આ નવી સુવિધાનો લાભ લીધો છે. 14,000 કરતાં વધુ ગાડીઓ પણ રો-પેક્સ ફેરી સર્વિસથી આગળ લઈ જવાઈ છે. સુરતની સાથે, સૌરાષ્ટ્રની આ નવી કનેક્ટીવિટીના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો અને પશુપાલકોને ફળ, શાકભાજી અને દૂધ, સુરત સુધી પહોંચાડવાનો આસાન માર્ગ ઉપલબ્ધ થયો છે. અગાઉ સડક રસ્તે ફળ, શાકભાજી અને દૂધ જેવી ચીજો ખરાબ થઈ જતી હતી. પહોંચતા પહોંચતા જ નકામી થઈ જતી હતી. હવે સમુદ્ર માર્ગે પશુપાલકો અને ખેડૂતોને તેમનું ઉત્પાદન શહેરો સુધી ઝડપથી પહોંચાડવાની સુવિધા પ્રાપ્ત થઈ છે. આજે એ જ સુરતમાં વેપાર અને વ્યવસાય કરનારા સાથીઓ અને કામદાર સાથીઓને આવવા જવા માટે આ ફેરી સર્વિસ ખૂબ જ આસાન બની રહી છે.

સાથીઓ, આ ફેરી સર્વિસના થોડાંક સપ્તાહ પહેલાં જ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ગિરનાર રોપવે શરૂ કરવામાં આવ્યો હતો, અને તે પણ આશરે ચાર- પાંચ મહિના પહેલાં. અગાઉ ગિરનાર પર્વત ઉપર દર્શન કરવા માટે જવું હોય તો 9000 પગથિયાં ચડીને ઉપર જવાનો વિકલ્પ હતો. હવે રોપવેના કારણે આસ્થા ધરાવતા લોકોને વધુ એક સુવિધા પ્રાપ્ત થઈ છે. પહેલાં મંદિર સુધી જવા માટે 5 થી 6 કલાકનો સમય લાગતો હતો. હવે કેટલાક લોકો થોડીક જ મિનિટોમાં આ અંતર પાર કરી લે છે મને જણાવવામાં આવ્યું છે કે માત્ર અઢી મહિનાના સમયમાં 2,13,000 કરતાં વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો છે. તમે કલ્પના કરી શકો છો કે માત્ર અઢી માસમાં જ 2 લાખ કરતાં વધુ લોકો. તમે સમજી શકો છો કેટલી મોટી સેવાનું કામ થયું છે અને મને વિશ્વાસ છે કે ખાસ કરીને જે વૃધ્ધ માતાઓ- બહેનો અને પરિવારના વરિષ્ઠ લોકો આ યાત્રા કરી રહ્યા છે તેના કારણે મારા જેવા અનેક લોકોને આશીર્વાદ મળી રહ્યા છે, જે આપણને વધુ કામ કરવાની તાકાત આપે છે.

ભાઈઓ અને બહેનો, નવા ભારતનું લક્ષ્ય લોકોની જરૂરિયાતો સમજતા રહીને, આકાંક્ષાઓને સમજતા રહીને, ઝડપી ગતિથી કામ કરીને પ્રાપ્ત કરી શકાય છે. આ દિશામાં વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો છે જેની થવી જોઈએ તેટલી ચર્ચા થતી નથી. આ પ્રયાસ છે- કેન્દ્ર સરકારના સ્તરે પ્રગતિ નામે બનાવેલી વ્યવસ્થા. હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે સ્વાગત કાર્યક્રમની ઘણી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ દેશમાં પ્રગતિ માટે મારો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, દેશની અલગ અલગ યોજનાઓ, માળખાગત સુવિધાઓની યોજનાઓમાં ઝડપ લાવવા માટે આ પ્રગતિ પ્લેટફોર્મની ખૂબ મોટી ભૂમિકા છે. અહીંયા સરકાર સાથે જોડાયેલા લોકો જાણે છે કે પ્રગતિની બેઠકોમાં ખુદ હું પણ કલાકો સુધી બેસીને રાજ્યોના અધિકારીઓ સાથે એક- એક પ્રોજેક્ટ ઉપર ઝીણવટથી ચર્ચા કરતો હોઉં છું. તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરતો રહું છું. પ્રગતિની બેઠકોમાં મારી કોશિષ એવી રહી છે કે તમામ સહયોગીઓ સાથે સીધો સંવાદ કરીને દાયકાઓથી અટવાઈ પડેલી યોજનાઓનો કોઈ ઉકેલ નિકળી શકે તે માટે કામ કરતો રહું છું. વિતેલા 5 વર્ષમાં પ્રગતિની બેઠકોમાં રૂ.13 લાખ કરોડ કરતાં વધુ રકમના પ્રોજેક્ટસની સમિક્ષા થઈ ચૂકી છે. આ બેઠકોમાં દેશ માટે જરૂરી છતાં, વર્ષોથી અધૂરી પડેલી અનેક યોજનાઓની સમિક્ષા કર્યા પછી તેનો યોગ્ય ઉકેલ લાવવામાં આવ્યો છે.

સાથીઓ, વર્ષોથી અટવાઈ પડેલી અને લટકી પડેલી યોજનાઓને ગતિ મળવાના કારણે સુરત જેવા આપણાં શહેરોને પણ ગતિ મળી રહી છે. આપણાં ઉદ્યોગો અને ખાસ કરીને નાના ઉદ્યોગોને, એમએસએમઈને, એક આત્મવિશ્વાસ મળે છે કે તે દુનિયાના મોટા બજારોની સ્પર્ધા કરી રહ્યા હોવાથી તેમની પાસે મોટા દેશો જેવી માળખાગત સુવિધાઓ પણ છે. આત્મનિર્ભર ભારત અભિયાનમાં આ નાના ઉદ્યોગો માટે અનેક વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે. નાના ઉદ્યોગોને સંકટમાં બહાર કાઢવા માટે એક તરફ હજારો કરોડ રૂપિયાના આસાન ધિરાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, તો બીજી તરફ એમએસએમઈ ક્ષેત્રને વધુ તક મળે તે માટે મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. આમાં સૌથી મોટો નિર્ણય સરકારે એમએસએમઈની વ્યાખ્યા બાબતે લીધો છે. મૂડી રોકાણની મર્યાદા બાબતે લીધો છે. અગાઉ એમએસએમઈ ક્ષેત્રનું વિસ્તરણ કરવાથી ઉદ્યોગો એટલા માટે અટકતા હતા કે તેમને સરકાર તરફથી મળનારા લાભ ગૂમાવવાનો ડર રહેતો હતો. હવે સરકારે આવા પ્રતિબંધો હટાવી દઈને આ એકમો માટે નવા રસ્તા ખોલ્યા છે. તેની સાથેસાથે એક નવી પરિભાષામાં મેન્યુફેક્ચરીંગ અને સર્વિસ એન્ટરપ્રાઈઝ વચ્ચેનો તફાવત પણ દૂર કરી દીધો છે. આના કારણે સર્વિસ સેક્ટરમાં પણ નવી સંભાવનાઓ ઉભી થઈ છે. આ જ પ્રકારે સરકારી ખરીદીમાં પણ ભારતના એમએસએમઈ ક્ષેત્રને વધુને વધુ તક મળે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. અમારી કોશિષ એવી રહી છે કે આપણાં નાના ઉદ્યોગો ખૂબ વિકસતા રહે, તેમાં કામ કરનારા શ્રમિક સાથીઓને બહેતર સુવિધા મળે, બહેતર જીવન મળે.

સાથીઓ, આ વિરાટ પ્રયાસોની પાછળ 21મી સદીના યુવા ભારતની અગણિત યુવા આકાંક્ષાઓ છે અને તે આકાંક્ષાઓ પાયાની સુવિધા અને સુરક્ષાના અભાવને કારણે પૂરી કરવાનું કઠીન છે. મને વિશ્વાસ છે કે આપણે આ તકલીફો દૂર કરવાની છે અને સપનાંઓને સામર્થ્ય આપવાનું છે અને સંકલ્પને સિધ્ધ કરતા રહેવાનું છે. મને વિશ્વાસ છે કે અમદાવાદ અને સુરતના આ મેટ્રો પ્રોજેક્ટ આ શહેરના દરેક સાથીની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પૂરી કરશે.

આ વિશ્વાસની સાથે ગુજરાતના તમામ ભાઈઓ અને બહેનોને તથા ખાસ કરીને અમદાવાદ અને સુરતના નાગરિક ભાઈઓ બહેનોને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છે.

ખૂબ ખૂબ ધન્યવાદ!

SD/GP



(Release ID: 1689714) Visitor Counter : 322